





રજનીકુમાર પંડ્યા
ગણી જોઈ, બરાબર ગણી જોઈ. નવ જ હતી. રાતે ઘેર આવતી વખતે પાકીટ લીધેલું એ તો નટુસિંગને પાકું યાદ. અબરખબંધા તોડેલા પાકીટમાં તો પૂરી દસ સિગારેટ જ હોય ને ! તો પછી નવ કેમ નીકળી ? એક જાય ક્યાં ? ઉંદર ?
અરે ! નટુસિંગને હસવું જ આવે ને ! ઉંદરડા બહુ બહુ તો અબરખ કાતરી નાખે. કાંઈ ખોલીને મંઈથી સિગારેટ થોડા લઈ જાય ? ને ઘડીભર ધારી લો કે ખોલી બી નાખ્યું તોય અકબંધ સિગારેટને તાણી જાય ? એ તો ફોલી ફોલીને ખાવાવાળી જાત ! માલીપાથી તમાકુ બા’રી ના વેરાઈ ગઈ હોય ? જરા અક્કલથી ખુદા પીછાણો, બાપુ, એક દાક્તરના ડ્રાઇવર છો, કાંઇ હાલીમવાલી નથી.
તો ?
‘કઉં છું… આયાં આવો તો!’ ઠકરાણાં બારણામાં ના કળાણાં એટલે ફરીદાણ ઘોઘરો કાઢ્યો :‘કઉં છું, સાંભળ્યું નહીં ?’
રૂપાળીબા હાજર થયાં. સમજાણું, લોટવાળા હાથ હતા, ને કપાળે પરસેવાના બૂંદ ફૂટ્યાં હતાં તે અવળી હથેળીએ લૂછ્યાં. આવું કરતી વખતે બંગડિયુંને ઊંચે કોણી લગી લઈ જાવી પડે. નહીંતર બંગડિયું કપાળ છોલી નાખે.
‘શું છે?’
‘કઉં છું,’ નટુસિંગ બોલ્યા,‘આમાંથી મારી એક સિગારેટ ક્યાં ગઈ?’
રૂપાળીબાએ વાંચવા કાગળ ધરી રાખ્યો હોય એ રીતે ધણીએ એમની સામે ધરી રાખેલા અબરખ તૂટલા સિગારેટના પાકીટ ભણી જોયું. બીજી જ પળે બોલ્યાં, ‘હાય હાય !મને શું ખબર ?’
‘જાય ક્યાં?’
‘મને શું ખબર ?’
‘રાતે આ પેટી પર આખેઆખું પાકીટ મૂકીને પછી હું રેવતુભાના માસ્તરને મળવા ગયો. વિષય પ્રમાણે ટ્યૂશનની ફીયું નક્કી કરી. પછી આદર્શ પાનવારા પાસે ટી.વી.ના સમાચારની હેડલાઇનું જોવા બે મિનિટ ઊભો રહ્યો, પછી ઘરે આવ્યો. છેટેથી જોયું તો પાકીટ હતું ત્યાં જ ચકચકાટ પડેલું હતું એનું પણ મને ઓહાણ (સ્મૃતિ) છે, પણ તમને તો ખબર છે ને કે સવારે ઊઠીને મારે રોજ એક લગાવવા જોવે. આજે એમ જ તૈયારી કરી ત્યાં જોઉં તો મારી બેટી એક ઓછી ! બોલ, આ કેવું ?’
‘પણ મને શું ખબર?’
‘….તો… ‘જાય ક્યાં?’ના થોડા જવાબ મનોમન ઉગાડ્યા, ને નીંદી પણ નાખ્યા. રેવતુભા ઉપર શક પડે. ચૌદ વરસનો થયો. બુરી સંગતમાં પડ્યો હોય. બને, પણ એ તો બે દિવસથી નિશાળની પિકનિકમાં ગયો છે.
એકાએક મગજમાં સટાકો થયો. કોઈ પુરુષ ઘરમાં આવ્યો હશે ?
પણ આ જવાબને સવાલરૂપે પૂછવામાં આવે એ પહેલાં જ બાતલ કરી નાખ્યો. ઠકરાણાં એકતાલીસના થયાં. આજ લગી કદી કોઈ એવો સંશય થાય એવું બનેલ નથી. ઠીક, એય જાવા દો. રાતે પનર-વીસ મિનિટ પોતે બહાર ગયા ને આવ્યા,એટલી વારમાં કોઈ જણ ક્યાંથી આવે ? ને હજુય ત્રીજી વાત ! સૂતાં પહેલાં ચકચકતા પેક અબરખવાળું સિગારેટનું આખું અકબંધ પાકીટ સગ્ગી આંખે જોયાનું પિક્ચર હજીય મનમાં તાજું છે એટલે જે કાંઈ બન્યું તે આ રાતના છ-સાત કલાકમાં જ ને ! તો એટલી વારમાં…?
‘જાય ક્યાં?’
પછી વિચાર આવ્યો કે એ એક સિગારેટ ક્યાં સોનાની ઘડાવેલી હતી તે એની બાબત્ય આટલી બધી કાહટી મગજને કરાવવી પડે ? અગાઉ ચોવી કલાકમાં દોઢ પાકીટ ખાલી કરતા, એમાંથી હવે ચોવી કલાકમાં એક નંગ પર આવી ગયા. કઈ રીતે? ચિંતાઓનાં વાદળ હટતાં ગયાં એટલે. દોઢ પાકીટવાળો કપરો સમય ચાલતો હતો ત્યારે જ રેવતુભાનો જન્મ થયેલ. એને ચીંધીને ઠકરાણાં જીવ બાળતાં-‘મોટો થઈને આય તે તમારી વાદે બીડાં ફૂંકતો થઈ જાશે. મને તો ઈ જ ચિંતા થાય છે. ક્યાંક તમારી જેમ બંધાણી નો થઇ જાય મારો છોકરો.હવે તો છોડો આ ફુંકણીયાં !’
‘જો…’ નટુસિંગ દલીલો અવળી દિશાએથી શરૂ કરતા. મારી હેડીના બધાય આપણા નાતીલા કાં તો અફીણિયા, કાં તો દારૂડિયા. પણ મેં કોઈ દિ એવું કર્યું જોયું? મારા બાપુ મહુડાના ચરહુડિયા હતા, પણ મેં જિંદગાનીમાં એને હાથ નો લગાડ્યો. લગાડવાનો બી નથી. એનાથી ઓછું ખરાબ બંધાણ ઇ હોકો, પણ હોકો પીતાં પીતાં ડૉક્ટરસાહેબની ગાડી હકાલાય ? અચ્છા, ઘણા ક્યે છે કે સિગારેટ કરતાં બીડી સારી, પણ બીડીને વારેઘડીએ જગવવી પડે. તિખારા બી ઝરે. મારો ફૂઈનો છોકરો એમાં જ પથારીસોતો સળગી ગયેલ એટલે આ ટેકા સાટુ ધોળી બીડી ચાલુ કરી… પછી જાતજાતની લોનો, બાપુની માંદગીનો ખાટલો, એનો ધોમ ખરચો, ઘરમાં ખાતર પડ્યું, સહકારી બૅન્કે કોરટવાળી કરી. આ બધી જંજાળુંમાં ધોળી બીડી ભેજાને કાંઈક રાહત આપે છે.’
‘એમ? ધોળી બીડી પીવાથી ભેજામાં રાહતરહે-એમ ?’
‘તું ભલે એમ દાઢમાં બોલ્ય, પણ તને સમજાવી નહીં શકું. ઇ તો એકાદી સટ ખેંચે ઈ જ જાણે.’
‘ઊંહ…’ રુપાળીબાએ છણકો કરીને મોં વંકાવ્યું. ‘ગંધારા..’
પણ ના. નટુસિંગે ખરેખર બોલ્યું પાળ્યું હતું. પાંચેક વરસના ગાળામાં લોનું ચૂકતે થઈ ગઈ. ડૉક્ટરસાહેબે એમાં ટેકો કર્યો કારણ કે નટુસિંહ બાર-બાર પંદર-પંદર કલાક ગાડી હકાલતા છતાં ફરિયાદનો હડફ ના કાઢતા. એ ડ્રાઇવરીમાં ચાર-પાંચ સિગારેટો જ રંગ રાખતી. સારા-માઠા દિવસો પણ આવ્યા અને ગયા. ઘરમાં ખાતર પડ્યું, પણ દસ દિવસમાં ખાતર પાડનારાનો પત્તો મળી ગયો. અડધ મતા ખેતરમાં દાટેલી તે પાછી મળી. જો કે, બાપુનો ખાટલો ન ગયો. બાપુ જ હાલ્યા ગ્યા. અરે, એનો બિમારીનો ખરચો બચ્યો તે પગારવધારા જેવો લાગ્યો.
છેવટે એક દિવસ ચોવીસ કલાકમાં એક જ ધોળી બીડી લેવાનું નીમ લીધું ત્યારે ઠકરાણાંને પૂછ્યું : ‘જોયું ને ! ઉપાધીયું ગઈ એટલે સિગારેટું એની મેળે જ ગઈ કે નહીં ?’
‘ઉપાધીયું તો અમનેય ક્યાં ઓછી હોય છે? પણ લઈ છીં અમે કોઈ દિવસ કોઈ વ્યસનનું નામ ? ગામની બાયું પડીકીયુંની હેવાઇ થઇ ગઈ. પણ જોઇ કોઇ દિ’ મને ?’
‘બૈરાંઓ બજર સૂંઘે, બજર દાંતે ઘસે. હવેની જોગમાયાયું ગુટખા ગલોફે ઘાલે છે ! કાંક તો કરે ને ! ’
‘છી!’ ઠકરાણાં બોલ્યાં :’ગોબરીયું-વંતરીયું,સાળીયું.’
પણ અરેરે, નટુસિંગ પાછા આજની વાત પર આવી ગયા.’ પણ સાલી એક આખી સિગારેટ જાય ક્યાં ?’
‘તમે પોતે જ રાતે ઠઠ્ઠાડી હશે.’ ઠકરાણાં ખીજથી બોલ્યાં.
‘એમ?!’ નટુસિંગ જરાક ચીડાયા: ‘એટલુ બધું હું ભૂલી જાઉં? વાસીદામાં સાંબેલું જાય ? એમ ?!’
‘મને શું ખબર ?’
‘કેમ? તમને કેમ ખબર નો હોય ? તમે તો ઘરમાં હતાં જ ને !’
‘હું હતી, પણ તમારી પાસે પાસે થોડી ખોડાઈ રહી’તી? જાકડો એક ઠામડાં કોણે ઉટક્યાં ? પછી દોઢ શેર ઘી કોણે તાવ્યું? તમે તો ઘોરતા’તા. હું સૂતી રાતના બે બજ્યે.’
‘કેમ, રાતના બે બજ્યે?’
‘અરે, નિંદર આવે તો ને ! સાડા અગ્યારે-બારે માંડ પરવારીને ખાટલામાં પડી પણ જરાક આંખ મળ્યાની સાથે જ એક બહુ ખરાબ, બહુ ખરાબ કહેતાં બહુ ખરાબ સપનું આવ્યું. બહુ અશુભ…. એ તો સારું થયું કે બડાક દેતીક ને આંખ ઊઘડી ગઈ. જોયું તો બાજુમાં તમે તો ટેસથી કોણીનું ઓશીકું કરીને નસકોરાં બોલાવતા હતા. મને હાશ થઈ. પણ મનમાંથી કેમેય ઉદ્વેગ જાય નહીં, એવો તે આત્માને અંદરથી કરકોલે કે ક્યાંય, ચેન નો પડે. થાય કે હું શું કરું ને શું નો કરું…’
‘તે એવું તે કેવું સપનું આવ્યું હતું? કે એ સપનું હતું એ જાણ્યા પછીય તમને સખ નો વળ્યું ?’
‘નો પૂછો તો સારું.’
‘ના,કો’ને કો’… ઘરના માણસને કહી દેવાથી એવાં સપનાં વિધાત્રીના લેખમાંથી કમી થઈ જાય.’
‘એમ?’ ઠકરાણાંના મોં પર હાશકારો પ્રગટ્યો:‘લો કહી જ દઉં…. મને તો તમારું જ અશુભ સપનું આવ્યું હતું. જાણે કે તમે ડૉક્ટરસાહેબની ગાડીમાં કોઈ દર્દીને બેસાડીને મારંમાર જાવ છો ને રસ્તામાં એક તોતિંગ ટ્રક સાથે…’ એમણે સિસકારો કર્યો. ‘બાપ રે…બાપ રે, તમારાં લૂગડાં પરથી જ ખબર પડે કે તમે છો, બાકી મોઢું તો…
ખુદ નટુસિંગની સિકલ પર અરેરાટી છવાઈ ગઈ. કળ વળી એટલે પછી પૂછ્યું,‘આવું થાય ને, તયેં એક ગ્લાસ પાણી પી લેવું.’
‘અરે !’ ઠકરાણાં બોલ્યાં:’પાણી પીધે કાંઈ નો થાય, એમાં તો….’ નટુસિંગ ચમક્યા. કદિ કલ્પી ના શકાય એવું. ઠકરાણાંનું દૃશ્ય એમના મનમાં ચીતરાઈ ગયું. બાક્સ પર ઘસાઇને સળગતી દિવાસળીની હળવી ચ…ર…ર… સંભળાઈ ને ધુમાડો બી ગંધાયો.
એમણે ‘દસ કમ એકવાળા’ સિગારેટના પાકીટ ભણી સમાધાનની નજર ફેંકી લીધી. પછી બોલ્યા : ‘હશે… કાંઈ રોજ રોજ આવાં સપનાં થોડાં આવવાનાં છે ?’
મારી કેફીયત
દિવાળીના દિવસો ચાલે છે એટલે એક જરા હળવી કહેવાય એવી વાર્તા ‘દસ કમ એક’ રજૂ કરું છું. એના વિષે મારી કેફીયતમાં ખાસ કશું કહેવાનું નથી. પણ એટલું અવશ્ય કહી શકું કે આવી વાર્તાઓમાં કશુ સારતત્વ શોધવાને બદલે એની નિરુપણરીતિ જ માણવાની હોય છે.આવી વાર્તાઓમાં માત્ર રહસ્યોદ્ઘાટનની મઝા માણવાને બદલે એ ઉદ્ઘાટનનાં એક એક પગથિયાંની સફર જ માણવી જોઇએ. બનવાજોગ છે કે વાર્તાવાચનના અનુભવીને અર્ધેથી જ એના અંતનો ખ્યાલ આવી જાય, પરંતુ એ જાણ્યા પછીય જો એ વાર્તાને પડતી મૂકવાને બદલે અંત સુધી પહોંચવા આગળ વધે તો એ વાર્તાની સફળતા જ છે.
અને એથીય વધુ અગત્યની વાત (આવી સરળ જણાતી વાર્તાઓમાં) અંતની સૂક્ષ્મતા છે. એ રીતે જોતાં આવી વાર્તાઓમાં અંત શો છે તે કરતાં પણ અંત શી રીતે નિરુપાયો છે એ જોવા-માણવા જેવું હોય છે. સાદી સરખામણી આપું તો આકાશમાં ઘરઘરાટી કરતા ઉડતા જેટ વિમાનના ઊડ્ડયનને જોવા કરતાં પણ વધુ મઝા એની પાછળ અંકાયે જતી ધુમ્રસેરને જોવામાં છે.એ રીતે આ વાર્તાના અંતના ટુકડાને માણવા મારી ભલામણ છે.
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
રજનીભાઈ કહે છે તેમ અંત તો સમજાઈ જ ગયો હતો પણ વાર્તાના છેલ્લા પૂર્ણવિરામ સુધી પહોંચ્યા વિના ચાલે તેમ નહોતું. અધવચ્ચેથી જ ”સમજાઈ ગયું” કહીને અટકવાનો પ્રયત્ન કરી જુઓ, જાણી લીધેલું જાણ્યા વગર ચાલશે નહીં.
T
તળપદી ભાષામાં લખાયેલી સરસ વાર્તા…..અભિનંદન, પંડયાસાહેબ….
ભલે સાવ સરળ વાર્તા પણ મજા આવી સાહેબ, જેટ વિમાન ને બદલે એની ધ્રુમ શેર જોવા માણવા ની મજા તો અલગ જ હોય છે
આવી વાર્તા રજનીભાઇ સાહેબ જ લખી શકે
ઉત્તમ ખૂબ મઝા આવી