





દીપક ધોળકિયા
૧૯૩૭માં પ્રાંતોમાં સરકારો બની ગયા પછી પણ મુસ્લિમ લીગને સમજાવવાના કોંગ્રેસના પ્રયાસો ચાલુ રહ્યા. જિન્ના સાથે ગાંધીજી, જવાહરલાલ અને બીજા કોંગ્રેસી નેતાઓનો પત્ર વ્યવહાર ચાલુ રહ્યો. ૧૯૩૮ની ૩જી માર્ચે જિન્નાએ ગાંધીજીને પત્ર લખીને કહ્યું કે “અમે માનીએ છીએ કે મુસ્લિમ લીગ હિન્દુસ્તાનના બધા મુસ્લિમો વતી બોલે છે અને બીજી બાજુ તમે કોંગ્રેસ અને બીજા બધા હિન્દુઓના પ્રતિનિધિ છો. માત્ર આ જ આધાર પર આપણે આગળ વધી શકીએ અને કંઈક વ્યવસ્થા ગોઠવી શકીએ.”
આ પત્ર સમાધાનના બધા રસ્તા બંધ કરી દેવા જેવો હતો. જિન્ના કોંગ્રેસને માત્ર હિન્દુઓના સંગઠન તરીકે ચીતરવાનો પ્રયાસ કરતા હતા. ચૂંટણીનાં પરિણામોએ દેખાડી દીધું હતું કે લીગ મુસલમાનોનું પ્રતિનિધિત્વ નહોતી કરતી. આમ છતાં જિન્ના એવો દાવો કર્યે રાખતા હતા કે મુસ્લિમ લીગ મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ છે. બીજી બાજુ, કોંગ્રેસ એની સ્થાપનાથી જ કોમી ભેદભાવ વિના બધાની પ્રતિનિધિ રાજકીય સંસ્થા તરીકે કામ કરતી હતી. કોંગ્રેસ જિન્નાનો આ દાવો સ્વીકારી લે તો એ પણ એક કોમી સંગઠન બની જાય.
હિન્દુ મહાસભાના નેતા ડૉ. બી. એસ. મુંજેએ પણ કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હિન્દુ અને મુસલમાન તરીકે રાજકીય, સામાજિક અને ધાર્મિક અધિકારો વિશેની વાતચીત મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા વચ્ચે થવી જોઈએ.
જિન્નાને લખેલા એક પત્રમાં કોંગ્રેસના નેતા અને યુક્ત પ્રાંતના ધારાસભ્ય આસફ અલીએ કહ્યું કે મુસલમાનોમાં ઘણા ફાંટા છે – સુન્ની, અહલે હદીસ, શિયા, કાદિયાની વગેરે એમના આંતરિક મતભેદો તો ચાલુ રહે, એમના વચ્ચે રમખાણો પણ થઈ જતાં હોય ત્યારે જે પક્ષ (કોંગ્રેસ) એમ કહેતો હોય કે અમે તમારા ધર્મ, ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ કરીશું એ પક્ષ વિરુદ્ધ એમનો સંયુક્ત મોરચો બનાવવાનું શક્ય છે ખરું?
આસફ અલીએ કહ્યું કે મુસ્લિમ લીગ માટે આ ચૂંટણીથી પહેલાં ગરીબ મુસલમાનોની આર્થિક ઉન્નતિ માટેનો કોઈ કાર્યક્રમ જ નહોતો. હવે નોકરીઓમાં ટકાવારી બાંધી દ્દેવાઈ છે, પણ એ શિક્ષિત મુસલમાનો માટે બહુ લાભકારક નથી રહ્યું. ખેડૂતો માટેની લોનનું વ્યાજ ચુકવવામાં હિન્દુઓ અને મુસલમાનો એકસરખી રીતે પીડાય છે. મુસ્લિમ લીગનો ઔદ્યોગિક કાર્યક્ર્મ પણ બહુ ઉપયોગી નથી કારણ કે એવો એક પણ ઉદ્યોગ નથી કે જેમાં ઉત્પાદક માત્ર મુસલમાન હોય અને ગ્રાહક પણ માત્ર મુસલમાન જ હોય.
મોટા ભાગના હિન્દુઓ કોંગ્રેસને ટેકો આપતા હતા અને હિન્દુ મહાસભા આ કારણે નબળી પડતી હતી, પરંતુ કોંગ્રેસ લીગને પોતાની સાથે રાખવા માટે જે મથામણો કરતી હતી, તેના બદલામાં લીગ તો પોતાની હઠમાં વધારે ને વધારે મજબૂત થતી જતી હતી. આનો પ્રભાવ હિન્દુ માનસ પર પણ પડતો હતો. સામાન્ય રીતે હિન્દુઓ બહુમતીમાં હોવાથી એમનું ધ્યાન હિન્દુસ્તાનની પ્રાદેશિક સ્વતંત્રતા પર રહેતું હતું અને એમને ધાર્મિક સમૂહ તરીકે માગણી કરવાનું જરૂરી નહોતું લાગતું. પરંતુ મુસ્લિમ લીગ પ્રત્યેના કોંગ્રેસના વલણથી એમનામાં અકળામણ વધતી હતી અને પોતાનું હિન્દુ તરીકેનું અસ્તિત્વ પણ યાદ આવવા લાગ્યું હતું. આમ બધી રીતે વાતાવરણ કોમવાદ તરફ ઢળવા લાગ્યું હતું.
આ બાજુ પ્રાંતોમાં ગવર્નરોના હાથમાં સરકારોને કોરાણે મૂકીને પણ કામ કરી શકે એટલી સત્તાઓ હતી અને ધીમે ધીમે એમણે કોંગ્રેસની સરકારોના કામકાજમાં વધારે ને વધારે દરમિયાનગીરી કરવાનું શરૂ કર્યું હતું. દાખલા તરીકે યુક્ત પ્રાંત અને બિહારની ઍસેમ્બ્લીઓમાં કોંગ્રેસ સરકારોએ બધા રાજકીય કેદીઓને છોડી મૂકવાના નિર્ણયો લીધા પણ બન્ને પ્રાંતના ગવર્નરોએ એમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને પ્રધાનમંડળની ભલામણો માનવાનો ઇનકાર કરી દીધો. આના પછી બિહારના પ્રીમિયર શ્રીકૃષ્ણ સિંહા અને યુક્ત પ્રાંતના પ્રીમિયર ગોવિંદ વલ્લભ પંતનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં. એક બાજુથી કોમવાદી વલણો અને બીજી બાજુ, સરકારોને કામ ન કરવા દેવાના વાઇસરૉયના ઇરાદાને કારણે સ્થિતિ બગડવા લાગી હતી.
હરિપુરા અધિવેશન
કોંગ્રેસનું ૫૧મું અધિવેશન ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૯મીએ સૂરત જિલ્લાના ગામ હરિપુરામાં બે લાખની જનમેદનીની હાજરીમાં મળ્યું. એ વર્ષે સુભાષબાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા. એમણે પ્રમુખ તરીકે આપેલા ભાષણમાં સ્વતંત્રતા પછી સત્તા સંભાળવા અને રાજકાજ ચલાવવા માટે કોંગ્રેસ સંપૂર્ણ તૈયાર હોવાનો સંકેત આપ્યો. એમણે કોંગ્રેસના આર્થિક કાર્યક્રમ, નાગરિકોના મૂળભૂત અધિકાર, કોમી સમાનતા, વિદેશ નીતિ વગેરે ઘણા વિષયોની છણાવટ કરી. આફ્રિકાના દેશોમાં ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામોને એમણે ટેકો આપ્યો અને પાડોશી દેશો સાથે મિત્રતા રાખવાની નીતિ જાહેર કરી. કોંગ્રેસની અંદર જ ડાબેરી અને જમણેરી જૂથો હોવાનો પણ એમણે સ્વીકાર કર્યો અને ખાસ કરીને ડાબેરીઓનો કોંગ્રેસના કાર્યક્રમોમાં સહકાર માગ્યો.
સુભાષબાબુએ રામ્સે મૅક્ડોનલ્ડના ઍવૉર્ડમાં જાહેર કરાયેલી ફેડરેશનની યોજનાનો કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે તે સમજાવતાં કહ્યું કે આપણે ફેડરેશનના સિદ્ધાંતથી વિરુદ્ધ નથી પણ ફેડરેશનની જે યોજના આપણી સમક્ષ આવી છે તેની વિરુદ્ધ છીએ. આ યોજનામાં દેશી રજવાડાંની વસ્તી ૨૪ ટકા હોવા છતાં નીચલા ગૃહમાં એમના માટે ૩૩ ટકા અને ઊપલા ગૃહમાં ૪૦ ટકા સીટો ફાળવવામાં આવી છે. અને આ સીટો રજવાડાંની પ્રજાને નહીં, શાસકોને મળશે. કોંગ્રેસ આ સ્વીકારવા તૈયાર નથી. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં જ એવું સૂચવ્યું હતું કે ફેડરેશન બને તો એમાં રજવાડાંઓની જનતાને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. જો કે, કોંગ્રેસે આ બાબતમાં એ વખતે કોઈ સ્પષ્ટ નીતિ નક્કી નહોતી કરી.
હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસે રજવાડાંઓની પ્રજાની આકાંક્ષાઓને વાચા આપવાનો પણ નિર્ણય કર્યો. દેશી રજવાડાંઓમાં લોકોની તકલીફોનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે કોંગ્રેસ એમના માટે સીધું કંઈ કરી શકે તેમ નથી પરંતુ ત્યાંના લોકોએ જાતે સંગઠિત થઈને અન્યાયો સામે લડવું જોઈએ. તે પછી દેશનાં ઘણાં નાનાંમોટાં રાજ્યોમાં પ્રજાકીય આંદોલનો શરૂ થઈ ગયાં.
સુભાષબાબુએ હરિપુરા કોંગ્રેસના ડેલીગેટોને સંબોધતાં સંઘર્ષ માટે ખડે પગે તૈયાર હોય તેવા સ્વયંસેવકો તૈયાર કરવાની પણ જરૂર દેખાડી. એમણે કહ્યું કે આપણે આપણા કાર્યકરોના શિક્ષણ અને તાલીમની પણ વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી આપણને સારા રાજકીય નેતાઓ મળી શકે. આગળ જતાં, એમણે ભારતની બહાર જઈને આઝાદ હિન્દ ફોજ બનાવી, પણ એમના મગજમાં સંગઠિત દળ ઊભું કરવાનો વિચાર તો ઘણાં વર્ષોથી રહ્યો હશે.
કોંગ્રેસની બહાર રહીને ઇંડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને કિસાન સભા પ્રવૃત્તિઓ વધતી જાય છે એવું કહીને સુભાષબાબુએ મત વ્યક્ત કર્યો કે કોંગ્રેસે એમની સાથે સંપર્કો વધારવા જોઈએ. ઘણી વાર કિસાન સભાઓ કે ટ્રેડ યુનિયન અને કોંગ્રેસ વચ્ચે ટક્કરની સ્થિતિ ઊભી થતી. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આપણે એમની સાથે મળીને કામ કરવું જોઈએ. આ વાતમાં જરા ઊંડે ઊતરવા જેવું છે.
કિસાન સભા
કિસાન સભાઓની પ્રવૃત્તિઓ આખા દેશમાં ફેલાયેલી હતી. આમાં બિહારના સહજાનંદ સ્વામીનો ફાળો મહત્ત્વનો રહ્યો. એમને ખેડુતોને હંમેશાં પોતાના હાથમાં ડંડો રાખવાની સલાહ આપી હતી. આને કારણે બિહારની કોંગ્રેસ સરકાર અને કિસાન સભા વચ્ચે ગંભીર મતભેદ ઊભા થયા હતા. સ્વામીજીએ કહ્યું કે ડંડો ખેડૂતનો સાથી છે અને એને છોડી ન શકાય. એમણે કહ્યું કે ડંડો ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતમાં પણ આડે નથી આવતો. ‘હરિજન’ પત્રે આના જવાબમાં લખ્યું કે સ્વામીજી અહિંસાનો સિદ્ધાંતની ખોટી રજૂઆત કરે છે. ઑલ ઇંડિયા કિસાન સભાના પ્રમુખ પ્રોફેસર એન. જી. રંગાએ કહ્યું કે શીખો જેમ કિરપાણ ન છોડી શકે તેમ ખેડૂતો માટે ડંડો ન છોડી શકે. જયપ્રકાશ નારાયણ પણ ખેડૂતો અને ડંડાની તરફેણમાં બોલ્યા અને આ મુદ્દા પર વિવાદ થાય તો એમણે કોંગ્રેસ છોડી દેવાની તૈયારી દેખાડી. આ વિવાદનો લાભ લઈને અંગ્રેજ તરફી અખબારોએ કિસાન સભા અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધારે પહોળી કરવાની કોશિશ પણ કરી.
હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન ચાલતું હતું ત્યારે ઑલ ઇંડિયા કિસાન સભાની બેઠક મળી તેમાં કિસાનોને જમીનદારોની ચુંગાલમાંથી છોડાવવાની અને જમીન મહેસૂલની વસુલાત રોકી દેવાની માગણી કરવામાં આવી. એ પછી બંગાળના કોમિલ્લા (હવે બાંગ્લાદેશમાં) સહજાનંદ સ્વામીના પ્રમુખપદે કિસાન સભાનું ૧૫મું અધિવેશન મળ્યું, એને ભારે સફળતા મળી. એ વખતે મહાત્મા ગાંધી મુસ્લિમ લીગને મનાવવાના પ્રયત્ન કરતા હતા. કોમિલ્લાની સભામાં સ્વામી સહજાનંદે રીતસર દેખાડી આપ્યું કે કોંગ્રેસે સમાજના કયા વર્ગ સાથે વાતચીત કરવી જોઈએ.
સ્વામીજીએ કિસાન સભાના સ્વતંત્ર અસ્તિત્વની જોરદાર તરફેણ કરી અને કહ્યું કે જે કોંગ્રેસીઓ કહે છે કે આવું સ્વતંત્ર સંગઠન બનાવવું એ આપણી આઝાદીની લડાઈ માટે જોખમી છે, તે ખોટા છે. કિસાનો પોતે વર્ગના આધારે સંગઠિત થશે અને કોંગ્રેસ તેમ જ મજૂરો સાથે ઊભા રહેશે ત્યારે જ દેશને રાજકીય અને આર્થિક આઝાદી મળશે. એમને કિસાન સભાના મતનો પુનરુચ્ચાર કર્યો કે આર્થિક આઝાદી વિનાની રાજકીય આઝાદી મળે કે ન મળે, એમાં કંઈ ફેર નથી પડતો. ઉલ્ટું, નરી રાજકીય આઝાદી મળશે તો નુકસાન થશે – ગોરા સાહેબો જશે અને એની જગ્યાએ કાળા સાહેબો આવી જશે!
૦૦૦
સંદર્ભઃ The Indian Annual Register Jan-June-1938 Vol. I
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી