





પ્રવાસી યુ. ધોળકિયા
વીસમી સદી પશ્ચિમના દેશોની હતી, પણ એકવીસમી સદી ભારતની થશે કેમકે ત્યારે ભારતીય ધર્મ અને અધ્યાત્મ્ય તેના વિજેતાઓને જીતી લેશે. આ ભવિષ્યવાણી આપણા કોઈ હિંદુત્વવાદીની નહીં પણ ગઈ સદીના મહાન ઈતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બીની હતી. નૂતન ભારતના ભાગ્યવિધાતા શ્રી અરવિંદો અને મહાત્મા ગાંધીએ ભારતના સનાતન ધર્મના પુનરુત્થાન અંગે શ્રધ્ધા અને આસ્થા વ્યકત કરેલી. આજે ટોયન્બી સિવાયના આત્મવિદો, હડસન સ્મિથ, વિવિયન સ્માર્ત અને ડેવિડ ફ્રાઉલૅ પણ સમગ્ર વિશ્વને એ સમજાવવા પ્રયત્નશીલ છે કે ભારતની આ પરંપરામાં એકમાત્ર વિશ્વધર્મ બનવાના બધાં લક્ષણો અને લાયકાત વિદ્યમાન છે.
ભારતનો આધ્યાત્મિક વિરલ વારસો વિશ્વની અનન્ય અજાયબી છે, માનવીએ મેળવેલી તે સર્વોચ્ચ સિદ્ધિ છે, જેમાં પરમતત્ત્વ – બ્રહ્મને આત્મસાત કરવામાં આવ્યું છે. વ્યક્તિમાત્રમાં આ પરમ તત્ત્વનો અંશ આત્મારૂપે રહેલો છે એટલે વ્યક્તિનું ઉર્ધ્વીકરણ એક સહજ પ્રક્રિયા છે. માનવજીવનનો હેતુ જ આ ચૈતન્યમાં વિલય પામવા માટે છે અને તેથી જ સનાતન ધર્મે એ પ્રચંડ ઘોષણા કરી છે કે अहं ब्रह्मास्मि અને तत्त्वमसि.
આ પરંપરા એટલે સનાતન સત્યનો ધર્મ. सत्यमेव जयते नानृतम. અહીં દરેકના હોઠ પર એક પ્રાર્થના છે કે હે પ્રભુ, અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જા – असतो मा सद्गमय ।. ભારતીય ૠષિપ્રજ્ઞાએ યોગ, ધ્યાન, તપ, તંત્ર, મંત્ર, યજ્ઞ, ભક્તિ અને પવિત્ર જીવન દ્વારા પરમતત્ત્વની પ્રાપ્તિ કરી અને તેના શબ્દોની મર્યાદા છતાં વેદ, ઉપનિષદ, ગીતા, મીમાંસા, સૂત્રો અને સ્મૃતિઓમાં ગ્રંથસ્થ કરી આવતી માનવ પેઢીઓને દિશા પ્રદાન કરી છે.
ભારતના મનિષીઓ સદા અનંતની ખોજ કરતા રહ્યા છે અને તેથી અહીં કોઈ વ્યક્તિવિશેષ, પુસ્તક કે વિચારધારાને પ્રાધાન્ય નથી. અહીં વ્યક્તિ માત્રને પોતાના સ્વત્વ (Being)ને ગાઢતા આપવા માટે અનેક પધ્ધતિઓ ઉપલબ્ધ છે. આ પરંપરાની અદ્વિતિયતા એ છે કે અહીં બધા વિરોધોને સન્માનની નજરે જોવામાં આવે છે. છેવટે આ વિરોધો પણ આ મહાન પરંપરાની અતૂટ કડી બની જાય છે.
સનાતન ધર્મ એ જ્ઞાન માર્ગ છે, ત્યાં કોઈ અફર સિધ્ધાંતોને સ્થાન નથી. આ પરંપરામાં કુદરતના નિયમોનો આદર કરવામાં આવે છે. આવો જ એક બીજો સિધ્ધાંત કર્મવાદનો છે. આપણે જેવું વાવીએ તેવું લણીએ એ સિધ્ધાંત અનુસાર જન્મજન્માંતરનાં ૠણાનુબંધોથી વ્યક્તિ બંધાય છે.
