





રજનીકુમાર પંડ્યા
દરવાજો ખોલીને આવનાર માણસ ઓસરીમાં જ બેસે. એને માટે પાણીબાણી આવે. આવનાર માણસ પાર્લાના એસ.વી.રોડ ઉપરથી ઝપાટાબંધ આવતાંજતાં વાહનોને જોયા કરે. એના ઘોંઘાટથી એના કાન છલોછલ ભરાઈ જાય. પછી કંટાળે એટલે મેગેઝિનનાં પાનાં ઉથલાવે. પછી ખૂણામાં જુએ. ત્યાં રાષ્ટ્રપતિએ આપેલા તોતિંગ શીલ્ડ તરફ અંજાઈને જોયા કરે. વળી નીચેનું લખાણ પણ વાંચે: ‘કવિ રામચન્દ્ર દ્વિવેદી ‘પ્રદીપ’ કો શ્રેષ્ઠ કાવ્યરચના કે ઉપલક્ષ્યમેં રાષ્ટ્રપતિ કી ઓર સે યે સન્માનચિહ્ન’. આ વાંચ્યા પછી દાદાસાહેબ ફાળકે એવૉર્ડ પર બી નજર ઠરે.
પણ બાજુના ખંડના બારણાં એમ જલ્દી ન ઊઘડે. અને ન થાય કવિ પ્રદીપનો સાક્ષાત્કાર. ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈન્સાન’ અથવા ‘પિંજરે કે પંછી રે…’ અથવા ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી, ઈસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી’ અથવા ‘ઐ મેરે વતન કે લોગોં….’, બહુ જૂના જમાનાનો માણસ હોય તો સંભારે ‘ચલ ચલ રે નૌજવાન, રુકના તેરા કામ નહીં ચલના તેરી શાન’, અથવા ‘ઘર ઘર મેં દિવાલી હૈ મેરે ઘર મેં અંધેરા’.
આવનાર માણસ આ બધું વિચારતો હતો ત્યાં જ બાજુના ખંડના બારણાં ખૂલ્યાં. લાંબા, સાગના સોટા જેવા, લાંબી ખારેક જેવા મોંવાળા, બે ઠંડી ચિનગારી જેવી આંખોવાળા નખશિખ સફેદ કપડાંમાં સજ્જ કવિ પ્રદીપ.
‘આઈયે.’
આવનાર ઊભો થઈ ગયો. પ્રદીપજીએ બારણામાં ઊભા ઊભા જ બારસાખ પર હાથ ટેકવી પૂછ્યું,‘આપકા શુભ નામ ?’
’સી અર્જુન. સી.અર્જુન મ્યુઝિક ડાયરેક્ટર.’
‘જી !’
‘હાં, કભી મૈં બુલો સી. રાની કા આસિસ્ટન્ટ હુઆ કરતા થા. વો ભી હમારે જાતભાઈહી થૈ ના ! સિંધી.’
પ્રદીપજીના મનમાં બુલો સી. રાનીનાં ‘જોગન’નાં મધુર ગીતો તાજાં થઈ ઊઠ્યાં. કેવી સુંદર રીતે એ માણસે એ ફિલ્મમાં મીરાનાં ભજનોને ઢાળ્યાં હતાં ! આ માણસ જો એનો આસ્ટિસ્ટન્ટ હોય તો કહેવું જ જોઈએ કે ‘આઈયે, અંદર પધારિયે.’

અંદર ‘પધારી’ને એ માણસે લગભગ પંડિત કવિ પ્રદીપજીના પગ જ પકડી લીધા. બોલે છે. ‘મૈં ને એક પિક્ચર સાઈન કી હૈ. બડી મુશ્કિલ સે હાથ લગી હૈ. આપ કો ઈસ કે ગાને લિખને હોંગે.’
‘લિખના તો હમારા પેશા હૈ, ભાઈ.’ પ્રદીપજી હસીને બોલ્યા : ઈસ મેં મેરે પાંવ પકડને કી બાત ક્યા હૈ? ભલા મૈં ક્યોં ના બોલૂંગા ?’
‘નહીં,’ સી. અર્જુન જરા ઓઝપાઈને બોલ્યા : ‘ઈસ મેં બાત કુછ ઐસી હૈ કિ પ્રોડ્યુસર આપકી પૂરી કિંમત દે ન પાયે. ઈસલિયે તો મૈં સમઝાને આયા હું આપ કો. આપ ગાને લિખ દીજિયે. ગાનો મેં જાન આ જાયેગી, તો હી મેરા સંગીત ચલ નિકલેગા. મહેરબાની કરકે મેરી કેરિયર કો નજર મેં રખકર હાં બોલ દીજિયે.’
‘અરે ભાઈ’ પ્રદીપજી અકળાઈ ગયા, ‘પહેલે આપ બતાયેંગે કિ નહીં કિ પ્રોડ્યુસર કૌન હૈ ?’
‘આપ નહીં પહેચાનેંગે, પ્રદીપજી.’ સી. અર્જુન બોલ્યો : ‘હિંદી કે લિયે બિલકુલ નયા હૈ. નામ હૈ સતરામ રોહરા…. હમારે જાતભાઈ હૈં – સિંધી.’
હોઈ શકે. પ્રોડ્યુસરનું નામ નવું હોઈ શકે. કોઈ માને પેટ જન્મીને સીધા જ પ્રોડ્યુસર બની જતા નથી હોતા. નવા હોય એટલે નાપાસ ના ગણાય. મૂળ પિકચરમાં દમ હોવો જોઈએ. સ્ટોરીમાં દમ હોવો જોઈએ. લોકો સ્ટોરી જોવા જાય છે. અત્યારે (એ દિવસોમાં) જી.પી. સિપ્પીનું ‘શોલે’ સેટ પર છે. એની બહુ જબરી હવા છે. ડાકુઓની, બદલાની અને પ્રેમની વાત છે. ફિલ્મ ચાલવાની. સતરામ રોહરા પણ કદાચ એવું જ કંઈક લઈ આવતો હોય.
‘નામ ક્યા હૈ પિકચર કા ?’ પ્રદીપજીએ પૂછ્યું : ‘સ્ટોરી ક્યા હૈ ?’
‘સ્ટોરી?’ સી. અર્જુન ‘સ્ટોરી’ શબ્દ આફ્રિકન ભાષાનો હોય એમ ચમકીને બોલ્યા : ‘સ્ટોરી નહીં હૈ… ઔર ફિલ્મ કા નામ હૈ સંતોષીમાતા…’
પ્રદીપજી સ્તબ્ધ જ થઈ ગયા. ‘પ્રોડ્યુસર નયા હૈ, સ્ટોરી નહીં હૈ, ઔર નામ હૈ સંતોષીમાતા ! વાહ પ્રભુજી ! તૂને કિયા કમાલ. ઉપર ગગન વિશાલ નહીં, પણ ઊપર ઘોર અંધકાર ઔર નીચે ગહરા પાતાલ, બિચમેં સી. અર્જુન, વાહ મેરે માલિક તૂને કિયા કમાલ !’
કળ વળી એટલે પ્રદીપજીએ એમને કહ્યું. ‘અચ્છા, એક કામ કરો. પહેલે આપ પ્રોડ્યુસર કો મેરે પાસ ભેજિયે, બાદ મેં દેખા જાયેગા
**** **** ****
ચોથે જ દિવસે…..
‘તો તમે જ છો સતરામ રોહરા ?’
‘જી.’
‘શું કામ કરો છો ?’
‘સરસ્વતીબાઈ મેઘારામ નામની એક વૃદ્ધ વિધવા મહિલા છે. અમારી જ્ઞાતિની જ છે, સિંધી. ઘણી મોટી એસ્ટેટ છે એમની. હું એમના…’
‘એમના ધંધાના પાર્ટનર છો. એમ જ ને?’ પ્રદીપજી અકળાઈ ગયા આ લંબાણથી. પૂછ્યું: ‘અથવા તો મેનેજર ?’
‘જી ના…’સતરામ બોલ્યા : ‘એમના ભાડૂતો પાસે દર મહિને ભાડું ઉઘરાવવાનું કામ કરૂં છું.’
‘અરે !’ પ્રદીપજીના ચહેરા પર કરચલીઓ પડી ગઈ. ભાડું ઉઘરાવનારો એક સામાન્ય મુનિમ ફિલ્મ-પ્રોડ્યુસર બનવાની હામ ભીડે ?
‘આ લાઈન ઘણી ખતરનાક છે.’ પ્રદીપજી બોલ્યા : ‘મોટાં મોટાં તીસમારખાં પણ અહીં ડૂબી ગયા છે. ઠીક….તમે જાણો અને તમારું કામ… પણ કમ સે કમ એટલું તો કહો કે ફિલ્મ-બિલ્મ બનાવવાનો કોઈ અનુભવ લીધો છે ક્યારેય ?’
‘જી, હા… કેમ નહીં ?’સતરામના ચહેરા પર ચમક આવી ગઈ. ‘એક સિંધી ફિલ્મ બનાવી હતી…’ પછી જરા અટકીને બોલ્યા : ‘એ ફ્લોપ ગઈ હતી…. જો કે, એ વાત જુદી છે.’
પ્રદીપજીને બરાબર સંભળાયું નહીં : ‘શું કહ્યું ? ફ્લોપ કે ટૉપ ? કંઈ સમજાયું નહીં.’
ત્યાં તો સતરામ રોહરા પ્રદીપજીના એ લેખનખંડ – કમ શયનખંડની ચારે દીવાલો તરફ જોઈને ડરતાં ડરતાં બોલ્યા :‘ પંડિતજી, વાત એમ છે કે આ આપનું મકાન બરાબર એસ.વી.રોડને અડીને છે અને બારીઓ ખુલ્લી છે. એટલે ટ્રાફિકનો અવાજ પણ ઘણો આવે છે. એટલે જ સાંભળવામાં આપને તકલીફ થાય છે. બાકી હું બોલ્યો કે ફ્લૉપ, ફ્લૉપ’.

‘જુઓ, ભાઈ!’ પ્રદીપજી બોલ્યા : ‘બારીઓ ઉઘાડી ના રાખું તો આ મુંબઈની ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ જાઉં. બાકી બીજો તો શો ઉપાય કરું ? આખું ઘર ઉઠાવીને જુહુ તો ન જ લઈ જઈ શકાય ?’
‘એક એરકંડિશનર કેમ નથી નખાવતા ?’ સંતરામે ભોળાભાવે પૂછ્યું.
પ્રદીપજીને ચાટી ગઈ: ‘આ ફિલ્મલાઈનમાં તો ગીતકારને ખાલી હવા મળી રહે એટલી જ આવક થતી હોય છે, એરકંડિશનરનું સપનું તો જોવાય પણ નહીં.’
સતરામ અચાનક બોલ્યા: ‘મારૂં પિકચર ‘જય સંતોષીમાં’ હિટ જશે તો તમારી આ રૂમમાં મારા તરફથી એક એ.સી. બેસાડી આપીશ. આ મારું પ્રોમિસ છે.’
‘જય સંતોષી મા’ બનાવનારા પાસે સપનાઓ સિવાય બીજું શું હોય ?’ પ્રદીપજીને હસવું આવ્યું… ‘ઠીક છે. હવે મને એ કહો કે તમારે કોઇ ફાઈનાન્સર –બાઈનાન્સર ખરા કે નહીં ?’
‘છે ને !’સતરામ બોલ્યા : ‘એક છે કેદારનાથ અગરવાલ. એ જ ફાઈનાન્સ કરશે.’
‘પણ એમને બીજી કોઈ મા ન મળી કે ગોળચણા ભક્ષણ કરનારાં આ સાવ અજાણ્યાં સંતોષી માતા મળ્યાં!’
પણ અહિં તો રાજાને ગમી તે રાણી નહિં પણ રાજાને ગમી તે રાજમાતા ! ભક્તો ક્ષમા કરે, પણ આમ ભલે બધી જ દેવીઓ જગદંબા સ્વરૂપ છે પણ સંતોષી માતા જેવી કોઇ શાસ્ત્રોક્ત દેવી નથી. પણ મન હોય તો ભલે માળવે તો ના જવાય પણ મનની મેડી ઉપર માળ તો ચણી જ શકાય. આ ફિલ્મની કથાનો વિચાર કરતા હતા ત્યાં બજારમાં ફૂટપાથ પર મળતી એક સસ્તી, પાતળી ધાર્મિક સાહિત્યની ચોપડી કામમાં આવી ગઇ. પ્રિયદર્શી નામના એક જુવાન (હવે તો સ્વર્ગસ્થ) નવોદિત લેખક પણ મળી ગયા. ગણેશજીની માનસપુત્રી તરીકે આ સંતોષીમાને જન્માવવામાં આવ્યા અને પ્રદીપજી સાથે બેસીને ઘડી કાઢવામાં આવી એક ચમત્કારો અને પરચાઓથી ભરપૂર સ્ટોરી.
‘શોલે’ એ જમાનામાં સાઠ લાખમાં બની હતી અને આ એની લગોલગની સુપરહીટ ફિલ્મ એ જ સાલ ૧૯૭૫ માં બની માત્ર પંદર જ લાખમાં ! માર્કેટીંગના નાનાં મોટાં ધાર્મિક કિસમના ગતકડાં તો ખરાં જ પણ એની સફળતામાં જંગી ફાળો હતો કવિ પ્રદીપના ગીતોનો ! ‘મૈં તો આરતી ઊતારું રે…’, ‘યહાં વહાં કહાં કહાં, મત પૂછો કહાં કહાં, હૈ સંતોષી માં’ અને ‘મદદ કરો સંતોષી માતા’ જેવા ગીતોને સંગીતકાર સી. અર્જુને કર્ણપ્રિય (કેચી) ધૂનોમાં ઢાળ્યાં અને અનિતા ગુહા જેવી સામાન્ય હિરોઇન (અને કોઇ હિરો વગરની) એ ફિલ્મે બૉક્સ ઑફિસના તમામ રેકોર્ડ તોડ્યા.
અને એની આ અદ્વિતીય સફળતા પછી……..
***********
‘સતરામ, તુમ કો મૈં ઈક ઈલેકટ્રિક શૉક દેના ચાહતા હું !’
ફિલ્મ સુપર-ડુપર હિટ થયા પછી સતરામનું વજન વધ્યું હતું. મિજાજ પણ ખિલ્યો હતો. બોલ્યા. ‘દીજીયે ગુરુજી, મૈં બરદાસ્ત કર લુંગા.’
‘યાદ હૈ ?’ પ્રદીપજી બોલ્યા : તુમ ને કહા થા, પંડિતજી ઈસ કમરે મેં રોડ કે ટ્રાફિક કી બહોત આવાઝ આતી હૈ. તો મૈ ને કહા થા કિ યે ઘર પૂરા ઉઠા કે જૂહુ બીચ પર લે જાઉં ? વર્ના આવાઝ તો રહેગી હી. તો તુમ ને કહા થા પ્લીઝ ઐસા મત બોલિયે પંડિતજી, અગર મૈં ચાર પૈસે કમા લૂંગા તો આપ કે ઈસ કમરે મેં એરકંડિશનર ફિટ કરવા દૂંગા. અબ મૈં પૂછતા હું કિ તુમ્હારે ચાર પૈસે હુએ કિ નહીં?’

સતરામ રોહરાના મનમાં આ વાત બહુ પ્રેમથી ઊગી. બીજે જ દિવસે પંડિત કવિ પ્રદીપના પાર્લાના એસ.વી.રોડ ઉપર ગોલ્ડન ટોબૅકોની સામે આવેલા ‘પંચામૃત’ ભવનના એ લેખનખંડમાં અઢાર હજાર રૂપિયાનું એરકંડિશનર ફિટ થઈ ગયું. પછી સંતરામે આવીને પૂછ્યું, ‘કહિયે પંડિતજી, ખિડકિયાં બંધ હૈ ઔર એ.સી. ચાલુ હૈ, અબ તો કવિ બિના કિસી ખલલ કવિતાએ લિખ સકેગા ના ?’
પ્રદીપજી હસ્યા, બોલ્યા :‘ખલલ કે બિચ લિખે હુએ ગીતોં સે હી યે મકાન બના હૈ, ઔર યે એ.સી. ભી!’
******
કથાકાર પ્રિયદર્શીનું થોડા જ સમય પછી અવસાન થયું ને સતરામ રોહરાની એ પછી બનાવેલી પાંચેપાંચ ફિલ્મો ઘર કી લાજ, નવાબસાહેબ, કારણ, કૃષ્ણાસુદામા તદ્દન ફ્લૉપ ગઈ.
અને હા, ઘરે પારણું તો હજુ બંધાયું નથી. સંતોષી માતા પાસે અપીલ તો ગીતમાં જ કરવી પડે ને ગીત તો પ્રદીપ પાસે જ લખાવવું પડે.
એનો અર્થ એ જ ને કે બીજું એરકંડિશનર ?

વિશેષ નોંધ: કવિ પ્રદીપ પાસે પોતાની ‘જય સંતોષી માતા’ ફિલ્મ માટે ગીતો લખાવવા આવનારા સતરામ રોહરાએ વિનમ્રભાવે પોતાની ખરી ઓળખ આપી નહોતી અને એક સામાન્ય માણસ તરીકે જ પેશ થયા હતા. હકીકતમાં સતરામ રોહરા ૧૯૩૯માં જન્મેલા એક જાણીતા સિંધી ગાયક અને સિંધી ફિલ્મ નિર્માતા હતા. તેમણે હિંદીમાં પણ એ અગાઉ એક ફિલ્મ બનાવી હતી, અને ૧૯૭૩ માં ‘રોકી મેરા નામ’ નામની એક સફળ ફિલ્મ બનાવી હતી જેમાં મુમતાઝ , સંજીવકુમાર અને ફિરોઝ ખાને કામ કર્યું હતું. એ પછી પણ તેમણે પાંચેક હિંદી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું હતું.
નોંધ: પરમ આદરણીય કવિ પ્રદીપજીનો જન્મ ૬-૨-૧૯૧૫ અને દેહાવસાન ૧૧-૧૨-૧૯૯૮/ પુત્રી મિતુલ ખુદ કલાકાર છે અને Tulika Art Centre નામે એક સુંદર કલાશાળા ચલાવે છે. ફોન: +9198216 24992 / 97571 76575 અને ઇ મેલ- mitulpradeep@gmail.com
લેખકસંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com
સત્ય ઘટના સ્મરણીય રહેશે. નવા વરસની શુભ શરૂઆત