લુત્ફ-એ-શેર : મણકો # ૩૯

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

એક મુસ્તફા ઝૈદી પણ હતા, ભલે નામ અજાણ્યું લાગે. બહુ જ નાની ઉંમરમાં જન્નતનશીન થયા. જન્મ અને મૃત્યુનો એ જ પુરાણો કિસ્સો એટલે કે જન્મ પ્રયાગમાં અને મૃત્યુ કરાચીમાં!  એમની એક ગઝલ અમાનત અલી ખાંએ સરસ ગાઈ છે. એનો મત્લો :

કિસી ઔર ગમ મેં ઈતની ખલિશ-એ-નિહાં નહીં હૈ
ગમ-એ-દિલ મેરે રફીકોં ગમ-એ-રાયગાં નહીં હૈ ..

આ પહેલાંના એક મણકામાં આપણે ઝુબૈર અલી તાબિશના એક શેરમાં જોયું કે કેવી રીતે પતંગિયાઓની પાછળ દોડતા દેખાતા કેટલાક લોકો વસ્તુત: રંગ-ઘેલા હોય છે ! આ મામલામાં મુસ્તફા ઝૈદી જૂદા પડે છે. એમનું કહેવાનું આમ છે :

તિતલિયાં ઉડતીં હૈ ઔર ઉનકો પકડને વાલે
સઈ-એ-નાકામ મેં અપનોં સે બિછડ જાતે હૈં..

(એટલે કે રૂપની પાછળ દોડવાવાળા લોકો આ નિષ્ફળ પ્રયત્નોમાં પોતાનાઓથી પણ હાથ ધોઈ બેસે છે!)

બહરહાલ, જે ગઝલનો ઉલ્લેખ શરુઆતમાં કર્યો એનો આ શેર મને અત્યંત પસંદ છે :

મિરી રૂહ કી હકીકત મેરે આંસૂઓં સે પૂછો
મિરા મજલિસી તબસ્સુમ મિરા તર્જુમા નહીં હૈ..

મજલિસી એટલે લોકોની વચ્ચે, જાહેરમાં દેખાય છે તે. બધાની મધ્યે હોઠો ઉપર રમતું સ્મિત કોઈનો વાસ્તવિક ચહેરો જ હોય એ જરૂરી થોડું છે ! ઘણા કિસ્સામાં એ છદ્મ હોય છે. આપણે આ પહેલાંના હપ્તાઓમાં ચાર્લી ચેપ્લીન અને કોમેડિયન રાજેન્દ્રનાથના અસલી ચહેરાઓની વાત કરી છે. તાજેતરના મણકાઓમાં અયાઝ ઝાંસવી અને અમીર કઝલબાશના શેરોમાં પણ આવી જ કંઈક વાત હતી.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *