





કાબરો લક્કડખોદ / Yellow fronted Pied Woodpecker / Dendrocopos mahrttensis
જગત કીનખાબવાલા

લક્કડખોદ શબ્દ સાંભળો અને તરત યાદ આવે કે આતો પક્ષીનું નામ! હા, જોયું નાં હોય તે સામાન્ય વાત છે. રંગે રૂડું રૂપાળું પક્ષી છે અને જયારે પણ જોવા મળે ત્યારે કૃતુહલ અને આનંદ થાય અને અપેક્ષા બંધાય કે ક્યાંક ઝાડમાં પોતાના માળો બનાવતું જોવા મળી જાય તો મઝા પડી જાય! ખરેખર તે જોવાનો એક લ્હાવો હોય છે (સૌજન્ય : YouTube વિડીયો[1]) માપ જુવો તો લગભગ ૬.૯ ઇંચ એટલેકે ૧૭.૫ સેન્ટિમીટરનું નાનું પીળા મુગટ વાળું પક્ષી છે.
સામાન્ય રીતે તેને તમે ઝાડની ડાળીઓ ઉપર બેઠેલું જલદી નહીં જુવો, પણ થડ ઉપર ચડ ઉતર કરતું અચૂક જોવા મળે અને તે માટે કુદરતે તેને એક અદભુત લાક્ષણિકતા આપી છે. જે વૃક્ષનું લાકડું જે પોચું હોય તેવા વૃક્ષના થડ ઉપર કે ડાળી ઉપર જોવા મળે છે જેમાં બખોલ બનાવીને તે તેનો માળો બનાવી શકે છે. લગભગ એક મીટરથી દસ મીટરની ઊંચાઈ ઉપર થડમાં માળો બનાવે છે.
કુદરત ઘણી અજાયબ છે અને જેણે પણ આ શ્રુષ્ટિ બનાવી છે તેને વિવિધ જીવોને વિવિધ ખાસિયત આપેલી છે જે પ્રફુલ્લિત કરી દે તેવી અને ધ્યાન આકર્ષક હોય છે. લક્કડખોદને માળો બનાવવા માટે ઝાડના થડમાં બખોલ બનાવવા માટેની લાક્ષણિક આવડત અને જરૂરી ધારદાર અને તીક્ષ્ણ ચાંચ આપેલી છે, જે અસામાન્ય છે. આંબા, પામ, બાવળ, ખીજડા જેવા વૃક્ષો હોય ત્યાં તેઓ જોવા મળે છે. *કિરર કીક, કિરર કીક, રિક રિક* જેવો અવાજ કાઢે છે અને જયારે બખોલ બનાવે ત્યારે જાણે કહેતું હોય કે મારી તરફ જરા મીટ માંડશો! ચાંચને થડ અને ઘણી વખત ડાળીઓ ઉપર પછાડીને drum વગાડતો અવાજ કરી પોતાની હાજરી નોંધાવે છે.
ફેબ્રુઆરી થી મે મહિનાના ગાળામાં તેઓની સંવનનની ઋતુ હોય છે અને ત્રણ જેટલાં સફેદ અને ચમકીલા ઈંડા મૂકે છે. બખોલ બનાવવાથી લઈને બચ્ચા ઊડતાં થાય તે દરમિયાનની સંપૂર્ણ પ્રક્રિયામાં નર અને માદા બંને લક્કડખોદ દરેક જવાબદારી આનંદથી નિભાવે છે.
*તેનાં પગનાં નખ અણીદાર હોય છે જેમાં બે આંગળા આગળ હોય છે અને બે આંગળા પાછળ હોય છે જે કારણે તેને ઝાડના થડ ઉપર ચાલવાની અને ચડ ઉતર કરવાની પકડ રહે છે. તીક્ષ્ણ નખની મદદથી તે ઝાડની છાલમાં દબાવી પકડ બનાવે છે. પીંછા કડક હોય છે અને ટૂંકી પૂંછડીમાં છેડે વચ્ચે ફાટ હોય છે, જેનો ટેકો લઈને તે સ્થિર રહી શકે છે. માળા માટે બખોલ બનાવે છે જે સાથે અંદરથી નીકળતી જીવાત, જીવાતનાં ઈંડા અને બચ્ચા, ઈયળો વગેરે ખાતું જાય છે.*

(પેઇન્ટિંગ શ્રી સોનલ આર શાહ)
જયારે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય ત્યારે એક ઝાડ ઉપરથી પાછું નીચે આવીને નીચેથી બીજા ઝાડ ઉપર જાય છે અને તે સીધે સીધું નહિ પણ ગોળ ગોળ ફરતું સર્પાકારે ઉપર જાય છે જે દરમ્યાન તે થોડા થોડા ડગલાં ભરી ને અટકે અને પછી પાછું ઉપર ચઢે જે તેની આગવી રીત છે અને તેવીજ રીતે પાછું નીચે ઉતરે છે*. તેની ઉડાન ગ્લાઈડરની જેમ હિલોળા લેતી હોય છે. સામાન્ય રીતે બે લક્કડખોદ જોડમાં એક જગ્યાએ રહેતાં હોય છે અને ક્યારેક એક એકલું રહી ગયું હોય છે. સામાન્ય રીતે બે થી ચારની સંખ્યામાં એક જગ્યાએ જોવા મળતાં હોય. મોટાભાગે તેઓ તેમના જેવા બીજા જીવડા ખાતા પક્ષીઓ સાથે પણ સહઅસ્તિત્વમાં જીવતાં હોય.
લક્કડખોદ શહેરી વિસ્તારમાં ઓછા જોવા મળે છે અને શહેરને ફરતા વિસ્તાર, ગીચ ઝાડી તેમજ જંગલના બહારના વિસ્તારમાં વધારે જોવા મળે છે (ફોટો મિત્ર શ્રી દિપક પરીખ દ્વારા તેમના ઘરે લેવાયેલો છે). ભારતવર્ષમાં લગભગ બધેજ જોવા મળે છે. તે છેક સપાટ પ્રદેશથી શરુ કરી બે હજાર મીટરની ઊંચાઈ સુધી ભારતમાં સર્વવ્યાપક જોવા મળે છે.
ખોરાકમાં તે જીવડા અને ઈયળો ખાઈલે છે. તેની જીવડાં ખાવાની રીત પણ બહુ જુદી છે. તેની ચાંચ ખાવા માટે કે માળો ભરવા માટે સળીઓ અને સાંઠીઓ લાવવા માટે બહુ ઉપયોગી નથી. *તેની ધારદાર ચાંચથી થડની છાલ જ્યારે ખોતરીને પડ ઉખાડે ત્યારે પાછળ રહેલી જીવાત ખાઈ લે છે અને તે સમયે લાંબી જીભનો ઉપયોગ કરે છે. જીવજંતુ ખાવા માટે તેની ચાંચ કામમાં નથી આવતી પણ જીભ કામમાં લે છે. જીભ લાંબી કરીને જીવાત ને અડે માટે જીભ ઉપરની ચીકાશથી ઈયળ વગેરે ચીકણાં રસને લીધે જીભને ચોંટી જાયછે અને પછી સ્વાહા…. જીવજંતુ, ઈયળ, ઉધઈ, તીતીઘોડા, વાણિયા, કીડી, મંકોડા જેવા જીવની જહેફત ઉડાવે છે.*
*તેનાં સૌંદર્યમાં રંગની વિવિધતા ઘણો મોટો ભાગ ભજવે છે*. નર અને માદા લક્કડખોદમા મુખ્યત્વે એક તફાવત છે જેમાં માદા લક્કડખોદને નર લક્કડખોદની જેમ લાલ રંગની કલગી નથી હોતી બાકી બંનેને વિવિધ રંગ સરખા હોય છે. નર લક્કડખોદને માથે ભપકાદાર લાલ રંગની કલગી હોય છે. લાલ રંગની કલગી સાથે પાંખો, ઉપરનો ભાગ અને પૂંછડી ઘેર કાળા રંગની હોય છે જેમાં ચિત્રકારે કળા પાથરી હોય તેમ ઘણાબધા ધોળા ગોળાકાળ ટપકાં હોય છે. તેની દાઢી, ગળું અને તેની બાજુઓ સફેદ હોય છે. તેમાં કાનથી ગળા સુધી જતો બદામી રંગનો એક પટ્ટો હોય છે અને હજુ બાકી હોય તેમ બે પગ વચ્ચેનું પેટ લાલ રંગનું હોય છે. કેટકેટલા નયનરમ્ય વિવિધ રંગ*!
નિરાલી ચાલ
કાબિલ કલાકાર
રંગ નિરાલા
હાઈકુ: જગત.કીનખાબવાલા
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com
વાહ અતિ ઉપયોગી અને સુંદર માહિતી.
કુદરત ને ખોળે લઈ જવા માટે આભાર જગતભાઈ.
કુદરત ના દરેક જીવમાં કોઈક વિશિષ્ટ અને રસપ્રદ અજાયબી હોય છે.
કોણે અને કેમ આવી રચના કરી હશે!
અદ્ભુત શ્રુષ્ટિની બારીકી અર્થસભર હોઈ જાણીને અનેરો આનંદ આવે છે.
તમને લેખ ગમ્યો તે મારા માટે આનંદની વાત છે.
ધન્યવાદ
જગત કીનખાબવાલા
લેખક