ફિર દેખો યારોં : મૈં અકેલા હી ચલા થા….

Facebooktwitterredditpinterestlinkedinmail

મૈં અકેલા હી ચલા થા જાનિબ-એ-મંઝીલ મગર,

ન કોઈ સાથ આયા, ઔર ન તો કારવાં બના

બીરેન કોઠારી

‘ધ કેનાલ મેન’ના નામે બિહારના લૌંગી ભુઈયાના કાર્ય પરથી કદાચ કોઈ ફિલ્મ બનાવવાની ઘોષણા થોડા સમયમાં સાંભળવા મળે તો નવાઈ નહીં, અને સાંભળવા ન મળે તો કશું આશ્ચર્ય નહીં. બિહારના ગયા જિલ્લાના કોઠીલવા ગામના આ ખેડૂતે દશરથ માંઝીની સમકક્ષ કામ કર્યું. આથી તેને પ્રસાર માધ્યમોએ ‘દ્વિતીય દશરથ માંઝી’ તરીકે ઓળખાવ્યો છે. આથી પહેલાં દશરથ માંઝીએ જે કરેલું એ તાજું કરી લઈએ. બિહારના ગયા પાસે આવેલા પોતાના ગામ ગેહલોર આડે એક મોટો પહાડ હતો, જેને કારણે પંચાવન કિ.મિ.નું ચક્કર કાપીને અત્રિ કે વઝીરગંજ જેવાં મુખ્ય મથકે પહોંચી શકાતું. ખાસ કરીને તબીબી કટોકટીના સમયે આ અંતર બહુ લાંબું લાગતું. પત્નીને થયેલા અકસ્માત અને તેને પગલે થયેલા તેના મૃત્યુના ધક્કાએ દશરથ માંઝીને નડતરરૂપ આ પહાડ કોતરીને રસ્તો બનાવવા પ્રેર્યો. હથોડી અને છીણી લઈને દશરથે એકલે હાથે આ કામ શરૂ કર્યું. એક, બે, પાંચ કે દસ નહીં, પણ પૂરાં બાવીસ વર્ષ તેણે આ કામ કર્યે રાખ્યું. છેવટે પહાડ કોતરીને રસ્તો બન્યો ત્યારે પંચાવન કિ.મિ.નું અંતર ઘટીને સાવ પંદર કિ.મિ.નું થઈ ગયું. મોડે મોડે પણ માંઝીના આ કાર્યને પ્રસિદ્ધિ મળી અને તેમને ‘માઉન્ટન મેન’તરીકે બીરદાવાયા. 2015માં માંઝીના આ કાર્યને કેન્દ્રમાં રાખીને ‘માંઝી-ધ માઉન્ટન મેન’ નામની ફિલ્મની પણ રજૂઆત થઈ, જેનું દિગ્દર્શન કેતન મહેતાએ કર્યું હતું.

લૌંગી ભૂઈયાએ પોતાના ગામમાં રહેલા તળાવ સુધી પાણી લાવવા માટે એકલે હાથે ત્રણ કિ.મી. લાંબી નહેર ખોદી છે, અને આ જાણે કે તેમનું જીવનકાર્ય બની રહ્યું હોય એમ ત્રીસ વર્ષ તેમણે આ કામમાં ખર્ચી કાઢ્યા. આને કારણે  ગામની આસપાસના પહાડો પરથી વરસાદી પાણી ગામનાં ખેતરો સુધી આવશે. ત્રણેક હજાર લોકો આનાથી લાભાન્વિત થશે. તેમના આ કામમાં નથી તેમને કોઈ ગ્રામજનોએ સાથસહકાર આપ્યો કે નથી કોઈ કુટુંબીજને. સહકાર તો ઠીક, તેમને ‘પાગલ’ ગણાવાતા. હવે આ કાર્યનું યોગ્ય પરિણામ મળતાં સૌ ખુશ છે અને તેમને બિરદાવે છે. લૌંગી હાલ સીત્તેરના છે.

આ સમાચારની બીજી બાજુ પણ વિચારવા જેવી છે. ભુઈયાંના આ કાર્યને તેમની સફળતા ગણવી કે લોકોની અને તંત્રની ઘોર નિષ્ફળતા? ઢળતી વયે એક માણસ વીસ વીસ વર્ષથી એકલે હાથે સતત મચી પડે અને કોઈ તેની સામું સુદ્ધાં ન જુએ એ વલણને શું કહીશું? પ્રશાસન તંત્ર માત્ર ત્રણ કિ.મી.નું આ ખોદકામ યંત્રો વડે કેટલી આસાનીથી અને ઓછા સમયમાં કરી શક્યું હોત? પણ ન તંત્રે એવી દરકાર લીધી કે ન કોઈ ગ્રામજને તંત્ર સુધી રજૂઆત કરી.

સૌથી વધુ હસવું ત્યારે આવે કે જ્યારે ભૂઈયાંને ‘બીજા દશરથ માંઝી’ તરીકે ઓળખાવાય. આ બન્ને કૃત્યોમાં સામાન્ય પરિબળ તરીકે બન્ને જણની મજબૂરી છે, અને એ મજબૂરીમાંથી પેદા થયેલું ઠંડું ઝનૂન છે. આ ઝનૂન એટલું પ્રબળ છે કે પોતાની શારિરીક મર્યાદાઓને અવગણે છે, અને લોકટીકાને વેઠવા છતાં તે ઓસરવાને બદલે વધતું રહે છે. આ કૃત્યને પ્રસાર માધ્યમો ‘પરાક્રમ’ તરીકે ઓળખાવે અને તેના કર્તાને ‘હીરો’ તરીકે ઓળખાવે એ માનસિકતા વિશે કશું ન કહેવાય એ જ સારું! આવી વ્યક્તિના આવા કૃત્યનો જયજયકાર કરવામાં બહુ સગવડપૂર્વક તંત્રની નીંભરતાને વિસારે પાડી દેવામાં આવે છે. અને એકલા તંત્રને ભાંડીને બેસી રહેવાનો શો અર્થ? એક માણસ વરસો પાગલની જેમ મચ્યો રહે, છતાં કોઈ તેની મદદે ન આવે, તેને સહાય કરવાનું સુદ્ધાં ન વિચારે, અને ઉપરથી તેને ‘પાગલ’ ગણાવે એ કેવી વક્રતા! માંઝીની જેમ જ કદાચ હવે ભૂઈયાંનું સન્માન થશે, લોકો તેને બીરદાવશે, તેની સફળતાની ગાથાઓ ગવાશે. આવી સફળતાને પોંખવી કેટલી સહેલી છે! અઘરું છે આવી વ્યક્તિને તેના કામમાં સહયોગ આપવાનું, એક વ્યક્તિએ જે કામ કર્યું એ કામ કરવાની જવાબદારી સંબંધિત પ્રશાસન તંત્રની છે એ સમજવાનું અને એ માટે તંત્રને ઢંઢોળવાનું તેમ જ સમજાવવાનું!

માણસની ગંધ પારખી લેતા માણસખાઉ રાક્ષસની જેમ એવા પણ લોકો છે કે જે ગમે ત્યાંથી હકારાત્મકતાને સૂંઘી લે છે. તેમને કદાચ ભૂઈયાં કે માંઝી જેવી વ્યક્તિઓ પ્રેરણામૂર્તિ પણ જણાય. એમ કરવામાં તેમણે ‘પ્રેરણામૂર્તિ’ બનવું પડ્યું એ માટેના સંજોગો અને પરિસ્થિતિને સુવિધાપૂર્વક વિસરાવી દેવામાં આવે છે. વક્રતા એ છે કે એમ કર્યા પછી પણ આવી એકાગ્રતા કે એકલમલ્લતાની પ્રેરણા મળતી જ નથી. 

એક વાસ્તવિકતા એ પણ નજરે પડે એવી છે કે વિકાસના પડઘમ ચોફેર સંભળાય એ રીતે વગાડવામાં ભલે આવે, હજી આવાં કેટલાંય ગામો છે કે જ્યાં વિકાસ પહોંચ્યો નથી. ચાહે એ ગામ બિહારનું હોય કે અન્ય રાજ્યનું. એવા રાજ્યમાં કોઈ પણ પક્ષનું શાસન ભલે રહ્યું, છેવટે એ છે તો આપણા દેશમાં જ ને! રાજ્યગૌરવ અને દેશગૌરવ સ્થાનિક સરકાર આધારિત ન હોઈ શકે. ટેક્નોલોજીના અત્યાધુનિક યુગમાં પણ વખાના માર્યા કોઈકે માંઝી કે ભૂઈયાં બનવું પડે ત્યારે ટેક્નોલોજીની સાર્થકતા અંગે પુનર્વિચાર કરવો રહ્યો. શું આપણી ટેક્નોલોજી જરૂરિયાત ઑનલાઈન વેરો યા દંડ ભરવામાં, અનલિમિટેડ મફત કૉલમાં કે છેતરપિંડીથી થતા બૅન્ક કૌભાંડોમાં જ સમાઈ જાય છે? અવકાશમાંથી પૃથ્વી પરની ઝીણામાં ઝીણી હિલચાલ પર નજર રાખી શકાતી હોય તો આવાં સ્થળો કેમ કોઈના ધ્યાનમાં આવતાં નથી? એક માણસ પોતાના જીવનનાં વીસ-પચીસ વર્ષ એકલપંડે પાવડો અને તગારું લઈને પાગલની જેમ ખોદકામ જ કરતો રહે અને કોઈનું રુંવાડુંય ન ફરકે ત્યારે દેશના ‘સાંસ્કૃતિક વારસા’ની વિભાવના અંગે નવેસરથી વિચારવું રહ્યું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૯-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : મૈં અકેલા હી ચલા થા….

 1. October 1, 2020 at 4:53 am

  બહુ જ પ્રેરક વાત. આની તો ખબર જ ન હતી.

  • બીરેન કોઠારી
   October 1, 2020 at 9:48 am

   માફ કરજો, સુરેશભાઈ. આને ‘પ્રેરક’ ગણાવીને આમાંથી કઈ પ્રેરણા લેવાની છે? લેખનો ધ્વનિ જ એ છે કે આ શરમજનક છે, પ્રેરક નથી.

 2. Dinesh R Patel
  October 4, 2020 at 1:19 pm

  શું આપણી ટેક્નોલોજી જરૂરિયાત ઑનલાઈન વેરો યા દંડ ભરવામાં, અનલિમિટેડ મફત કૉલમાં કે છેતરપિંડીથી થતા બૅન્ક કૌભાંડોમાં જ સમાઈ જાય છે? અવકાશમાંથી પૃથ્વી પરની ઝીણામાં ઝીણી હિલચાલ પર નજર રાખી શકાતી હોય તો આવાં સ્થળો કેમ કોઈના ધ્યાનમાં આવતાં નથી? એક માણસ પોતાના જીવનનાં વીસ-પચીસ વર્ષ એકલપંડે પાવડો અને તગારું લઈને પાગલની જેમ ખોદકામ જ કરતો રહે અને કોઈનું રુંવાડુંય ન ફરકે ત્યારે દેશના ‘સાંસ્કૃતિક વારસા’ની વિભાવના અંગે નવેસરથી વિચારવું રહ્યું.

  આટલો મુદ્દો જ કાફી છે,અદ્ભૂત વાત છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *