‘એક અધૂરું કથન’

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા રાહુલ ધ્રુવ

‘એક અધૂરું કથન’ માં એક વટવૃક્ષની કથા છે,જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબેન દોશી લિખીત એકાંકી નાટકઃ ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ના આધારે ૨૦૧૧માં લખેલ આ રચના ફરી મઠારીને પ્રસ્તૂત છે.

મૂળ નાટકમાં એક નવયુવાન પત્રકારને પહેલો ઈન્ટરવ્યુ વડલાનો લેવાનો થાય છે. પહેલા દિવસે જરૂરી પ્રશ્નોત્તરી પછી વડલો એ યુવાનને બીજા દિવસે બોલાવે છે. દરમ્યાનમાં વડને ઘણી બધી કથનીઓ સાંભરે છે. છેવટે એ વિશ્વને એક મહાન સંદેશ આપવા તૈયાર થાય છે. બીજા દિવસે પત્રકાર આવે તે પહેલા તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે અને એમ જ ઈન્ટરવ્યુ અને વડનું કથન બંને અધૂરા રહી જાય છે. ( વિવિધ અક્ષરમેળ છંદ )

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.

( અનુષ્ટુપ )

છોરું એ ધરતીના ને, ભેરું એ વનનાં હતાં.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતાં હતાં.

( હરિગીત )

ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.
હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃધ્ધોના શિરે છાંયો હતાં..

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યા,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી અહીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અહીં અવર ભગિની દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનનો નિર્દેશ છે )

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!


સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com


દેવિકા ધ્રુવ – રક્ષા શુક્લ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ

1 comment for “‘એક અધૂરું કથન’

  1. October 11, 2020 at 7:37 pm

    સલામ વડને. સલામ એ નાટિકા લખનારને અને સલામ આ કવિતાનાં સર્જકને .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *