





પ્રવાસી યુ. ધોળકિયા
‘આપણે કેટલા પ્રાચીન’ લેખમાળાના અગાઉના લેખાંકમાં દક્ષ પ્રાચેતસ્ ની તેર કન્યાઓનાં કાશ્યપ પરમેષ્ટિ સાથે થયેલાં લગ્નથી થયેલ વંશવૃક્ષનો આપણે પરિચય મેળવ્યો હતો. પુરાણો દક્ષ પ્રાચેતસ્ ના પોતાના પુત્ર સંતાનો અને તેનાથી આગળ વધેલા વંશવેલાનો નીચે પ્રમાણે ટુંકો પરિચય આપે છે.
+ + +
દક્ષ પ્રાચેતસ્ ને બે પત્નીઓ હતી. તેનાથી થયેલા પુત્રો અને પૌત્રપૌત્રીઓની સંખ્યા ૬,૦૦૦ હતી. તેમાં પ્રખ્યાત સંતાન નારદજીનો પણ સમાવેશ થાય છે. કોઈ અગમ્ય કારણોસર નારદજીના કહેવાથી મોટા ભાગના પુત્રો ગૃહસ્થજીવન સ્વીકારવાને બદલે સંન્યસ્ત સ્વીકારી વનમાં ચાલી નીકળ્યા. પરિણામે પિતાપુત્ર વચ્ચે અણબનાવ થયો, અને નારદજી પિતાથી રીસાઈ અલગ રહેવા ચાયા ગયા. આ સમયે દક્ષના જમાઈ કાશ્યપ પરમેષ્ટિએ નારદજીનો દત્તક પુત્ર તરીકે સ્વીકાર કર્યો.
નારદજી નારાયણ સાધ્ય દ્વારા પ્રસ્થાપિત નારાયણ ભક્તિમાર્ગના અનન્ય ભક્ત હતા. તેઓ સતત શ્રીમન નારાયણનું સ્મરણ કરતા રહેતા. જોકે પુરાણોમાં નારદજીને જગતના પ્રથમ હરતાફરતા એમ્બેસેડર તરીકે વર્ણવ્યા છે. તેઓ ભારે વિવાદ સર્જક હતા. દેવદેવીઓ અને દેવો-અસુરો વચ્ચે નારદજી અનેક વખત વિવાદનાં બીજ રોપી ત્યાંથી ચાલતા થઈ જતા. આજે પણ આવી વ્યક્તિને આપણે નારદજી કહીએ છીએ. પછીથી નારદ એક બિરૂદ બની ગયું. તેથી આપણે નારદજીને હજારો વર્ષ પર્યંત છેક મહાભારત કાળ સુધી જીવત નિહાળીએ છીએ. ઉપરોક્ત બધી ઘટનાઓ ભારત દેશની બહાર બની.
દેવાસુર યુગ
(આશરે ૭૦,૦૦૦ વર્ષ પહેલાં)
પુરાણો પ્રમાણે દિતીના પુત્રો દૈત્યો અને દનુના પુત્રો દાનવો, સંયુક્ત રીતે, અસુરો કહેવાયા. વયમાં મોટા હોવાથી તેઓ ‘પૂર્વ દેવ’ તરીકે પણ ઓળખાય છે. અસુરોએ સૌ પ્રથમ વિશ્વનો કારભાર સંભાળી અસુર સંસ્કૃતિના પાયા નાખ્યા. તેઓ માયા વિદ્યા અને શિલ્પ સ્થાપત્યના નિષ્ણાત હતા. તેના પ્રથમ સમ્રાટ હિરણ્યાક્ષ બન્યા. આ અસુરોએ વિશ્વને, અતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, વિતલ અને પાતાલ એમ, સાત તલોમાં વિભાજિત કર્યું.
ગ્રીસ દેશના પ્રખ્યાત તત્ત્વચિંતક પ્લેટોએ ઉપરોક્ત અતલનો એટલાન્ટિસ મહાન સભ્યતા તરીકે ઉલ્લેખ કર્યો છે, જેના સ્થાપકો આ અસુરો હતા. એટલાન્ટિસ સભ્યતામાં મધ્ય અને દક્ષિણ અમેરિકાના માયા અને ઈન્કા સંસ્કૃતિના વિસ્તારો, જિબ્રાલ્ટર, બ્લૅક સી, ડેડ સી, ઈજિપ્ત, યમન્, ઉત્તર આફ્રિકા અને છેક જાવા સુમાત્રા સુધીના પ્રદેશો આવી જતા હતા. અસુરોએ પોતાની સત્તા યુરોપમાં પણ સ્થાપી. તેથી ડેન્માર્ક અને જર્મનીનાં નામોમાં પણ આ અસુરપતિ દાનવમર્ક, ખડદાનવ, દનાયુ, બલિ, પણિ, શ્વેત દાનવ, નિકુંભ અને જંભનાં નામો તેમની સ્મૃતિ સચવાઈ છે. એવી જ રીતે, એશિયા અને આફ્રિકાના બૈરૂત, લેબનોન, લિબિયા, ત્રિપોલી, સોમાલિયા, સુદાન અને માલી જેવાં રાજ્યો અને નગરો પણ વરુત્રી, પ્રહલાદ, લાદ, ત્રિપુર, સુમાલી, સુદાન, માલી અસુર સમ્રાટોનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. અમુક ઉદાહરણો (કૌંસમાં અસુર નામ છે) – ડેન્માર્ક (મર્ક), સ્કેન્ડીનિવીયા (શંબ), ડેન્યુબ (દનાયુ), ડચ (દૈત્ય), બેલ્જિયમ (બલિ), સ્વિત્ઝર્લેંડ / સ્વીડન (શ્વેતદાનવ), જર્મની (જંબ), ત્રિપોલી (ત્રિપુર), સોમાલિયા (સોમાલી), સુદાન (દાનવ) વગેરે
પ્રથમ અસુર સમ્રાટ હિરણ્યાક્ષ અતલનો અધિપતિ હતો. તે ઉપરાંત, અન્ય અસુરોનાં તલો પર પણ તેનું આધિપત્ય હતું. આ વખતે તેના નાના ભાઈઓ, દેવો, ફક્ત તિબેટ, હિમાલય અને પામીરના પ્રદેશોના સામંતો તરીકે રાજ્ય કરતા હતા. હિરણ્યાક્ષનો વધ વરાહે કરેલો. હિરણ્યાક્ષ પછી હિરણ્યકશિપુએ રાજ્ય કારભાર સંભાળ્યો અને મહાન સામ્રાજ્ય ભોગવ્યું. તેનો વધ નૃસિંહે કર્યો. પછીથી, જ્યારે વૈશ્નવ ધર્મ પ્રાધાન્યમાં આવ્યો ત્યારે આ વરાહ અને નૃસિંહને વિષ્ણુના દસ અવતારોમાં ગણી લેવામાં આવ્યા.
જગ્યાના અભાવે અસુરોની સાત તલો પરના સામ્રાજ્યની ભવ્યતાની બધી ઘટનાઓ અહીં નહીં વર્ણવી શકીએ. આ અસુરોમાં કાલનેમિ, પ્રહલાદ, જંભ, નિવાત કવચ, વિરોચન, બલિ, વિપ્રચિતિ, સાંબર, નમુચિ, પુલોમા, કેશિ, રાહુ, ઈલ્વલ અને વજ્રનાં નામો ગણાવી શકાય. તેઓએ અતલ સિવાયનાં છ તલો પર વિશાળ સામ્રાજ્યો ભોગવ્યાં. જ્યારે આદિત્ય દેવોમાં ઈન્દ્ર વયસ્ક બન્યા ત્યારે તેઓએ દાનવો પાસે પોતે જે તિબેટ, હિમાલયને પામીર પ્રદેશો ભોગવતા હતા તેને સ્વતંત્ર ગણવા માગણી કરી. બલિ અસુર અને અન્ય અસુરોએ આ પ્રકારની સ્વતંત્રતા આપવાની ના પાડી. પરિણામે, ઈન્દ્રએ પોતાના નાના ભાઈ વિષ્ણુની મદદથી અસુરોને છેતરીને પરાજિત કર્યા, બલિ રાજાને અસુર લોકના મોટા ભાગના વિસ્તારોનો ત્યાગ કરીને પાતાલમાં ચાલ્યા જવું પડ્યું. જોકે પુરાણોમાં બાર જેટલા દેવાસુર સંગ્રામોનું વર્ણન છે, જેમાં ઈન્દ્રનો અનેક વખત પરાજય થયેલ. અસુરોએ ૨,૫૦૦ વર્ષ સુધી વિશ્વ સામ્રાજય ભોગવ્યું. પછી દેવોનો યુગ શરૂ થયો, જે ૧,૧૦૦ વર્ષ ચાલ્યો.
દેવ યુગ
પ્રખ્યાત દેવો અને અન્ય પવિત્ર આત્માઓનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે.
૧) વરૂણ :- વરૂણ અદિતીના સૌથી વરિષ્ઠ પુત્ર હતા. તેઓ મહાવિદ્વાન હતા, એટલે અસુરો પણ તેમને પોતાના ગુરુ માનતા હતા. વરૂણે વિશ્વના બધા મહાસાગરોનો પ્રવાસ ખેડી તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું એટલે તેઓ સાગરના દેવ કહેવાયા. ઈન્દ્ર વરસાદના દેવ કહેવાયા તે પહેલાં વરૂણને આ બિરૂદ મળેલું, તેથી આજે પણ હિંદુઓ વરૂણને સાગરદેવ ને વર્ષાદેવ તરીકે પુજે છે. તેઓએ રાજ્ય વહીવટ માટે વિશાળ ભવન બાંધ્યું હતું. તેથી મહાભારતમાં પણ વરૂણાલયનો ઉલ્લેખ જોવા મળે છે.
અસુરો અને તેમના નાના ભાઈઓ આદિત્યો (દેવો) વચ્ચે કાયમ શાંતિ રહે તે માટે વરૂણ હંમેશ ચિંતિત અને પ્રવૃતિશીલ રહેતા. આ માટે વરૂણે સૌ પ્રથમ વૈદિક યજ્ઞનું આયોજન કરેલું. તેનું સંપાદન અગિરા ઋષિઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું. આ પ્રસંગે દેવાસુર યુગની તમામ મહાન હસ્તીઓએ હાજરી અપી હતી. એ સમયે એવો શાંતિ કરાર કરવામાં આવેલો કે અસુરો અને દેવો વચ્ચે સર્વદા શાંતિ બની રહેશે. જોકે ઈન્દ્ર આદિત્યએ આ કરારનો ભંગ કરીને અનેક દેવાસુર સંગ્રામો ખેડ્યા.
વરૂણ એટલા મહાન હતા કે ઈરાનના પારસીઓ તેઓને અહૂરમઝદનું નામ આપી તેમની પુજા કરે છે. વરૂણના વંશવૃક્ષમાં જે મહાન વ્યક્તિઓએ જન્મ લીધો તેમાં ભૃગુ (૨), શુક્રાચાર્ય, (ઉશ્ના) ત્વષ્ટા, વરૂત્રી, શંડ, મર્ક, ત્રિશિરા, વૃત્ર અને સરાયુનો સમાવેશ થાય છે, જોકે આ બધા વંશજોએ અસુરોના ગુરુઓ તરીકે પોતાની સેવાઓ આપી. વરૂણના અન્ય પુત્રો અંગિરા (૨), અત્રિ(૨) અને વશિષ્ઠ (૨) થયા. તેઓએ દેવોને પોતાની સેવાઓ આપી.
૨) વિવશ્વાન (૧) :- વરૂણદેવની અવધિ સમાપ્ત થઈ ત્યારે દેવાસુર યુગના ગુરુ તરીકે વિવશ્વાનને બહુ સારી રીતે કાર્યભાર સંભાળ્યો.
૩) વિવશ્વાન (૨) := પુરાણો વિવશ્વાન વિશે જે માહિતી આપે છે તે વિવશ્વાનના આ પુત્ર વિશે છે. તેઓને બે પત્ની હતી. પરિણામે ભારે ગૃહકંકાસ રહેતો. આમ છતાં વિવશ્વાનનાં સંતાનો ભારે યશસ્વી રહ્યાં. આ સંતાનોમાં યમ, યમી, અશ્વિનીકુમાર, છાયા અને શનિ થયાં. એક અન્ય પ્રતાપી પુત્ર વૈવશ્વત મનુ થયા. વિવશ્વાને પોતાના સામ્રાજ્યમાંથી ઈરાન પ્રદેશ યમને સોંપ્યો. જ્યારે ભારત દેશનો પ્રદેશ વૈવશ્વત મનુને આપ્યો. વિવશ્વાનને સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૃહક્લેશને લઈને પિતા વિવશ્વાન અને પુત્ર શનિને બનતું નહીં. આજે જ્યોતિષ વિજ્ઞાનમાં સૂર્ય ગ્રહને શનિ ગ્રહ સાથે જરા પણ મનમેળ નથી. કોઈ જાતકની જન્મકુંડળીમાં એક સ્થાનમાં સૂર્ય-શનિનો ઉલ્લેખ થયો હોય તો તે વ્યક્તિનું જીવન અતિ કષ્ટમય રહેશે તેવું મનાય છે.
૪) ઈન્દ્ર :- ઈન્દ્ર ઋગ્વેદના પ્રધાન દેવ હોવા છતાં તેમનું વ્યક્તિત્ત્વ ભારે વિવાદોથી ભરપુર છે. ઈન્દ્રની જે જુદી જુદી કથાઓ ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વાંચવા મળે છે તે એક જ ઈન્દ્ર વિશેની નથી. જેમ સપ્તર્ષિ એક બિરુદ છે તેમ ઈન્દ્ર પણ એક બિરુદ, એટલે કે પદવી, છે. તેથી જ આપણા ગ્રંથોમાં ઈન્દ્રનાં જુદાં જુદાં સતાવન નામો જોવા મળે છે.
ઈન્દ્રના પિતા વ્યાસ્ન હતા. ઈન્દ્ર જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમણે ઈન્દ્રની માતાનો ત્યાગ કર્યો હતો. ઈન્દ્રએ વયસ્ક થતાંની સાથે જ પોતાના પિતાનો વધ કરેલો. કમનસીબે, આપણા પુરાણોમાં વેદોના મહાન દેવને ભારે ચારિત્ર્ય શિથિલ વ્યક્તિ તરીકે ચિતરવામાં આવેલ છે. ઉદાહરણ તરીકે, ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા સાથે ઈન્દ્ર દ્વારા કરવામાં આવેલો વ્યભિચાર છે. આ કથામાં, કોઈ યુક્તિ કરીને ગૌતમ ઋષિની ગેરહાજરી ઊભી થાય એવા સંજોગો ગોઠવીને ઈન્દ્રને અહલ્યા સાથે જારકર્મ આચરતા બતાવવામાં આવ્યા છે. ઈન્દ્રના સમર્થકો માને છે કે આ પ્રકારનું અધોકામ તો કોઈ અન્ય રાજવી કે પુરોહિત દ્વારા કરાયું હોઈ શકે, પરંતુ જ્યારે પુરાણ ગ્રંથોનું નવસંસ્કરણ કરવામાં આવ્યું ત્યારે તેનો દોષ ઈન્દ્રને માથે ઢોળી દેવામાં આવ્યો.
વેદો ઈન્દ્રને સોમરસ પી ને અતિ શૂરવીર બતાવી તેની પ્રશસ્તિ કરે છે. આ ગ્રંથો પ્રમાણે ઈન્દ્રએ નમુચિ, શબર, વૃત્ર અને અનેક અસુરો અને દાસોનો વધ કરેલો. જોકે વૃત્ર વરૂણના વંશજ અને અસુરોના ગુરુ હોવાથી ગુણધર્મે બ્રાહ્મણ હતા. તેનો વધ કરીને ઈન્દ્રએ બ્રહ્મહત્યાનો દોષ કર્યો હતો. એ દોષમાંથી મુક્તિ મેળવતાં ઈન્દ્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આપણા પરિચિત ઈન્દ્રનાં પત્નીનું નામ શચિ હતું અને પુત્રનું નામ જયન્ત હતું.
ઈન્દ્રને સ્વર્ગલોક પર સ્વતંત્ર સામ્રાજ્ય જોઈતું હતું. તેણે સૌથી નાના ભાઈ વિષ્ણુ આદિત્યની મદદથી અને છળકપટનો આશ્રય લઈને અસુરોના અધિપતિ બલિરાજાનો પરાજય કર્યો અને સ્વર્ગલોક જીતી લીધો, જેનો ઈતિહાસ પંચજ્ન્યના આ લેખમાળાના પછીના હપ્તામાં આવરી લઈશું. મહાભારત કાળ સુધી ઈન્દ્રની ભારતિયો પુજા કરતા. એ પુજામાં અનેક નિર્દોષ પશુઓનૉ વધ કરવામાં આવતો. ભગવાન શ્રીકૃષ્ણે ઈન્દ્રની પુજા આપણા દેશમાં બંધ કરાવી. આજે આપણા પુત્રોનાં સત્યેન્દ્ર, ગજેન્દ્ર, રાજેન્દ્ર કે નરેન્દ્ર જેવાં નામોમાં ઈન્દ્રનું નામ સમાવીને તેની સ્મૃતિ જાળવી રહ્યાં છીએ.
૫) વિષ્ણુ :- શ્રી વિષ્ણુને આપણે પરમબ્રહ્મ સ્વરૂપ અને વિશ્વના પાલનકર્તા ગણી, તેમની પુજા-અર્ચના કરીએ છીએ. પરંતુ, આપણા પુરાણો તેમને અદિતીના સૌથી નાના પુત્ર તરીકે વર્ણિત કરે છે. તેમનાં લગ્ન ભૃગુની પુત્રી લક્ષ્મી (૧) સાથે થયાં હતાં ઋગ્વેદમાં તેમને ત્રિવિક્રમ તરીકે, ત્રણ લોકને પોતાનાં ત્રણ પગલાંમાં માપી જતા દર્શાવી, તેમની પ્રશસ્તિ કરી છે.
આચાર્ય ચતુરસેનના મત પ્રમાણે વિષ્ણુ આદિત્યનું સામ્રાજ્ય વિશાળ હતું. તેમાં નીચેનાં સ્થળોનો સમાવેશ થાય છે –
(૧) આજનું યમન
(૨) ઈન્દ્રધન, એટલે કે ભંડારા
(૩) કાશ્યપનગર (આજના કાશ્પિયન સમુદ્ર પ્રદેશના દેશો)
(૪) સિરિયા, અને
(૫) ઈજિપ્ત
+ + + +
દેવાસુર યુગની કેટલીક અન્ય મહાન વ્યક્તિઓ અને દેવો અને અસુરો વચ્ચે થયેલા બાર દેવાસુર યુદ્ધો વિશે હવે પછી…..
આપણે સામાન્યતઃ જે પરંપરાગત પુરાણકથાઓના સમય અને પાત્રોથી પરિચિત છીએ તે કરતાં આ ઈતિહાસમાં અમુક વિગતો અલગ હોય તેવું જણાશે. એવી કડીઓ આગળના લેખાંકોમાં જોડાતી જોઈ શકાશે…
ક્રમશઃ….ભાગ ૫ માં
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
Very interesting series👍
સરસ રસકથા. નાનપણમાં ઘણાં વાંચનારા હતાં.
સરયૂ