વધુમાં સનાતન ધર્મ કુદરતમાં વ્યાપ્ત ચૈતન્ય અને બુદ્ધિનો આદર કરે છે. વિજ્ઞાનની શોધોથી વિશ્વ નાનું બન્યું છે ત્યારે ભારતના સનાતન ધર્મની પરંપરા વિશ્વની અન્ય પરંપરાઓનું અતિક્ર્મણ કરીને તેનાં સારાં તત્ત્વો સ્વીકારી વિશ્વની એકમાત્ર સર્વમાન્ય પરંપરા બનવા માટે પાત્રતા ધારણ કરે છે. આજે પશ્ચિમનું વિજ્ઞાન, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન, પણ ભારતના અધ્યાત્મને સ્વીકારવા વિવશ બન્યું છે.
આપણી પરંપરા સાર્વત્રિક (Universal) છે. એટલે યજુર્વેદમાં કહેવાયું છે કે અમને દરેક દિશાઓમાંથી ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ – आ नो भद्रा कर्तव्यो यन्तु विश्वतः. સનાતન ધર્મ વિશ્વબંધુત્વની ભાવનાથી પરિપૂર્ણ છે. તે એક એવી પરંપરા છે કે જેમાં વિશ્વને કુટુંબરૂપે જોવ અપર ભાર મુકાયો છે – वसुधैव कुटुम्बकम . તૈતરીય સંહિતા તેથી જ કહે છે કે ‘ઈશ્વર અમારી બધાંની રક્ષા કરે! અમે બધાં આનંદથી જીવન ભોગવીએ ! આપણાં બધાંના બળની સમાન વૃદ્ધિ થાય અને કોઈ માટે અમારામાં દ્વેષ ન રહે. બધાં સુખથી રહે.’ અ પરંપરા અહિંસા પર ભાર મૂકે છે.
સનાતન ધર્મને શાંતિમાં અતુટ વિશ્વાસા છે. એટલે જ આપણી કોઈ પણ વિધિમાં શાન્તિપાઠનું હંમેશ પઠન થાય છે. આ શાંતિપાઠમં સમગ્ર વિશ્વની ભૌતિક અને જૈવિક સૃષ્ટિને વણી લેવામાં આવે છે. યજુર્વેદના આ શંતિપાઠનો અર્થ એવો છે કે ‘અંતરિક્ષમાં, વાતાવરણમાં, જળમાં, વનસ્પતિમાં અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ રહે.’ હવેનો કોઈ પણ વિશ્વ ધર્મ પર્યાવરણની ઉપેક્ષા નહીં કરી શકે. ભારતીય પરંપરામાં સમગ્ર સૃષ્ટિને જીવંત માનીને તેનો આદર કરવામાં આવે છે. અથર્વવેદના ‘ભૂમિસુક્ત’માં પૃથ્વીના માનવી પરના અસંખ્ય ઉપકાર બદલ તેની પૂજા અને સ્તુતિ કરવામાં આવી છે, અને અહીં પણ વિશ્વના માનવમાત્રને વિશ્વ કુટુંબના સભ્ય તરીકે સન્માનીય સ્થાન આપવામાં આવ્યું છે. મુળ શ્લોક આ મુજબ છે-
जनं विभ्रती बहुधा विवाचसं नानाधर्माणं पृथवी यथौकसम् ।
सहस्रं धारा द्रविणस्य मेदुहां ध्रुवेव धेनुरनपस्फुरन्ती ।।
(વિવિધ પ્રકારના ધર્મોમાં માનવ વાળા, અનેક ભાષાઓ બોલવાવાળા જનનસમુદાય જેમ એક ઘરમાં રહે તે રીતે વસાવતી આ અમર્ત્ય પૃથ્વી, જેમ ગાય દૂધ આપે છે તેમ, આપણને સૌને ધન પ્રદાન કરે.
સનાતન ધર્મની પરંપરા જ્યારે વ્યક્તિને સ્પર્શે છે ત્યારે તેના ઉધત જીવન અર્થે ચાર પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-નો માર્ગ ખુલ્લો મુકે છે. આ બધું સરળ બને તે માટે ચાર આશ્રમો – બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ- દરેક માટે ઉપલબ્ધ છે. વ્યક્તિને રોજ-બરોજના જીવનવ્યાપનમાં જ્યારે પણ મુશ્કેલી કે દુઃખ આવે છે ત્યારે ભગવદ્ ગીતામાંથી તેને પ્રશ્નોનો ઉકેલ અને માર્ગ મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા સનાતન ધર્મે કરી છે.
એકવીસમી સદીની વિશ્વમાન્ય પાર્થના બનવા જઈ રહેલ છે તેવા, ૠષિ વિશ્વામિત્ર દ્વારા રચિત, ગાયત્રી મંત્રથી લેખનું સમાપન કરીએ –
ॐ भूर्भुव स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥
ભાવાર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવાવાળા પ્રેરક, પૂજ્ય, શુદ્ધ પ્રેમ ચેતના સ્વરૂપ ઈશ્વરનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કર
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.