





જગદીશ પટેલ
ગુજરાતના કારખાનાઓમાં ફેકટરી એકટના સારા પાલનને કારણે અકસ્માતો પર નિયંત્રણ આવે, કામદારોના સલામતી અને આરોગ્યનું રક્ષણ થાય અને આગ, ધડાકા ન થાય તે માટે સરકાર શી વ્યવસ્થા કરે છે અને તેના પરિણામ શું આવે છે, જેમના આરોગ્ય અને સલામતી સામે સતત જોખમ તોળાતું હોય છે તેવા કામદારો, કામદાર સંગઠનો, ઉદ્યોગના આગેવાનો, કારખાનાઓમાં સલામતી અને આરોગ્યનું રક્ષણ કરનારા સેફટી ઓફિસરો અને તબીબી અધીકારીઓ, જેમના નાણાંનું રોકાણ થયું હોય તેવા શેરધારકો, બેંકો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ, રાજયમાં નીતિ વિષયક નિર્ણય લેનારા અધિકારીઓ, રાજયના નાગરિકોએ ચુંટેલા પ્રતિનિધિઓ, રાજય સરકારના મંત્રીઓ, કાયદા પાલન કરાવનાર તંત્ર, માનવ અધિકારના રક્ષણ માટે મથતી સંસ્થાઓ અને કાર્યકારો, રાજકીય કાર્યકરો અને જાગૃત નાગરિકો માટે તે જાણવું જરુરી છે.
રાજય સરકારે સદર કાયદાના પાલન અંગેની આંકડાકીય માહિતી દરવર્ષે કેન્દ્ર સરકારના મજુર ખાતા હેઠળની સંસ્થાને મોકલવા પડે છે. તાજેતરમાં ગુજરાત સરકારે મોકલાવેલ ૨૦૧૮ અને ૨૦૧૯ની માહિતી મળી છે તે પરથી આપણને અંદાજ મળે છે કે અકસ્માતો પર અસરકારક નિયંત્રણ શાથી આવતું નથી.
કારખાનાઓ અને કામદારોની સંખ્યા
અનુ | ૨૦૧૮ | ૨૦૧૯ | ફરક | |
૧ | વર્ષ દરમ્યાન નવા નોંધાયેલા એકમો | ૨૦૯૧ | ૩૧૫૧ | ૧,૦૬૦ |
૨ | વર્ષ દરમ્યાન બંધ થયેલ એકમો | ૬૫૩ | ૮૪૨ | ૧૮૯ |
૩ | તમામ નોંધાયેલા એકમોમાં કામના કુલ માનવદિન | ૪૦,૨૪,૪૦,૨૧૯ | ૪૦,૬૨,૬૯,૨૩૩ | ૩૮,૨૯,૦૧૪ |
૪ | જોખમી એકમોમાં મહિલા કામદારોની સંખ્યા | ૭૨,૭૭૩ | ૧૯,૧૮૭ | (—) ૫૩,૫૮૬ |
૫ | નોંધાયેલા એકમો* | ૪૧,૪૧૨ | ૪૩,૭૨૧ | ૨,૩૦૯ |
૬ | કામ કરતા એકમો* | ૩૨,૧૯૨ | ૩૫,૩૩૮ | ૩,૧૪૬ |
૭ | કામ કરતા એકમોમાં અંદાજીત /ખરેખરી રોજગારી* | ૧૭,૨૫,૯૧૧ | ૧૮,૩૪,૭૯૨ | +૧,૦૮,૮૮૧ |
૮ | કામ કરતા એકમોમાં મહીલાઓની અંદાજીત/ખરેખરી રોજગારી* | ૧,૧૨,૦૩૮ | ૧,૪૧,૭૮૩ | ૨૯,૭૪૫ |
૯ | ક.૨ (સીબી) હેઠળના જોખમી એકમોની સંખ્યા* | ૧૦,૯૦૮ | ૧૨,૦૪૨ | ૧,૧૩૪ |
૧૦ | ક.૨ (સીબી) હેઠળના જોખમી એકમોમાં રોજગાર મેળવતા કામદારોની સંખ્યા* | ૪,૨૬,૧૨૮ | ૬,૩૦,૦૩૧ | ૨,૦૩,૯૦૩ |
* આ આંકડામાં જે એકમોએ પોતાના વાર્ષિક રિટર્ન જમા કરાવ્યા ન હોય તેવા એકમોના અંદાજીત આંકડા સામેલ છે પણ સંરક્ષણ ખાતાના એકમોના આંકડા સામેલ નથી.
એક વર્ષમાં ૧૦૬૦ નવા એકમો સ્થપાયા અને તેમાં સરેરાશ નવા ૧૦૨ કામદારોને રોજી મળી. આ રોજગારી સ્થાનિક કામદારોને મળી કે સ્થળાંતરીત કામદારોને મળી તે આ આંકડા પરથી સમજાતું નથી.
જોખમી એકમોમાં ૫૩,૫૮૬ મહિલા કામદારોએ રોજગારી ગુમાવી છે. રાજ્ય સરકારે એવું તે શું કર્યું કે જોખમી એકમોમાં મહિલા કામદારોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો થયો? કોઇ નીતિ વિષયક નિર્ણય લીધો? કાયદાનો કડક અમલ થયો? કે આંકડા અવિશ્વસનીય છે? જો કે કામ કરતા એકમોમાં મહિલાઓની અંદાજીત/ખરેખરી રોજગારીમાં ૨૯,૭૪૫નો વધારો જોવા મળે છે.
આવું જ વર્ષ દરમ્યાન ‘નવા નોંધાયેલા એકમો’ અને ‘નોંધાયેલા એકમો’ના આંકડામાં દેખાતો ફરક છે. વર્ષ દરમિયાન નવા નોંધાયેલા એકમોની સંખ્યા ૧૦૬૦ છે જયારે નોંધાયેલા એકમોના બે વર્ષના આંકડા વચ્ચેનો તફાવત ૨૩૦૯ છે. આ શી રીતે સમજાવી શકાય? ૧૨૪૯ એકમોનો આ તફાવત છે જે નાનોસુનો નથી. કયો આંકડો માનવો ૧૦૬૦ કે ૨૩૦૯? પહેલાં કરતાં બીજો આંકડો બમણા કરતાં પણ વધુ છે! ૨૩૦૯ ગણીએ તો એકમદીઠ સરેરાશ રોજગારી ૪૭.૧૫ લોકોને મળી તેમ કહેવાય પણ ૧૦૬૦ ગણો તો ૧૦૨ને મળી તેમ કહેવાય. કેન્દ્ર સરકારને જે આંકડા રાજય સરકાર મોકલતી હોય તેમાં આટલા છબરડા?
આગળ વધીએ તો આવો બીજો ફરક જોઇ શકાય છે. ૨૦૧૮ કરતાં ૨૦૧૯માં ‘કામ કરતા એકમો’માં અંદાજીત/ખરેખરી રોજગારીમાં ૧,૦૮,૮૮૧નો વધારો જોવા મળે છે. પણ ક.૨ (સીબી) હેઠળના જોખમી એકમોમાં રોજગાર મેળવતા કામદારોની સંખ્યામાં આ વધારો ૨,૦૩,૯૦૩નો જોવા મળે છે. આ કઇ રીતે શકય છે? આ આંકડો તો ૧,૦૮,૮૮૧ કરતાં ઓછો જ હોવો જોઇએ. બે પૈકી એક આંકડો કાં બંને ખોટા છે તેવી છાપ ઉભી થાય છે.
આ બે વર્ષના ગાળામાં નોંધાયેલા (કુલ) એકમોમાં ૧૦૬૦નો વધારો જોવા મળે છે પણ “ક.૨ (સીબી) હેઠળના જોખમી એકમોની સંખ્યામાં ૧૧૩૪નો વધારો જોવા મળે છે. આ કંઇ સમજાય તેવું નથી.
૨૦૧૮માં કુલ કામદારો પૈકીના ૨૪.૬૯% કામદારો જોખમી એકમોમાં કામ કરતા હતા જે ૨૦૧૯માં વધીને ૩૪.૩૩% થયા છે તેની નોંધ લેવી જોઇએ. શું આ ૬ લાખ કામદારો પોતે જાણતા હશે ખરા કે તેઓ જોખમી ગણાતા એકમમાં કામ કરે છે? તેમને કોઇએ કહ્યું હશે? આ સંખ્યા જેમ વધે તેમ અમલીકરણ તંત્રની જવાબદારી વધી જાય અને તે માટે તંત્રની તૈયારી હોવી જોઇએ. શી તૈયારી હશે?
કાયદાના અમલ માટે જે તંત્ર છે તેમાં કેટલા કર્મચારીઓ છે તેની વિગત જોઇએ.
અનુક્રમ | હોદ્દો | મંજુર થયેલી સંખ્યા | ૨૦૧૮માં સ્થિતી | ૨૦૧૯માં સ્થિતી | ખાલી જગ્યા ૨૦૧૮/૨૦૧૯ | ફરક |
૧ | ડાયેરકટર ઇન્ડ.સેફટી એન્ડ હેલ્થ | ૦૧ | ૦૧ | ૦૧ | ૦૦ | ૦ |
૨ | જોઇન્ટ ડાયરેકટર | ૦૬ | ૦૨ | ૦૨ | ૦૪ | ૦ |
૩ | ડેપ્યુટી ડાયરેકટર | ૨૫ | ૨૧ | ૧૯ | ૪/૬ | — ૦૨ |
૪ | ડેપ્યુટી ડાયરેકટર ટેકનિકલ | ૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૫ | ડેપ્યુટી ડાયરેકટર મેડીકલ | ૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૬ | આસી . ડાયરેકટ મેડિકલ | ૦૦ | ૦૧ | ૦૧ | ૦૩ | ૦૪ |
૭ | આસી. ડાયરેકટર — કેમિકલ | ૦૪ | ૦૧ | ૦૧ | ૦૩ | ૦૦ |
૮ | આસી ડાયરેકટર- ટેકનિકલ | .૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૯ | એકાઉન્ટ ઓફિસર કલાસ—૧ | ૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૧૦ | આસી. ડાયરેકટર | ૨૯ | ૩૦ | ૫૪ | ૨૪/૨૫ | —૧ |
૧૧ | ઇન્ડ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર | ૬૫ | ૩૭ | ૩૭ | ૨૮ | ૦૦ |
૧૨ | લો ઓફિસર | ૦૪ | ૦૨ | ૦૨ | ૦૨ | ૦૦ |
૧૩ | વહીવટી અધિકારી | ૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૧૪ | સર્ટીફાઇંગ સર્જન | ૨૧ | ૦૮ | ૦૬ | ૧૫ / ૧૩ | —૦૨ |
૧૫ | લેડી ઓફિસર | ૦૪ | ૦૧ | ૦૧ | ૦૩ | ૦૦ |
૧૬ | રિસર્ચ ઓફિસર | ૦૧ | ૦૧ | ૦૧ | ૦૦ | ૦૦ |
૧૭ | પેમેન્ટ ઓફ વેજીસ ઇન્સપેકટર | ૦૧ | ૦૦ | ૦૦ | ૦૧ | ૦૦ |
૧૮ | એકાઉન્ટ ઓફિસર કલાસ—૨ | ૦૧ | ૦૧ | ૦૦ | ૦૦ ૧ /૦ | —૦૧ |
૧૯ | ઇન્ડ હાયજીનીસ્ટ કલાસ—૨ | ૦૪ | ૦૦ | ૦૦ | ૦૪ | ૦૦ |
૨૦ | બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન ઇન્સપેકટર | ૨૦ | ૧૪ | ૧૪ | ૦૬ | ૦૦ |
કુલ | ૨૨૦ | ૧૨૦ | ૧૧૪ | ૧૦૦/૧૦૬ | —૦૬ |
એકમો અને કામદારોની સંખ્યામાં વધારો થયો છે પણ અમલીકરણ માટેના તંત્રમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એ કચેરીમાં એકાઉન્ટ ઓફીસર એક પણ બચ્યો નથી. હિસાબ રાખવાનું કામ પણ બહાર આપી દીધું હશે? કે અન્ય શાખાના કર્મચારીને જવાબદારી આપી હશે? મંજુર થયેલી ૨૨૦ જગ્યા સામે ૨૦૧૮માં ૧૨૦ (૫૪%) કર્મચારી હતા અને ૨૦૧૯માં તે ઘટીને ૧૧૪ (૫૧.૮૧%) થયા.
ગુજરાતમાં રસાયણ એકમો મોટી સંખ્યામાં હોવા છતાં આસી. ડાયરેકટર, કેમિકલની જગ્યા ઘણા વર્ષથી ખાલી છે. શું ગુજરાતમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જ મળતા નથી? રસાયણ એકમોમાં આગ ધડાકાના બનાવોમાં અનેક કામદારોના મોત થાય છે તેમ છતાં આ હોદ્દો સરકારને મહત્ત્વનો લાગતો નહી હોય?
ઇન્ડ. હાયજીનિસ્ટ કલાસ-૨ની ૪ જગ્યાઓ મંજૂર થયેલી છે પરંતુ એક પણ ભરેલી નથી તેનું શું કારણ? ગુજરાત ભાવનગરના મહર્ષિ મહેતા અમેરિકા જઇ ઇન્ડ.હાયજીનિસ્ટ બન્યા અને તે ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવી. ૧૯૯૭માં તેમણે વિદ્યાનગરની બીરલા વિશ્વકર્મા એન્જી. કોલેજમાં ઇન્ડ.હાયજીનનો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કર્યો જે ભારતનો સૌ પ્રથમ કોર્સ હતો અને હજુ કદાચ એકમાત્ર છે. હવે જો કે ઓનલાઇન કોર્સ શરૂ થયા છે. આમ ગુજરાતે આખા દેશમાં ઇન્ડ.હાયજીનિસ્ટ પૂરા પાડવાનું કામ કર્યું. ત્યાંથી પાસ થયેલ અનેક વિદ્યાર્થીઓ બહુરાષ્ટ્રીય એકમોમાં પરદેશમાં પોતાની સેવા આપે છે ત્યારે ગુજરાત સરકારને મળતા નથી તે નવાઇ કહેવાય. ગુજરાતના એકમોમાં કામદારો હજારો ઝેરી રસાયણોના ધુમાડા, ધૂળના સંપર્કમાં આવે છે. હવામાં જુદા જુદા રસાયણોનું કેટલું પ્રમાણ હોવું જોઇએ તેની મર્યાદા આપણા કાયદાએ આપી છે ત્યારે તેનો અમલ થાય છે કે કેમ તે પર નજર રાખવી જરૂરી છે અને તે કામ લાયકાત ધરાવતો ઇન્ડ હાયજીનિસ્ટ કરી શકે. પણ કામદારોના આરોગ્ય બાબત સરકાર ગંભીર જણાતી નથી તે ચોખ્ખું દેખાય છે.
ડેપ્યુટી ડાયરેકટર મેડિકલની ૧ અને સર્ટીફાઇંગ સર્જનની ૨૧ થઇ કુલ ૨૨ જગ્યાઓ તબીબી અધીકારીઓની છે જે કામદારોના આરોગ્ય પર નજર રાખે. પણ ડેપ્યુટી ડાયરેકટર મેડિકલની ૧ સહિત કુલ ૧૫ જગ્યાઓ ખાલી છે. સામાન્ય રીતે આ જગ્યાઓની સીધી ભરતી મજૂર ખાતું કરતું નથી પણ આરોગ્ય ખાતામાંથી ડેપ્યુટેશન પર લવાય છે. શું આરોગ્ય ખાતું મજૂર ખાતાની માગણી સંતોષતું નહી હોય? તેમની પોતાની પાસે જ ઘટ હોય તો એ બીજા ખાતાને મદદ શી રીતે કરે? વળી, મજૂર ખાતામાં એવા તબીબો જોઇએ જેઓ વ્યવસાયિક આરોગ્યની વિશેષ લાયકાત ધરાવતા હોય. સવાલ એ નથી કે જે ૬ સર્ટીફાઇંગ સર્જન છે તે શું કરે છે, પણ સવાલ એ છે કે શા માટે આ જગ્યાઓ ખાલી રાખવામાં આવે છે?
મહિલા કામદારોની સંખ્યા વધી રહી છે તેમ આંકડા જોતાં સમજાય છે પણ લેડી ઓફીસરની ચાર પૈકી માત્ર એક જગ્યા ભરાયેલી છે. મહિલા કામદારોની સમસ્યાઓ માટે પણ સરકાર ગંભીર નથી.
ઇન્ડ. સેફટી એન્ડ હેલ્થ ઓફિસરની ૫૪% જગ્યા ખાલી છે ત્યારે નરોડા જેવી ઘટનાઓ ન બને તો જ નવાઇ.
આમ તો આ બધું ગણિત ખોટું પડે. આ જગ્યાઓ કયારે મંજૂર થઇ હતી અને તે સમયે કેટલા એકમો હતા અને કેટલા કામદારો હતા? તે પછી જેમ જેમ એકમોની સંખ્યામાં વધારો થતો જાય તેમ તેમ મહેકમમાં વધારો થવો જોઇએ. પણ તેમ થતું નથી.
કારખાના નિરિક્ષકોએ નોંધણી પામેલા એકમોની મુલાકાત લઇ કાયદાની જોગવાઇઓના સંદર્ભમાં નિરીક્ષણ કરવાનું હોય છે અને કાયદાનો અમલ કરાવવાનો હોય છે. બે વર્ષ દરમિયાન તેમણે કેટલા નિરીક્ષણ કર્યા તે જોઇએ
૨૦૧૮ | ૨૦૧૯ | |
કુલ નિરીક્ષણ | ૮૯૦૭ | ૧૬૯૩૦ |
જોખમી એકમોમાં નિરીક્ષણ | ૨૪૮૨ (કુલ નિરીક્ષણના ૨૭.૮%) | ૪૩૪૨ (કુલ નિરીક્ષણના ૨૫.૬%) |
સ્ટાફ ઘટયો પણ નિરીક્ષણમાં લગભગ બમણો વધારો થયો તે આવકારદાયક છે. શી રીતે કર્યું હશે? ટેકનોલોજીની મદદ મળી હશે?
તે માટે સમજ આપવી, નોટીસ આપવી અને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનું કામ હોય છે. આ બે વર્ષ દરમિયાન કેટલી ફરિયાદો, કયા કારણસર દાખલ કરવામાં આવી તેની વિગત નીચેના કોઠામાં જોઇ શકાય છેઃ
કારણ | અગાઉ કરેલી નિકાલ ન થયેલ ફરિયાદો ૨૦૧૮ | અગાઉ કરેલી નિકાલ ન થયેલ ફરિયાદો ૨૦૧૯ | વર્ષ દરમ્યાન દાખલ કરેલી ફરિયાદો ૨૦૧૮ | વર્ષ દરમ્યાન દાખલ કરેલી ફરિયાદો ૨૦૧૯ | વર્ષ દરમ્યાન નિકાલ થયેલ ફરિયાદો ૨૦૧૮ | વર્ષ દરમ્યાન નિકાલ થયેલ ફરિયાદો ૨૦૧૯ | વર્ષ દરમ્યાન પુરવાર થયેલા ગુના ૨૦૧૮ | વર્ષ દરમ્યાન પુરવાર થયેલા ગુના ૨૦૧૯ |
રોજગારી અને કામના કલાક- સામાન્ય | ૨૩૫૫ | ૧૧૪૯ | ૮૭ | ૧૧૩ | ૧૩૫૫ | ૫૩ | ૭૩ | ૫૩ |
રોજગારી અને કામના કલાક- મહિલા | ૧૧૧ | ૧૧૧ | ૧ | ૦૩ | ૦૧ | ૦૨ | ૧ | ૨ |
રોજગારી અને કામના કલાક-યુવાન | ૧૫૧ | ૧૬૧ | ૭ | ૧૫ | ૦૧ | ૧૨ | ૭ | ૧૨ |
સેફટી | ૨૪૭૨ | ૧૬૨૧ | ૨૧૬ | ૩૧૨ | ૧૧૩૩ | ૨૮૧ | ૨૪૦ | ૨૮૧ |
જોખમી પ્રક્રિયા /ડેન્જરસ ઓપરેશન | ૩૦૫ | ૮૮ | ૧૮ | ૨૪ | ૨૫૮ | ૧૭ | ૨૯ | ૧૭ |
આરોગ્ય અને કલ્યાણ | ૧૦૭૯ | ૭૦૯ | ૫૦ | ૨૮ | ૪૫૭ | ૪૭ | ૮૫ | ૪૭ |
અન્ય | ૯૯૯૨ | ૭૫૩૦ | ૯૧૧ | ૧૦૯૬ | ૩૪૪૦ | ૪૪૭ | ૩૦૬ | ૮૪૬ |
કુલ | ૩૦૨૬૩ | ૧૫૩૪૬ | ૧૯૫૪ | ૨૯૨૧ | ૧૭૬૭૪ | ૧૬૨૨ | ૧૩૫૧ | ૧૮૭૦ |
૨૦૧૮માં નિકાલ ન થયેલી ફરિયાદોની સંખ્યા ૩૦,૨૬૩ હતી પણ ૨૦૧૯માં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને ૧૫,૩૪૬ થઇ. કોર્ટમાં થતી ફરિયાદોના નિકાલ માટે ઝુંબેશ ચાલતી હોય છે અને ઘણી બધી ફરિયાદો લોકઅદાલતમાં લઇ જવામાં આવે છે જયાં આરોપી ગુનો કબૂલ કરી દંડ ભરી દેતા હોય છે. ૨૦૧૮માં ૧૭,૬૭૪ ફરિયાદોનો નિકાલ એક જ વર્ષમાં કરવામાં આવ્યો અને ૨૦૧૯માં માત્ર ૧,૬૨૨ ફરિયાદોનો નિકાલ થયો જે ઘણો મોટો ફરક છે. કયાં ૧૭ હજાર અને કયાં ૧,૬૦૦! આવું શાથી થયું હશે તેની તપાસ કોણ કરે? બંને વર્ષમાં થઇ કુલ ૧૯,૨૯૬ ફરિયાદોનો નિકાલ થયો તેમાં ૩૨૨૧ ગુનેગાર ઠર્યા. ૧૬.૬૯% જ સફળતાનો દર છે. એનો અર્થ એ કે બાકીની ફરિયાદોમાં સરકાર હારી ગઇ. આ આંકડામાં કયાંય સરકાર હાઇકોર્ટમાં અપીલમાં ગઇ હોવાની માહિતી નથી. શું ફરિયાદ પાછી ખેંચી લેવાઇ? તેના પણ આંકડા નથી. હવે, આ ૩૨૨૧ ગુનેગારોમાંથી જેલની સજા કોઇને થઇ નથી તેમાં વાંક કોર્ટનો, ફરિયાદીનો? કઇ કલમ હેઠળ ફરિયાદ કરાય છે અને તે ગુના માટે જેલની સજાની જોગવાઇ છે કે કેમ તે મોટો સવાલ છે. ફરિયાદ જ એ રીતે કરાય કે કોઇને જેલ જવાનો વારો ન આવે. ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ. તમે કાયદા ભંગ કરો તે કારણે કામદાર ઇજા પામી અપંગ બને અને જીવનભર ભોગવે અથવા મૃત્યુ પામે, તમારી સામે ફરિયાદ પણ થાય પણ નબળી કલમ લગાવાય અને તમને જેલ ન જ થાય તેની કાળજી રખાય. ૨૦૧૮માં રૂ. ૧,૧૧,૭૨,૧૦૦/— નો દંડ કરવામાં આવ્યો અને ૨૦૧૯માં રૂ. ૧,૪૮,૯૮,૫૮૦/—નો દંડ કરવામાં આવ્યો. કલમ ૯૬એ હેઠળ ૨૦૧૮ દરમિયાન એકપણ ફરિયાદ દાખલ થઇ ન હતી પણ ૨૦૧૯માં ક.૪૧બીના ભંગ માટે ફરિયાદ દાખલ થઇ જેમાં આરોપી સામેનો ગુનો સાબિત થયો અને ગુનેગારને કોર્ટે રૂ. બે લાખનો દંડ ફટકાર્યો. આ કલમ હેઠળ વધુ ફરિયાદો દાખલ થાય તે જરૂરી છે. ૨૦૧૮માં પ્રગટ થયેલા સીએજીના અહેવાલમાં આ બાબતની નોંધ લેવામાં આવી હતી કે કલમ ૯૬એ હેઠળ ફરિયાદો નોંધવામાં આવતી નથી. કારણ સ્પષ્ટ છે, તેમાં ભારે દંડની જોગવાઇ કરવામાં આવી છે અને એકમોને ભારે દંડ ન થાય તેની કાળજી રાખવાની હોય છે.
હવે જોઇએ અકસ્માતોના આંકડા.
૨૦૧૮ | ૨૦૧૯ | ફરક | |
કલમ ૮૮-એ મુજબના જોખમી બનાવો | ૫૫૧ | ૩૨૪ | -૨૨૭ |
જીવલેણ અકસ્માતોમાં મૃત્યુ | ૨૬૩ | ૨૧૬ | -૪૭ |
ગંભીર ઇજાના બનાવ | ૧૦૩૬ | ૭૧૮ | -૩૧૮ |
આ ત્રણે આંકડા બહુ પ્રોત્સાહક છે અને તે માટે કામદારો, ઉદ્યોગો અને અમલીકરણતંત્ર ત્રણે અભિનંદનના અધિકારી છે. ઇજાના બનાવોમાંથી કેટલા કાયમી અપંગ થયા તેના જુદા આંકડા આપણને મળતા નથી. પરંતુ ઇજાના બનાવોમાં ૩૧૮નો ઘટાડો નોંધપાત્ર ગણાય અને તે કારણે રાજયના અર્થતંત્ર પરનો બોજો હળવો થયો ગણાય. ૨૦૧૮ની સરખામણીએ જીવલેણ અકસ્માતોમાં પણ ૧૮%નો ઘટાડો થયો છે તે સારી વાત છે. આ અંગે બીજા લેખમાં વિગતે વાત કરીશું.
વ્યવસાયિક રોગોની વાત કરીએ તો ૨૦૧૮માં વડોદરાના પાદરા તાલુકાના એકલબારા ગામના એકમ લક્ષ્મી ઇન્ડ.ના ૩ કામદારોમાં અવાજને કારણે આવતી બહેરાશ જોવા મળી. તેમાં પ્રદીપ સોલંકી નામનો કામદાર તો માત્ર ૧૯ વર્ષનો! એ કેટલા વર્ષે મજૂરી કરવા જોડાયો હશે? કેટલા ભયાનક અવાજમાં એણે કેટલો સમય કામ કર્યું હશે? અને એને આવેલી બહેરાશનું પ્રમાણ કેટલું હશે? તેની વિગત ઉપલબ્ધ નથી. એ અમારા જેવાએ ક્ષેત્રકાર્ય કરી શોધી કાઢવું પડે. એ વિસ્તારમાં એ સમયે ઇએસઆઇ કાયદો લાગુ પડતો ન હતો. આ કામદારોને કર્મચારી વળતર ધારા હેઠળ વળતર મળ્યું હશે ખરું કે એમને પાણીચું પકડાવી દીધું હશે? આખા ગુજરાતમાં બીજે કયાંય બીજા એક પણ વ્યવસાયિક રોગનો કોઇ દર્દી આ તંત્રને મળ્યો નથી તે શરમજનક ગણાવું જોઇએ. જે સર્ટીફાઇંગ સર્જને આ દર્દીઓને શોધ્યા તેમને ઢગલો અભિનંદન.
એ જ વાર્તા ફરી ૨૦૧૯માં પુનરાવર્તન પામે છે. ગુજરાત આખામાં એક માત્ર વડોદરાના પાદરા તાલુકાના ધોબીકુવાના એકમ એપીકોર ફાર્માસ્યુટીકલમાં ૧૦ કામદારોને અવાજને કારણે આવતી બહેરાશ જોવા મળી. તેમાં ઉમાકાન્ત હરિજન નામનો કામદાર તો માત્ર ૧૯ વર્ષનો! ફરી એજ સવાલો મનમાં ઉગે. ફેકટરી એકટમાં અવાજ માટેની મહત્તમ મર્યાદા ૮૫ ડેસીબલ છે. અગાઉ તે મર્યાદા ૯૦ ડેસીબલ હતી તે ૨૦૧૬માં ઘટાડીને ૮૫ કરવામાં આવી. શું આ એકમોમાં ડીશ કચેરી હેઠળના ઇન્ડ. હાયજીન યુનીટે અવાજ માપ્યો હશે? એકમે પોતે માપ્યો હશે? નિરિક્ષકે આ એકમોની કયારે મુલાકાત લીધી અને તે સમયે વધુ અવાજ બાબતે તેમણે કોઇ નોંધ પોતાના અહેવાલમાં કરી હશે? શું પરિણામ આવ્યું હશે? આ ૧૦ કામદારોમાં બહેરાશના અંશ જોવા મળ્યા બાદ શા પગલાં લીધાં હશે? અમારા જેવા કાર્યકરોએ આ સવાલોના જવાબ મેળવવા જહેમત ઉઠાવવી પડે.
આભારઃ મિત્ર ડો. જગદીશ કામથે પોતાના સાથીમિત્રોને ૧૧ ડિસેમ્બરે મેઇલ કરી આ બે મહત્ત્વના દસ્તાવેજ જોવા મોકલ્યા જેને આધારે આ લેખ તૈયાર કર્યો છે. ડો. કામથનો આભાર.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855