બંદિશ એક, રૂપ અનેક (૭3): “જાને કયું આજ તેરે નામ પે રોના આયા…”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

“આજે સવારના પહોરમાં ગીતની એક કડીએ મને ઊંઘમાંથી જગાડી દીધો – “જાને  ક્યું આજ તેરે નામ પે રોના આયા”. એ ગીત  બેગમ અખ્તરના સૂર પહેરી, ઓઢીને આવ્યું હતું. ચારપાંચ વરસ પહેલાં એ ગીત સાંભળતાં રોક્યાં રોકાય નહિ એવા આંસુથી મારું ઓશીકું ભીંજાયું હતું. 

બેગમસાહેબાનું અવસાન થયું તે રાત્રે, એમના સૂરોના શ્રવણથી ધન્ય થયેલા કૃતજ્ઞ રસિકજનોએ એમને રેડીઓ મારફતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. દરેક જણ ભરાયેલા હૈયે, મોં વાટે બે શબ્દો બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.  સાંભળતાં   સાંભળતાં  હૈયું ભરાઈ આવતું હતું. છેવટે અચાનક  બેગમસાહેબાના ગળામાંની  એ ગઝલ રેકર્ડમાંથી ઊમટી રહી…..

“અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા.
જાને કયૂં આજ તેરે નામ પે રોના આયા…”

ત્યાં સુધી તો આંસુનો બંધ મેં ફૂટવા દીધો નહોતો. પાંચ દાયકા વટાવી ચૂકેલા મારા જેવા માણસને એ ગ઼ઝલ સાંભળીને આટલું હીબકે હીબકે રડવાની કોઈ જરૂર ન હતી. આંખોમાંથી વહી રહેલી એ ધારાની મને પણ નવાઈ થતી રહી હતી.

એ ગ઼ઝલ લખનારા શકીલ આજે હયાત નથી અને એ કડીએ કડી આંસુથી ભીંજવીને ગાનારાં બેગમ અખ્તર પણ નથી. તોયે અંદર રૂંધાયેલાં આંસુ માત્ર અચાનક સરવા માંડે છે.  આરસપહાણ સિવાય બીજા કોઈ પણ પથ્થર વડે તાજમહાલના ચણતરની કલ્પના જ થઈ શકતી નથી. તેવી જ  રીતે કેટલીક ગઝલો બેગમ અખ્તરના સિવાય બીજા કોઈના અવાજમાં સ્વીકારવી જ અશક્ય લાગે છે.

બેગમ અખ્તરના ગાનનો મેળાપ આમ અચાનક થઈ ગયો હતો. ઘણાં વર્ષો પહેલાની વાત છે. મુંબઈ નું રેડીઓ સ્ટેશન એ વખતે બેલાર્ડ પિયર પાસેના એક મકાનમાં હતું. એક મોટો એવો હૉલ. એને અડીને જ એનાઉન્સરનો ઓરડો. ગીતો, સંગીતિકા, ભાષણો બધા જ કાર્યક્રમો એ એક જ હૉલમાંથી થતા. પાસે જ બુખારી સાહેબની ઑફિસ. હૉલ ની બહાર, કાર્યક્રમ માટે આવનાર લોકોને બેસવાના ઓરડામાં એક ટેબલ પર રેડીઓ સેટ હોય. સાલ ૧૯૩૨ની આસપાસની વાત. ખેડૂતોના કાર્યક્રમોમાં ગીત – ભજન વગેરે ગાવા માટે, તો ક્યારેક વળી વચ્ચે કોઈ એક નાટીકા માં કામ કરવા માટે મારે જવાનું થતું. પાંચ રૂપિયાની કડકડતી નોટ મળતી. પણ આકર્ષણ હતું પેલા ઓરડામાંના રેડીઓનું. એ વખતે પાર્લા માં બહુ બહુ તો ચાર-પાંચ ઘરમાં રેડીઓ હશે. આ બાજુ રેડીઓ સ્ટેશન પર શમસુદ્દીનખાં સાહેબ, કામુરાવ મંગેશકર, રત્નકાન્ત રામનાથકર, ગોવિંદ યલ્લાપુરકર, નિમકર એનાઉન્સર, એકાદ બે સારંગીયા એવા લોકોની મંડળી રહેતી. અમે બધા રેડીઓ સ્ટાર હોવાથી રેડીઓ સ્ટેશન મારે માટે ત્યાં પ્રવેશ ખુલ્લો હતો.

એક દિવસ જોઉં છું તો રેડીઓ સામે  બુખારી સાહેબ પોતે ઊભા છે અને એમની આજુબાજુ ઘેરાયેલા બધાજ બજવૈયા. રેડીઓ પરથી અફલાતૂન ગઝલ ચાલી રહી હતી. ગાનારી બાઈ “અખ્તરી ફૈઝાબાદી” છે એવું જાણવા મળ્યું. અતિતારના  સુરે અવાજ થોડોક ફાટતો અને  બુખારી સાહેબથી માંડી બધાની “વાહ વાહ”, “સુભાનલ્લા” કહેતા દાદ મળતી. એટલામાં શરુ થયું “દીવાના બનાના હૈ તો દીવાના બના દે“, અને  અખ્તરીબાઈ  ફૈઝાબાદી નામ અને સૂરોનાં છૂંદણા મનમાં ત્રોફાઈ ગયાં.
જિન્દગીમાં ગાનસૃષ્ટિના ત્રણ માણસો મને એવા મળ્યા કે એ લોકો ફક્ત ગાવા માટે જ ગાતા હતા. એમને ઘરાણું સિદ્ધ કરવું નહોતું. પોતાની કરામત બતાવવાની નહોતી. કોઈને માત કરવાના નહોતા. એક બાલ ગંધર્વ, એક બરકતઅલી અને એક બેગમ અખ્તર. એમના ગાનમાંથી ગાયકી ક્યારેય છૂટી નથી. એમના ગળામાંથી નિરંતર લહેરાયયેજતું ગાયન સ્વયંભૂપણે જ બહાર આવતું. કોઈ જાતનો આડંબર નહિ. કોઈ પણ પરંપરાને આગળ લઈ જવાની નહોતી. આ બાજુ ભલભલા તબલચીઓ પોતાની મુશ્કેલ કરામત બતાવી રહ્યા છે, જાતજાતની લગ્ગીચાટ થઈ રહી છે. અને બેગમ અખ્તરના શબ્દો હળવેકથી આવીને ઝૂલતી ડાળી પર બેસનારાં પંખીડાંની જેમ પડાવે પહોંચે છે.

