





ઈશાન કોઠારી
જ્યારથી ફોટોગ્રાફી શરૂ કરી છે, ત્યારથી મને ઘણા પ્રકારમાં રસ પડે છે. એમાંનો એક તે સ્ટ્રીટ ફોટોગ્રાફી. સ્ટ્રીટ ફોટોગ્રાફી એટલે ચુસ્ત અર્થમાં માત્ર શેરીની તસવીરો નહીં. એમાં શેરી અને તેની આસપાસની અનેક અવનવા વિષયનો સમાવેશ થાય છે.
શરૂઆતમાં સ્ટ્રીટ ફોટોગ્રાફીનો મારો ખ્યાલ મર્યાદીત હતો. ફોટા હું પાડતો રહેતો હતો. પણ એક તબક્કે મને મારી એવી તસવીરો એક સરખા જેવી લાગવા લાગી. આથી થોડા વખત માટે મેં સ્ટ્રીટ ફોટોગ્રાફી મૂકી દીધી હતી. અત્યારે નવેસરથી હું સ્ટ્રીટ ફોટોગ્રાફીને સમજી રહ્યો છું અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કરું છું. જેમાંની કેટલીક તસવીરો અહીં મૂકી છે.
*** *** ***
આ ત્રણેય વયસ્ક મહિલાઓ શેરીમાં ઓટલે બેસીને કોઈક વાત પર હસી રહી હતી. એ સમયે હું ત્યાંથી પસાર થતો હતો. ત્રણે ઓટલા પર એવી સરસ રીતે ગોઠવાયેલાં હતાં કે ફોટોને કમ્પોઝ કરવાની જરુર ન પડી. પાછળ દેખાતો ઘરનો વિવિધ સરંજામ શેરીના માહોલમાં ઉમેરો કરે છે.

****
આ ભાઈની ચાની દુકાન છે. તે કોઈકની રાહ જોઈ રહ્યા હતા. ચા પીતાં હું એમને જોઈ રહ્યો હતો. મારી નજર અરીસા પર પડી. હું ઊભો હતો ત્યાંથી આ ભાઇનો ડાબો હાથ જ દેખાતો હતો, જ્યારે અરીસામાં તેમનો જમણો હાથ દેખાતો હતો, જે કોઈ ટેબલ પર ટેકવેલો હતો. વચ્ચેનો સફેદ થાંભલો ફ્રેમને બે ભાગમાં વહેંચે છે, અને બન્ને ભાગમાં આ ભાઇ છે. એકમાં તે પોતે અને બીજામાં પ્રતિબિંબ તરીકે. આ ઉપરાંત નાનકડી હોટેલમાં હોઇ શકે એવી અમુક ચીજો પણ જોઇ શકાય છે.

****
આ ભાઇનો ફોટો લઈ રહ્યો હતો, ત્યાં રસ્તા પર સૂતેલું કૂતરું કેમેરા જોઈને અચાનક બેઠું થઈ ગયું. એ કૂતરું અનાયાસે ફ્રેમમાં આવી ગયું. તેનાથી ફ્રેમ વધારે સરસ બનતી હતી. કૂતરું ખસી જાય એ પહેલાં ફોટો ખેંચી લીધો. આ સજ્જનનો એક હાથ કૂતરાને આશીર્વાદ આપતા હોય એ રીતે ગોઠવાયેલો હતો. તેઓ મને શંકાસ્પદ રીતે જોઈ રહ્યા હતા, જ્યારે કૂતરું કુતૂહલથી જોઈ રહ્યું હતું.

****
બપોરના સમયમાં આ ભાઈ કામ કરીને થોડો સમય આરામ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. જે રીતે તે સૂતા હતા તે મુદ્રા ફોટોજેનિક લાગતી હતી.

****
આ ફોટો એક લગ્નપ્રસંગમાં લીધો હતો. પ્રસંગનો બધો વહીવટ પત્યા પછી સહુ નિરાંતની પળો માણતા હતા. ત્રણ જણ બેઠેલા હતા અને ચોથા ભાઈ આડે પડખે થયેલા હતા. તેને લીધે ફ્રેમ રસપ્રદ બનતી હતી.

****
સ્ટ્રીટ ફોટોગ્રાફીમાં દર વખતે કોઈ વ્યક્તિનું હોવું જરૂરી નથી. એ કોઈ વસ્તુ પણ હોઈ શકે છે. અહીં એક તૂટેલા દરવાજા ઉપર સુકાઈ ગયેલી વેલ ઝૂલી રહી છે. આ બંનેના સંયોજનથી સરસ ફ્રેમ બનતી હતી. જેવી જર્જરીત દિવાલો, એવું ખખડેલું બારણું અને એવી જ સૂકી વેલ.

****
એક કાચા મકાનનો પાછલો ભાગ હતો, જ્યાં ચાર બાકોરાં ગાભા વડે પૂરવામાં આવ્યા હતા. તે એટલા કલરફૂલ લાગતા હતા કે તેનો ફોટો લેવાની ઇચ્છા થઈ ગઈ. દીવાલનો આછો રંગ અને દીવાલમાં પડેલી તિરાડો વચ્ચે આ ચાર રંગીન ટૂકડા સરસ દેખાતા હતા. આ તસવીરમાં એક જાતની સાદગી છે, અને તેને લીધે એ વધુ સરસ લાગે છે.

આવતી વખતે વધુ કોઈ વિષય વિશેની તસવીરો.
શ્રી ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વિજાણુ સરનામે થઈ શકશે
Very good photos with apt description
વાહ, આગવી સૂઝથી પાડેલી છબીઓ ખુબ જ ધ્યાનાકર્ષક જણાય છે.
‘સ્ટ્રીટ ફોટોગ્રાફ્સ’ માં અહીં રજૂ થયેલ દરેક તસવીર પોતે જ એક વ્યક્તિ બનીને નજર સામે ઊભરે છે.
જર્જેરિત દિવાલ, ખખડેલું બારણું, તેમને વીંટાઈને સુકાઈ ગયેલ વેલ, અને પગ પાસે ધૂળથી ભરેલ ચાર પાંદ્ડાંઓનો છોડ – બારણાંની પાછળના ભૂતકાળની કલ્પનાઓ કરતાં મુકવા માટે પુરતાં બની રહે છે.
તે જ રીતે બાંકારોમાંના ગાભાઓ જેમ કંઈ બોલતા સંભળાય છે એમ પુરી દેવામાં આવેલાં બાંકોરાંઓ કોઈ વાતને ન સાંભળવા માટે પ્રયત્નપૂર્વક બંધ કરી દીધેલા કાન જેવાં લાગે છે, સંભળવા અને ન સાંભળવાના વિસંવાદે મોં મચકોડ્યું હોય એવી દિવાલની તીરાડો જણાય છે.
ઈશાનની નજ્રર અને કાચની કીકી બન્નેએ એક જ પલકારામાં આ બધાં દૄશ્યોને નજરકેદ કરી લીધેલ છે.
વાહ…આપણે સૌ આ દ્ર્શ્યો સાથે જ મોટા થયાં છીએ.ઓટલાવાળા ઘર, ગોખલાવાળા ઓરડા હતા અને આજે છે તેવી સોસાયટીની સપાટ મુદ્રા નહોતી..
સરસ ફોટોગ્રાફી છે..
ફોટોગ્રાફી એક કળા છે તે આવા ફોટાઓ થી સાબિત થાય છે
Excellence in understanding and clicks. Enjoyed.
i am a bit of a slow reader of Gujarati so haven’t finished all of the article. Thoroughly enjoying street life pictures! We must enjoy and appreciate it now, as it will soon disappear! a really good record of every day life. Will read all of the article above soon.
Dear Ishan,
It’s indeed a matter of great pleasure to go through your emotional journey through camera lenses.. Love & good wishes…