





અગાઉ વે.ગુ.માં પગરણ માંડી ચૂકેલા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીનું એક મઝાનું વ્યંગ્ય-કવન ભાવકો માટે સસ્નેહ..
= દેવિકા ધ્રુવ, સંપાદન-સમિતિ, પદ્યવિભાગ
ફેસબુકનો શાયર
હરદ્વાર ગોસ્વામી
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
ગાડી મારી દોડ્યે રાખે, નહીં એન્જીન, નહીં ટાયર.
મીટર-મેટર ખબર પડે નહીં, તોય કવિનું લેબલ,
લાખલાખ ત્યાં લાઈક મળે છે, પૂછ ન મારું લેવલ.
મોંઘી મોંઘી પેન વાપરું, એથી મોટું ટેબલ,
રોજ કેટલી કમેન્ટ લખતી, દિવ્યા, દક્ષા, દેવલ.
ગુગલના ગોડાઉનેથી શબ્દો કરતો હું હાયર.
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
કોઈ રૂપાળી દાદ મળે તો તુરંત લખતો ગીત,
ચીટ-ચેટનાં ચક્કરને હું નામ આપતો પ્રીત,.
થોડું અહિથી, થોડું તહિથી, સર્જનની આ રીત,
પોલી ઇંટોના સથવારે, ચીનની ચણતો ભીંત.
કોરા કાગળ જેવું જીવન, અંદર કશી ના ફાયર.
ફેસબુકનો શાયર છું હું ફેસબુકનો શાયર.
હરદ્વાર ગોસ્વામી ઃ સંપર્કઃ hardwargoswami@gmail.com