






દર્શા કિકાણી
(૨૮ જૂન,૨૦૧૯)
હોટલમાંથી સરસ નાસ્તાપાણી કરી બાકી રાખેલી સ્લોસ સ્કોન્બ્રુન મહેલ (SCHLOSS SCHONBRUNN)ની મુલાકાત માટે અમે સૌ તૈયાર થઈ ગયાં. સુંદર મહેલ બહારથી જોયો હતો એટલે તેના અતિ ઉત્તમ લેન્ડસ્કેપ બગીચાઓ અને બેરોક સ્ટાઈલમાં શણગારેલ રૂમો અને મ્યુઝિયમ જોવાં અમે ખૂબ આતુર હતાં. હીટ-વેવની અસર ઓછી હતી એટલે પ્રવાસીઓની હાજરી ઘણી વધારે હતી. મળતી માહિતી પ્રમાણે વર્ષે ૩૮-૪૦ લાખ પ્રવાસીઓ આ મહેલની મુલાકાત લે છે! ટિકિટ લેવા ખાસ્સી લાંબી લાઈન હતી. વેઇટિંગ હોલમાં વ્યવસ્થા ઘણી સારી હતી. બેસવા માટે બેંચો અને ખુરશીઓ રાખી હતી. વર્લ્ડ હેરીટેજ સાઈટને શોભે તેવી અવનવી વસ્તુઓથી ઊભરાતી મોટી ગીફ્ટ શોપ બનાવી હતી. સરસ કાફે પણ હતું. કલાકો-ના-કલાકો પસાર કરવાના હોય તો પણ મુશ્કેલી ન પડે તેવું વાતાવરણ હતું.
રાજાઓના શિકારના શોખને પોસવા આ જગ્યા જંગલ તરીકે વિકસાવવામાં આવી હતી. જતે દિવસે ત્યાં વિધવા રાણીઓ માટે મહેલ બનાવવામાં આવ્યો.૧૮મી સદીમાં રાણી મારિયા થેરેસાને લગ્નની ભેટમાં તે મહેલ મળ્યો. તેમણે જ આ મહેલને નીઓ ક્લાસિકલ સ્ટાઈલના સ્થાપત્યથી મોહક સ્વરૂપ આપ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ મહેલનો રાજાઓએ ઘણો ઉપયોગ કર્યો પણ સદનસીબે તેની આભાને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. ૧૯૯૬માં બેરોક સ્થાપત્ય અને કળાના સંમિશ્રણના ઉદાહરણ રૂપ આ મહેલને તેના બગીચા સાથે UNESCO WORLD HERITAGE LIST માં સામેલ કર્યું.
અમને ટિકિટ જલ્દી જ મળી ગઈ. એકરોના એકરોમાં ફેલાયેલ લેન્ડસ્કેપ બગીચાઓ, ઠેર ઠેર ઊભી રાખેલી મનોરમ્ય મૂર્તિઓ, આંખને ઠંડક આપતાં ફુવારા, મહેલની અંદરનો સુંદર માહોલ, માહિતીના ભંડાર જેવું મ્યુઝિયમ…… જોવાનું ઘણું હતું અને સમય એકદમ માર્યાદિત હતો. ‘શું જોવું અને શું ન જોવું’ નો મુંઝારો ઘણો અઘરો હતો.
અમે પહેલા વિશાળ લેન્ડસ્કેપ બગીચાઓ અને ઠેર ઠેર ઊભેલી મનોરમ્ય મૂર્તિઓ જોવાનું નક્કી કર્યું. ચાર-ચાર જણના નાના ગ્રુપમાં બધાં વહેંચાઈ ગયાં. ૩૦૦ વર્ષથી શોભતા ધરતી પરના સ્વર્ગ જેવા આ બગીચાઓ બહુ જ વ્યવસ્થિત પ્લાનીંગ સાથે અને પ્રોફેશનલ મદદથી બનાવાયા છે. અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં પણ વૃક્ષો, છોડ અને વેલાઓ સચવાઈ રહે તે પ્રમાણે તેમનું વાવેતર કર્યું છે. અને નવજાત શિશુની જેમ તેમની કાળજી લેવાય છે. કુદરતી સૌન્દર્યની સાથે સાથે માનવ સર્જિત શિલ્પ અને કળા એકબીજામાં હળીમળીને સુંદરતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયાં હોય તેવું લાગે! સુંદર રંગ-બેરંગી પુષ્પોને અડકીને જ વિનસનું મનમોહક શિલ્પ હોય (૩૨ દેવી-દેવતાઓનાં શિલ્પ છે) , ક્યાંક સુંદર પુષ્પાચ્છાદિત મંડપોમાં વચ્ચે પાણીના ફુવારાનો મંદ મંદ ધ્વનિ લહેરાતો હોય (NEPTUNE FOUNTAIN), ક્યાંક નાજુક સ્તંભો પર લતામંડપ શોભતો હોય ( GLORIETTE) અને નજર પહોંચે ત્યાં સુધી તમને આ ફ્રેંચ ગાર્ડન અને વાડથી બનાવેલી ભુલભુલામણી (MAZE) સિવાય કંઈ જ ન દેખાય ….. રોમન અવશેષો, ઓરેન્જરી (ORANGERY), કોલમ્બરી (COLUMBARY) અને પામ પેવેલિયન ( PALM PAVILION) પરપણ નજર નાંખી આવ્યાં. તમે શું જુઓ અને શું ભૂલો? ફોટા પાડતા પણ થાકી જાવ!
દોઢેક કલાક આ મસ્તીમાં ગરકાવ થયાં પછી ભાન આવ્યું કે હજી મહેલને અંદરથી જોવાનો તો બાકી છે! યુરોપના સૌથી સુંદર ગણતાં મહેલોમાંનો એક આ મહેલ છે. બેરોક સ્ટાઈલમાં તેની આભા કંઈ ઔર જ ખીલે છે. સ્થાપત્ય અને કલાકારીગીરીનું જો થોડું શાસ્ત્રીય જ્ઞાન હોય તો આ અનુપમ સુંદરતાને વધુ માણી શકાય તે ચોક્કસ. ૧૪૪૧ રૂમોમાં વેરાયેલી આ અઢળક સમૃદ્ધિને જોવી અને યાદ રાખવી તો લગભગ અશક્ય છે. અમે જોયેલ વિશેષ રોકોકો રૂમ્સ યાદ છે.
બે કલાકનો સમય તો આંખના પલકારામાં વીતી ગયો. બહાર જવાનો રસ્તો પાછો વેઇટિંગ હોલની અવનવી વસ્તુઓથી ઊભરાતી મોટી ગીફ્ટ શોપ પાસેથી જ જતો હતો. યાદગીરી માટે પેલેસની મહોર વાળો ૧૦ € નો ચાંદીનો એક સિક્કો અને થોડાં પેઈન્ટીગ્સ લીધાં.
પેલેસના સૌન્દર્યથી અભિભૂત થયેલાં અમે બધાં બસમાં પણ મહેલની જ વાતો કરતાં હતાં. ‘અરે! અમારે તો આ જોવાનું રહી ગયું!’ એવો ભાવ બધાનાં મોઢાં પર હતો. પણ સાથે સાથે ‘કેટલું બધું જોયું’ ની લાગણી પણ હૈયામાં ઊભરાતી હતી! બસ-સવારીમાં કલાક ક્યાં જતો રહ્યો તે ખબર પણ ન પડી. અમારી બસ એક નાના સ્તંભ આગળ આવી ઊભી રહી. બપોરના લંચ માટે નીચે ઉતારવાનું હશે, પણ આવી જગ્યાએ? અમારાં મોં પરના પ્રશ્નાર્થ ચિહ્નને મિલિન્દભાઈ સમજી ગયા. નીચે ઊતરી રસ્તો ઓળંગી થોડું આગળ ચાલ્યાં અને મિલિન્દભાઈએ અમને એક સરપ્રાઈઝ માટે તૈયાર રહેવા કહ્યું. હાઈવે પરથી એક જ વળાંક લીધો અને અમે આવી ગયાં બ્રાટીસ્લાવા (BRATISLAVA) ની કુંજગલીમાં! બંને બાજુ સુંદર લીલાંછમ વૃક્ષાચ્છાદિત રાજમાર્ગ પર! એક બાજુ અનેક બાર,કાફે અને રેસ્ટોરાં તો બીજી બાજુ ટેકરીઓ પરથી વહેતું નાનું ઝરણું અને કિનારે સુંદર સ્મારકો! બ્રાટીસ્લાવા એ સ્લોવેક રિપબ્લિક ( SLOVAK REPUBLIC) અથવા ટૂંકમાં સ્લોવાકિયા તરીકે ઓળખાતા દેશની રાજધાની છે.
