ચેલેન્‍જ.edu: સમજાવટ સારી કે સજા?

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

 
ગમે તેમ સમજાવો, એ ક્યાં સમજતું હોય છે?
 આપણું જ નટખટ મન પ્રશ્નો સરજતું હોય છે.
 લાખ કરો પ્રયત્ન તો પણ એ અટકશે નહીં,
 હોય છે જે હૈયામાં, હોઠે પ્રગટતું હોય છે. 

રામુ પટેલ ડરણકર

એક ઉચ્ચ સરકારી ઓફિસમાં પ્રવેશ કરવા વિચારી રહ્યો છું. અંદરથી આવતો ઉગ્ર અવાજ મને પ્રવેશતાં રોકે છે. પરંતુ બહાર ઉભેલ સેવકભાઈ ઈશારો કરી મને જણાવે છે કે તમે અંદર જાવ, સાહેબને તો ગૃસ્સો કરવાની ટેવ પડી ગઈ છે ! અનિચ્છાએ પણ ઓફિસનું બારણું ખોલી અંદર દાખલ થવા જાઉં છું અને સાહેબ કહે છે, ‘આવો, આવો ભાઈ ! તમારી જ રાહ જોતો હતો. આપણો દેશ કયારે સુધરશે ? આવા કામચોર વ્યકિતઓને કારણે દેશ કયારેય પ્રગતિ કરશે ખરો ? તમને શું લાગે છે?’

રાત્રે એક મિત્રને ઘેર બેસવા ગયા. જતાં અગાઉ ટેલિફોન કર્યો હતો. પરંતુ ઘરના દરવાજાની અંદરથી કોઈનો ગુસ્સાવાળો અવાજ બહાર આવી રહ્યો હોય તેમ લાગતું હતું. ઘરમાં વાતાવરણ ગરમ હતું. પરંતુ હવે દાખલ થવા સિવાય છૂટકો નહોતો. ઘરમાં દાખલ થતાં જ બહેન બોલ્યાં, ‘આ તમારા મિત્ર કયારે સમયસર ઘેર આવવાનું શીખશે ? મોડા આવે, સોંપેલ ઘરના કામ કરવાનું ભૂલી જાય ત્યારે યાદ કરાવીએ તો અમારા સૌના ઉપર તૂટી પડે ! આ તો કાંઈ જીંદગી છે ?’

મારા ઘરની સામે દુકાન જેવી જગ્યામાં એક ટયૂશન વર્ગ ચાલે છે. મોટી સંખ્યામાં બાળકો આવે છે. વર્ગમાં સ્માર્ટ બોર્ડ અને અદ્યતન ફર્નિચર છે. પરંતુ શિક્ષક વિદ્યાર્થીઓને બેરહેમ થઈ ઝૂડી નાંખે છે. વિદ્યાર્થીઓ કાંઈ બોલતા નથી. (બોલી શકતા નથી !)

છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં ટ્રાફિક સપ્તાહ ચાલે છે. સ્કૂટરવાળા હેલ્મેટ ન પહેરે તો દંડ કરે છે, કાર ચલાવતા લોકો સીટ બેલ્ટ ન પહેરે તો પોલીસ મેમો ફાડે છે, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરનારોનો ફાઈન કરવામાં આવે છે ! બેત્રણ સપ્તાહ બાદ પોલીસ લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યાનો દાવો કરે છે. જેણે સૌથી વધુ દંડ ભેગો કર્યો તેને સરપાવ/ઈનામ આપવામાં આવે છે. જે જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો ત્યાંના સરકારી અધિકારીઓની છાતી ગજગજ ફૂલે છે !

આપણે ત્યાં કોણ જાણે કેમ પ્રત્યેક ભૂલનો દંડ વસૂલ કરવાની ટેવ પડી ગઈ છે. નવા નવા કાયદાઓ બનાવી, તેની બીક બતાવી શિસ્ત પળાવવાની આદત પડી ગઈ છે. ઘર અને શાળા આ પ્રણાલીની ગંગોત્રી છે. બાળકો અને યુવાનો અભ્યાસમાં ઘ્યાન ન આપે તો તેમને એક યા બીજી રીતે સજા કરવામાં આવે છે. આપણા મગજમાં એવા વિચારો સ્થિર થઈ ગયા છે કે કોઈને શિક્ષા કરીએ તો જ તે સુધરે. સમાજમાં સોને શિસ્તબદ્ધ રાખવા દંડ કરવો આવશ્યક હોવાની આપણી મનોગ્રંથિ થઈ ગઈ છે. કોઈ શબ્દિક કે અશાબ્દિક ઠપકો આપે તો જ આપણને કામ કરવાની ટેવ પડી ગઈ છે.

કદાચ આપણી વર્ષો જૂની ગુલામીએ આપણને આ શીખવી દીધું છે – ‘સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ…’ નાના હતા ત્યારથી અને આજે પણ આ સૂત્ર સૌના કાનોમાં ગૂંજે છે. ઘેર વડીલો અને શાળામાં શિક્ષકોને શિક્ષા કરવાની ટેવ પડી ગઈ છે. બાળક શાળામાં મોડો આવે તો સજા, ગૃહકાર્ય ન લાવે તો સજા, ગણવેશમાં ન આવે તો સજા, શાળા-કોલેજમાં મોબાઈલ લાવે તો સજા. (અરે ! એક ટેકનીકલ કૉલેજના સંચાલકશ્રી પોતાની સંસ્થામાં આંટો મારતા હોય અને કોઈ વિદ્યાર્થી મોબાઈલ ૫૨

વાતચીત કરતો પકડાઈ જાય તો તે મહાશય  પટાવાળા પાસે પાણી ભરેલી ડોલ મંગાવી મોબાઈલ ફોનને પાણીમાં નાખી દઈ સજા કરે છે ! આ બાબતને તેઓ ગૌરવપ્રદ ગણે છે.)

સજાને કોઈ માનસશાસ્ત્રીય અભિગમથી જોવાનો પ્રયત્ન કરતું જ નથી. કોઈ પણ વ્યકિતને સજા કરવાથી તે સુધરી જાય છે તે માન્યતા જ ભૂલ ભરેલી છે. શેક્ષણિક સંશોધન અને મનોવિજ્ઞાને સાબિત કરી દીધું છે કે સજા વ્યકિતને ખરેખર નઠોર કે બંડખોર બનાવી દે છે. પહેલી વાર સજા થાય ત્યારે કદાચ તેની અસર થોડીક થતી હશે, પરંતુ પાંચમી વાર થાય ત્યાં સુધીમાં તો તેનો પ્રભાવ શૂન્ય થઈ જાય છે. કદાચ સજાથી થતા નુકશાનનો આપણને અંદાજ હોતો નથી.

મારા જીવનની જ વાત કરું તો ધો.૮માં વડોદરાની ન્યૂ ઈરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. એક દિવસ અમને સૌને પિકચર બતાવવા માટે શાળાના એક હોલમાં લઈ જવામાં આવ્યા. જતાં જતાં રસ્તામાં આવતા એક ઈલેકટ્રીક વાયર ઉપર મારો પગ ભૂલથી પડી ગયો. ત્યાં ઉભેલા શિક્ષકે જોરથી મારા ગાલ ઉપર એક લાફો ઝીંકી દીધો. (આજે પણ તે શિક્ષકસાહેબનું નામ યાદ છે, પણ સૌજન્ય ખાતર લખતો નથી.) હું વિહ્વળ થઈ ગયો, રડી પડયો. પરંતુ ત્યાર બાદ ઈલેકટ્રીક વાયરને જોઈને મારા

મનમાં જે ભયની ગ્રંથી ભરાઈ ગઈ તે પચાસ વર્ષ બાદ પણ નીકળી નથી. આજે પણ લાઈટ ચાલુ બંધ કરતી વખતે સ્વીચ ઉપર હાથ મૂકતાં હું ગભરામણ અનુભવું છું.

સજાને બદલે સમજાવટ જ સારી પરિસ્થિતિ પેદા કરી શકે. કદાચ કોઈ પહેલી જ વાર સમજાવે અને વ્યકિત સમજી જાય તેવું ન પણ બને. પરંત બીજી કે ત્રીજી વાર સમજાવો તો જરૂ૨ સમજે. સજા કદાચ હંગામી ઈચ્છિત પરિણામ લાવે, પરંતુ તે પરિવર્તન કાયમી કયારેય ન બને. તે પરિવર્તન તો સજાને કારણે છે, સમજણથી પ્રાપ્ત થયું નથી. જ્યારે માર્ગદર્શન અને ધીરજથી કોઈ પણ બાબતની સમજણ આપવામાં કયારેક થોડોક વધૃ સમય જાય તો પણ અંતે તો તે જ ચીરંજીવ બને. સુધરેલી ટેવ કાયમી બને.

સજા કયારેય ઈચ્છિત પરિણામો અપાવતી નથી. તેને બદલે જો શાબ્દિક બક્ષિસ (Reward)ની વ્યવસ્થા પણ  વિચારવામાં આવે તો ચોક્કસ જ વ્યકિતમાં બદલાવ લાવી શકાય. પ્રેમથી કરેલ સમજાવટ હંમેશા હકારાત્મક અસર જ પેદા કરે છે. બધા ‘ સૌ પોતાને સારો કહે’ તેવી ઈચ્છા ધરાવતા હોય તે સ્વાભાવિક છે. કોઈ પણ કાર્યનો સારો બદલો આપવાથી વ્યકિતને પ્રોત્સાહિત કરી શકાય છે. પ્રોત્સાહન પામેલ વ્યકિત કામને સ્વીકારી બમણા જોરથી આગળ વધે છે. તેનામાં ‘કંઈક બનવાની’

તમન્ના જગાડવામાં પ્રોત્સાહન ખૂબ ઉપયોગી બને છે. પ્રત્યેક પાસે કંઈક સારું તો છે જ. આ વ્યકિતની અંદર રહેલ ‘સારું’ બહાર  લાવવામાં શાબાશી ચોક્કસ મદદરૂપ થાય છે. સજાથી કયારેય કોઈનામાં બદલાવ લાવી શકાતો જ નથી.

બીજું અને સોથી અગત્યનું હોય તો એ છે કે સજાને કારણે વ્યકિતમાં વિરોધ કરી બળવો કરવાની લાગણી વધુ ને વધુ ઉત્પન્ન થતી જાય છે. પ્રત્યેક બાબતને અયોગ્ય દૃષ્ટિથી જોવાની ટેવ પડી જાય છે. તમામ બાબતો અને વ્યકિતઓ તરફ તે શંકાની નજરે જુએ છે. આ સ્વભાવ તેના જીવનનો એક ભાગ બની જતાં તે સૌની સાથે અયોગ્ય રીતે વર્તે છે. લેખની શરૂઆતનાં તમામ ઉદાહરણોનું કારણ સજાનો પ્રભાવ છે. શાબ્દિક પ્રહારો પણ સજાનો જ એક પ્રકાર છે. નાનપણમાં તેમને શાબ્દિક રીતે અન્યો ઉપર ગુસ્સો ઠાલવવાની રીત શીખવવામાં આવી છે તેને કારણે પુખ્તપણે વ્યકિત ગુસ્સાવાળં જ વર્તન કરે છે.

સ્વતંત્ર ભારતમાંથી સજાને જેટલી જલ્દીથી તિલાજંલી આપવામાં આવશે તેટલી જ દેશની વધારે પ્રગતિ થશે. બીકથી કોઈ વ્યકિત કે દેશનો વિકાસ થઈ શકે જ નહીં. આઝાદ દેશમાં સોને તમામ પ્રકારની સ્વતંત્રતા મળવી જ જોઈએ. વ્યકિતને એટલી પરિપકવ બનાવીએ કે તે સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ન ફેરવે. આ જવાબદારી બે સામાજિક સંસ્થાઓની છે : ઘર અને શાળા. મોટેરાંઓએ પોતાના ઉદાહરણ અને સમજણ દ્વારા શિસ્તનો વિકાસ થાય તે તરફ વિશેષ ઘ્યાન આપવાની ખાસ જરૂર છે. આ શકય છે અને આપણા દેશમાં પણ શકય બનશે. આપણે થોડીક ધીરજ રાખવાની જરૂર છે. ધીરજના ફળ હંમેશા મીઠાં હોય છે.

આચમન:

 
 માનવ-કલાકૃતિને જરા દૂરથી જુઓ! 
 નજદીક આવશો તો એ ગૌરવ નહીં રહે;
 નિર્મળ નજર હશે જો સરોવરનાં નીર સમ, 
 રહેશે ફક્ત કમળ, અને કાદવ નહીં રહે

ગની દહીંવાળા


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીરો નેટ પરથી)

3 comments for “ચેલેન્‍જ.edu: સમજાવટ સારી કે સજા?

 1. January 13, 2021 at 10:51 pm

  સરસ લેખ. કરુણા વગરની સજા એ કમબુદ્ધિની નીશાની છે.
  સરયૂ

  • ઉલ્લાસ હસમુખલાલ ચીથરીયા
   January 15, 2021 at 10:59 am

   બેન સરયૂ બેન

   કાયદાનો ભંગ કરનાર ને જયારે ડર નથી હોતો ત્યારે કાયદા નો અમલ કરનાર કરુણા કેમ રાખી શકે ? રસ્તા પર થતા અકસ્માતો માં કોઈ રાહદારી નું અકાળે મોત થાય છે ને બેન ત્યારે તેઓ ના કુટુંબ ઉપર કેટલું વીતે છે તે તેઓ જ જાણે છે . કાયદા નો અમલ કડકાઈ થી જાહેર જનતા ના લાભાર્થે થવો અનિવાર્ય છે

 2. ઉલ્લાસ હસમુખલાલ ચીથરીયા
  January 15, 2021 at 10:50 am

  સુજ્ઞ ભાઈ રણછોડભાઈ

  13 મી જાન્યુઆરી 2021 ના રોજ નો લેખ ” ચેલેન્‍જ.edu: સમજાવટ સારી કે સજા?”
  માં આપ લખો છો કે

  ” છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં ટ્રાફિક સપ્તાહ ચાલે છે. સ્કૂટરવાળા હેલ્મેટ ન પહેરે તો દંડ કરે છે, કાર ચલાવતા લોકો સીટ બેલ્ટ ન પહેરે તો પોલીસ મેમો ફાડે છે, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરનારોનો ફાઈન કરવામાં આવે છે ! બેત્રણ સપ્તાહ બાદ પોલીસ લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યાનો દાવો કરે છે. જેણે સૌથી વધુ દંડ ભેગો કર્યો તેને સરપાવ/ઈનામ આપવામાં આવે છે. જે જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો ત્યાંના સરકારી અધિકારીઓની છાતી ગજગજ ફૂલે છે ! ?

  આપણે કાયદા નો અમલ નથી કરતા ત્યારે પોલીસ દંડ ફટકારે છે . શું કાયદા નો અમલ કરવાની ફરજ પોલીસ ન નિભાવે તો શું જંગલ રાજ ચાલવા દેવું જોઇએ ? રસ્તા પર થતા અકસ્માતો માં સૌથી વધુ મોત આપણાં દેશ માં થાય છે . ઉંધી દિશા માં વાહન હાંકવા એ તો જાણે આપણે ત્યાં સ્વાભાવિક છે અને હેલ્મેટ ન પહેરવા , સીટ બેલ્ટ ન લગાડવા , ટુ વ્હીલર પર 3/4 લોકો બેસવા આ બધું જાણે આપણ ને કોઠે પડી ગયું છે . દંડ શિવાય કોઈ વિકલ્પ છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *