





સુરેશ જાની
ત્રીજા દિવસે માછલીઓનું એક મોટું ટોળું હાથવગું થયું હતું. ઘણી બધી માછલીઓ પકડી શકાશે; અને દુઃખના દાડા ફરી નહીં જોવા પડે; એવી આશા બંધાઈ હતી. પણ કરમ બે ડગલાં આગળ હતું. એકાએક દરિયાઈ વાવાઝોડું ધસી આવ્યું. અને મન્જિરોની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. વાવાઝોડાની સાથે એ લોકો સાત સાત દહાડા સુધી દિશાના કોઈ ભાન વિના ખેંચાતા રહ્યા. સાતમે દિવસે એક અજાણ્યા ટાપુની નજીક તો આવ્યા પણ એમની હોડી ખડકની સામે ખાબકી અને એને તોડી ફોડીને, એ દુશ્મન વાવાઝોડાએ એમના ગામથી એમને એ સાવ નિર્જન ટાપુ પર ફંગોળી દીધા. ઉપર આકાશ અને નીચે ધરતી.
૧૮૨૭ની સાલમાં જાપાનના દરિયાકિનારે આવેલા સાવ નાનકડા ગામ ‘નાકાહામા’માં જન્મેલો મન્જિરો સાવ ગરીબ વિધવા માનો, સૌથી મોટો દિકરો હતો. બાપનું મરણ થતાં, એના માથે ઘર ચલાવવાની જવાબદારી માત્ર નવ વર્ષની ઉમરે આવી પડી હતી. પાંચ પાંચ વર્ષ કાળી મજુરી કરી માંડ ખાવા ભેગાં એ લોકો થતા. એની દશા પર દયા આવતાં, ડેન્ઝો નામના માછીમારે ભાડે લીધેલી હોડીમાં સહિયારી ભાગીદારીમાં માછલીઓ પકડી સ્વતંત્ર ધંધામાં બીજા ત્રણ એના જેવા જ વખાના માર્યા કિશોરો સાથે એને લીધો હતો.એની સાથે એણે પોતાના બે ભાઈઓ ગોમોન અને જુસુકેને અને એક દોસ્ત તોરેમોનને પણ લીધા હતા. કુલ પાંચ જણનો કાફલો. બધા સ્વતંત્ર ધંધાની કમાણીમાંથી ગરીબાઈની રેખાની ઉપર આવી જવાની આશામાં નાચતા અને કૂદતા હતા.
અને પહેલી જ સફરમાં આ દુર્ભાગ્ય…
અને એ સાવ નિર્જન ટાપુ પર એમણે પાંચ મહિના માંડ માંડ કાઢ્યા. ચાર મહિના તો ત્યાં આવીને રહેલા યાયાવર આલ્બ્બેટ્રોસ પક્ષીઓનો શિકાર કરીને એમની ભુખ ભાંગતી; પણ પીવાના પાણીનાં ત્યાં સાંસાં હતાં. થીજેલા બરફમાંથી ટપકી ટપકીને માંડ પાણી ભેગું કરી શકાતું. મંજિરો સિવાયના બધા માંદા પડી ગયા હતા. કદાચ એમનો ઉગાર કરવા કોઈ વહાણ આવી જાય; તો પણ પાછા જાપાન પહોંચવાના વિચારે પણ એ સૌ કંપી જતા. સાવ સાદા કારણે કે, ૧૬૦૩ની સાલથી ૧૮૫૫ સુધી જાપાને બહારની દુનિયા સાથેનો સમ્પર્ક સમ્પૂર્ણ રીતે કાપી નાંખ્યો હતો. માત્ર ડચ જહાજોને જ નાગાસાકી નજીકના એક ટાપુ પર લાંગરવા દેવામાં આવતા; અને ડચ ખલાસીઓ ત્યાં લગભગ કેદીઓની જેમ જીવન ગુજારી શકતા. બીજા કોઈ પણ દેશનું વહાણ, તોપમારના ભયથી જાપાનના કિનારાની નજીક જવાની હિમ્મત કરી ન શકતું. જાપાનની કોઈ પણ વ્યક્તિ જાપાનની બહાર જઈને પાછી આવે; તો તેની સામે દેશ છોડવાના ગુના માટે કાયદેસર ખટલો માંડવામાં આવતો; અને મોટે ભાગે તો ફાંસીની સજા થતી.
આમ દુર્ભાગી જાપાનીઓ માટે જીવનમાં કોઈ જ આશા ન હતી.
અને ૧૮૪૧ ના જુન મહિનામાં એમનું ભાગ્ય જરીક ખુલ્યું. વ્હેલનો શિકાર કરતા, ‘જ્હોન હાઉલેન્ડ નામના અમેરિકન વહાણે એ ટાપુની નજીક લંગર નાંખ્યું અને બે હોડીઓમાં એના બાર ખલાસીઓ ટાપુ પરથી કાચબા પકડવા ઉતર્યા. આ કમનસીબોની કરમકહાણી હાથ અને મોંના હાવભાવ વડે એમણે જાણી અને વહાણ પર એમને આશરો આપ્યો. મંજીરો અને એના સાથીઓએ આવા ફિક્કા રંગના માણસો કદી જોયા ન હતા. પરદેશીઓને તો જાપાનમાં ભયાનક દેખાવ વાળા રાક્ષસો જ માનવામાં આવતા હતા. પણ આ વહાણના દયાળુ સ્વભાવવાળા કેપ્ટન વિલિયમ વ્હિટફિલ્ડની કૃપાથી વહાણ પર એમને આશરો મળ્યો અને એ સૌ પણ વ્હેલના શિકારના કામમાં જોતરાઈ ગયા.
મંજીરોના સાથીઓ તો હજી હતાશામાં જ ગરકાવ હતા; પણ માંડ ૧૪ વર્ષની ઉમરનો મંજિરો તરવરાટવાળો હતો. એને એ સમજાઈ ગયું કે, જાપાનના માછીમારો કરતાં આ અમેરિકનો ઘણા વધારે કાબેલ હતા. મધદરિયે વ્હેલનો પીછો કરીને એનો શિકાર કરી શકતા; અને ઘણા મોટા વહાણને હંકારી શકતા હતા. એના મિલનસાર સ્વભાવ અને નવું તરત શીખી લેવાની ધગશ અને આવડતના કારણે એ તો કેપ્ટનનો માનીતો બની ગયો; અને ફટાફટ શિકારની અને વહાણ ચલાવવાની કળા શીખવા લાગ્યો.
૧૮૪૧ના નવેમ્બર મહિનામાં ઓગણીસ વ્હેલોનો શિકાર કર્યા પછી હવાઈ ટાપુઓના સૌથી મોટા બંદર હોનોલુલુમાં વહાણ પહોંચી ગયું. મંજિરો સિવાયના ચારેય જણા તો ત્યાં રહી જ પડ્યા. એમને નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. પણ મંજિરોને કેપ્ટને પોતાની સાથે અમેરિકા આવવા કહ્યું. ચબરાક મંજિરોએ આ તક ઝડપી લીધી; અને એની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ થયું.
જાન્યુઆરી-૧૮૪૨માં વહાણે હોનોલુલુ છોડીને વહેલના શિકારની બીજી યાત્રા શરૂ કરી; ત્યારે મન્જિરો એની કામદારોમાંનો એક બની ગયો હતો. અને હવે તે વખાનો માર્યો નિરાશ્રિત ન હતો. હેલ્પર તરીકે એને ચોખ્ખા નફાનો ૧૪૦મો ભાગ પણ મળવાનો હતો. હવે તે અમેરિકન વહાણ પર કમાતો ધમાતો બન્યો હતો. પણ… એના અંતરમાં તો કાળી લ્હાય સતત બળ્યા કરતી. એની ગરીબડી માતા એની મદદ વિના બીજાં ભાંડવોને શી રીતે ખવડાવતી હશે; એની ચિંતા એના હૈયાને કોરી ખાતી.
સોળ સોળ મહિના લગણ એ લોકો વ્હેલ માછલીઓને ગોતતા, પેસિફિક મહાસાગરના પટને ફંફોળતા રહ્યા. તાહિટી, ગુનામ અને કેપ હોર્ન( દક્ષિણ અમેરિકાનો દક્ષિણ છેડો) થઈને ‘જ્હોન હાઉલેન્ડ’ વહાણ ૧૮૪૩ના મેની સાતમી તારીખે મેસેચ્યુસેટ્સના ન્યુ બેડફર્ડ બન્દરે, સાડા ત્રણ વર્ષની લાંબી સફરના અંતે પાછું ફર્યું. મન્જિરોને માદરે વતન છોડ્યાને અઢી વર્ષ પુરા થયા હતા.
અને…
પહેલા જાપાનીઝે અમેરિકન ધરતી પર પગ મૂક્યો. આ નવી દુનિયાની અજીબો ગરીબ જીવન શૈલી જોઈને મન્જિરો તો હેરત પામી ગયો. થોડાક દિવસ પછી કેપ્ટન વ્હીટ્ફિલ્ડ મન્જિરોને પોતાની સાથે, ધંધાદારી કામ માટે ન્યુયોર્ક પણ લઈ ગયો. એને વ્હેલના તેલ અને હાડકાંનો સારો ફાયદો મળે એવો ઘરાક ગોતવાનો હતો. અને પોતાના જૂના મિત્ર એબન અકીનને મન્જિરોને રાખવાની અને ભણાવવાની જવાબદારી સોંપી. સોળ વર્ષની ઉમરનો મન્જિરો એના જીવનની પહેલી શાળમાં એકડો ઘૂંટવા લાગ્યો!
બે મહિના પછી, કેપ્ટન વ્હિટ્ફિલ્ડે કમાણી તો રોકડી કરી જ લીધી; પણ આલ્બરટાઈન કીથ સાથે લગ્ન પણ કરી લીધાં. એની નવોઢાને પણ મન્જિરો બહુ ગમી ગયો; અને ત્રણે જણાં ન્યુ બેડફર્ડના સામા કિનારે ફેરહેવન પાછા વળ્યા. કેપ્ટને નવું ઘર ખરીદી લીધું; અને મન્જિરો એમના પાલક પુત્રની જેમ એમની સાથે રહેવા લાગ્યો. ત્યાંની બાર્ટલેટ એકેડેમીમાં વહાણવટા અને સર્વે ઈંગની તાલીમ પણ મન્જિરો લેવા લાગ્યો.
કેપ્ટન સાથે અઢી વર્ષ આમ ગાળ્યા બાદ; મન્જિરોને થયું કે, તેણે હવે જાતે કમાવું જોઈએ. આથી કેપ્ટનની પરવાનગી લઈને તે કેપ્ટન ઈરા ડેવિસના ‘ફ્રેન્કલિન’ નામના જહાજ પર રસોઈયાના મદદનીશ તરીકે જોડાઈ ગયો. ૧૮૪૬ના મેની ૧૫મી તારીખે ૨૪ સાથીઓ સાથે ફ્રેનક્લિન જહાજે સફર આદરી. એક વરસ પછી, વ્હેલની શોધમાં એટલાન્ટિક મહાસાગર ખુંદતાં ખુંદતાં; આફ્રિકાની દક્ષિણ ટોચ ‘કેપ ઓફ ગુડ હોપ’ થઈને જાપાનના દરિયાની નજીકથી પસાર થયું. જાપાનના માછીમારોની હોડીની નજીકથી એ લોકો પસાર થયા.
આખી દુનિયાનો ચકરાવો ફરી ચૂકેલા મન્જિરોને આશા બંધાઈ કે, કેપ્ટન તેને જાપાનના કિનારે ઉતારી દેશે; અને પોતાની વ્હાલસોયી માતાની સાથે એનું પુનર્મિલન થશે. પણ એ આશા ઠગારી નીવડી. જાપાનની વિદેશીઓ માટેની નફરતની ડેવિસને પુરી ખબર હતી. ખાલી ખાધસામગ્રીની આપલે કરીને જહાજ હોનોલુલુના અમેરિકન કિનારા તરફ ધસી ગયું.
અને ૧૮૪૮ના સપ્ટેમ્બર મહિનામાં મન્જિરો હોનોલુલુ પરના એના જાપાની સાથીઓને ફરી મળી શક્યો. એમાંનો એક જુસુકે તો ગુજરી પણ ગયો હતો.
એક મહિનો ત્યાં ગાળ્યા બાદ, જહાજ તો વધુ વ્હેલના શિકાર માટે આગળ ધપ્યું. પણ કશીક માંદગીના કારણે કેપ્ટન ડેવિસની હાલત ખરાબ થઈ ગઈ; અને તે લગભગ ગાંડા જેવો બની ગયો; અને ખલાસીઓ તરફ હિંસક બનવા લાગ્યો. બધાએ ભેગા મળીને એને કેદી બનાવી દીધો; અને એના મદદનીશને કેપ્ટન બનાવ્યો. મન્જિરોના વહાણ ચલાવવાના અને બીજા કામોની અદભૂત આવડત જાણીને બધાએ આ નવા કેપ્ટનના મદદનીશ તરીકે તેની નિમણૂંક એકમતે કરી દીધી.
ફિલિપાઈન્સના મનીલા બન્દર પર વહાણ લાંગર્યું ત્યારે ત્યાંના અમેરિકન કોન્સલે ડેવિસને જેલમાં પુરી દીધો; અને વહાણ ફરીથી આવ્યું હતું ; તે રસ્તે પા્છું વળ્યું. અને છેવટે ૧૮૪૯ના સપ્ટેમ્બર મહિનામાં વહાણ લગભગ સાડા ત્રણ વર્ષની સફરના અંતે ન્યુ બેડફર્ડ પાછું ફર્યું. તેમણે ૫૦૦થી વધારે વ્હેલોનો શિકાર કર્યો હતો. સફરના અંતે, ૩૫૦ ડોલર જેટલી માતબર રકમ મન્જિરોને મળી.
અને મન્જિરોએ ગાંઠ વાળી કે, અમેરિકાની ધરતી પર ખુબ કમાણી કરી; પોતાનું વહાણ ખરીદવું અને પોતાની તાકાત પર વ્હાલી માને મળવા જાપાન પાછું ફરવું.
ક્રમશ:
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com