





ફિલ્મસંગીતના ધુરંધર ઈતિહાસજ્ઞ તરીકે નલિન શાહને આપણામાંથી ઘણા જાણતા હશે. (વિશેષ પરિચય માટે આ લિન્ક ) આ વિષય પર દુર્લભ સામગ્રી ધરાવતું તેમનું પુસ્તક Melodies, Movies & Memories સાર્થક પ્રકાશન દ્વારા ૨૦૧૬માં પ્રગટ થયું, જેનો અનુવાદ સમાંતરે વેબ ગુર્જરી પર શ્રી પિયુષ પંડ્યાની કલમે આપણને વાંચવા મળવાનો છે. નલિનભાઈ તેમના વ્યાવસાયિક જીવનમાં એલ.આઇ.સી. સાથે ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સંકળાયેલા રહ્યા.
પરંતુ આ બધી ઓળખોથી અલગ, તેમની એક નવી જ ઓળખ આ નવલકથા થકી રજૂ થઈ રહી છે. અત્યાર લગી અંગ્રેજીમાં અને ફિલ્મસંગીત વિશે લખનારા નલિનભાઈએ તેમના જીવનના નવમા દાયકામાં ગુજરાતીમાં નવલકથા લખવાનું નક્કી કર્યું. ઈરાદો લખવા ખાતર લખવાનો નહીં, પણ વર્ષોથી મનમાં ઘુંટાતી પાત્રસૃષ્ટિને જીવંત કરવાનો અને કલ્પનાને છૂટો દોર આપવાનો હતો. નવલકથાકાર તરીકેનો તેમનો કોઈ દાવો ન હતો ને હજુ પણ નથી. છતાં, જેમ તે કથા લખતા ગયા, તેમ તેમને મઝા આવતી ગઈ. મનમાં જોયેલાં-સેવેલાં પાત્રો સાથે તેમનો નાતો બંધાતો ગયો. બાળપણની સ્મૃતિઓ અને જીવનના અનુભવો કલ્પનાના રસાયણમાં ભળ્યા અને જે કંઈ નીપજ્યું તે આ નવલકથા.
તે સાહિત્યકાર તરીકેની નામના મેળવવા માટે સભાનપણે લખાયેલી કૃતિ નથી, પણ આંતરિક ધક્કાથી લખાયેલી કથા છે. એ પાત્રસૃષ્ટિમાં તમને રસ પડે, ક્યાંય પણ પોતીકાપણું કે પરિચિતતા લાગે તો આનંદ. અને ધારો કે એવું ન લાગે તો પણ એક વાર્તા તરીકે તેમાં રસ જરૂરથી જળાયેલો રહેશે.
તેમની નવલકથા વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ શ્રી નલિનભાઈ શાહનો આપણે આભાર માનીએ છીએ અને વેબ ગુર્જરી પર સ્વાગત કરીએ છીએ.
તેમણે લખેલી નવલકથા, પ્રાયશ્ચિત, હવેથી દર બુધવારે અહીં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થશે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી