હરદ્વાર ગોસ્વામી
લગન કરી લે યાર.
સ્વયંની સોપારી દઈને, ખુદને ગોળી માર.
લગન કરી લે યાર.
સોનાના પીંજરની સામે પાંખ મૂકીને આવ્યો,
રૂપાળાં સપના જોવામાં આંખ મૂકીને આવ્યો.
લાખેણીના ચક્કરમાં તું લાખ મૂકીને આવ્યો,
એકાદુ આ ફૂલ જોઇને શાખ મૂકીને આવ્યો.
જીત જીવનમાં નથી જરૂરી, પહેરી લે તું હાર.
લગન કરી લે યાર.
લાઈવ ટેલિકાસ્ટ થવાનું, તારી રામાયણનું,
યુદ્ધ રોજ ખેલાયા કરશે, મંદોદરી રાવણનું.
બધી પાત્રતા ખૂટી ગઈ ને પાત્ર બન્યો વાસણનું,
નામું નખાઇ જાવાનું એક સારા-નરસા જણનુ.
થાક લાગતો જગ આખાનો, ફેરા ફરતા ચાર.
લગન કરી લે યાર.
સૌથી પચવામાં ભારે છે ગોળ અને આ ધાણાં,
વીસ વરસથી ગુડ ગુડ કરતા, પેટમાં જાણે પાણા.
માત્ર સીડીમાં શોભે છે બસ મંડપ, મીઠા ગાણાં,
મીરાબાઈ તો સુખી સુખી છે, માથા ફોડે રાણા.
રામણ દીવડો થઇ આવશે, તારે ઘર અંધાર.
લગન કરી લે યાર.
શ્રી હરદ્વાર ગોસ્વામીનો સંપર્ક hardwargoswami@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સંકલન : દેવિકા ધ્રુવ / રક્ષા શુક્લ – સંપાદકો – પદ્ય વિભાગ
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com