





પરિચયઃ
કુમાર ચંદ્રક, જયંત પાઠક ચંદ્રક, પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર પ્રાપ્ત કરેલ ડૉ. ધીરુભાઈ પરીખ ‘કુમાર’ અને ‘કવિલોક’ના તંત્રી છે. શ્રી બચુભાઇ રાવત અને રાજેન્દ્ર શાહનો વારસો આત્મસાત્ કરી કવિતાનું સંપાદન કરી રહ્યા છે. “કુમાર”ના પુનઃજન્મ અને “કવિલોક”ના સાતત્ય માટે ધીરુભાઈ પરીખે માતબર કામ કર્યું છે. આ સામાયિકો ધીરુભાઈના કારણે આજે આગવી ઊંચાઈને આંબી શક્યા છે. ગુજરાતની ૮૦ વર્ષ જૂની ‘બુધસભા’નું સંચાલનકાર્ય સંભાળી રહ્યા છે. તેઓ કહે છે કે ‘‘બુધસભા’ એ કાવ્યોના ઘડતરની કાર્યશિબિર છે, મુશાયરો નથી. જ્યાં નવા કવિઓ પોતાની રચના રજૂ કરે, ચર્ચા કરે, કવિઓના પ્રતિભાવો સાંભળે તો એની કવિતાઓનું ઘડતર થાય.’
ધીરુભાઈના આઠ કાવ્યસંગ્રહ, જેમાં ‘ઉઘાડ’, ‘અંગ પચીસી’, ‘આગિયો’, ‘રેલ્વે સ્ટેશન અને ટ્રેઈન’ નોંધપાત્ર છે. ગીતોનો સંગ્રહ ‘હરિ ચડ્યા અડફેટે’ નામે પ્રસિદ્ધ કર્યો. ‘અંગ પચીસી’ (૧૯૮૨)માં છપ્પાશૈલીનાં પચીસ કટાક્ષકાવ્યો છે. ધીરુ પરીખના બે વાર્તાસંગ્રહ ‘કંટકની ખુશબો’ (૧૯૬૪) અને ‘પરાજીત વિજય’ (૨૦૦૧) પ્રકાશિત થયા છે. ‘હવે અમારા નખ વધે છે’ નામે એકાંકી સંગ્રહ છે. તો ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭) અને ‘સમય રેત પર પગલાં’ (૨૦૦૧) નામે જીવનચરિત્રના સંગ્રહો પ્રકાશિત કર્યા છે. આ સાથે ધીરુભાઈએ ૧૮ વિવેચન સંગ્રહો આપણને આપ્યા છે. ધીરુભાઈ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ છે.. ધીરુભાઇનો આઠમો કાવ્યસંગ્રહ ‘સંવાદ-વિસંવાદ’ 2017માં પ્રગટ થયો. બે વાર્તાસંગ્રહ, એક નાટ્યકૃતિ, ચરિત્રનાં બે પુસ્તક, વિવેચનનાં અઢાર પુસ્તક, સંપાદનનાં બાવીસ પુસ્તક, સંસ્કૃત અને અંગ્રેજી કવિતાના અનુવાદનાં બે પુસ્તક પ્રગટ થયાં છે. ‘કવિતા-વિમર્શ’ અને ‘નવ્ય કવિ: નવ્ય કવિતા’ પ્રગટ થશે.
અત્રે તેમની કવિતાઓ પ્રસ્તૂત કરતાં વે.ગુ. સમિતિ આભાર સાથે હર્ષની લાગણી અનુભવે છે.–
દેવિકા ધ્રુવ – રક્ષા શુક્લ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ.
(૧) આજ મારું મન
આજ મારું મન મનમાં નવ સમાય.
નીરનાં મોજાં નીરમાં ઊઠી નીરમાં શમી જાય,
જરીક પાંદડું હાલતું તેમાં સમીર શો તરડાય !
લાખ મનાવું એક ન માને કેમ કરી પહોંચાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.
સાવ નથી કંઈ જાણીએ તો યે ગગનથી ઓળખાય,
ફૂલની ફોરમ સહુ કો’ માણે; કોઈએ દીઠી કાય ?
હોઠને કાંઠે આજ એ ઊભું કેટલુંયે અફળાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.
– ધીરુ પરીખ
(૨) મેં તો જોયો રે
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
આમ તો હું હોઉં ચાર દીવાલે બંધ,
આમ ઉઘાડી આંખ તોયે ઝાઝેરો અંધ,
જરા ઢાળું જ્યાં પોપચાં ત્યાં શૈશવની શેરીના
વ્હેતા તે રેલામાં કાગળની હોડીનો આવે રે સાદ..
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
પછી છબછબાછબ અને ધબધબાધબ,
પછી ઉઘાડી કાય ઢાંકે ફોરાં ગજ્જબ,
થપ્પથપ્પાથપ્પ નાના પગના પંજા પે રચ્યા રેતીના
કૂબાથી ‘ભોગળ તોડીને ભાગ’ આવે છે નાદ….
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
હવે ઘરને આધાર રહ્યા કોરાકટ્ટાક મારા ઉઘાડું
પોપચાં કે ભીતર ને બ્હાર બધે કેવો સંવાદ…
મેં તો જોયો રે ધોધમાર પડતો વરસાદ…
-ધીરુ પરીખ
(૩) વિદાય
મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?
આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?
કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપણે ક્યાં મળ્યા જ છીએ !
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
-ધીરુ પરીખ