






દર્શા કિકાણી
(૨૫ જૂન ૨૦૧૯)
સવારનો નાસ્તો પતાવી કંઈક નારાજગી સાથે અમે બસમાં બેઠાં. આજે ક્રેકોથી પ્રાગનો (PRAGUE) પ્રવાસ કરવાનો પ્લાન છે. બંને શહેરો વચ્ચે લગભગ ૫૩૫ કી.મિ.નું અંતર છે. આટલું અંતર કાપતાં અહીં સાડા પાંચ કલાકનો સમય લાગે. પણ પ્રાગ જતાં રસ્તામાં અમે વિલીક્ઝા મીઠાની ખાણ ( WIELICZKA SALT MINE ) જોવા જવાનાં છીએ. ક્રેકો મેટ્રોના અગ્નિ ખૂણાના વિસ્તારમાં આશરે ૨૦ કી.મિ.દૂર આ મીઠાની ખાણ આવેલી છે. આ પણ UNESCO વર્લ્ડ હેરીટેજ સાઈટ છે. આવી ખાણ જોવાનો અમારો આ પહેલો અનુભવ છે.
ટિકિટ લઈ લાઈનમાં ઊભાં. વ્યવસ્થા સારી હતી. રોજનાં હજારો પ્રવાસીઓને મેનેજ કરતાં હશે તેવું લાગ્યું. ૩૦-૩૫ પ્રવાસીઓની બેચમાં અંદર જવા દે. દરેકને એક ઓડીઓ ડીવાઈસ (AUDIO DEVICE ) પણ આપ્યું. અમે બધાં એક જ બેચમાં આવી ગયાં. એક વાર અંદર જાવ એટલે બહારની દુનિયા ભૂલી જાવ! થોડાં થોડાં કરીને આશરે ૮૦૦ પગથિયાં ચડવા-ઊતરવાના હતાં. પગની તકલીફ વાળા પ્રવાસીઓ માટે લિફ્ટની વ્યવસ્થા પણ હતી. જમીનની સપાટીથી ૬૦-૬૫ મીટર નીચે આશરે ૨ કી.મિ. લાંબા આ રસ્તા પર ધીમે ધીમે બે કલાક ફરવાનું હતું, ક્યારેક અંધારામાં તો ક્યારેક આછા અજવાળામાં… અને આ બધું આખી ખાણનો માત્ર ૧% ભાગ! આખી ખાણની વિશાળતાનો વિચાર તો કરી જુઓ! ખાણ ૨૪૦૦ એકરના વિસ્તારમાં ફેલાઈ છે તે માહિતી પાછળથી મળી.
દરેક ગ્રુપ સાથે લોકલ ગાઈડ હતા. અમારા ગ્રુપને આ વખતે એક લેડી-ગાઈડનો લાભ મળ્યો. બહેન બહુ કુશળ હતાં અને પોતાનું કામ બરાબર જાણતાં હતાં. રોક સોલ્ટની આ ખાણ ૧૩મી સદીમાં ખોદાવી શરુ થઈ જે ૨૦૦૭ સુધી કાર્યરત હતી. જો કે મીઠાના ઘટતા જતા ભાવ અને મોંઘી થતી મજૂરીને કારણે વ્યાપારી ધોરણે ૧૯૯૭માં મીઠાનું કોમર્શિઅલ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. લેડી-ગાઈડે અમને છેલ્લાં ૬૦૦ વર્ષનો ઈતિહાસ સમજાવ્યો. હવે તો આ ખાણ ઐતિહાસિક સ્મારક તરીકે વધારે જાણીતી છે. ખાણમાં ખાબડ-ખોબડ રસ્તે ચાલતાં ચાલતાં પ્રવાસીઓને સોલ્ટ માઈનીંગ ટેકનોલોજી સમજાવવામાં આવે છે. સફેદ અને ગ્રે રંગના જુદા જુદા શેડની દીવાલોને વિગતે સમજાવવામાં આવે છે. ઠેર ઠેર મીઠામાંથી જ કોતરેલ શિલ્પ અને મૂર્તિઓ સુંદરતામાં વધારો કરે છે. જૂની મૂર્તિઓ સાથે નવી મૂર્તિઓ ઉમેરાતી જાય છે. રોક સોલ્ટમાંથી જ કોતરેલી પોપ જોહન પોલ બીજાની (POPE JOHN PAUL II ) સુંદર મૂર્તિ જોઈ. મહાન ચિત્રકાર લિઓનારડોનું ભવ્ય ચિત્ર THE LAST SUPPER પણ કોતરવામાં આવ્યું છે!
ખાણમાં જ એક સુંદર તળાવ (LAKE) આવેલું છે. તળાવના ઘેરા વાદળી રંગના પાણીમાં ઓગળેલા મીઠાનું પ્રમાણ લગભગ ૩૦% છે! અકલ્પ્ય! મનોહર! મનોરમ્ય! કોઈ પણ વિશેષણ ઓછું પડે તેવું સુંદર તળાવ કોતરવામાં આવ્યું છે. આટલું ઓછું હોય તેમ ખાણમાં અંદર જ ચાર મોટાં દેવળો (CHAPELS) કોતરી કાઢ્યાં છે! સરસ મઝાનું નાનું એવું આખું ગામ કોતરી નાખ્યું હોય તેવું લાગે! એક દેવળમાં તો ઝુમ્મરો અને દીવાઓ સાથેનો એક મોટો ભવ્ય હોલ બનાવ્યો છે જ્યાં વર્ષો પહેલાં લગ્નો થતાં અને મહેફીલો પણ થતી! અમે બધાં તે મોટા હોલમાં શાંતિથી બેઠાં. એક અદભૂત અનુભવ થયો. યહ કિસ કવિકી કલ્પના….. !
કહેવાય છે કે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન તો જર્મનોએ આ ખાણનો ઉપયોગ શસ્ત્રો બનાવવા અને સંઘરવા માટે પણ કર્યો હતો. અને અનેક યહૂદીઓને જર્મનોએ મજુર તરીકે અહીં રાખ્યા હતા અને અત્યાચાર ગુજાર્યો હતો.
હોલમાંથી ઉપર તો લિફ્ટમાં તરત જ આવી ગયાં. જાણે પાતાળના ભવ્ય નાગલોકમાંથી પૃથ્વી પર આવી ગયાં. છેલ્લા બે કલાકની એક એક ક્ષણ નજર સામે તરવરતી હતી. આખો અનુભવ એટલો સરસ રહ્યો કે ઓશ્વીચ કેમ્પ (AUSCHWITZ – BIRKENAU CONCENTRATION AND EXTERMINATION CAMP) ન જઈ શકવાનું અમારું દુઃખ ઓછું થઈ ગયું. મિત્રો સાથે મોડું મોડું લંચ લીધું. દર બે કલાકે બસ ઊભી રાખતાં રાખતાં અમે મોડી સાંજે પ્રાગ (PRAGUE) (જે લોકલ બોલીમાં ‘પ્રાહા’ પણ બોલાય છે) આવી પહોંચ્યાં.
અમે પ્રાગમાં શહેર-વિસ્તારમાં જ રહેવાના હતાં એટલે બસમાં જ સરસ સાઈટ સીઇંગ ટુર થઈ ગઈ. શહેરમાં ટ્રાફિક ઘણો હતો એટલે બસી ધીમે ધીમે ચાલતી હતી. એક-એક બિલ્ડીંગ જાણે જીવંત સ્મારક હતું. શહેરમાં અને મકાનો પર ભવ્ય રોશની કરી હતી. ડાઉન ટાઉનમાં રામદા હોટલમાં સામાન મૂકી અમે ચાલતાં જ જમવા ગયાં. આજે પણ સ્વાદિષ્ટ ભારતીય ભોજનનો લાભ મળ્યો. જમીને ચાલતાં ચાલતાં હોટલ પર આવ્યાં. શું સુંદર શહેર! અમે રહ્યાં હતાં તે વિસ્તાર તો ઐતિહાસિક સ્મારકોથી સમૃદ્ધ હતો. હજારો લોકો રસ્તા પર ફરતાં હતાં. અમે તો રૂમ પર જવાનો વિચાર જ માંડી વળ્યો! પહોળો રસ્તો હતો. રસ્તાની બંને બાજુ વાહનો અને માણસોની અવરજવર થઈ શકે તેટલી જગ્યા છોડીને વચ્ચેનો ભાગ પાંચેક ફૂટ ઊંચા પ્લેટફોર્મ જેવું બનાવ્યું હતું. ચાલીસેક ફૂટ પહોળું અને બસ્સો ફૂટ લાંબુ પ્લેટફોર્મ. એક છેડે શહેર બાજુ જવાનો રસ્તો અને બીજી બાજુ ગોળાકાર રાજમાર્ગ અને સામે જ મોટું મ્યુઝિયમ. મ્યુઝિયમનું ભવ્ય બિલ્ડીંગ સરસ રોશનીથી ઝળહળતું હતું. રસ્તાના પ્લેટફોર્મ પર પ્રવાસીઓને બેસવા માટે ઘણાં બાંકડા ગોઠવ્યા હતા. સેંકડોની સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બહાર બેસીને મુક્ત મને આનંદ માણતાં હતાં. ત્યાં ઠેર ઠેરથી આવેલાં પ્રવાસીઓનું અનોખું વસ્ત્ર પરિધાન જોવાની પણ મઝા આવે તેવું હતું. પણ અમે તો બસ્સો ફૂટ ચાલી રાજમાર્ગ ક્રોસ કરી મ્યુઝિયમના બિલ્ડીંગમાં ગયાં. અમને ડર હતો કે બિલ્ડીંગના પોર્ચમાં કે બિલ્ડીંગની આસપાસ આવેલા બગીચામાં અમને કોઈ જવા નહીં દે. પણ બીના-રોકટોક અમે તો અંદર પહોંચી ગયાં. બિલ્ડીંગની બહારના પોર્ચમાં નોટિસબોર્ડ પર મ્યુઝિયમનું સમયપત્રક અને બીજી માહિતી લખી હતી. અમારા કમનસીબે સારસંભાળ માટે મ્યુઝિયમ થોડા દિવસો માટે બંધ હતું. પોર્ચના બિલ્ડીંગની ઉપર અગાસી હતી જે સીધી રાજમાર્ગ પર પડતી હતી. બહુ ભીડ હતી, પણ સરસ જગ્યા હતી એટલે અમે પણ તેનો લાભ લીધો. મ્યુઝિયમના બિલ્ડીંગમાંથી સામેનો ભીડભાડવાળો રસ્તો પણ મનમોહક લાગતો હતો. ત્યાં થોડી વાર ઊભા રહ્યાં પછી અમે મ્યુઝિયમના બિલ્ડીંગની પાછળ આવેલા બગીચામાં ગયાં. ઊંચાં ઊંચાં લીલાંછમ વૃક્ષો વાળો બિલકુલ નિર્જન બગીચો હતો. બેસવા માટે બેંચો પણ હતી. અમે જઈને બેઠાં પછી અમારાં થોડાંક મિત્રો પણ ત્યાં આવી લાગ્યાં.પ્રવાસીઓ માટે સુરક્ષિત એવાં પ્રાગમાં રાત્રે મોડે સુધી લોકોની અવરજવર ચાલુ રહેતી હશે તેવું લાગ્યું. કાલે સવારે વહેલાં ઉઠીને બસની મુસાફરી કરવાની ન હતી એટલે મોડે સુધી સુંદર અને માદક વાતાવરણ માણતાં માણતાં અમે ત્યાં જ બેઠાં.



સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
I also remember that it was heat wave in Europe. Our hotel was not designed to withstand such extremity and many of us could not sleep well that night! During the day town square had water sprinklers to make people comfortable.
Thanks, Raja! That’s part of my next episode! 🤣🤣😃
આમ તો કહેવાય છે કે એક ચિત્ર ૧૦૦૦ શબ્દની ગરજ સારે. પરંતુ આ વિવરણ એટલું રસપ્રદ છે કે salt mine ની ભવ્યતા પ્રસ્તત કરવા માટે ફોટોગ્રાફ્સ ઓછા પડે.
સાચી વાત, મોના! અદ્ભૂત જગ્યા…. અવિસ્મણીય! સમય મળ્યે ચોક્ક્સ જશો!
Such a unique experience of of Salt mine! Enjoyed reading about beautiful city of Prague.
Thanks, Toral! Join us again for the virtual tour of East Europe!
મીઠાની ખાણ અને પ્રવાસીઓના પ્રિય એવા પ્રાગ વિશેનું વિગતવાર વર્ણન ખૂબ રસપ્રદ લાગ્યું. આભાર.
Thanks, Shobha ! 👍😊😍
Keep reading and keep enjoying the virtual tour!
Very well described….. keep it up
Thanks, Bharatbhai! Join us again for the virtual tour of East Europe!