





પૂર્વી મોદી મલકાણ
જે સૂરદાસજીની અગાઉ આપણે વાત કરી તેમના જીવનના ઘણા પ્રસંગો લોકજીવનમાં સતત પ્રગટ થયેલા છે અહીં આપણે એક એવો પ્રસંગ જોઈએ જેમને માટે ગિરિરાજ પર્વત પરથી સાત વર્ષનાં બાળક અને જેમણે દેવોનાં માનનું દમન કર્યું છે તે દેવદમન ( શ્રીનાથજી બાવા) દોડી આવેલા.

આપશ્રી સૂરદાસજીએ પોતાની સહાયતા માટે ગોપાલ નામના એક વ્રજવાસીને રાખ્યો હતો. એક દિવસ સૂરદાસજી મંદિરમાંથી આવેલી પાતળ લેવા બેઠાં ત્યારે ગોપાલને કહ્યું કે જળની એક લોટી ભરી બાજુમાં મૂકી દેજે. ગોપાલ એ સમયે કોઈ કાર્યાર્થે બહાર જતો હતો. એને થયું કે બહુ સમય નહિ થાય અને બાબાને જમતાં થોડો સમય લાગશે ત્યાં સુધીમાં પાછો આવી જઈશ. આથી એ જળની લોટી સૂરદાસજી પાસે મૂક્યાં વગર ત્યાંથી નીકળી ગયો.
આ બાજુ સૂરદાસજીને લાગ્યું કે ગોપાલ બધી તૈયારી કરીને ગયો છે, આથી આપ ભોજન લેવા બેઠા. એવામાં આપને જમતાં જમતાં ગળામાં અટકી ગયું, આથી આપે પોતાની આજુબાજુ હાથ ફેરવ્યો પણ લોટી ના મળી. આથી સૂરદાસજી વ્યાકુળ થઇ ગયાં અને ગોપાલ ગોપાલ કહી હાક મારવા લાગ્યાં. પાંચ-છ વાર હાક માર્યા બાદ સૂરદાસજીને બાબા હું આવ્યો….એવો અવાજ સંભળાયો. પળ -બે પળમાં કોઈએ આવીને પાણીનું પાત્ર તેમનાં હાથમાં મૂક્યું. પાણી પીધા પછી સૂરદાસજીને શાંતિ થઈ…આપે ફરીથી કહ્યું…ગોપાલ….પણ કશો જવાબ ન આવ્યો, આથી આપે ગોપાલ ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો છે એમ માની શાંતિથી ભોજન પતાવ્યું .
આ બાજુ કાર્યાર્થે બહાર નીકળેલ ગોપાલને માર્ગમાં કોઈ મળી ગયેલું તે વાતચીતમાં રહી ગયેલો. વાતચીત દરમ્યાન તેને અચાનક યાદ આવ્યું કે મારો સમય તો અહીં જતો રહ્યો ને મેં બાબા માટે જળની લોટી ભરી નથી. આથી તે ભાગતો ભાગતો કુટીરે આવ્યો અને જળની લોટી ભરીને સૂરદાસજી પાસે લાવ્યો. આ સમયે ગોપાલે જોયું કે બાબા તો જમી લીધેલું છે. તેણે સૂરદાસજીનાં હસ્તમાં લોટી મૂકી અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. આ સાંભળી સૂરદાસજી કહે; એમ કેમ કહે છે? તે તો થોડીવાર પહેલાં આવીને મારા હાથમાં જળનું પાત્ર મૂક્યું હતું ને….કેમ ભૂલી ગયો? આ સાંભળી ગોપાલ આશ્ચર્ય પામી ગયો…ત્યાં જ તેની નજર બાબાની બાજુમાં રહેલી સોનાની ઝારી પર પડી અને તે જોઈને તે સ્તબ્ધ થઇ ગયો.
સૂરદાસજીએ અચાનક ચૂપ થઈ ગયેલા ગોપાલને કહે, કેમ શું થયું? આ સાંભળી ગોપાલે કહ્યું બાબા બજાર બંધ થવાની તૈયારી હતી તેથી મેં વિચાર્યું કે, આપ જમતા થશો ત્યાં સુધીમાં હું આવી જઈશ ને પછી જળ આપી દઇશ. પણ બાબા માર્ગમાં વૈષ્ણવ મળી ગયેલા. તેમણે કશું પૂછ્યું તે જવાબ દેવામાં રહ્યો ને વાતચીતમાં આપને ભૂલી ગયો. પણ બાબા અહીં તો મારી ગેરહાજરીમાં કોઈ આપને મંદિરની સોનાની ઝારી આપી ગયું છે. ગોપાલની વાત સાંભળી સૂરદાસજી સમજી ગયાં કે સ્વયં દેવદમન શ્રીનાથજી એમની વહારે દોડી આવ્યા હતા. પોતાના જેવા પામર જીવ માટે ગિરિરાજજી વસતા દેવદમને આટલો પરિશ્રમ લીધો એ વિચારથી આપ દુ:ખી થઇ ગયા અને વારંવાર પ્રભુ પાસે પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યા.
બીજા દિવસની સવારે મંદિરમાં વાત ફેલાઈ કે; દેવદમન શ્રીનાથજીની સોનાની ઝારી ચોરાઇ ગઈ છે. પણ એ સમયે વૈષ્ણવાચાર્ય વિઠ્ઠલનાથજીને કશો ખ્યાલ આવ્યો તો આપ મંદિરમાં જઈ શ્રીનાથજીને પૂછવા લાગ્યા કે, બાવા આપ ઝારી ક્યાં મૂકી આવ્યા છો? આમ વિઠ્ઠલનાથજીની વાત ચાલે છે ત્યાં મંદિરમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને બહારથી વાત સંભળાઈ કે; સૂરદાસજીનો સેવક ગોપાલ સોનાની ઝારી લઈને આવ્યો છે. આ સાંભળી વિઠ્ઠલનાથજી ગર્ભગૃહમાંથી બહાર પધાર્યા અને આખી વાત જાણી. આ પ્રસંગ પછી વિઠ્ઠલનાથજી બીજો અન્ય સેવક પણ સૂરદાસજી પાસે મૂક્યો જેથી કરીને કોઈ એક સૂરદાસજી પાસે રહી શકે અને આપને શ્રમ ન પડે.
આમ સૂરદાસજીના અન્ય ઘણા પ્રસંગો ગ્રંથોમાં જણાવ્યા છે. ખાસ કરીને સૂરદાસજી ખાડામાં પડી ગયા હતા અને તેને ખાડામાંથી બહાર કાઢવા માટે ગોપાલપ્રભુ ગોવાળનું રૂપ લઈને આવ્યા અને સૂરદાસજીને ખાડામાંથી બહાર કાઢવા પોતાની લાકડીનો એક છેડો પકડાવેલો તે પ્રસંગ બહુ પ્રસિધ્ધ છે. પણ આ પ્રસંગ અષ્ટછાપીય સૂરદાસજીનો નહીં પણ મદનમોહન સૂરદાસજીનો છે જેમણે પોતાની જાતે જ પોતાની આંખો ફોડી કાઢેલી.
ઉપરોક્ત કહ્યો તે પ્રસંગ સિવાય અષ્ટછાપીય સૂરદાસજીનાં અન્ય પ્રસંગો પણ છે. તે પ્રસંગોને આપણે છોડી દઈએ છીએ. કારણ કે આપણી યાત્રા સૂરદાસજીએ વ્રજભાષામાં રચેલા પદો ઉપર છે. તેથી તેમનાં જીવન વિષે વધુ આગળ ન વધતાં આપણી યાત્રાને તે પદો તરફ લઈ જઈએ.
શ્રી સૂરદાસજીનાં ગુરુ તૈલંગ આચાર્ય શ્રી વલ્લભાધીશજી હતા. આપણે પણ અહીં ગુરુશ્રી વલ્લભને ભાવપૂર્ણ નમન કરીએ.
શ્રી વલ્લભ પદ વંદો સદા,
સરસ હોત સબ જ્ઞાન
“રસિક” રટત આનંદ સો,
કરત સુધારસ પાન શ્રી વલ્લભ
શ્રી વલ્લભ કરત સુધારસ પાન.
( શ્રી હરિરાયજી રચિત વલ્લભ સાખી -૧)
અર્થાત્:- શ્રી મહાપ્રભુજીનાં ચરણારવિન્દમાં હું સદા વંદન કરું છું, કારણ કે આપશ્રીને વંદન કરવાથી, આપશ્રીનું નામ-સ્મરણ કરવાથી, આપશ્રીના નામનું મનન અને ચિંતન કરવાથી આપશ્રીના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને શ્રી વલ્લભ સુધારસ પાન કરવાનું સૌભાગ્ય મળે છે.
©૨૦૨૦ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Nice, But Waiting for Kirtana.