





ચિરાગ પટેલ
उ.९.१.१२ (११८६) वृष्टिं दिवः परि स्रव द्युम्नं पृथिव्या अधि। सहो नः सोम पृत्सु धाः॥ (असित काश्यप/देवल)
હે સોમ! આપ આકાશથી પૃથ્વી પર દિવ્યવૃષ્ટિ કરો. પૃથ્વી પર પોષક અન્ન ઉત્પન્ન કરો, અને અમને સંઘર્ષની શક્તિ પ્રદાન કરો.
આ શ્લોકમાં ઋષિ આકાશથી પૃથ્વી પર વરસતા પ્રાણરૂપી સૂર્યકિરણો અંગે વાત કરે છે. આ કિરણો જ વનસ્પતિને પોષણ આપે છે જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે જીવન આપનાર છે. એ જ સોમ!
उ.९.३.३ (११९८) मदच्युत्क्षेति सादने सिन्धोरुर्मा विपश्चित्। सोमो गौरी अधि श्रितः॥ (असित काश्यप/देवल)
ઉમંગ વધારનારો સોમ યજ્ઞશાળામાં પ્રતિષ્ઠિત થાય છે. નદીના તરંગોની જેમ એ વાણીને તરંગિત કરે છે.
આ શ્લોકમાં ઋષિ વાણી એટલે કે ધ્વનિના તરંગોને નદીના તરંગો સાથે સરખાવે છે. આધુનિક વિજ્ઞાન ધ્વનિ તરંગોની જે સમજૂતી આપે છે એ ઋષિ કેવી રીતે જાણી શક્યા હશે?
उ.९.३.४ (११९९) दिवो नाभा विचक्षणोऽव्या वारे महीयते। सोमो यः सुक्रतुः कविः॥ (असित काश्यप/देवल)
શ્રેષ્ઠ કર્મા જ્ઞાનયુક્ત આ સોમ છે જે દિવ્ય નાભિ સમાન ગળણીમાં શુદ્ધ બનીને મહત્વને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકમાં ઋષિએ ગળણી માટે દિવ્ય નાભિ એવી ઉપમા પ્રયોજી છે. આ દિવ્ય નાભિ અર્થાત અંતરિક્ષ એવું આપણે માની શકીએ. સૂર્યકિરણો પર સવાર થઈ પ્રાણશક્તિરૂપ સોમ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી પ્રાણીઓ સુધી પહોંચે છે, જે શુદ્ધ થયેલો એટલે કે ગળાઈને આવેલો છે. જો એ દિવ્ય ગળણી ના હોય તો સૂર્યના ઘાતક કિરણો સૃષ્ટિને હાનિ પહોંચાડે! વળી, એ નાભિ અર્થાત વાતાવરણમાં વક્રીભવન વગેરે ભૌતિક અસરોથી કેન્દ્રિત થઈને આવે છે.
उ.९.४.१. (१२०५) उत्ते शुष्मास ईरते सिन्धोरुर्मेरिव स्वनः। वाणस्य चोदया पविम्॥ (उचथ्य आङ्गिरस)
હે સોમ ! આપના વેગથી પ્રવાહિત થવાને લીધે સમુદ્રના તરંગો જેવી ધ્વનિઓ પ્રગટ થાય છે. આપ વાણીથી ઉત્પન્ન શબ્દોને પ્રેરિત કરો.
આ શ્લોકમાં સોમ અર્થાત પ્રાણ શક્તિ કે જે મનરૂપી ઇન્દ્રને બળવાન બનાવે છે એ જ વાણી કે શબ્દોનું પ્રેરક બળ છે એમ ઋષિ જણાવે છે. વળી, ધ્વનિ માટે સમુદ્રના તરંગોની ઉપમા ઋષિ પ્રયોજે છે. આધુનિક વિજ્ઞાન પણ ધ્વનિના તરંગોને માધ્યમ દ્વારા પ્રસરતા તરંગો જણાવે છે.
उ.९.५.२ (१२११) पुरः सद्य इत्थाधिये दिवोदासाय शंबरम्। अध त्यं तुर्वशं यदुम्॥ (अमहीयु आङ्गिरस)
સોમ પીને ઈન્દ્રે યજ્ઞ કરનાર દિવોદાસને માટે શંબરાસુર, તુર્વસ અને યદુને માર્યા.
આ શ્લોકમાં પ્રસ્તુત નામધારી વ્યક્તિઓને જો ઐતિહાસિક ગણીએ તો જણાય છે કે, દિવોદાસ વૈદિક યજ્ઞયાગમાં માનનાર હતા અને તેમના શત્રુઓ શંબરાસુર, તુર્વસ અને યદુને ઇન્દ્રની સહાયથી માર્યાં હશે! હવે, જો નામને બદલે ઉપમા ગણીને શબ્દોના અર્થ જોઈએ તો ઇન્દ્ર એટલે મન, દિવોદાસ એટલે દિવ્ય ગુણો માટે સમર્પિત વ્યક્તિ, શંબરાસુર એટલે અનિષ્ટ કરનાર, તુર્વસ એટલે ક્રોધ અને યદુ એટલે અનિયંત્રિત! પવિત્ર પ્રાણસ્વરૂપ સોમ પ્રાણીઓમાં રહેલા દુર્ગુણો દૂર કરી દિવ્ય ગુણોની વ્યક્તિમાં પ્રતિષ્ઠા થાય છે એમ ઋષિ જણાવે છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
સંદર્ભઃ ઉ. ૯.૫.૨.(૧૨૧૧)
આમાં ગોપિત સંદેશ નથી. ઐતિહાસિક ઘટના છે.
ઋગ્વેદ કહે છે કે પુરુ, અનુ, દ્રહ્યુ, યદુ અને તુર્વશને ભૃગુ લઈ આવ્યા. દાશરાજ્ઞ યુદ્ધની આ કથા છે. એટલે યદુ અને તુર્વશ બે મોટાં જાતિગત જૂથો છે. આ લડાઈ આર્યોનાં જુદાં જુદાં જૂથો વચ્ચે હતી.