બેગમ અખ્તર, બરકત અલી અને બાલગંધર્વના સૂરોની લગની પાછળ તો, માડમૂળકરની ભાષામાં કહીએ તો, અમારા ‘કાનના મધુકર’ ભટકતા હતા એવો એ કાળ. જિંદગીમાં એવા હાંડી-ઝુંમર જેવા ઝગમગનારાં ગાન ઘણાં સાંભળ્યાં. મંજીખાં, કેસરબાઈ, વઝેબુવા, ફૈયાઝખાં સાહેબ, અબ્દુલકરીમખાં, બડે ગુલામ અલી, ઉમેદભીના નિસાર હુસેનખાં, “આવું ગાનવૃક્ષ ઊભું કરવું જોઈએ.” કહેનારા બાલકૃષ્ણબુવા ઇચલકરંજીકરની અપેક્ષા પૂરી કરનારા ગાયકો સાંભળ્યા. આ લોકો સાચે જ એક એક રાગ કોઈ એક વૃક્ષ જેવો જ ઊભો કરતા. આ તપસ્યાનો વૈભવ જોઈને અચંબો થતો. એમના તંબૂરાની ખોળ કાઢવાનું માન મળે તોય ધન્યતા થઈ આવતી. એની સામે બેગમ અખ્તર, બરકત અલી અને હાફ પેન્ટ તથા ખુલ્લા ગળાનું શર્ટ પહેરીને મહેફિલમાં જનારા બાલગંધર્વ. આ બધાંમાં ગાયક અને સંગીત જુદું પાડી જ ન શકાય.

આ લોકો ખુદ સંગીત બની જતા.

સ્ટેજ પર તબલાંપેટી વાદકો  સાથે સાદા શર્ટ-પાયજામો પહેરીને બરકત અલી આવ્યા. પળવારમાં તો તબલાં મેળવાયાં અને ગાન શરૂ થયું. એ સમયે એમના ”બાગ મેં પડે ઝૂલે” એ અમારા પ્રાણ હરી લીધા હતા.

નારાયણરાવ બાલગંધર્વનું, પણ તેવું જ. તબલાંએ સૂરો સાથે સંગત કરી અને વિલંબિત અને પછી દ્રુત ગાન શરૂ. કોઈની દાદ આવે છે કે નહિ, સાંભળનારા જાણકાર : કે અજાણ એની, કોઈ પરવા જ નહિ. બેગમ અખ્તર ગાવા લાગે કે એ જ ગત.  જાણકારોની દાદ મળી, ન મળી ત્યાં તો હાથની જોડાયેલી આંગળીઓ ઝૂકેલી ગરદન તરફ ગયા વિના રહેતી નહિ.

જેમને પંઢરપુર જવા મળતું નથી તેવા શ્રદ્ધાળુઓ ત્યાંથી પાછા આવનારા જાત્રાળુઓને બાથ ભરીને પ્રભુ સાથે ભેટો થઈ ગયાની ભૂખ શમાવી લે છે. મારી યુવાનીમાં મને લખનૌનું ભારે ખેંચાણ હતું. પણ પાર્લાથી ગિરગામ જવાનું કહીએ ત્યારે ટિકિટના ચાર-આઠ આના દસ વાર ગણી જોવાના તે દહાડા. તો વળી, લખનૌ તો ક્યાંથી જવાના ? અમારા નસીબે તો કોકના ઘરે હોય એવી વાજાથાળી.. અને એવા વખતે તો નાદબ્રહ્મથી અધિક આવશ્યક એવા અન્નબ્રહ્મની શોધમાં હું પુણે આવ્યો હતો. લખનૌને પવિત્ર ધામ માનનારો મધુકર ગોળવલકર મને ત્યાં મળ્યો. હું, મધુકર અને વસંતરાવ દેશપાંડે : બેગમ અખ્તરની રેકૉર્ડોએ અમારી કેટકેટલી રાત્રીઓ રોશન કરી એનો હિસાબ નથી. લખનૌમાં મધુએ બેગમસાહેબની મહેફિલમાં સારંગીની સંગત કરી હતી. લખનૌ રેડિયો પર તેણે નોકરી કરી હતી. બનારસ હિંદુ વિદ્યાપીઠમાં એન્જિનિયર થવા ગયેલો, જબલપુરના મોટા રઈસ એવા ગોળવલકર ખાનદાનનો મધુ, બેગમ અખ્તરના સૂરોનો સારંગિયો થઈ બેઠો હતો. આવા હિસાબકિતાબ સાવ જુદી જ ભાષામાં લખાતા  ના હોય છે.

‘દીવાના બનાના હૈ તો દીવાના બના દે’ – આ તે કેવી માગણી છે, તે કોણે, કોને અને કેવી રીતે સમજાવીને કહેવું? ગાન પૂર્વેના સૂરોના રણકાર તો ઓઝલ જેવા હોવા જોઈએ. એની પાછળ છુપાયેલું એક કરુણ રમ્ય, મોહક, આકર્ષક,અટકચાળું જે કાંઈ સૌંદર્ય હોય તે દર્શાવવા માટે પેલી ઓઝલ હળવેકથી દૂર હટાવવાની એ ક્ષણ ગાયકને ખરે ટાણે પકડતાં આવડવી જોઈએ. ઉત્કંઠા બહુ ખેંચીને પણ ચાલતી નથી કે ઉતાવળ કરીને પણ શમતી નથી.

બેગમસાહેબા જિંદગીમાં ક્યારેક મળશે, પ્રેમથી-ગાન સંભળાવશે એવું ધાર્યું પણ નહોતું. ‘ડિઝાયર ઑફ એ મોથ ફૉર ધ સ્ટાર ઍન્ડ નાઇટ ફોર ધ મૉરો” આ પંક્તિ વારંવાર સંભારીએ એવી જ રીતે જિંદગીનાં આશાભર્યા વર્ષો વહી ગયાં, તોપણ નિરાશાની મૂડી જમાવીને પોતાની જાતને હાસ્યાસ્પદ કરી મૂકી નહોતી. અમારે માટે તો અમારા સૂરોની ભક્તિની મગરૂબી એવી તો જબરદસ્ત હતી કે બેગમ અખ્તરની “વફા કે બદલે જફા કર રહે હૈં‘ની રેકર્ડ સાંભળતાં ફાટેલી-તૂટેલી શેતરંજીના ગાલીચા બની જતા અને છત પરના ઉઘાડા બલ્બ નાંઝુમ્મર. ભાવિક મંડળી ભાગવત અને દાસબોધના પારાયણો કરતી હતી. અમે બેગમસાહેબની એકેએક રેકર્ડનાં સપ્તાહ ઊજવતા હતા.

અચાનક અમારા કરતાં ઉંમરની, માનમાં, ધનમાં, રૂપમાં અને સ્વભાવસૌંદર્યમાં કેટલાયે ગણા મોટા એવા રસિકરાજ રામુભૈયા દાતે સાથે અમારાં મન મળી ગયાં. પહેલાંના વખતમાં બાળકોને વડીલ મુરબ્બીઓનાં ચરણોમાં ધરતા, તેમ એમણે લખનૌમાં બેગમસાહેબાના દૌલતખાનામાં એમની સાથે મારી મુલાકાત કરાવી દીધી. બેગમસાહેબા સાથે એમણે મારી ઓળખાણ કરાવી આપવી એટલે જાણે સાક્ષાત શ્રીકૃષ્ણ ‘આ મારો મિત્ર’ કહીને રાધા સાથે જ ઓળખાણ કરાવી આપવા જેવું હતું. ખાસ લખનવી કલા કસબી શબ્દોમાં ગૂંથીને રામુભૈયાએ મારી તારીફ કરી હતી. સાથે હતાં કુમારગંધર્વ, ભાનુમતી, રામભાઉ ગુળવણી. રામુભૈયાએ દીવાનખાનામાંની એક પેટી આગળ ખેંચી અને બેગમસાહેબાને કહ્યું, ‘સુનિયે,’અને મને કહ્યું, “વગાડો.”

મેં કહ્યું, “આફત છે, રામુભૈયા ! શેનું વગાડવાનું ?”

“અરે યાર, મોટી આફત છે! ભીમપલાસી-મુલતાનીની વેળા છે. એને શું  એમ જ જવા દેવી ? એનુંયે કાંઈ માન રાખશો કે નહિ ?”

આ બાજુ કુમાર, પેલી બાજુ બેગમસાહેબા અને મારી આગળ વાજાંપેટી..

મેં પણ ‘થઈ જવા દો’ કહીને પેટી લીધી, આંગળીઓ ભીમપલાસી પર ફરી વળી. અને બેગમસાહેબા એકદમ બોલ્યાં, “હમારે ગંધર્વ કૈસે હૈ ?” ભીમપલાસીના એ ચાર સૂરોને લીધે એમને અચાનક બાલગંધર્વનું સ્મરણ થયું હતું. એમને મોઢે બાલગંધર્વનો ઉલ્લેખ થયો અને નવીસવી ઓળખાણના બધા જ ઔપચારિક બંધ સરી પડ્યા. ભીમપલાસી તો બાલગંધર્વને જન્મથી જ બક્ષિસમાં મળેલો રાગ. બાલગંધર્વને લીધે મરાઠી સંગીત રસિયાઓએ આ ભીમપલાસીને પુષ્કળ પ્રેમ કર્યો. બેગમસાહેબાને બાલગંધર્વ માટે હેત-ભાવ છે એવું જાણતાં જ એ અજાણ્યા દીવાનખાનામાંનું બધું અજાણપણું સ૨૨૨ દઈને સરી ગયું.

એ દિવસોમાં ખાદીનો પાયજામો અને જાકીટ એવો મારો પહેરવેશ રહેતો. આથી બેગમસાહેબાએ એ પહેલી જ મુલાકાતથી મને ‘લીડર સાહેબ’ કહેવાની શરૂઆત કરી હતી. પાંચ-છ જણની એ મહેફિલમાં કુમારે ગાયું હતું. કુમારનો ષડ્જ  લાગ્યો અને બેગમસાહેબની છલકાઇ ઊઠેલી આંખોએ એ ષડૂજને પહેલી દાદ આપી. ગાન પૂરું થયું અને સન્નાટો ફેલાયો…….

તે દિવસના ગાન જેટલો જ એ સન્નાટો, એ શાંતિ મને આજે પણ સાંભરે છે. નાદબ્રહ્મ તો આવી નાદાતીત અવસ્થાએ પહોંચવા માટે જ હોય છે.

પોતે પોતાને જ જાણવું એ તત્ત્વ બધી જ ‘પહોંચી હુઈ’ મોટી વ્યક્તિ આજ સુધી કહેતી આવી છે. ગાનકળાના સંદર્ભમાં બેગમ અખ્તરે ઘણી નાની ઉંમરે જ એ પામી લીધું હતું. હકીકતમાં તો એમણે ફૈજાબાદમાં વિધિસર ગાવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. એ સૂર, એ ગાયકી એમના ગળાને સહજસિદ્ધ હતી.

પણ આ ગાયકી એમને જોઈએ તેવી તસલ્લી આપી શકતી નહોતી, મોકળાશ આપી શકતી નહોતી. આ ગાયકી તો પોતાના કાયદા કાનૂન લઈને આવતી હતી, ફૈજાબાદમાં રહેતાં’તાં એ હવેલીને આગ લાગ્યાનું નિમિત્ત થયું અને અખ્તરી કલકત્તા આવી.

એક બંગાળી નાટક કંપનીમાં, એ વખતના પારસી થિયેટ્રિકલ્સના નાટકમાં ગાઈને વન્સમોર લેવા લાગી – અને એક દિવ્ય ક્ષણે ઉર્દૂ શાયરીના ખંડમાં એનો પ્રવેશ થયો. ગ઼ાલિબ, મીર, જૌક જેવા શાયરોનાં દીવાન એના હાથમાં આવ્યા. યુવાન અખ્તરીના અંતર્યામીના રુણ સૂરોને સાથ દેનારા શબ્દો ક્યાંકથી જડી આવ્યા. આંતરિક વેદનાના હોંકારાને ગઝલો મારફતે વાટ જડતી ગઈ. જે ગાવું હતું તે ગવાવા લાગ્યું. એ ગાવું જ્યાં જઈને પહોંચે એવા શબ્દ અને સૂરને પારખનારા રસિકોનો મેળાવડો જામ્યો. પોતાના શબ્દોને અખ્તરીના સૂર પામ્યાની ધન્યતાનો અનુભવ શૌકત, બેહજાદ જેવા શાયરોને થવા લાગ્યો. અને જોતજોતામાં તો લખનૌની

‘અખ્તરી મંજિલ’ સૂરોની શમા પર ચક્કર લગાવનારા પરવાનાઓની મક્કા થઈ રહી.  બેહજાદસાહેબે અખ્તરી ફૈજાબાદીને નવી ગઝલ લખી આપ્યાની વાત, ઝવેરી બજારમાં નવો નવલખો આવ્યા જેવી સંગીતરસિકોમાં ફેલાતી રહેતી અને મહેફિલો હકડેઠઠ ભરાયે જતી.

આખરે તો જીવંત મહેફિલ એ જ સાચી. એ ગાન, એ ગાયિકા, કાળજાના કાન કરીને એના સૂરેસૂર પકડનારા અને ક્ષણભરનો અવકાશ મળ્યો ન મળ્યો ત્યાં તો એમાં સાજનો રંગ ભરી દેનારા કુશળ સાજિદાઓ, ઉત્કંઠાથી ભરપૂર એવી એ પ્રત્યેક ક્ષણ, એ ક્ષણોને લાધેલી  સૂરલયની શ્રીમંતાઈ, કોઈ એક જીવલેણ સૂરાવલી ગળામાંથી નીકળતાં ગાયિકાની આંખોમાં ચમકી ગયેલી એ વેદના – અને આ બધાંનો અંગીકાર કરવા માટે પોતાનું પૂરું હુંપણું ગુમાવીને યાચક થઈ બેઠેલું દિલદાર રસિકવૃંદ અને ખુલ્લા દિલે અપાતી એ દાદ. ‘અખ્તરી મંજિલ’માં આ મહેફિલો જેણે માણી હશે તેમણે, “આ મહેફિલ આમ જ અવિરત ચાલવા દે” એનાથી વધીને બીજી કોઈ દુઆ અલ્લામિયાં પાસે નહિ માગી હોય.

આ બેગમ અખ્તરના ગળામાં એવું તે શું હતું જે સમજાતું નથી ? પણ ક્યાંયથીય એ સૂર જો કાને પડ્યા તો આપણા હાથમાનું કામ જેમનું તેમ થંભી જાય, વાતચીત થંભી જાય. ના, કાળ જ થંભી જાય એવું લાગતું. ગયા વરસની જ વાત છે. ધારવાડમાં મલ્લિકાર્જુન મન્સૂરના ઘરે અમસ્તી જ આમની-તેમની વાતો ચાલી રહી હતી. વાતો જામી રહી હતી. એટલામાં જ પેલી બાજુના ઓરડામાં એમની દીકરીએ રેડિયો ચાલુ કર્યો અને ગાન શરૂ થયું. ‘સિતારોંસે આગે જહાં ઔર ભી. હૈ..’ બેગમ અખ્તર ગાતાં હતાં. વાતો અચાનક બંધ. મલ્લિકાર્જુન અણ્ણા  કેટલું સરસ બોલી ગયા ! કહ્યું…’આ અવાજ અને નારાયણરાવનો અવાજ, એમને મૃત્યુ જ નથી. અમે બધા ભુલાઈ જઈશું. આ તો દેવોએ સિદ્ધ કરી ને પાઠવેલા સૂર.’

બેગમ અખ્તરનું ગીત સાંભળતાં ઉર્દૂ શાયરીમાંનો સૂક્ષમાર્થ ન સમજાવા છતાં. પણ કોણ જાણે કેમ પણ એમાંના વ્યાકુળ ભાવોથી હૈયું ગદ્દગદ થઈ ઊઠતું. એ ગાનને નકામી ખટપટ મંજૂર નહોતી. કોઈ ઉતાવળ નહોતી. ચળકાટની લોલુપતા નહોતી. ઢાળમાં ઊટપટાંગપણું નહોતું. સીધાસાદા રાગમાંથીય શબ્દો વહેતા આવતા, વિસામો લેતા લેતા. શાયરીમાંના નાટ્ય અને મતલબની આસ્તેકથી પ્રતીતિ કરાવતું આ ગાન ચાલતું. પણ આવી સાદગી જ મહામુશ્કેલ અને ખાસ તો એ કે સામે બેઠેલા દરેક સાથે સંવાદ સાધનારું આ ગાન હતું. દીવાનખાનામાં જ જામનારું, મોટા થિયેટરોમાં નહિ.

પુનામાં બેગમસાહેબાનો મુકામ રામમહારાજ પંડિતના ‘આશિયાના’ બંગલામાં થતો. રામમહારાજનાં પત્ની વસુંધરાબાઈ તેમનાં શિષ્યા, વસુંધરાબાઈએ તો જન્મદાત્રી માતાને કરીએ તેટલો પ્રેમ આ અમ્મીને કર્યો હતો. એમની સેવામાં સહેજ પણ કચાશ રાખી નહોતી. અમ્મીનો ‘આશિયાના’માંનો મુકામ જ અમારે માટે તો ઓચ્છવ થઈ રહેતો. લખનૌની ‘અખ્તરી મંઝિલ’માં થતી મહેફિલોમાં શરીફ થવા મળે એ તો ભાગ્યયોગ જ કહેવાતો. અહીં મહેફિલવાળી પેલી મલિકા અમારી ફરમાઈશને માન આપીને પેટ ભરીને ગાયન સંભળાવ્યે જતી. કીર્તિ, સંપત્તિ, અસંખ્ય રસિકોના મનમાં રહેલો એમના પ્રત્યેનો ભક્તિભાવ કે આમાંની કોઈ પણ બાબતથી એમની પ્રતિભાને અહંકારનો જરા જેટલોય સ્પર્શ થયો નહોતો. કોઈ સાથે ચડસાચડસીમાં ઊતરવા માટે એ ક્યારેય ગાતાં નહિ. અંત:કરણમાંથી જે સૂર સવતા હતા એમને ફક્ત વાટ દેખાડી હતી. મુંબઈમાં બાલગંધર્વની લાઁગ પ્લેઇંગ રેકર્ડના પ્રકાશનનો સમારંભ હતો. લખનૌ જવા માટે લીધેલી ટિકિટ રદ કરીને સમારંભમાં આવ્યાં અને પ્રેક્ષકોમાં જઈ બેઠાં. મારું ભાષણ હતું. સામે જોઉ છું તો બેગમસાહેબા બેઠાં હતાં. મરાઠી ન જાણતાં હોવા છતાંય ‘वात्यावरची वरात ‘ જોવા આવ્યાં હતાં. બાલગંધર્વના રેકર્ડ પ્રકાશન સમયનું મારું ભાષણ સાંભળીને કહેલું, “લીડરસાબ, આજ આપને બહુત દિલચશ્પ તકરીર  ફરમાયી.’

મેં પૂછ્યું, “મેરી મરાઠી બાત આપકી સમઝમેં કૈસે આયી ?”

તો કહ્યું, “આપ હંમેશ બહોત હંસાતે હો, મગર આજ જો દાદ દી જા રહી થી,વહ કુછ અલગ થી.”

રામમહારાજ પંડિતના ‘આશિયાના’માં એક વાર અત્યંત સુંદર મહેફિલ જામી હતી. સ્નેહભાવથી એકત્રિત થયેલા લોકો ગાનારાને તરત જ ઓળખાઈ આવે છે. રાત્રીનો પ્રહરપ્રહર ધન્ય કરતી મહેફિલ ચાલતી હતી. ઠૂમરી , ગ઼ઝલ, દાદરા, સૂરલયનાં અત્યંત મોહક રૂપો પ્રગટી રહ્યાં હતાં. ઠેકઠેકાણે દાદ મળતી હતી. પેટી પર વસંતરાવ દેશપાંડે હતા. થોડી વાર પછી મધ્યાંતર થયો. ચાંદની રાત હતી. હવાની લહેરખી ખાવા માટે હોલમાંથી લોકો બહાર આવ્યા. ‘કૉફી થઈ જાય’ એવી હવા હતી.

બેગમસાહેબાએ કહ્યું, “ખુદા કસમ, મને પુનામાં ગાવું ખૂબ જ ગમે છે.

મેં કહ્યું, “આ તો આપની લખનવી તહેજીબ છે. હું પણ દરેક ગામમાં – ‘આ ગામ જેવો રસિક શ્રોતા બીજે ક્યાંય મળતો નથી,’ એવું જ કહેતો રહું છું.”

“એવું નથી. અહીં આવવું મને કેમ ગમે છે, તમે જાણો છો ? અહીં મારા સૂરને દાદ મળે છે. ત્યાં તો બધી દાદ શાયર જ લઈ જાય છે અને સૂર બિચારા શરમાઈને રહી જાય છે. અહીં તો સૂરો પ્રેમ પામે છે.”

એ મહેફિલ અવિસ્મરણીય રહી. રાતના અઢી થયા હતા, તોયે મહેફિલની તાજગી ખલાસ થઈ નહોતી. રાતોની રાતો હવા આવી જવાન રાખવાનો જાદુ જે ગણ્યાગાંઠ્યા કલાકારોએ સાધ્યો હતો એમાં બેગમસાહેબાનો ક્રમ ખાસ્સો ઉપર.

પછી સંગતે બેઠેલા વસંતરાવ દેશપાંડેને બેગમસાહેબાએ કહ્યું, “ગુરુજી, આપ કુછ નહીં સુનાયેંગે ?” પછી તો પરોઢિયાના પાંચ વાગ્યા સુધી વસંતરાવે પણ એકદમ તબિયતથી ગઝલ- ઠૂમરી ગાઈ… બેગમસાહેબાનું એ સાંભળવું, દાદ આપવી એ પણ એક અનુભવવા જેવી વાત રહેતી. દીપશિખા મંદ થવાના પ્રહરે મહેફિલ ઊઠી. પુણેરી હવાએ પણ મહેફિલના એ કદરદાનો પર મહેરબાન થવાનું ઠરાવ્યું હતું. એ પરોઢિયું પણ એ સ્વરગર્ભરાત્રીને ખીલેલા પુષ્પ જેવું જ ઊગ્યું હતું.

હૈયું ભરાઈ આવે એવી મેં સાંભળેલી બેગમસાહેબાની એ આખરી મહેફિલ. એ પછી એમની મુલાકાત થઈ તે દિલ્હીમાં સંગીત નાટ્ય અકાદમીએ એમનું સન્માન કર્યું તે પ્રસંગે. પુરસ્કારપ્રાપ્ત કલાકારની રૂએ તે દિવસે ત્યાંના કામાણી હૉલમાં એમણે ગાયું.

….અને એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે અમદાવાદમાં બેગમસાહેબાનું અણધાર્યું અવસાન થયું છે: એકત્રીસ ઑક્ટોબર, ઓગણીસ ચુંમોતેર. બેગમસાહેબાના સૂરોનો નાતો ખાસ કરીને વિજોગ જોડે જ જોડાયેલો હતો.

ગાતી વખતે તેમનું હૈયું ભરાઈ આવતું. સાંભળતી વખતે સાંભળનારનું હૈયું ભરાઈ આવતું. પાંખડી પર અશ્રુ ટપકે એવો ફોરાં જેવો ભીનો સૂર શબ્દો પર પડતો.એ તો વિરહગીતોની રાણી હતી.

જન્મથી જ મેળવાયેલા એ સૂરીલા તારમાંથી પેલો સ્વયંભૂ ગંધાર અણધાર્યો જ બધી કરુણતા લઈને પ્રગટતો અને ઉત્કટતાની ચરમસીમાં આવે કે, ચોમાસામાં તાર પરથી ટપક્યે  જનારા ટીપાથી પોતાનો જ ભાર ન સહેવાતાં ટીપું ફૂટી જાય, તેમ, એ વેદનાનો ભાર સહન ન થતાં એ સૂર પણ ફાટતો. સુજાણ અને સહૃદયશ્રોતાનાં બધાં પુણ્યોનું ફળ ત્યાં જ મળતું. બાલગંધર્વના ગાનમાં એકાદો શબ્દ આવી જ રીતે ગદ્યપદ્યની સીમારેખા પર મૂકીને ગાયેલો જડે કે એ જગ્યા જેમ ચટકો ભરી જતી, તેવો જ આ અનુભવ. પરિપૂર્ણતાનો આનંદ અને એ ક્ષણ પૂરી થયાનું દુ:ખ, આ બે વચ્ચે ક્યાંક આવી એકાદ ક્ષણની ચમત્કૃતિ ડોકાઈ જતી.

બેગમ અખ્તર આવતાં, ગાઈને જતાં રહેતાં – અમને, “ઇન્શાઅલ્લા ફિર મિલેંગે’નું વચન આપીને.

‘અખ્તર’ એટલે તારિકા,  આ સિતારાએ જ અમને ‘સિતારોં કે આગે જહાં ઓર ભી હૈ” એવું ભીંજાયેલા સૂરમાં જણાવ્યું હતું. તારાઓની પેલે પારની આ દુનિયાની જ્યારે એ અમને યાદ કરાવતાં ત્યારે વાસ્તવિકતાની ખેંચનારી, સભાનતામાંથી એ ક્ષણે અમે મુક્તિ પામતા – બેગમસાહેબા ગયાં અને ક્યારેક રેકર્ડમાંથી તો ક્યારેક કૅસેટ માંથી એમનું ગાન સાંભળવા જેટલી તો સગવડ પાછળ રહી છે. પણ હવે આ બધું ચિત્રો થકી ઋતુલીલા નિહાળવા જેવું. એ યંત્રો બિચારાં એ ગાન સંભળાવે છે. પછી આંખો સમક્ષ મહેફિલો ખડી થઈ જાય છે. વર્ષોનાં વર્ષો પહેલાંની એ રાતો જાણે ગઈ કાલની જ લાગે છે અને એક જ કડી ફરીફરી કાનમાં ગુંજારવ કરી રહે છે – “કબજે મેં થી બહાર, આજકલકી બાત હૈ.” ગઈકાલ ની જ વાત !

આજે મારી જિંદગી જગતનાં વિવિધ પ્રકારનાં કુદરતી અને માનવ નિર્મિત દુ :ખોના ડુંગર નીચે દબાઈ રહી છે, એવું કાંઈ નથી. અપાર દુ :ખો ભોગવનારાં માણસો હું રોજ જોઉં છું. તોપણ મારા ઘર સામેના ઝાડ પર અજાણ્યાં પક્ષીઓ

આવીને ભૂપાલી ગાઈ જતાં હોય છે. આસપાસનાં ઘરોનાં ભૂલકાંઓની બાલઋચા કાને પડતી હોય છે. ક્યારેક હવાની એકાદી લહેરખી, ઋતુચક્રે એક ઑર ફેરો ફર્યાની વાત પણ કહી જાય છે. પણ ગેલેરીમાંથી દેખાતી વાડ પાસેની પેલી ટચૂકડીવેલી પર એકાદા પંખીડાનું હળવેકથી ટપકી પડવું, ધીમા ધીમા સરવડાંથી ભીંજાઈને ટપટપ ટીપાં પાડનારાં જાસૂદનાં પાંદડાં, ઘેરાઈ આવેલું સવારનું આકાશ, આ બધાંની. એવી કાંઈ અસર થઈ આવે કે બેગમ અખ્તરના સૂરોની તરસ લાગી ઊઠે છે.

પંખીડાનું એ ટપકી પડવું, પેલા પાંદડાં પરનાં ટીપાંનું એ ટપકવું, ઓચિંતું ઘેરાઈ આવેલું એ આકાશ, આ બધું જેટલું સહજ, કુદરતી અને ભીંજાઈને જેટલું છલકાયેલું એટલું જ બેગમસાહેબાનું ગાન. એ ઘેરાઈ આવનારા સૂર. લય પર એ આસ્તેકથી પોરો ખાવો. હું પોતે જ સવારની એક કવિતા થઈ જાઉં છું. એ કવિતાની પહેલી. કડી પણ, ‘જાને ક્યું આજ તેરે નામ પે રોના આયા…’એ જ હોય છે!”

-પુ. લ. દેશપાંડે

(શ્રીમતી અરુણાબેન જાડેજા અનુવાદિત પુસ્તક “પુલકિત”, નવનીત- સમર્પણ માસિક અને અરધી સદીની. વાચનયાત્રા માંથી સાદર) 

“અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા” નાં શાયર બાબત:

मै शकील दिल का हुं तर्जुमा
के मोहब्बत का हुं राजदा।
मुझे फख्त है मेरी शायरी
मेरी जिन्दगी से जुदा नहीं।

સુપ્રસિદ્ધ લોકપ્રિય શાયર શ્રી શકીલ બદાયુનીની જીવન ઝરમર અને તેમના ગીતો, શાયરી વિષે ફરી કોઈ વાર. 

આજની બંદિશ ની શબ્દ રચના: 

ऐ मोहब्बत तेरे अंजाम पे रोना आया
जाने क्यों आज तेरे नाम पे रोना आया

यूँ तो हर शाम उम्मीदों में गुज़र जाती थी
आज कुछ बात है जो शाम पे रोना आया

कभी तक़्दीर का मातम कभी दुनिया का गिला
मंज़िल-ए-इश्क़ में हर गम पे रोना आया

जब हुआ ज़िक्र ज़माने में मोहब्बत का ‘शकील’
मुझ को अपने दिल-ए-नाकाम पे रोना आया  

“અય મહોબત તેરે નામ પે રોના આયા” ની રાગ ભૈરવીમાં બંદિશના સંગીતકાર હતા શ્રી મુરલી મનોહર સ્વરૂપ
શરૂઆત કરીયે મલ્લિકા-એ-ગઝલ, જેણે આ બંદિશમાં પ્રાણ પૂર્યા હતા
શ્રી બેગમ અખ્તર

બેગમ અખ્તરના માનસપુત્રી, “બેગમ અખ્તર, મેરી અમ્મી” પુસ્તક નાં લેખિકા શ્રીમતી શાંતિ હીરાનંદ

શ્રી બેગમસાહેબા ને અંજલિ આપતાં ડો.સંગીતા નેરુળકર

વિખ્યાત ગઝલ ગાયિકા ડો. રાધિકા ચોપરા

કિરાણા ઘરાણાંના ગાયક શ્રી અજય પોહણકર

શ્રી રાહુલ દેશપાંડે

યુવા ગાયિકા શ્રી મૈથિલી ઠાકુર

ગઝલ ગાયક શ્રી તલત અઝીઝ

સૂફી, જાઝ અને ગઝલ ગાયિકા શ્રી પૂજા ગોઈતુંડે

શ્રી ઓસમાણ મીર

સુમધુર ગાયિકા શ્રી તનુશ્રી કશ્યપ

“સારેગમ”, “વોઈસ ઓફ ઇન્ડિયા” વગેરે પ્રતિયોગ્યતા જીતેલાં અને બંગાળી ફિલ્મોનાં પ્રતિષ્ઠિત પાશ્વ ગાયિકા શ્રી સંચારી બોઝ

“સારેગમ” સંગીત પ્રતિયોગ્યતા માં ભાગ લેનાર દિલ્હીનાં શ્રી ખુશ્બુ ખાનુમ

અમેરિકા માં માસાચુસેટ્સ રાજ્યનાં એન્ડોવર ગામ માં રહેતાં, ચીમનમય મિશન દ્વારા નિર્ધારિત કાર્યક્રમ માં પોતાની આગવી રીતે ગઝલ પેશ કરવાવાળા કલાકાર શ્રીમતી કિરણ નાથ

રાજસ્થાન નાં લોકગાયક શ્રી ફકીરા ખાન ભદ્રેશ

મર્હૂમ ઉસ્તાદ શ્રી બડે ગુલામઅલી ખાંના પૌત્ર શ્રી રઝાઅલી ખાં

મુકામ તલગાજરડા, શ્રી મોરારીબાપુની મહેફિલમાં, ગાયક શ્રી ઓસમાણ મીર,

આણંદ જીલ્લા માં આવેલા વળવોદ ગામનાં, વડોદરા ની મ્યુઝિક કોલેજમાં સંગીત શીખેલા, શ્રી કિર્તીદાન ગઢવી

मेरे हमनफ़स, मेरे हमनवा, मुझे दोस्त बनके दग़ा न दे I
मैं हूँ सोज़-ए-इश्क़ से जाँबलब, मुझे ज़िन्दगी की दुआ न दे II

શબ્દો શકીલ બદાયુનીના અને વાચા આપી બેગમ અખ્તરે , અખ્તરીબાઈ ફૈઝાબાદી પરનું આ દસ્તાવેજી ચિત્ર જોવા જેવું છે. તેમના ઘર, ગામ, મિત્રો, અને ચાહકો એ બેગમ અખ્તરને પ્રેમ થી યાદ કરી પોતાની નજરે તેમની વાત કરીછે: દૂરદર્શન, દિલ્હી ની પ્રસ્તુતિ:

આજનો આ લેખ પુસ્તક “પુલકિત” માંથી, વંદન સાથે આભારી લેખક પૂજ્ય શ્રી પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, અનુવાદક પૂજ્ય શ્રી અરુણાબેન જાડેજા અને પરમ મિત્ર, જેની ગેરહાજરી જિંદગીભર સાલસે એવા પ્રિય બન્ટુભાઈ – શ્રી જયંતભાઇ મેઘાણી જેમણે આવા અને બીજા ઘણાં સરસ પુસ્તકોનો પરિચય કરાવ્યો
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

12 comments for “બંદિશ એક, રૂપ અનેક (૭3): “જાને કયું આજ તેરે નામ પે રોના આયા…”

 1. Bhagwan thavrani
  December 19, 2020 at 12:28 pm

  ઉત્તમોત્તમ પ્રસ્તુતિ !
  એ વાત સાચી છે કે આ કક્ષાના કલાકારોને નાનકડી નિશસ્તમાં રૂ-બ-રૂ માણવાનો આનંદ જ આ અલૌકિક હોય છે.એ ક્ષણો જ જીવનની અપ્રતિમ ધરોહર બની સચવાઈ રહે છે મનની મંજૂષામાં !

  પૂનાના શ્રોતાઓ/દર્શકોની ઊંચી રસ-દૃષ્ટિનો પરિચય મને પણ અંગત રીતે થયેલ છે. થોડાક વર્ષો પહેલાં ત્યાંના એક સિનેમામાં SHIP OF THESEUS નામની અદભુત ફિલ્મ જોવા ગયેલો. ( એ બારતની જ ફિલ્મ છે. ) ફિલ્મનો એ ત્રીજું સપ્તાહ હતું છતાં લગભગ હાઉસફુલ ! અગત્યની વાત એ કે ફિલ્મ પૂરી થયા બાદ બધા દર્શકોએ ઊભા થઈને મિનિટો સુધી ફિલ્મને STANDING OVATION આપેલું ! કોઈ ફિલ્મમાં આવું બન્યું હોય એ મારા માટે અભૂતપૂર્વ હતું.

  બિલકુલ આવો જ અનુભવ ત્યાં, સાહિર-અમૃતના સંબંધો ઉપર આધારિત નાટક *એક મુલાકાત* વખતે પણ થયેલો ! સાચા ગુણીજનો !

  સલામ !

 2. baxisuresh
  December 19, 2020 at 7:47 pm

  saras khub saras rajuaat

 3. December 19, 2020 at 8:21 pm

  બેગમ અખ્તર માટેનુ વર્ણન પુ.લ.દેશ્પાંડેની કલમે એક ગઝલની જેમ જ અવતર્યું છે. મખમલી પાણીના રેલા ની જેમ સરી જતાં અને સીધાં દિલમાં ઉતરી જતાં એ જવાબના જાદુને અનુભવવું અને રીમઝીમ વરસતાં વરસાદી ફોરાંની જેમ કાગળ પર વહેતું કરવું એ અદભૂત સમન્વય માણવા મળ્યો.
  નીતિનભાઈ આઓઅ પોતે એક ઉચ્ચ કક્ષાના લેખક છો. કેટલું સંશોધન, અથાક મહેનત કરી દર વખતે વાચકને એકી શ્વાસે સાંભળવા મજબૂર કરે એટલા જુદા જુદા ગાયકોના સ્વરે ગવાયેલી બંદિશ રજૂ કરો છો.
  સો સો સલામ આપની આ મહેનતને. ખજાનો ભરપુર છે તમારી પાસે.

  • નીતિન વ્યાસ
   December 19, 2020 at 9:19 pm

   શૈલાબેન અને ભગવાનભાઈ, આપના પ્રતિભાવ નો ખરા દિલ આભાર. આમાં મારું કોય યોગદાન છે નહીં. શ્રી પુ. લ. નામ મૂળ લેખનું ભાષાન્તર શ્રીમતિ અરુણાબેને એવું સરસ કર્યું છે કે વાંચવાની મજા આવે છે.

 4. December 19, 2020 at 10:05 pm

  સંગીતનો ભાવ-અનુભવ શબ્દોમાં આલેખાયો છે. પહેલાં સાંભળતા ત્યારથી ‘રોના’ જરા વધારે લાગે પણ દરેક ગઝલને તેનાં ચાહકો હોય છે. નીતિનભાઈનું સારું સંપાદન,
  સરયૂ

 5. December 20, 2020 at 3:12 am

  અદભૂત આલેખન… સુંદર સંકલન અને માનપાત્ર મહેનત.

 6. December 20, 2020 at 8:03 am

  નીતિનભાઈ,
  આપનું સુંદર સંકલન, દરેક ગાયકોના સ્વર જુદા જુદા વાદ્ય સાથે સાંભળવાનો અનોખો આનંદ થયો .
  તમારી મહેનતને સલામ.

 7. December 21, 2020 at 5:59 am

  ખૂબ સુંદર આલેખન .નિતિનભાઇ મઝા આવી ગઈ.

 8. HH Doshi
  December 21, 2020 at 9:43 am

  Thanks for the True Entertainment, (entertainment of Man)

 9. Charu Vyas
  December 21, 2020 at 12:03 pm

  શ્રી પૂ. લ. દેશપાંડે નો જબરજસ્ત લેખ વાંચ્યા પછી બેગમસાહેબ સાંભળવાની વધુ મજા આવી. 

 10. Purushottam Mevada
  December 25, 2020 at 9:28 pm

  સંગીતની વાત હોય એટલે અનાયાસ લેખ ઉપર કલીક થઇ જાય, આજેય એમજ થયું. અદ્ભુત માહિતી સભર લેખ વાચતા દિલ બાગ બાગ થઇ ગયું. ગીતોતો શાંતિથી સાન્ભળવા પડે, ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો.

 11. Pralhad Ganeshpure
  December 31, 2020 at 12:27 pm

  Thank you Neetinbhai for this wonderful post. Being a fan of Begum Akhtar, I thoroughly enjoyed it. Listening to this gazal in the voices and styles of various singers was a wonderful experience. It was satisfying to see Shri Morari Bapu admiring this gazal sung by Osman Mir and the Rajasthan singer group of Fakira Khan. The gazal is so mesmerizing in the voice of Begum Akhtar that it sounds fresh even after listening it for so many years. Look forward to more such posts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *