






દર્શા કિકાણી
(૧૮ જૂન ૨૦૧૯)
સવારમાં ઊઠતાં જ રૂમમાંથી હિમાચ્છાદિત પર્વતો દેખાયા. ગઈકાલનો થાક તો રાતના આરામથી ઊતરી જ ગયો હતો. રાજેશ મને ખેંચીને રીશેપ્શન ઓફિસ સુધી લઈ ગયા… અને ત્યાં તો ભવ્ય એવો મેટરહોર્ન (હિમાચ્છાદિત પર્વતનું શિખર) દેખાતો હતો! હોટલમાંથી જ મેટરહોર્ન! શું દ્રશ્ય હતું! કલ્પનાતિત! જે મેટરહોર્ન (MATTERHORN) જોવા ભારતથી સ્વિત્ઝરલેન્ડ અને ઝર્મેટ આવ્યાં હતાં તે મેટરહોર્ન અમને હોટલમાંથી જ દેખાતો હતો! બને તેટલી ઝડપથી તૈયાર થઈ નાસ્તો કરી અમે નીકળી પડ્યાં. અહીંની હોટલોમાં નાસ્તો સારો મળે છે. સવારના લાંબા પ્રોગ્રામને શક્તિસભર કરી દે તેવો!
ઝર્મેટ ગામમાં જ ૨૫ મિનીટ ચાલી અમે કેબલ-કાર સ્ટેશને પહોંચ્યાં. ગામ બહુ સરસ હતું. ચાલવાની મઝા આવે તેવું હતું. દરિયાની સપાટીથી લગભગ ૫૦૦૦ ફૂટ ઉપર, ગીરી-કંદરાઓ વાળો ઠંડો પહાડી માહોલ, વાહન વગરના ચોખ્ખા ઊંચા-નીચા રસ્તા, રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ દેશ-વિદેશનાં સહેલાણીઓ…
કેબલ-કાર સ્ટેશને ખાસ્સી ભીડ હતી. અમારે ૧૪૦૦૦ ફૂટ (૩૮૮૩ મીટર) ઊંચે આવેલ મેટરહોર્ન ગ્લેશિઅર જોવા જવાનું હતું. મુસાફરો એક જ રાઇડમાં સીધાં જો આટલી ઊંચાઈએ પહોંચે તો શ્વાસોચ્છવાસની તકલીફ થઈ શકે, એટલે આખા ચઢાણને ૩ ભાગમાં વહેંચી નાખ્યું હતું. સ્ટેશન પરથી ટિકિટ પણ એ જ રીતે મળતી હતી. બેઝ સ્ટેશન જ એટલું મનમોહક હતું કે બાકીનાં સ્ટેશનો તો આનાથી વધારે સુંદર જ હશે તેમ માની અમે ઉપર જવા અધીરા થઈ ગયાં હતાં. સુંદરતા, મોહકતા કે આહલાદકતાની અમારી કોઈ પણ પરિભાષા ખોટી પડવાની હતી તે અમને ખબર હતી.
દસેક મિનિટ લાઈનમાં ઊભાં રહી અમે કેબલ-કાર આવતાં તેમાં ચઢ્યાં. ૮૦ જણ સાથે ઊભાં રહી શકે અને બહારનાં સુંદર દ્રશ્યો માણી શકે તેવી ચારે બાજુ મજબુત જાળી વાળી કેબલ-કાર હતી. ગભરામણ કે અજંપો થાય તો થોડાં માણસો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કેબલ-કારમાં હતી. હિમાચ્છાદિત પર્વતોની વચ્ચેથી કેબલ-કાર ધીમેથી સરકતી હોય ત્યારે બહાર દેખાતાં દ્રશ્યો અવર્ણનીય જ હોય! ઉપર અને આસપાસ જુઓ તો ચારે તરફ સૌન્દર્ય પથરાયેલું લાગે પણ નીચે જુઓ તો ડર લાગે! આસપાસની દુનિયાના વખાણ કરતાં કરતાં, બે વાર કેબલ-કાર બદલી અને થોડો પોરો ખાઈ અમે છેલ્લા મુકામે આવી પહોંચ્યાં. વાદળ અને વરસાદ વગરનો તડકાવાળો દિવસ હતો તે અમારું સદભાગ્ય હતું.
મેટરહોર્ન ગ્લેશિઅર પેરેડાઈસ સ્ટેશન પર તો જાણે મેળો ભરાયો હતો. કેટલું બધું જોવાનું અને માણવાનું હતું! કેબલ-કાર સ્ટેશનને લગોલગ જ એક સરસ રેસ્ટોરાં હતી. જો કે આવા સુંદર વાતાવરણમાં આવ્યાં પછી રેસ્ટોરાંમાં થોડું બેસાય? ત્યાંથી સહેજ આગળ ગ્લેશિઅર પર સ્કીઈંગ કરવાની સગવડ હતી. સ્કીઈંગ કરવા માટે યુવાનો કેટકેટલી તૈયારી કરી અહીં આવે. કેટલું જોખમ અને કેટલો તરવરાટ!
મોટા પ્લેટફોર્મ પર સ્નો છવાયેલ હતો. આજુબાજુ પણ જ્યાં નજર કરો ત્યાં સ્નો જ દેખાય! સફેદ રંગમાં પણ આછાંપાતળાં કેટલાં શેડ (SHADES) હોય છે એ તો ત્યારે જ ખબર પડે! બધાં દોડીને સ્નો પર રમવા લાગ્યાં. સ્નો પર દોડવું તો બહુ જોખમકારક! પડ્યા તો ઊભા થતાં દમ નીકળી જાય. મને ડર લાગતો હતો એટલે હું હજી સ્નો પર જવું કે નહીં એવા અવઢવમાં હતી પણ રાજેશ અને મિત્રો એમ કંઈ છોડે? સ્નોમાં રમવાની ખૂબ મઝા આવી. સ્નોના દડા બનાવી એકબીજાને મારવાની રમત એકદમ સામાન્ય પણ મઝા આવે તેવી! યુવાનો સ્નો ટ્યુબીંગ અને બીજી જોખમી રમતો રમે પણ અમારી હિંમત ચાલી નહીં. થોડી વારમાં તો હાથ-પગ ખોટા પડી ગયા હોય તેવું લાગે.
થોડીવાર સ્નો પર રમી અમે ૨૫-૩૦ મીટર લાંબા બરફના રસ્તે થઈ લિફ્ટમાં બેસી ૧૫ મીટર નીચે આવેલ આઈસપેલેસ (ICE PALACE) એટલે કે બરફના મહેલમાં ગયાં. કહેવાય છે કે રસ્તા એટલે કે આઈસ ટનલ અને મહેલનો મોટા ભાગનો સ્નો વર્ષો નહીં પણ સદીઓ જુનો છે! ચળકતા કે ઝળહળ થતાં સ્નોમાંથી કંડારેલી નાની-મોટી સો જેટલી મૂર્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ગુલાબ તથા બીજાં ફૂલો, પતંગિયા, મહેલ, હરણાં, કુતરાં, ભૂંડ, રેન્ડીયર, ક્રિસમસ ડેકોરેશન, દેવી-દેવતાઓ વગેરેની અદભુત મૂર્તિઓ સાથે તમે કોઈ જાદુઈ દુનિયામાં આવી ગયાં હો તેવું લાગે! ભુલભુલામણી જેવા અને લીસ્સા રસ્તાઓ પર સાચવીને ચાલવું પડે. આવા પ્રદર્શનમાં પણ બાળકો અને યુવાનો માટે રમતો ગોઠવી હતી! ૩૦-૩૫ મિનીટ ત્યાં આનંદ માણી અમે આગળ ચાલ્યાં. થોડુક ચાલ્યાં ત્યાં સિનેમા લોન્જ જોઈ. બહુ સરસ રીતે ઉપરથી લટકતાં ઝૂલામાં એકએક સીટ ગોઠવી હતી. સામે સરસ મોટી સ્ક્રીન હતી. અમારી પાસે સમય તો હતો નહીં ત્યાં બેસીને આખી સિનેમા જોવાનો પણ સિનેમા લોન્જમાં થોડીવાર બેસી નવો અનુભવ ચોક્કસ લીધો. આગળ ચાલ્યાં વેધશાળા અથવા નિરીક્ષણસ્થળ (OBSERVATORY) તરફ. તડકાવાળો ખુલ્લો દિવસ હતો એટલે ભીડ ઘણી હતી. લાઈનો પણ હતી. વ્યવસ્થિત રસ્તાઓ અને ઠેર ઠેર લિફ્ટ હતી એટલે અલગ અલગ સ્થળોએ પહોંચતાં વાંધો આવતો ન હતો. મેટરહોર્ન ગ્લેશિઅરની માહિતીનું સુંદર પ્રદર્શન જોઈ અમે વેધશાળાના વ્યુઇન્ગ પ્લેટફોર્મ પર ગયાં. ચારે બાજુ હિમાચ્છાદિત પર્વતો, જુદાં જુદાં શિખરો અને ફોટા પાડવા ઘેલાં થયેલાં માણસો! માદક અને અવર્ણનીય વાતાવરણ! અમે પણ એકલાં અને મિત્રો સાથે એમ ઘણા ફોટા લીધા.
ધીમે ધીમે નીચે ઉતારવાનું શરું કર્યું. ભીડ ઘણી હતી એટલે મિત્રોથી છૂટાં પડી ગયાં. એક વાર કેબલ-કાર પણ ચૂકી ગયાં. બીજા સ્ટેશને તો રાજેશને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી. આરામ કરવો જરૂરી બની ગયો. અમે એક બાજુ જગ્યા શોધી બેસી ગયાં. અમે સહુથી છેલ્લાં હતાં, પણ કંઈ થઈ શકે તેમ ન હતું. અમારો ફોન પણ ચાલતો ન હતો એટલે મિત્રો સાથે વાત કરી શકતાં ન હતાં. એવું ગંભીર તો કંઈ હતું નહીં, પણ કોઈ સાથે હોત તો સારું થાત એવું મને લાગતું હતું. થોડો આરામ કરી આગળ જવાય તેમ હતું. થોડી વારે જાણીતો અવાજ સંભળાયો. અરે! અમારા ગ્રુપનાં ૪ યુગલ તો હજી અહીં છે! એમની અમારી પર નજર પડી. રાજેશને જોઈને જ સમજી ગયાં. જરૂરી દવા આપી થોડો આરામ કરવા કહ્યું. હવે તે લોકો પણ જોડે હતાં એટલે ડરવાનું કોઈ કારણ હતું નહીં. રાજેશે અડધો કલાક આરામ કર્યો એટલી વાર અમે બધાં આજુબાજુ ફરી આવ્યાં. મોડું તો થયું જ હતું. બીજાં મિત્રો રાહ જોતાં હશે તેની ચિંતા હતી. પણ ઉપાય હતો નહીં. વળી ઝર્મેટ ગયાં પછી જમીને આરામ જ કરવાનો હતો એમ માની મિલિન્દભાઈ સાથે એકાદ વાર વાત થઈ હતી.
ધીમે ધીમે નક્કી કરેલ સમય કરતાં દોઢ કલાક મોડાં અમે ઝર્મેટ પહોંચ્યાં. સીધાં જ જમવા જવાનું હતું. ગામમાં ક્યાં જવાનું હતું તે ખ્યાલ ન હતો,વાહનો તો હતાં જ નહીં, બપોરનો તડકો આકારો હતો, ગરમીમાં પોણો કલાક ચાલીને અમે ગ્રુપ સાથે પહોંચ્યાં. બહુ સરસ ગુજરાતી ભાણાની વ્યવસ્થા હતી. જમીને હોટલ પર જઈ આરામ કર્યો.
અહીં આપણી ઉકાળેલી ચા મળે નહીં. ચાનાં રસિયાઓને સર્વિસ ટીમાં મઝા આવે નહીં. ઘણાં મિત્રોને બપોરની સુસ્તી ઉડાડવા ઉકાળેલી ચા પીવાની તલપ લાગી હતી. અમે મિત્રો ગામમાં ચા શોધવા નીકળ્યાં. ૨૦-૨૨ ઘરાકોનો કાફલો એટલે એક હોટલવાળાએ અમારી પસંદગીની ચા બનાવી આપવાની તૈયારી બતાવી. રસોડામાં બે જણને લઈ જવા તૈયાર થયો. બહેનોએ જવાબદારી ભાઈઓ પર નાંખી. બે મિત્રો રસોડામાં ગયા, ઉકાળેલી, દૂધ, અને આદુ- મસાલા વાળી ચા લેવા. થોડીવારે જે ચા લઈને આવ્યા તે જોઈ અમે હસી હસીને લોટપોટ થઈ ગયાં અને ચાનાં રસિયાઓ ગુસ્સાથી લાલપીળાં થઈ ગયાં! એક જગમાં ગરમ દૂધ અને પાણી, બીજા જગમાં ચાનું ગરમ પાણી. એક વાટકામાં સુગર અને બીજા વાટકામાં આદુની ઝીણીઝીણી કતરણ! ચામાં તો મઝા આવી નહીં પણ ખિસ્સાને બહુ ભાર પડ્યો!
આખી સાંજ સુંદર ગામમાં હરીફરીને આનંદ કર્યો. મિત્રોએ થોડી ઘણી ખરીદી પણ કરી. હોટલ પર પહોંચી વહેલું જ વાળું કરી આરામ કર્યો.




સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Wonderful! Well done! One of my most favorite places in Switzerland!
આભાર, અમરીશભાઈ! સાચે, બહુ સુંદર સ્થળ હતું! અને ખાટી મીઠી યાદો પણ ઘણી છે!
Visited this glacier again through your description!!
After reading your article, our decision to visit Switzerland again is for sure as 12 long years have passed.
Thanks for sharing your trips !
Excellent description of the places worth visiting.
So perfect as to design a trip based on these
Details.
Congratulations
Thanks, Kushbhai! Thanks for accompanying us for the real as well as virtual tour!
Enjoyed your lucid description almost same as much as you enjoyed.
Thanks, Nalini! Keep reading and keep enjoying!
Matterhorn image is on Toblerone chocolate.
Yes, thanks, Swati! Thanks for reading and responding!
Wah, saru varnan che. Vigatvar varnan Wanchi ne next week sudhi raah Jovi j rahi
Thanks, Manishbhai! Next episode will be published on Friday…. You need not wait till next week!
Enjoying my tour to Switzerland through your description. Wonderfully described.
Thanks, Bharatbhai! Keep reading and keep enjoying!
મનોરમ્ય ચિત્રો સાથે એક યાદગાર પ્રવાસનું અતિ સુંદર આલેખન!
Thanks, Shobha! Keep reading and keep enjoying!
Thanks, Shobha! Keep reading and keep enjoying!