૧૯૯૩માં ઝેકોસ્લોવાકિયામાંથી વેલવેટ ડાઈવોર્સ નામે ઓળખતા શાંતિપૂર્વક કરારથી છૂટો પડેલો આ દેશ સ્લોવાકિયા એ મધ્ય-યુરોપમાં આવેલ લેન્ડ-લોક્ડ દેશ છે. પોલેન્ડ, ઉક્રેન, હંગેરી, ઓસ્ટ્રિયા અને ઝેક દેશો તેની ફરતે આવેલા છે. આ દેશોની સંસ્કૃતિની છાયા સ્લોવાકિયાની સંસ્કૃતિ પર દેખાય છે. મુખ્યત્વે પર્વોતોમાં અને ગીરી-કંદરાઓમાં જ ફેલાયેલો આ દેશ બહુ સુંદર છે. હાઈકિંગ અને સ્કીઈંગ કરવા માટે બહુ લોકપ્રિય દેશ છે. બીજા યુરોપિયન દેશોની સરખામણીએ પ્રવાસીઓને કરકસરયુક્ત અને સુરક્ષિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે. ઘણાં પ્રવાસીઓ દેશની રાજધાની બ્રાટીસ્લાવામાં ધામો નાંખી આસપાસના દેશોમાં ફરવાનું પસંદ કરે છે. બ્રાટીસ્લાવા ડેન્યુબ નદી પર આવેલું સુંદર ઐતિહાસિક શહેર છે. ‘ડેન્યુબ પરની સુંદરી’ના (‘BEAUTY ON DENUBE) નામથી વખણાય છે! યુરોપના બીજા દેશીની રાજધાનીની સરખામણીમાં નાનું શહેર છે. શહેરનાં જૂના ભાગમાં એટલે કે ઓલ્ડ ટાઉનમાં વાહનવ્યવહાર માન્ય નથી. પગે ચાલીને જ આખા ગામમાં ફરવાનું છે. કદાચ આને જ લીધે આ ભાગની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહ્યાં છે. ઐતિહાસિક સ્મારકો પર રાત ગાળવાની રોમેન્ટિક સગવડ, શહેર વિસ્તારમાં રાતની પગપાળા સફર, ચોકઠે ચોકઠે રાખેલાં પુતળાઓ અને રસ્તે બેઠેલ કલાકારો જો તમને રોમાંચક લાગતાં હોય તો તમારે બ્રાટીસ્લાવા જવું જ પડે! તમે ફટાફટ ચાલીને અડધો કલાકમાં ઓલ્ડ ટાઉન ઘૂમી વળો પણ શાંતિથી જુઓ તો દિવસો થાય!
બ્રાટીસ્લાવાની કુંજગલીમાં ૧૦૦ મીટર ચાલીને સામે જ એક નાનું સીટી સેન્ટરનું મકાન હતું તે બહારથી જોયું. પાસે જ મેક્ષમિલન ફુવારો, દેવળ અને ટાવર હતાં. આ ટાવર બ્રાટીસ્લાવા શહેરની કોર્પોરેશને બનાવેલ છે, દેવળે નહીં. એક રસપ્રદ વાત સાંભળી : યુરાપના ગામોમાં દેવળ અને કોર્પોરેશને બનાવેલ ટાવર વચ્ચે કાયમ હરીફાઈ ચાલે! જેનો ટાવર ઊંચો, તેનું ગામમાં જોર વધારે! ત્યાંથી જ ઓલ્ડ ટાઉનમાં જવાનો રસ્તો કાટખૂણે પડતો હતો. રસ્તા પર સરસ નાની કમાન બનાવી હતી. બપોર હતી અને ગરમી પણ સારી એવી હતી. કમાનમાંથી પાણીના ફોરાનો કૃત્રિમ વરસાદ ચાલુ હતો, જાણે ‘ગામમાં જતાં પહેલાં ઠંડા થઈને જાવ’ એવો સંદેશો હોય! માર્કેટ સ્ક્વેરમાં ખાણીપીણીની દુકાનોમાં ઝટપટ લંચનો પ્રોગ્રામ પતાવી અમે ગામમાં રખડવા નીકળી પડ્યાં. પહેલી જ નજરે પ્રેમમાં પડી જાવ તેવું સુંદર અને જીવંત શહેર છે આ! લાંબી હારબંધ સુંદર રંગીન હવેલીઓ જોતાં સિદ્ધપુરની યાદ આવી ગઈ! નાના એવા માર્કેટ સ્ક્વેરના રસ્તા પર અમે ચાર પ્રખ્યાત શિલ્પ જોયાં :
મેન એટ વર્ક CUMIL (MAN AT WORK) : ત્યાનું સહુથી વધુ પ્રખ્યાત પુતળું છે, ગટરમાં કામ કરનાર માણસ અડધો ઊંચે આવી રસ્તા પર જોતો હોય તેવું પુતળું, તેની સાથે સેલ્ફી લેવાં લાંબી લાઈન લાગેલી!
માર્કેટ સ્ક્વેરના ચોખઠે આવેલું બ્રાટીસ્લાવાના લોકપ્રિય પાત્ર શોન નાસીનું (SCHONE NACI) હસતું-રમતું જીવંત પુતળું,
બાંકડા પાછળનો મોટી ટોપીવાળો નેપોલિયનની આર્મીનો સૈનિક (NAPOLEAN’S ARMY SOLDIER) અને
છેલ્લે બાળ સાહિત્યકાર હેન્સ ક્રિશ્ચિયન એન્ડર્શનનું (HANS CHRISTIAN ANDERSEN)પુતળું.
માર્કેટ સ્ક્વેરથી ચારે દિશામાં જતી પથ્થરના પેવીંગવાળી ગલીઓ બહુ લોભામણી હતી. અમે તો ગલીએ ગલીમાં ફરી વળ્યાં. અમદાવાદનો પોળ વિસ્તાર યાદ આવી જ જાય. નાનીમોટી શેરીઓમાં પણ જઈ આવ્યાં. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને રહેવાની સગવડ હોય તેવાં ઘણાં ઘરો હતાં. એક ચોકઠામાં કસરત માટેની મોટી સાયકલ અને બીજાં સાધનો રાખ્યાં હતાં. અમે તો તેના પર પણ હાથ અજમાવી લીધો! સરસ લીલા અને સોનેરી રંગનાં ટોપવાળું સેન્ટ માર્ટીન કેથેડ્રલ બહારથી જોયું. બહુ આકર્ષક રંગ હતો કેથેડ્રલના ઉપરી હિસ્સાનો. ટાવર ઉપર જઈ શહેરનાં વિહંગાવલોકાનની સગવડ પણ હતી. અમારી પાસે સમય હતો જ નહીં એટલે તે લાભ ખોયો! બ્રાટીસ્લાવા કેસલ અને ટાઉન હોલ પણ દૂરથી જોયા.
અમે દોડાદોડ કરીને જરાક થાક્યાં હતાં. કંઈક ઠંડુ પીએ એવા વિચારે પાછાં માર્કેટ સ્ક્વેરમાં આવ્યાં અને એક બાંકડે બેઠાં. પાછળથી જાણીતી ભાષા સંભળાઈ. જોયું તો બા-દાદા, યુવક-યુવતી અને બે બાળકો સાથેનું ગુજરાતી કુટુંબ હતું. એ લોકો અહીં ક્યાંથી? વાતો શરુ થઈ. સુરતની ફાર્મસી કોલેજમાં સાથે ભણીને પરણેલ યુગલ અમેરિકામાં સેટલ થયું હતું અને ઘરનાં વડીલો તથા બાળકોને લઈ યુરોપની યાત્રાએ આવ્યું હતું. તે લોકોએ પોતાનો બેઝ બ્રાટીસ્લાવામાં રાખ્યો હતો અને રોજ આસપાસના દેશોમાં ફરતાં હતાં. બહુ જ ખુશ હતાં પોતાના અનુભવથી. એમની સાથે આનંદથી વાતો કરી છૂટાં પડ્યાં. વડીલોતો કોઈ બોલવાવાળું મળ્યું એથી બહુ આનંદમાં આવી ગયાં હતાં!
ઘડિયાળ કહી રહી હતી કે આગળ ચાલવાનો સમય થઈ ગયો છે. અમે પાછાં કૃત્રિમ વરસાદમાં ભીનાં થઈ કુંજગલીમાં આવી ગયાં. બધાં જ મિત્રો પોતપોતાની રીતે ફરીને પાછાં આવી ગયાં હતાં. ચાર-પાંચ કલાકનો અમારો આ સમય આ ટુરનો જ નહીં જીવનનો યાદગાર સમય બની ગયો હતો! એટલાં બધાં સ્મારકો અને ઐતિહાસિક મકાનો જોયાં હતાં અને કેટલીય રંગીન યાદો બનાવી હતી કે આ ઉન્માદ એમ શમે તેવો ન હતો. બીજી વાર ચોક્કસ અહીં આવીને અઠવાડિયું રહેવું છે એવી ઈચ્છા સાથે અમે બસમાં બેઠાં.
યુરોપનો લીલોછમ ગ્રામ્ય વિસ્તાર બહુ રૂપાળો છે! એમાં પાછું આ તો પવનચક્કીનો પ્રદેશ! હજી તો બ્રાટીસ્લાવાની યાદો ગળામાં જ અટકેલી હતી અને આ આટલો સરસ ગ્રામ્ય-વિસ્તાર! હજારોની સંખ્યામાં પવનચક્કીઓ દેખાતી હતી. વૃક્ષોનું વન હોય તેવું આ પવનચક્કીઓનું વન હતું! કુદરતી સૌન્દર્યની સાથે માણસની મહેનત ભળે તો ચાર ચંદ લાગી જાય! અમે બ્રાટીસ્લાવાથી બુડાપેસ્ટ (BUDAPEST) જઈ રહ્યાં હતાં. બુડાપેસ્ટ હંગેરી (HUNGARY) દેશની રાજધાની છે. બ્રાટીસ્લાવાથી બુડાપેસ્ટનું અંતર ૨૧૫ કી.મિ.નું છે અને બસમાં અઢી કલાકનો સમય લાગે છે.
હંગેરી એટલે ચિતડું ચોરી લે તેવી લોકસંસ્કૃતિથી ધમધમતો દેશ. કહેવાય છે કે રોમન, ગોથિક અને બેરોક સંસ્કૃતિઓનું સુભગ સંમિશ્રણ જોવું હોય તો હંગેરી જવું. આ દેશ પણ મધ્ય-યુરોપમાં આવેલ લેન્ડ-લોક્ડ દેશ છે. તેની આસપાસ સ્લોવાકિયા, ઉક્રેન,રોમાનિયા,સર્બિયા, ક્રોએશિયા, સ્લોવેનિયા અને ઓસ્ટ્રિયા દેશો આવેલા છે. બે મોટી નદીઓ ડેન્યુબ (DENUBE) અને તિસ્ઝા (TISZA) દેશની જીવ દોરી સામાન છે. હંગેરીની લગભગ ૧ કરોડની વસ્તી છે, પણ દેશની વસ્તી કરતાં વધારે પ્રવાસીઓને તે સંતોષે છે. બંને વિશ્વયુદ્ધમાં હંગેરીએ ઘણી ખાના-ખરાબી વેઠી છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી રશિયન સેટેલાઈટ તરીકે રહેલ આ દેશમાં ૧૯૫૬માં બળવો થયો પણ ૧૯૮૯ સુધી રશિયનોનું અને સામ્યવાદનું જોર હંગેરી પર કાયમ રહ્યું. ૧૯૯૧માં પહેલી વાર બહુપક્ષી લોકશાહી રીતે ચુંટણી યોજાઈ અને પાડોશી દેશો સાથે પણ સુલેહ-શાંતિ સ્થાપાઈ. દેશના પ્રેસિડેન્ટ પાસે માર્યાદિત સત્તા છે પણ પ્રાઈમ મિનિસ્ટર પાસે ઘણી સત્તા છે (ભારતની જેમ ?!?). દેશમાં રોડ, રેલ્વે, હવાઈ માર્ગ અને જળમાર્ગનું સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસેલું છે. બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે અને સરકારી શાળાઓમાં ફ્રી છે. આરોગ્ય માટે ઘણી સારી સેવાઓ સરકાર તરફથી મળી રહે છે.
કામણગારું બુડાપેસ્ટ મધ્ય-યુરોપના પેરીસ તરીકે જાણીતું છે. તે દેશનું વ્યાપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. શહેરની વચ્ચેથી ડેન્યુબ નદી વહે છે. નદીની બંને બાજુ બે અલગઅલગ સંસ્કૃતિ જીવે છે! ‘બુડા’ શહેરનો ઊંચીનીચી ગલીઓવાળો પશ્ચિમ વિસ્તાર છે જે રમણીય રેસીડેનશીઅલ વિસ્તાર છે તો પૂર્વનો ‘પેસ્ટ’ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે. ‘બુડા’ અને ‘પેસ્ટ’ નામે વિકસેલાં બે અલગઅલગ શહેરો ૧૮૭૩ માં એક થયાં જે હવે બુડાપેસ્ટ નામે ગ્લોબલ સીટી બની ગયું છે. સ્થાનિક લોકોને જૂનાં ઐતિહાસિક મકાનોમાં રહેવાનું પસંદ છે. ડાઉનટાઉનમાં તો સુંદર સ્થાપત્યના નમૂના રૂપ જાડી દીવાલોવાળાં, ઊંચી સીલીંગ વાળાં, સુંદર મોટીફથી શણગારેલાં અને ૧૦૦ વર્ષથી જૂનાં ઘણાં મકાનો છે.
અમે સૂર્યાસ્ત પહેલાં જ બુડાપેસ્ટ પહોંચી ગયાં. બસ છેક શહેરના ગીચ વિસ્તારમાં ડેન્યુબ નદીના કિનારા સુધી અમને લઈ આવી. રસ્તામાં સુંદર ઈમારતો, મકાનો, સ્મારકો જોતાં જોતાં આજની રંગીન સાંજના સપનાંઓ આંખોમાં સજવાં લાગ્યાં. નદી કિનારે ખાસ્સી એવી ભીડ હતી. ડેન્યુબ નદીમાં ક્રુઝની અમારી ટિકિટ આવી ગઈ હતી. આ નદી અને આસપાસનો વિસ્તાર પણ UNESCO વર્લ્ડ હેરીટેજ સાઈટ છે! નૌકા-વિહારનો અડધો સમય કુદરતી સૂર્ય-પ્રકાશમાં પસાર થાય અને બાકીની અડધી સહેલ રોશનીમાં જોવા મળે તેવું સરસ પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. થોડી વાર લાઈનમાં ઊભા રહેવું પડ્યું પણ આજુબાજુનો માહોલ એટલો તો રંગીન અને મોહક હતો કે ચાર કલાક પણ લાઈનમાં ઊભા રહેવું પડે તો ગમે! નંબર આવતાં અમે મોટી બોટમાં બેઠાં.
બેસવાની વ્યવસ્થા ઘણી જ સારી હતી. ચારે બાજુથી કાચની બારીઓ અને પૂરતી મોકળાશને લીધે બહુ અનુકૂળતા રહી. આગળ કે પાછળ ક્યાંય સીટ મળે તેનો બિલકુલ રંજ થાય નહીં. બોટ ધીમે ધીમે ચાલી અને સૂર્ય-પ્રકાશમાં જ અમે એક બાજુનાં મોહક સ્મારકો જોયાં : પહેલું જ દેખાયું યુરોપનું બીજા નંબરનું મોટું, અતિ-સુંદર અને મોહક એવું નીઓ-ગોથિક સ્ટાઈલમાં બનેલું હંગેરીનું પાર્લિયામેન્ટ બિલ્ડીંગ (HUNGARIAN PARLIAMENT BUILDING). જાણે આ હંગેરીનું પાર્લિયામેન્ટ બિલ્ડીંગ બ્રિટીશ પાર્લિયામેન્ટ બિલ્ડીંગની હરિફાઈમાં બનાવવામાં ન આવ્યું હોય! આ બિલ્ડીંગનું બીજું મનોરમ્ય સ્વરૂપ અમે પાછાં વળતાં રોશનીમાં પણ જોવાનાં હતાં. નદીના આખા પટ પર ફેલાઈ ગઈ હતી આ અતિ-સુંદર જાજરમાન ઇમારત! એના તરફ નજર નાંખીને અમે મુગ્ધ થઈ બેઠેલાં ત્યાં તો સહપ્રવાસીઓની હો-હા સાંભળી આગળ જોયું તો સુંદર મઝાનો પૂલ! ચેઈન બ્રીજ (CHAIN BRIDGE) નામે ઓળખાતો અને બુડાપેસ્ટની ઓળખ સમો ૧૯ મી સદીમાં બનેલો સુંદર બ્રીજ સૂર્યાસ્તના સમયે તો કંઈક અલૌકિક ભાસતો હતો! પુલની પાછળના ભાગમાં થોડે દૂર ૧૩મી સદીમાં બનેલું એક સુંદર દેવળ (MATTHIAS CHURCH) વાતાવરણમાં દૈવી રંગ પૂરતું હતું. અને એનાથી થોડું આગળ ૧૯૪૭ ની સાલમાં બનેલું લીબર્ટીનું પૂતળું (LIBERTY STATUE) કેવું ભવ્ય લાગતું હતું! શબ્દો વામણા પડે અને કેમેરા ખોટા પડે એવી સુંદરતા હતી. સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે ઓછો થતો ગયો, કર્ણમધુર સંગીતની સાથે ઠંડુ પીણું સર્વ થયું. બોટમાં બેસીને નદીના આછા ઉછળતા પાણીમાં અદભૂત સૂર્યાસ્ત જોવાનો અમને લાહવો મળ્યો!
બોટ પાછી વળી. લાઈટો થઈ ગઈ હતી. સુંદર રોશનીથી બંને કિનારા ઝગમગતા હતા. હવે બીજા કિનારાની ભવ્ય ઈમારતો પહેલી વાર જોવાની હતી તો પહેલા કિનારાની ઈમારતો રોશનીમાં જોવાની હતી. બોટ બહુ ધીમેથી ચાલતી હતી છતાં ‘ઊભી જ રહી જાય તો કેવું સારું’ એવી લાગણી થતી હતી. દૂર-દૂરની રોશનીથી રહસ્યમય લાગતો બુડાનો મહેલ (BUDA CASTLE) કાલે પાસેથી જોવાનો હતો! અને કિલ્લાઓ, સ્થંભો, મહેલાતો અને મૂર્તિઓથી છવાયેલો સુંદર, મોહક અને રહસ્યમય લાગતો હતો ફિશરમેનનો બેશન (FISHERMAN’S BASTION) એટલે કે માછીમારોનું ગામ! કાલે ત્યાં જઈને આ બધું જોવાની કેવી મઝા આવશે! સામેની બાજુ હંગેરીની પાર્લિયામેન્ટનું જાજરમાન બિલ્ડીંગ રોશનીથી ઓપતું હતું! એક બાજુ સુંદર ગ્રેષમ મહેલ (GRESHAM PALACE ) અને બીજી બાજુ હંગેરીનું પાર્લિયામેન્ટ બિલ્ડીંગ! સમય થંભી જાય અને આપણે અહીં જ બેસી રહીએ અને આ મઝા માણતાં રહીએ એવું મન થાય! આખરે ક્રુઝ પૂરી થઈ અને એક અદમ્ય સંતોષ સાથે અમે બોટમાંથી નીચે ઉતર્યાં. નીચે તો વધુ ભીડ હતી. રાતની રોશનીમાં નૌકા વિહાર કદાચ વધુ માદક લાગતો હશે!
બસમાં બેઠાં અને હોટલ પર આવ્યાં. બહુ જ સરસ હોટલ હતી. પગે ચાલીને જ ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓએ જઈ શકાય તેવું હતું. તમે માનશો કે બુડાપેસ્ટમાં ૧૪ UNESCO વર્લ્ડ હેરીટેજ સાઈટ્સ છે! પણ અમને હોટલમાંથી રાતના બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી. કદાચ આ ટુરમાં પહેલી વાર અમને રાત્રે બહાર જવામાં જોખમ છે એવું કહેવામાં આવ્યું. આમ પણ અમે થાક્યાં છીએ. આજનો દિવસ અમારા માટે આનંદના અતિરેકનો દિવસ છે. એક જ દિવસમાં ત્રણ ત્રણ દેશમાં જઈ, ત્રણે દેશની રાજધાનીમાં ફરી, ત્યાંના લોકપ્રિય ઐતિહાસિક સ્મારકોની યાદગાર મુલાકાત લઈ અમે આનંદમાં તરબોળ થઈ ગયાં છીએ! મનમાંથી એક આછડતો વિચાર પસાર થઈ ગયો : ભારતમાં એક જ દિવસમાં ત્રણ રાજ્યોમાં જઈ આટલું બધું ફરી શકાય? તે પણ આટલી સહેલાઈથી?






સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Excellent! Budapest is one of our favorite cities! Enjoyed nice pictures!
Amrish
Thanks, Amrishbhai! Yes, Budapest, Paris of East, is very interesting 👌👌 and beautiful!
Wow! Bratislava was a total surprise package. Lovely description of Vienna palace!!!
Thanks, Raja! Yes, Bratislava was a total surprise package! But we thoroughly enjoyed the place! ☺️😊
એક જ દિવસમાં ત્રણ ત્રણ દેશમાં જવું અને ત્રણે દેશની રાજધાનીના જોવાલાયક સ્થળોનો રસાસ્વાદ લેવો એ બાબત જ ખૂબ રોમાંચક લાગે છે. તમામ સ્થળો વિશે આટલું સુંદર વર્ણન કરવા બદલ આભાર.
Thanks, Shobha!
Yes, 3 countries, 3 beautiful capital cities …
Wonderful! Great!👌👌
Wonderful description. Awaiting the compilation of these articles in a book form.
Thanks, Bharatbhai!
Many readers have enjoyed the travelogue, so printed version is the next course of action!
અતિ સુંદર પ્રવાસ વર્ણન – ગદ્ય અને પદ્ય ના સમન્વય જેવી વાક્ય રચનાઓ – જાણે દર્શાબેન આજે કવિ બની ગયા હતા.
અદભૂત સ્થાપત્ય કલા વાળા સ્લોસ મહેલનો ફોટો જોવા ન મળ્યાનું થોડું ખટક્યું…
Thanks, Ketanbhai! It was very difficult to pick up the pics! 3 countries, 3 magnificent capital cities and so many places to cover…. Even I felt sorry for missing some very beautiful pictures!
ખુબ સુંદર વર્ણન.