ત્રણ ગ઼ઝલો

Facebooktwitterredditpinterestlinkedinmail

ગુજલીશ ગઝલથી પંકાયેલા ગઝલકાર શ્રી અદમ ટંકારવીએ તેમના બધા જ સંગ્રહોને સમાવતો એક ‘૭૮૬ ગઝલો’નો ગઝલસંગ્રહ આપ્યો છે. મૂળે ટંકારિયા ગામના પણ વર્ષોથી યુકે.માં સ્થાયી થયેલ અદમભાઈની ગઝલોમાં વિદેશી પરિવેશ એક વિશેષ રીતે છલકે છે. ડાયસ્પોરિક સંવેદનાઓને તેમણે સ્મિતમાં ફેરવીને કલાત્મક રીતે વેરી છે. ક્યાંક અલગારી ફકીર બનીને તો ક્યાંક ઈશ્કી મિજાજ મલકાવીને. પણ એ બધાની પાછળ ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને છૂપાવેલ ચિંતા પણ અનુભવાય છે.

તેઓ ઘણા મુશાયરાઓના સફળ સંચાલક છે. તેમને અનેક ઉચ્ચ સાહિત્યિક પારિતોષિકો મળેલા છે.ગઝલ તેમના લોહીમાં ભળી ગઇ છે. ભારત છોડી ૧૯૯૧માં ઇંગ્લેન્ડ આવ્યા ત્યારથી ઘણાં કવિઓને પ્રોત્સાહન તથા માર્ગદર્શન મળ્યું છે.અત્રે તેમની ત્રણ ગઝલો પ્રસ્તૂત કરતાં વેબ ગુર્જરી આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.—

દેવિકા ધ્રુવ અને રક્ષાબહેન શુક્લ – સંપાદકો – પદ્ય વિભાગ, વેબ ગુર્જરી


(૧)

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

(૨) ભાષાભન- સોનેટ

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી.

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે.

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા.

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો
.

(3)

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.

લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે ગુર્જરી.

બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,
બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,
ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.

કોક એને પણ વટાવી ખાય છે,
પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.

બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે,
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી.

હાળું ઐં હુરતનાં જેવું ની મળે,
બેટલીમાં ગાળ દે છે ગુર્જરી.

સાંધાવાળો સાડલો પહેરી ફરે,
કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી.

આર્થરાઈટીસથી હવે પીડાય છે,
લાકડી લઈને ફરે છે ગુર્જરી.

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં,
ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી.

વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

સાંજ પડતા એને પીયર સાંભરે,
ખુણે બેસીને રડે છે ગુર્જરી.

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.


શ્રી અદમ ટંકારવીનો સંપર્કઃ ghodiwalaa@yahoo.co.uk વીજાણુ સરનામે થઈ શકે છે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

1 comment for “ત્રણ ગ઼ઝલો

  1. Purushottam Mevada
    January 11, 2021 at 4:24 pm

    શાયર અદમની રયનાઓ ખૂબ ગમી, ખાસ યતો ‘ગર્જરી’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *