બાળવાર્તાઓ : ૨૩ – સંતોષ અને આનંદનાં આંસુ

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

સાકેત અને ગૌતમ બંને છઠ્ઠા ધોરણમાં ભણતા હતા. સાકેતના પિતાની સ્થિતિ સામાન્ય હતી, જ્યારે ગૌતમ તો ખૂબ ગરીબ હતો. સાકેત જે શેરીમાં રહેતો હતો તે જ શેરીમાં સૌથી છેવાડે આવેલી એક ઓરડીમાં ગૌતમ એની મા સાથે રહેતો હતો. એના પિતા મૃત્યુ પામ્યા હતા. એને ચાર વર્ષની બહેન હતી. ગૌતમની મા માંદીસાજી રહેતી, છતાં એ પારકા ઘરનાં કામ કરીને ગુજરાન ચલાવતી હતી. આવી સ્થિતિમાં પણ એમને ગરીબી અંગે કશી જ ફરિયાદ નહોતી.

        ગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ દર વર્ષે એના વર્ગમાં પ્રથમ આવતો. એ ભણવાની સાથે સમય મળે ત્યારે માને કામમાં મદદ કરતો. સવારે વહેલો ઊઠી ગામમાં છાપાં આપવા જતો. રજાના દિવસે કે વેકેશનમાં એ ચાની કીટલી પર કામ કરવા જતો. શાળામાં પણ એ ભલો અને એનો અભ્યાસ ભલો. એણે કોઈ દોસ્ત બનાવ્યા નહોતા. એ જાણતો હતો કે ગરીબ લોકોને બધા તુચ્છ નજરે જોતા હોય છે. એ કોઈની પાસેથી કોઈ પણ વસ્તુ માગતો નહીં કે લેતો નહીં. એ ખૂબ સાદાઈથી, છતાં સુઘડ રીતે રહેતો હતો. એને જોઈને કોઈને ખબર પણ ન પડે કે એ આટલો ગરીબ હશે.

        ગૌતમ અને સાકેત વર્ગમાં એક જ બેન્ચ પર બાજુબાજુમાં બેસતા. સાકેત ભણવામાં મધ્યમ હતો. એને આગળના ક્રમે આવવું હતું. એ પૂરતું ધ્યાન આપીને નિયમિત અભ્યાસ પણ કરતો હતો, છતાં એ આગળ વધી શકતો નહોતો. એને ગૌતમ માટે માન હતું. એને લાગતું કે જો હું ગૌતમ જોડે રહીને અભ્યાસ કરું તો મને ચોક્કસ લાભ થાય. પરંતુ ગૌતમ જે પ્રકારનો હતો તે જોતાં એ એને પોતાના મનની વાત કહેતાં મૂંઝાતો હતો. બહુ વિચાર્યા પછી એક દિવસ એણે ગૌતમને કહી જ દીધું: “ગૌતમ, તું જાણે છે કે હું કેટલી મહેનત કરું છું, છતાં જોઈએ તેવું પરિણામ આવતું નથી. મને ખાતરી છે કે જો હું તારી સાથે રહીને ભણું તો મને ચોક્કસ લાભ થાય .”

ગૌતમે જવાબ આપ્યો: “હું જાણું છું કે તું ખૂબ મહેનતુ છે. હું તને અભ્યાસમાં મદદ કરવા તૈયાર છું.”

એ દિવસથી બંને જણ દરરોજ શાળામાંથી છૂટ્યા પછી સાકેતને ઘેર અભ્યાસ કરવા લાગ્યા. સાકેતને ગૌતમ પાસેથી અભ્યાસ કરવાની સાચી પદ્ધતિ શીખવા મળી. ધીરેધીરે એનું પરિણામ સુધરવા લાગ્યું. ગૌતમ ક્યારેય સાકેતને ઘેર કશું ખાતોપીતો નહીં. સાકેતની મમ્મી પણ ક્યારેક એને આગ્રહ કરતી ત્યારે એ કહેતો: “ના, હું ઘરની બહારનું કશું ખાતો નથી.” એની મક્કમતા જોઈને સાકેતના મનમાં ગૌતમ માટે માન વધી જતું.

        એક દિવસ ગૌતમની બહેન બીમાર પડી. એની તબિયત વધારે બગડી. એને સારા ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર હતી. તેથી માએ ગૌતમને કહ્યું: “બેટા, આજે સાંજે બબલીને ડૉક્ટર પાસે લઈ જશું ત્યારે એમને સો રૂપિયા જેટલી ફી આપવી પડશે. મારી પાસે તો પચીસ-ત્રીસ રૂપિયાથી વધારે નથી. હું જેમને ઘેર કામ કરું છું તે બધા પાસેથી મેં પહેલેથી ઉધાર પૈસા લઈ લીધા છે. એ લોકો હવે વધારે ઉધાર આપે એવા નથી. એક રેવાબેન બહુ સારાં છે. એમની પાસેથી પેસા મળી શકે, પણ એ બે દિવસ માટે બહારગામ ગયાં છે,” પછી એણે ખચકાતાં ખચકાતાં ઉમેર્યું, “તું તારા દોસ્ત સાકેતને ઘેરથી બે દિવસ માટે પૈસા ઉધાર ન લાવી શકે?”

        માની મૂંઝવણ જોઈને ગૌતમ બોલ્યો: “મા, તું ચિંતા ન કર, હું સાકેત પાસેથી પૈસા લઈ આવીશ.” 

ગૌતમે માને આવો જવાબ તો આપી દીધો, પણ એ જાણતો હતો કે એ સાકેત પાસેથી પૈસા માગી શકશે નહીં. રોજની જેમ એ સાકેતને ઘેર ગયો, પરંતુ આજે એનું ધ્યાન અભ્યાસમાં ચોંટતું નહોતું. સાકેતને પણ એનો ખ્યાલ આવી ગયો.

એણે ગૌતમને પૂછ્યું: “શું થયું છે? તું આજે કશી ચિંતામાં છે?” ગૌતમે સાકેતની વાત ઉડાવી નાખતાં કહ્યું: “ના, ના…એવું કંઈ નથી…”

ત્યાં જ ગૌતમની નજર તેઓ બેઠા હતા તેની બાજુમાં આવેલા ગોખલામાં ગઈ. ત્યાં ડબી નીચે સો રૂપિયાની નોટ પડી હતી. ગૌતમના મનમાં ઊથલપાથલ મચી ગઈ. એ શું કરવું તે નક્કી કરી શક્યો નહીં. એણે એકદમ સાકેતને કહ્યું: “એક ગ્લાસ પાણી આપશે?” સાકેત પાણી લેવા રસોડામાં ગયો તે સાથે જ ગૌતમે જલદીજલદી ઊભા થઈ સો રૂપિયાની નોટ ઉપાડીને ચડ્ડીના ગજવામાં મૂકી દીધી. સાકેત પાણી લાવ્યો. ગૌતમ પાણી ઝડપથી ગટગટાવી ગયો. પછી એ સાકેત સાથે નજર મેળવ્યા વિના અચાનક ઊભો થયો અને બોલ્યો: “આજે તબિયતમાં મજા નથી, હું ઘેર જાઉં છું. કાલે આવીશ.” એટલું બોલી એ ઝડપથી બહાર નીકળી ગયો.

ઘેર પહોંચીને માને સો રૂપિયા આપતાં એ બોલ્યો: “મા, હું મારા દોસ્ત સાકેત પાસેથી ઉધાર લાવ્યો છું. મેં એને કહ્યું છે કે બે-ત્રણ દિવસ પછી પાછા આપી દઈશ. ચાલ, હવે બહેનને ડૉક્ટર પાસે લઈ જઈએ.”

આમ બહેનની સારવાર તો થઈ ગઈ, પરંતુ ગૌતમને કોઈ વાતમાં ચેન પડતું નહોતું. તે રાતે એ જમ્યો પણ નહીં અને ઊંઘી પણ શક્યો નહીં. એને પોતે કશુંક ખોટું કર્યું છે તેવો ચચરાટ થયા કરતો હતો.

ગૌતમ ગયો પછી સાકેતને પણ મજા નહોતી આવતી. એ જાણી ગયો હતો કે આજે ગૌતમ કશીક મૂંઝવણમાં હતો. સાંજ પડી ત્યારે ગૌતમનાં મમ્મી-પપ્પા બહારથી આવ્યાં. રાતે બધાંએ જમી લીધું પછી સૂવા જતાં પહેલાં સાકેતની મમ્મીને એકદમ યાદ આવ્યું. એણે સાકેતને પૂછ્યું: “બેટા, ધોબી આવ્યો હતો?”

સાકેતે જવાબ આપ્યો: “ના, નથી આવ્યો.” એનો જવાબ સાંભળી સાકેતની મમ્મી સો રૂપિયા લેવા બહાર આવી. પરંતુ પૈસા એની જગ્યાએ નહોતા. એણે બૂમ પાડીને પૂછ્યું: “ સાકેત, સો રૂપિયાની નોટ ક્યાં? તેં રાખી છે?” સાકેતે પૂછ્યું: “કઈ નોટ, મમ્મી?” મમ્મી અધીરાઈથી બોલી: “કેમ, ધોબીને આપવાની હતી તે? હું અહીં ડબી નીચે રાખી ગઈ હતી. તને કહ્યું પણ હતું. પૈસા તો અહીં નથી!” સાકેતે કહ્યું: “ત્યાં જ હશે, જો બરાબર.”

એ પણ મમ્મીની સાથે પૈસા શોધવા લાગ્યો, પરંતુ સો રૂપિયાની નોટ ક્યાંય દેખાઈ નહીં. મમ્મીએ ધીરજ ગુમાવી દીધી. એ સાકેતને જાતજાતના સવાલો પૂછવા લાગી: “ઘરમાંથી પૈસા જાય ક્યાં? કોઈ આવ્યું હતું ઘરમાં?” સાકેત બોલ્યો: “ના, ઘરમાં બીજું કોઈ નથી આવ્યું.” મમ્મીને એકદમ યાદ આવતાં એણે પૂછ્યું: “ગૌતમ તો આવ્યો હશેને લેસન કરવા?”

તે સાથે જ સાકેતના મગજમાં આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. ગૌતમની મૂંઝવણ, એનું પાણી માગવું, પાણી ગટગટાવીને પી જવું અને પછી તરત એનું ચાલ્યા જવું… વળી સાકેતે પોતે પણ એ નોટ ડબી નીચે જોઈ હતી. એને ખાતરી થઇ ગઈ કે સો રૂપિયાની નોટ ગૌતમ જ લઈ ગયો છે. પરંતુ એ માનતો હતો કે ગૌતમ એવું કરે તો નહીં. ચોક્કસ કોઈ ગંભીર બાબત હોવી જોઈએ. એવું વિચારી એ બોલ્યો: “ના, મમ્મી, આજે ગૌતમ આવ્યો જ નથી.” ફરીથી મમ્મીનો ધારદાર પ્રશ્ર્ન આવ્યો: “તો સોની નોટ જાય ક્યાં?”

એટલામાં સાકેતના પપ્પા અંદરથી બહાર આવ્યા.એમણે કહ્યું: “શું છે આ બધી ધમાલ? અત્યારે રાતે આટલી બધી બૂમાબૂમ શું કરે છે? સવારે બરાબર જોઈ લેજે. અત્યારે સૂવાનું કરો.” અંદર જતાં પહેલાં મમ્મી સાકેતને આડી આંખે જોતી હતી. સાકેત સમજી ગયો કે મમ્મીને હવે એના પર વહેમ આવશે. બન્યું પણ એવું જ. થોડીવાર પછી સાકેત ઊંઘી ગયો છે એવું ધારીને મમ્મી ચિંતાભર્યા સ્વરમાં પપ્પાને કહેતી હતી: “તમે ગુસ્સે ન થતા, પણ મને થાય છે કે આ પૈસા સાકેતે તો નહીં લીધા હોયને? એનાથી કશુંક ખોટું કામ થઈ ગયું હોય અને…”

“તું અત્યારે રાતે ખોટા વિચારો કરવાનું છોડી દે. તું સૂઈ જા અને મને પણ સૂવા દે,”  પપ્પાએ કહ્યું.

બીજે દિવસે સાકેત કશું બોલ્યા વિના શાળાએ ગયો. મમ્મીએ પણ એની સાથે ખાસ વાત ન કરી.  ગૌતમ શાળામાં આવ્યો નહોતો. સાકેતને એની ચિંતા થવા લાગી. એને ગૌતમની તપાસ કરવા જવાનું મન થયું, પણ પછી વિચાર્યું કે એ બરાબર નહીં થાય, બે-ચાર દિવસ જવા દે, પછી વાત. ગૌતમ સાકેતને ઘેર પણ આવ્યો નહીં. સાકેતે જોયું કે મમ્મીએ એનાં પુસ્તકો રાખવાનો ગોખલો ફેંદ્યો હતો.  સાકેતને ખાતરી થઈ ગઈ કે એ એને વહેમની નજરે જોઈ રહી હતી.

સાંજે સાકેત ઘેર નહોતો ત્યારે એની મમ્મીએ પપ્પાને કહ્યું: “તમે કહો કે ન કહો, મને તો હવે સાકેત પર જ વહેમ જાય છે. ઘરમાં બીજું કોઈ તો આવ્યું નથી. મેં આજે બધે જ શોધ્યું, પણ ક્યાંય સોની નોટ દેખાઈ નથી. મને પૈસા જાય તેનો અફસોસ નથી, પણ આપણો દીકરો કોઈ ખરાબ સોબતમાં…” એટલું બોલતાં એ રડી પડી.

પપ્પાએ એને શાંત પાડતાં કહ્યું: “તું થોડી ધીરજ રાખ. આપણને આપણા દીકરા પર વિશ્ર્વાસ હોવો જોઈએ. ધાર કે એનાથી કશું ખોટું થઈ ગયું હોય તો પણ એ આજ ને આજ કબૂલ કરશે નહીં. બે-ચાર દિવસ પછી આરામથી એની સાથે વાત કરશું ને સાચી હકીકત જાણી લેશું.” એ જ વખતે સાકેત બહારથી ઘરમાં આવી રહ્યો હતો. એણે મમ્મી-પપ્પા વચ્ચે થતી વાત સાંભળી લીધી હતી.

બીજે દિવસે પણ ગૌતમ દેખાયો નહીં. એ પણ બે દિવસથી ઘરમાં ને ઘરમાં બેચેની સાથે બેસી રહ્યો હતો. એની મા જાણતી હતી કે એનો દીકરો ખૂબ સ્વમાની છે. એ જ્યાં સુધી એના દોસ્ત પાસેથી ઉધાર લીધેલા પૈસા પાછા નહીં આપે ત્યાં સુધી એ એને મોઢું બતાવશે નહીં. તેથી રેવાબહેન બહારગામથી પાછાં આવ્યાં તે સાથે એ એમની પાસેથી પૈસા લઈ આવી અને ગૌતમને આપતાં કહ્યું: “લે, બેટા, આ સો રૂપિયા. રેવાબેન પાસેથી લાવી છું. તારા મિત્રને આપી દે અને એનો આભાર માનજે.”

આ બાજુ સાંજે સાકેતના પપ્પા ઘેર આવ્યા ત્યારે પત્નીનું ચિંતાભર્યું મોઢું જોઈ એમણે સાકેત સાથે વાત કરવાનું નક્કી કર્યું. એમણે પત્ની અને સાકેતને અંદરના રૂમમાં બોલાવ્યાં. પપ્પાએ કહ્યું: “બેસ, બેટા.” સાકેત નીચું જોઈ બાજુમાં બેઠો. વાતની શરૂઆત ક્યાંથી કરવી તે વિશે પપ્પા વિચારતા હતા ત્યાં જ ડોરબેલ વાગ્યો. મમ્મી દરવાજો ખોલવા ગઈ. સામે ગૌતમ ઊભો હતો. એને જોઈને એ બોલી: “સાકેત, ગૌતમ આવ્યો છે.”

ગૌતમ તરત બોલ્યો: “આન્ટી, મારે સાકેતનું તો ખરું, તમારું પણ કામ છે.”

 ગૌતમનો અવાજ સાંભળી સાકેત દોડતો બહાર આવ્યો. મમ્મીએ કહ્યું: “મારું પણ કામ છે? તો અંદર આવ.” બધાં સાકેતના પપ્પા બેઠા હતા ત્યાં ગયાં. સાકેતના હૃદયના ધબકારા વધી ગયા હતા. ગૌતમ સાકેતનાં માતાપિતાને પગે લાગ્યો, પછી બોલ્યો: “મેં એક અપરાધ કર્યો છે અને હું તમારા ત્રણેયની માફી માગવા આવ્યો છું. મારી પૂરી વાત સાંભળ્યા પછી તમે મને જે સજા કરશો તે ભોગવવા હું તૈયાર છું.”

સાકેતનાં મમ્મી-પપ્પા આશ્ર્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યાં. સાકેત ચકળવકળ આંખે બધાંને જોતો રહ્યો. ગૌતમ આગળ બોલ્યો: “બે દિવસ પહેલાં હું અહીં ભણવા આવ્યો ત્યારે તમારે ત્યાંથી સો રૂપિયાની નોટ લઈ ગયો છું.” પછી એણે રડતાં રડતાં બધી વાત કહી. “મારી મજબૂરી હતી તેથી મેં એ કામ કર્યું. એ પૈસા હું આજે પાછા આપવા આવ્યો છું, પણ મેં ચોરી તો કરીને? હવે તમારે મને જે સજા કરવી હોય તે કરો.”

મમ્મીએ સાકેતને પૂછ્યું: “બેટા, તેં તો કહ્યું હતુંને કે ગૌતમ તો આવ્યો જ નથી?” સાકેતે ગૌતમ સામે જોયું. ગૌતમ સમજી ગયો. એ બોલ્યો: “આન્ટી, સાકેત મને બચાવવા જૂઠું બોલ્યો છે.” એને વચ્ચેથી અટકાવીને સાકેતે કહ્યું: “તને બચાવવા માટે નહીં, પણ હું તારી ખાનદાનીને જાણું છું, તે કારણે હું ખોટું બોલ્યો હતો. હું તો ત્યારે જ સમજી ગયો હતો, પણ મને થયું કે તને આવું કરવું પડ્યું એ પાછળ કોઈ મોટી મજબૂરી હશે. હું મારા આવા ઉમદા દોસ્તની છાપ મારાં માતાપિતા પાસે બગાડવા માગતો નહોતો. મમ્મી- પપ્પા, હું જૂઠું બોલ્યો તે માટે તમારી માફી માગું છું.” સાકેતની વાત સાંભળી ગૌતમની આંખમાં પાણી આવી ગયાં.

આટલી વાર સુધી શાંત બેઠેલા સાકેતના પપ્પા ઊભા થયા. એમણે ગૌતમના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા: “ગૌતમ, તું ખરા સમયે આવ્યો અને અમને મોટો અપરાધ કરતાં બચાવી લીધાં.”

સાકેતની મમ્મી બોલી: “અમને નહીં, મને અપરાધ કરતી બચાવી એમ કહો. સાકેત, મને તારા પર શંકા ગઈ હતી. અમે તને તે વિશે પૂછવા માટે જ બોલાવ્યો હતો. સારું થયું કે ગૌતમ સમયસર આવી ગયો અને અમને સાચી વાતની ખબર પડી ગઈ.” સાકેતે કહ્યું: “ના, મમ્મી, તેં કશું જ ખોટું કર્યું નથી. કોઈ પણ મા એનાં સંતાનમાં દુર્ગુણ ન આવે એવું જ ઇચ્છતી હોય. તારી ચિંતા જરા પણ ખોટી નહોતી.”

ગૌતમ બે હાથ જોડીને બોલ્યો: “જે હોય તે, પરંતુ મેં ચોરી કરી છે, તે માટે મને સજા તો થવી જ જોઈએ.” સાકેતે પણ કહ્યું: “હું જૂઠું બોલ્યો તેની મને પણ સજા થવી જોઈએ.”

એ સાંભળીને એનાં મમ્મી-પપ્પા એકીસાથે બોલી ઊઠ્યાં: “અમારા આવા સંસ્કારી દીકરા પર અમે શંકા કરી એ વાતની અમને પણ સજા થવી જોઈએ.”

તે સાથે બધાં હળવાં થઈ ગયાં. સાકેતના પપ્પાએ કહ્યું: “સાકેત, મને અને તારી મમ્મીને તારા માટે તો ગર્વ થાય જ છે, સાથે તારો દોસ્ત પણ આટલો ઉમદા છે એનો અમને વિશેષ આનંદ છે. માતાપિતા માટે સંતાન તરફથી આનાથી ઉત્તમ ભેટ બીજી કઈ હોઈ શકે?”

બધાંની આંખોમાં આંસુ હતાં, પરંતુ એ આંસુ અપરાધનાં નહીં, સંતોષ અને આનંદનાં હતાં.

***

1 comment for “બાળવાર્તાઓ : ૨૩ – સંતોષ અને આનંદનાં આંસુ

  1. December 24, 2020 at 8:30 am

    સરસ વાર્તા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *