વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : આસીઘાટ અને સારનાથ

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

રાતના સમયસર સૂવાનો પ્લાન હતો. આવતીકાલ સવારના દિવ્ય પ્રોગ્રામના વિચારો અને આજની ભવ્ય આરતીના વિચારોના તુમૂલ યુદ્ધમાં ક્યારે વિકેટ પડી ગઈ તેનો ખ્યાલ પણ આવ્યો નહીં !

વહેલી સવારે અંધારામાં જ ગાડી અમને આસીઘાટ મૂકી ગઈ. ‘સુબહ-એ-બનારસ’ નામનો સવારનો ભક્તિ-સંગીતનો પ્રોગ્રામ હતો. વહેલી સવાર હતી અને થોડી ઠંડી હતી  એટલે ભીડ ઓછી હતી. ધીમે ધીમે ભીડ વધતી ગઈ. લગભગ એક કલાક ભક્તિ-સંગીતની મઝા માણી  અમે ધન્ય થઈ ગયાં. પ્રોગ્રામ પત્યો ત્યાં તો ભીડ વધી ગઈ હતી. અમે બેઠાં હતાં ત્યાં જ આરતી થવાની હતી. ગઈ રાતની આરતી તો હજી આંખોમાં તાજી હતી અને ફરી પાછો એ જ અનુભવ! જો કે રાતના અંધારાને લીધે આરતી અને દીવાઓની જે ભવ્યતા લગતી હતી તે દિવસના અજવાળામાં ઝંખવાઈ જતી હતી. એ જ ગંગામૈયા,  એવા જ પૂજારીઓ, એવી જ આરતી, એવાં જ ભક્તો… પણ સંધ્યાઆરતીની તો જાણે વાત જ અલગ!

આરતી ચાલતી હતી ત્યાં જ અમે આસીઘાટ પરથી ઊતરી યજમાને મોકલેલ હોડીમાં નૌકાવિહાર માટે બેસી ગયાં. નદીમાંથી સવારની આરતીનો લાભ લીધો પણ સંધ્યાઆરતીની મઝા અને આભા તો કંઈક ઔર જ! હોડી ધીમે ધીમે ચાલતી હતી, મોં-સુંઝણું અજવાળું હતું, સૂર્યોદય થવાની તૈયારી હતી. ઠંડી પણ લાગતી હતી. વિચારતાં હતાં કે ગરમ-ગરમ ચા મળી જાય તો ભયો-ભયો થઈ જાય! ત્યાં તો આદુ અને ફુદીના વાળી ચા હાજર થઈ ગઈ! ગરમાગરમ ચા અને સાથે અતિસુંદર સૂર્યોદય! ગંગામૈયાના પવિત્ર નીરમાં નૌકા-વિહાર અને સાથે સૂરજના પાવનકારી કિરણોએ અમારી સુંદર પ્રભાતને અપ્રતિમ બનાવી દીધી! જો કે પછી અજવાળું અને તડકો બહુ જલદી થઈ ગયાં! તડકો આકરો લાગતો હતો.  થોડા ફોટા પાડી અમે ઘેર આવી ગયાં. આજે સાંજે અમે અમદાવાદ જવા રવાના થવાનાં હતાં, પણ આખા દિવસનો પેક પ્રોગ્રામ હતો એટલે નાસ્તો કરી યજમાનની ગાડી લઈ અમે નીકળી પડ્યાં.

સૌથી પહેલાં અમે બનારસ હિંદુ યુનિવર્સીટી (BHU) ગયાં. વારાણસી એટલે કે બનારસ ઉર્ફે કાશી સદીઓથી વિદ્યા-ધામ અને કળા-ધામ તરીકે પ્રખ્યાત છે. શહેરમાં ચાર ચાર યુનિવર્સીટી છે. ૧૯૧૬ થી કાર્યરત એવી બનારસ હિંદુ યુનિવર્સીટી મોટી અને વધુ લોકપ્રિય છે. રસ્તામાં અમને ડ્રાઈવરે આ યુનિવર્સીટીને લગતી ઘણી રસપ્રદ વાતો કરી. શિક્ષક, વકીલ,અખબારના એડિટર અને રાજકારણી એવા મહામના શ્રી મદનમોહન માલવિયાએ આ યુનિવર્સીટી બનાવવા ઘણી મહેનત કરી હતી. આ મહાકાર્ય પાર પાડવા માટે તેમને કાશી નરેશ, દરભંગા નરેશ, એની બેસન્ટ વગેરે મહાનુભાવોનો ભરપૂર સહકાર મળ્યો હતો. કહેવાય છે કે યુનિવર્સીટી બનાવવા માટે મોટી જગ્યા આપવાની  તેમણે કાશી નરેશને  વિનંતી કરી. રાજા પણ એવા મહાન કે તેમેણે વિનંતી સ્વીકારી કહ્યું કે એક આખા દિવસમાં જેટલું ચાલી શકાય તેટલું ચાલી યુનિવર્સીટી માટે જેટલી જોઈએ તેટલી જગ્યા લઈ લો! જો કે કાશી નરેશે તો ઘણી મોટી જમીન યુનિવર્સીટી બનાવવા માટે દાન કરી… ૧૩૬૦ એકર જમીન, જેમાં આવેલ ૧૧ ગામ, હજારો વૃક્ષો, કૂવા, કાચાં-પાકાં મકાનો, મંદિર, ધર્મશાળા વગેરે ઘણું બધું દાનમાં આપ્યું. માલવિયાજીએ યુનિવર્સીટીના દાન માટે આખા ભારતમાં ભ્રમણ કર્યું. એક વાર તેઓ હૈદરાબાદ નિઝામને મળવા ગયા. નિઝામે તો દાન આપવાનો  સ્પષ્ટ ઈનકાર કરી દીધો. વધુ આગ્રહ કરતાં, નિઝામે ગુસ્સે થઈ પોતાનું જૂતું માલવિયાજીને આપ્યું. માલવિયાજી ત્યારે તો અપમાન ગળી ગયા, પણ મહેલમાંથી બહાર આવી તેમણે નિઝામના જૂતાંની હરાજી બોલાવી. નિઝામ સુધી તરત વાત પહોંચી! નિઝામને પોતાના કર્યા પર શરમ થઈ અને મોટી રકમ દાનમાં આપી હરાજીમાંથી પોતાનું જ જૂતું પાછું લીધું! દંતકથાઓ સાંભળતાં સાંભળતાં અમે એક મોટા દરવાજામાં થઈ બનારસ હિંદુ યુનિવર્સીટીના મુખ્ય કેમ્પસમાં આવી લાગ્યાં. સરસ હરિયાળીવાળી વિશાળ જગ્યા છે. હાલમાં આ કેમ્પસમાં લગભગ નવથી દસ હાજર વિદ્યાર્થીઓ ભણે છે. રહેવા માટે ૬૦ જેટલી હોસ્ટેલની વ્યવસ્થા છે. કોમર્સ, આર્ટસ, સાયન્સ, ઈજનેરી, મેડિકલ, કમ્પ્યુટર સાયન્સ જેવી અલગ અલગ ઘણી ફેકલ્ટીમાં આશરે ૩૩૦ જેટલા કોર્સમાં  શિક્ષણ અપાય છે. ગાડીમાં બેઠાં બેઠાં કેમ્પસ ટુર લીધી. કમ્પ્યુટર સેન્ટર આગળ ગાડી થોભાવી નીચે ઊતર્યાં અને યુનિવર્સીટીની ખુલ્લી હવામાં ફરવાનો આનંદ માણ્યો!

યુનિવર્સીટીના એક ગેટની સામે TATA કેન્સર ઇન્સ્ટીટયુટ અને BHU ની સહાયતાથી વિશ્વસ્તરની એક મોટી હોસ્પિટલ બની રહી છે તે જોવા અમે ગયાં. બહુ મોટી હોસ્પિટલ અને અમારી પાસે માર્યાદિત સમય એટલે ત્યાં પણ કેમ્પસમાં આંટો મારી અમે બહારથી જ હોસ્પિટલ જોયાનો આનંદ લીધો. હજી અમારે એરપોર્ટ જતાં વચ્ચે બે સ્ટોપ કરવાનાં હતાં !

રાજેશના એક મિત્ર વર્ષો પહેલાં અહીં એક સુંદર અને નવા પ્રયોગથી ચાલતી  શાળા સાથે સંકળાયેલા હતા. તેઓ તો અત્યારે હયાત નથી, પણ કૃષ્ણમૂર્તિના વિચારો પર ચાલતી આ શાળા વિષે તેમની પાસેથી ઘણું સાંભળ્યું હતું. આ ટ્રીપમાં ત્યાં જવાશે તેવો અંદાજ હતો નહીં. ડ્રાઈવરને પૂછતાં લાગ્યું કે દસેક કી.મિ. વધારે ડ્રાઈવ કરવું પડશે પણ રાજઘાટ બેસન્ટ સ્કૂલ જઈ શકાશે ખરું. કોઈપણ અપોઈન્ટમેન્ટ વગર અને એકદમ કસમયે અમે સ્કૂલમાં જઈ પહોંચ્યાં. સ્કૂલનો ભણાવવાનો સમય પૂરો થઈ ગયો હતો અને વિદ્યાર્થીઓ ઘેર જવા નીકળી ગયાં હતાં. ઓફિસમાં જઈ  અમારો પરિચય આપ્યો, મિત્રની ઓળખાણ આપી. આચાર્ય જાતે અમારી સાથે આવ્યા અને ગંગાકિનારે આવેલ મોટી લીલીછમ સુંદર સ્કૂલ આખી ફરીને બતાવી. શાળાનો મોટો બગીચો મનોહર રંગીન ફૂલોથી ભરેલો હતો. ક્યાંય કચરો કે ગંદકીનું નામોનિશાન હતું નહીં. અમે તો કુદરતી સુંદરતા જોઈ ખુશ ખુશ થઈ ગયાં. આચાર્યએ સ્કૂલની ફિલોસોફી વિષે વાત કરી. આજની શિક્ષણ-નીતિ  વિષે, આજના યુવાધન વિષે, બાળઉછેર અને બીજા અનેક સાંપ્રત વિષયો પર  વાતો કરતાં કરતાં અમે શાળામાંથી નદી કિનારે જતાં રસ્તા પર ચાલતાં હતાં. મારું ધ્યાન વાતમાં હતું અને રસ્તામાં પથ્થર આવ્યો. ઠોકર વાગવાથી હું જોરથી નીચે પડી. તરત ઊભી થઈ શકી નહીં. બેઠો માર જ હતો. લોહી નીકળ્યું ન હતું. ડાબા હાથમાં સારું એવું વાગ્યું હતું. અમે શાળાની મુલાકાત ત્યાં જ પતાવી.

અમારી પાસે બે વિકલ્પો હતા : સીધાં જ એરપોર્ટ જઈ વિમાન આવે એટલી વાર ત્યાં જ  આરામ કરવો અથવા સારનાથ થઈ વિમાનના સમયે જ એરપોર્ટ જવું. સારનાથથી એરપોર્ટ ૧૩ કી.મિ. દૂર હતું અને રસ્તો એકદમ સરસ હતો. મને દુખતું તો હતું. પણ વિચાર્યું કે સારનાથ જઈએ  કે નહીં, દુખાવાનું તો છે જ અને આ સમય તો પસાર કરવાનો જ છે,  સારનાથમાં કે એરપોર્ટ પર! રાજેશે મને દુખાવો ઓછો કરવા પેઈન કીલર આપી દીધી અને અમે સારનાથ પહોંચ્યાં.

સારનાથ વિષે ઘણું સાંભળ્યું હતું. બુદ્ધ ધર્મનું આ મોટું ધામ કહેવાય છે. ભગવાન ગૌતમ બુદ્ધે જ્ઞાન-પ્રાપ્તિ પછીનું પહેલું વ્યાખ્યાન અહીં આપ્યું હતું જ્યાંથી ‘ધર્મચક્ર પરિવર્તન’ નો આરંભ થયો. હરણાંના જંગલમાં આ મનોહર અને પવિત્ર જગ્યા આવેલી હતી એટલે ‘સારંગનાથ’ નામ પડ્યું જે જતે દિવસે ‘સારનાથ’ થઈ ગયું. આપણું રાષ્ટ્રીય પ્રતીક અથવા રાષ્ટ્રમુદ્રા અશોક-ચક્રનું આ ઉત્પત્તિ  સ્થાન છે. અશોકસ્તંભ પર આવેલ સાત ફૂટ ઊંચું આ સિંહશિખર અત્યારે સ્તંભથી છૂટું પડી ગયું છે જે સંગ્રહસ્થાનમાં સાચવવામાં આવેલ છે. ચાર દિશામાં ચાર સિંહ અને ૨૪ આરાવાળા ચાર ધર્મચક્રો કોતરેલા છે. ગોળાકાર ફલક પર ચાર દિશાઓમાં હાથી, વૃષભ, અશ્વ અને સિંહ એમ ચાર બળવાન પશુઓની ગતિદર્શક આકૃતિઓ છે. ભગવાન બુદ્ધ પછી આશરે ૩૦૦ વર્ષ બાદ થઈ ગયેલ તેમના ચુસ્ત અનુયાયી સમ્રાટ અશોકનું આ રાજ્ય. ૧૯૦૫માં ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાએ  કરાવેલ ખોદકામમાંથી મળેલ અશોકના રાજ્યના ભવ્ય અવશેષો જેવા કે અશોક-સ્તંભ, સિંહ શિખર,અશોકના શિલાલેખ, અશોક ધમ્મકે સ્તૂપ, ચૌખંડી સ્તૂપ વગેરે  ઘણું બધું સરસ સચવાયેલું છે.  

પરદેશી યાત્રીઓ ઘણાં હતાં. અમે પહેલાં બુદ્ધના મંદિરના સંકુલમાં ગયાં. અનેક સોનેરી મૂર્તિઓ અને રંગીન મંડપોથી વાતાવરણ શોભતું હતું. ધૂપ અને અગરબત્તીની ફોરમથી પવિત્રતા પ્રસરી રહી હતી. ક્યારેક દર્શન કરવા લાઈનમાં ઊભા રહેવું પડતું, પણ વ્યવસ્થા બહુ સરસ હતી.

બુદ્ધ-મંદિરમાં દર્શન કર્યા બાદ અમે સારનાથ સંગ્રહાલયમાં ગયાં. દૂરથી જ મોટો સુંદર સ્તંભ દેખાતો હતો. સંગ્રહાલયના ગેટથી સ્તૂપ અને સ્તંભ સુધી લગભગ એકાદ કી.મિ.નું અંતર ચાલીને જ જવાનું હતું. ગેટ પાસે જ એક હોલમાં ખોદકામમાંથી મળેલ અવશેષોની માહિતી આપતું સરસ પ્રદર્શન હતું. સ્તૂપ સુધી જવાના રસ્તામાં પુરાતત્ત્વ ખાતાએ ખોદેલી અનેક અલભ્ય મૂર્તિઓ પ્રદર્શનમાં રાખેલી હતી. વળી આસપાસ બનાવેલો મનમોહક બગીચો લીલોછમ હતો અને અનેક રંગીન ફૂલોથી મહેકતો હતો. કુદરતની કરામત અને માણસની મહેનત તથા પ્રાચીન અને આર્વાચીન સમયની ખૂબીઓ બધું જાણે સાંપ્રતમાં સમાઈને બેઠું હતું! સારનાથની મુલાકાત બહુ જ રોચક રહી. હાથ દુખતો હતો પણ અમે એક પણ સ્થળ છોડ્યું નહીં.

સમય થતાં અમે એરપોર્ટ આવી ગયાં. મારો હાથ હવે બહુ દુખતો હતો. મારી હાલત સાચે જ ખરાબ થઈ ગઈ હતી. એરપોર્ટમાં અંદર આવીને તરત જ ડોક્ટર માટે તપાસ કરી. મને એમ કે અહીં એરપોર્ટ પર વળી કેવા ડોક્ટર? બુકશોપ પર પૂછ્યું તો દુકાનદારે કહ્યું : જુઓ, સામે પેલા પીળું શર્ટ પહેરીને ઊભા છે તે ડોક્ટર છે! રાજેશે એમને મળીને સહેજ વાત કરી. દૂરથી જ મને જોઈને તેમને ખ્યાલ આવી ગયો હશે. અમને એરપોર્ટ પરના મેડીકલ રૂમ પર લઈ ગયાં. પહેલાં તો પાણી સાથે દવા આપી મને શાંતિથી બેસાડી. આરામદાયક કપડાં પહેરી સ્વસ્થ થવાનું સૂચન કર્યું. અમે સ્વસ્થ થઈએ ત્યાં સુધીમાં તેઓ ગરમાગરમ કૉફી અને સાથે ઈલાસ્ટીક બેન્ડેજ અને ક્રીમ લઈ આવ્યા. મારો હાથ વાળીને તપાસી જોયો. સોજો ઘણો આવ્યો હતો. એમના અંદાજ મુજબ હેરલાઈન ફ્રેકચર હતું. ક્રીમ લગાડી આપ્યું. કામચલાઉ પાટો બાંધી આપ્યો. સિક્યોરીટીમાં વાત કરી મારા સરળ ચેક-ઈન માટે વ્યવસ્થા કરી. કોઈ પણ જાતની ઓળખાણ વગર ડોકટરે ઘરના જ એક સભ્ય હોય તે રીતે મારી સરસ સાર-સંભાળ લીધી. આપણે ત્યાં આજના સમયે પણ જાહેર-જગ્યાઓ પર આટલા સરસ અને સેવાભાવી ડોકટરો હોય છે તે અનુભવે અમારી ટ્રીપને વધુ યાદગાર બનાવી દીધી. એરપોર્ટ પરના તે  સેવાભાવી ડોકટરની બીજી કોઈ માહિતી તો નથી અમારી પાસે, પણ તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે! એરપોર્ટ પરથી જ અમદાવાદ મારા દિયર ડૉ. પરેશ સોમાણીને ફોન કરી દીધો એટલે આગળની વ્યવસ્થા પણ થઈ ગઈ.

વારાણસી એરપોર્ટ પર ડોકટરે પાટાપીંડી કરી આપી તેના લગભગ ચાર કલાકે અમે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં. મોના અને પરેશભાઈ અમને લેવાં આવ્યાં હતાં. એરપોર્ટથી નીકળી રાતના બાર વાગે સીધાં જ અમે શ્યામલ ચાર રસ્તા પર આવેલ પારેખ્સ હોસ્પિટલ ગયાં જ્યાં X-Ray વગેરે કરી પ્રાથમિક સારવાર બાદ અમે ઘેર ગયાં અને બીજા દિવસથી હાથના ફ્રેકચરની વ્યવસ્થિત સારવાર શરૂ થઈ!

વારાણસી અને કુંભ-મેળાની અમારી સફર બહુ જ સફળ અને આનંદદાયક રહી. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને અર્ચન, ગંગામૈયાની સંધ્યાઆરતી, ઘાટ પરનું ફરવાનું,  કુંજ ગલીઓમાં ભ્રમણ, કુંભ-મેળામાં સ્નાન, દ્રુપદ મહોત્સવ, ‘સુબહ-એ-બનારસ’નો લાભ, સવારની આરતી, નૌકા-વિહાર, બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની મુલાકાત, સારનાથ… ચાર-પાંચ  દિવસની કેપ્સ્યુલમાં બધું સરસ ગોઠવાઈ ગયું હતું! અમારા યજમાન હરીશભાઈ અને  એરપોર્ટના ડોકટરનો વિશેષ આભાર માનવો જ રહ્યો! કદાચ નજર ન લાગી જાય એટલે જ મને હાથનું ફ્રેકચર થયું હશે તેમ વડીલોનું કહેવું હતું!


યાત્રાની ઈતિશ્રી


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

13 comments for “વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : આસીઘાટ અને સારનાથ

 1. December 23, 2020 at 4:31 am

  કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને અર્ચન, ગંગામૈયાની સંધ્યાઆરતી, ઘાટ પરનું ફરવાનું, કુંજ ગલીઓમાં ભ્રમણ, કુંભ-મેળામાં સ્નાન, દ્રુપદ મહોત્સવ, ‘સુબહ-એ-બનારસ’નો લાભ, સવારની આરતી, નૌકા-વિહાર, બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની મુલાકાત, સારનાથ…
  વિશે જાણવાનું ગમ્યું

  • Darsha Kikani
   December 23, 2020 at 10:05 am

   Thanks, Rajul! We will meet again at some other interesting place in upcoming travelogue! Keep reading!

 2. Shobha Parikh
  December 23, 2020 at 6:55 pm

  ખૂબ સુંદર અને માહિતીસભર લેખ! લેખ વાંચતાની સાથે જ સ્વ. શ્રી રાજેશભાઈ દલાલની, તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વની અને તેમની સાથે થયેલ તત્વજ્ઞાનની વાતોની સ્મૃતિ તાજી થઈ ગઈ. તેઓ કાનપુરમાં કીકાણીભાઈ અને ભરતના સહાધ્યાયી હતા. હું માનું છું કે એમણે જ્યાં કામ કર્યું હતું તે સંસ્થાની તમે મુલાકાત લીધી હશે. વારાણસી વિશે ઘણું જાણવા મળ્યું. આભાર.

  • Darsha Kikani
   December 23, 2020 at 8:29 pm

   Thanks, Shobha! Yes, we visited that school. Very beautiful place! 🥰
   Sarnath is equally beautiful and very interesting place.

 3. Mona
  December 23, 2020 at 8:28 pm

  વારાણસી નુ ખૂબ જ રસપ્રદ આલેખન. કુંભમેળા વિશે વાંચવાની મઝા આવી. પ્રવાસનની એક અનોખી ફ્લેવર. આ શુંખલા માં ત્રણ જ મણકા હતા એટલે ત્રણેય મણકા સાથે મમળાવીને વારાણસીના પ્રવાસન જીવંત થતો અનુભવ્યો.

  • Darsha Kikani
   December 23, 2020 at 8:33 pm

   Yes, Varanasi was a short but very sweet and memorable visit. We need more time…. There is so much to visit and experience, the holy river, ⛵ ride, temples, evening and morning Aarti, ghats, chats, shopping…. The list is endless!!

   • Nalini Mankad
    December 28, 2020 at 1:43 pm

    Enjoyed reading through your short and sweet tour of Varanasi.You were able to cover almost everything .Waiting for your next.

    • Darsha Kikani
     December 29, 2020 at 8:38 am

     Thanks, Nalini! We liked Varanasi very much! And yes, do read the next travelogue for another exciting destination!

 4. Jayendra Shah
  December 29, 2020 at 6:44 am

  Darsha & Rajesh,
  Really enjoyed this narrated episode too. Whole tour is very nicely written.

  Very happy to know that you had a beautiful tour of Varanasi, Kumbh Mela, School, Sarnath, etc.
  Sorry to hear about your injury but God had sent you a nice doctor at the airport.

  • Darsha Kikani
   December 29, 2020 at 8:40 am

   Thanks, Jaybhai! Yes, Varanasi is beautiful! We really enjoyed the short but memorable tour!

 5. Toral
  December 31, 2020 at 4:54 am

  What a memorable visit to Varanasi! Thank you for lots of information about Mandirs, Aarti, Kumbhamela, university & Sarnath. You really had an excellent host.👍

  • Darsha Kikani
   January 2, 2021 at 10:05 pm

   Thanks, Toral! Yes, our host was really resourceful and he never said No for anything. Absolutely service oriented!

 6. Kush Dalal
  January 8, 2021 at 12:11 pm

  Very very interesting n detailed n lucid description of Varanasi…hearty Congratulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *