





ભગવાન થાવરાણી

અગર આપે ગાલિબને વાંચ્યા છે તો મીર – તકી – મીરને વાંચવા એમના કરતાં પણ જરૂરી છે. મીર ગાલિબના પુરોગામી હતા. સ્વયં ગાલિબે એમની શાનમાં લખ્યું હતું :
રેખ્તે કે તુમ્હીં ઉસ્તાદ નહીં હો ‘ ગાલિબ ‘
કહતે હૈં અગલે ઝમાને મેં કોઈ ‘ મીર ‘ ભી થા
( રેખ્તા = ઉર્દૂ )
આ જ મીર સાહેબે લખ્યું હતું :
પત્તા – પત્તા બૂટા – બૂટા હાલ હમારા જાને હૈ
જાને ન જાને ગુલ હી ન જાને બાગ તો સારા જાને હૈ
( આ મુખડાવાળું એક ફિલ્મી ગીત પણ છે લતા – રફીનું )
બહરહાલ, મીરના જે શેરની વાત મારે આજે કરવી છે તે છે આ :
અબ તો જાતે હૈં બુતકદે સે ‘ મીર ‘
ફિર મિલેંગે અગર ખુદા લાયા …
…આ શેર જેવો સરળ લાગે છે તેવો છે નહીં ! બહુધા આ શેરમાં ‘ બુતકદે ‘ ની જગાએ ‘ મૈકદે ‘ શબ્દનો ઇસ્તેમાલ કરીને કહેવામાં આવે છે, જે ખોટું છે.
‘ બુતકદા ‘ એટલે મંદિર અથવા કોઈ પણ એવું ધર્મ-સ્થાન જ્યાં મૂર્તિ-પૂજા થતી હોય. ઇસ્લામમાં મૂર્તિ-પૂજા વર્જ્ય છે. હવે આ વ્યાખ્યાના અજવાસમાં આ શેરને ફરી જૂઓ. મીર મંદિરમાં આવ્યા છે અને હવે ત્યાંથી જવાની વાત કરે છે. પણ જતાં-જતાં કહે છે અહીયાં જ ફરી મળીશું અગર ખુદાની ઈચ્છા હશે તો ! મિલન-સ્થાન મંદિર પણ મરજી ખુદાની ! ઈશ્વર – અલ્લાહ એક સાથે. આનાથી વધુ ધર્મ-નિરપેક્ષતા બીજી કઈ હોય ?
મીર અમસ્તા જ શાયરીની દુનિયામાં ‘ ખુદા – એ – સુખન ‘ ( શાયરીના ખુદા ) નથી કહેવાયા ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.