ઈચ્છાના નોરતા / જૂઈને તો જલસા / તડકાને તાળી

Facebooktwitterredditpinterestlinkedinmail

સિધ્ધહસ્ત કવયિત્રી તરીકે અને વે.ગુ.ની સંપાદન-સમિતિના પદ્યવિભાગના સક્રિય કાર્યકર તરીકે જાણીતા રક્ષાબહેન શુક્લની  ૩  કવિતાઓ સહર્ષ પ્રસ્તૂત છે. વારી જવાય એવી ત્રણે કવિતાઓ ભાવકમનને પ્રફુલ્લિત કરશે જ.

– દેવિકા ધ્રુવ,  સંપાદન-સમિતિ, પદ્યવિભાગ.

ઇચ્છાના નોરતા

સાચ્ચે, મેં ધીરેથી ખોલેલો આગળો ‘ને ભીતર ઢબૂર્યા’તા ઓરતા.
તોયે ત્યાં મંડાયું ઘમ્મર વલોણું, ‘ને ઇચ્છાઓ રમતી’તી નોરતા.

એકાદો ચકરાવો લઈને એ બોલી કે ‘દાણ વિના દંગલ તો થાશે’,
પરથમ તો પિંડીમાં સંઘરેલી પીડાના લેખા ‘ને જોખા મંડાશે.

ભીતરમાં એકાદી ભીંત હશે કોરી તો પીછાંથી છીંડા દોરાશે,
તરસ્યુંના તરભાણે ધખનાના જવ-તલથી સપનાંનું સુખડ મ્હેકાશે.

સાચ્ચે, મેં ન્હોતું સંભાર્યું કે આંબલિયે ઝૂલતી ત્યાં કાતરાઓ મ્હોરતાં.
તોયે ત્યાં મંડાયું ઘમ્મર વલોણું, ‘ને ઇચ્છાઓ રમતી’તી નોરતા.

હળવેથી હીંચ લઈ દીધી બે તાળી ત્યાં સંતાડી મેં તો પતરાળી,
ઊગવા ના દીધું મેં તરણું ‘ને કૂંપળ પર ડામરની સડકું બંધાવી.

મીંઢળ બાંધેલી એ રૂપાળી રાધાને લીલા તોરણિયે વળ્ળાવી,
તો પણ એ બળબળતો સૂરજ નહીં, ગરબામાં દીવાનું અજવાળું લાવી.

સાચ્ચે, સંતાડી’તી કસ્તૂરી, અડતી તો માટી ‘ને મરવાઓ ફોરતા.
તોયે ત્યાં મંડાયું ઘમ્મર વલોણું, ‘ને ઇચ્છાઓ રમતી’તી નોરતા


જૂઈને તો જલસા

 જૂઈને તો જલસા છે, અંધારે ઉઘડીને અમથું રે ઠાલું મલકાવું.
આભેથી રેલાતી પૂનમ ઢોળાય પછી એની રે ઝળહળમાં ન્હાવું.

બીલીની જેમ જુઓ, નીકળી ત્રિપુટીમાં પાંદડાની લીલી સવારી,
મારે પણ હોય અને તારે પણ હોય જુઈ સાથે સંબંધો ‘ને યારી.

પૂછવાનું નહીં રોજ ઝાક્યાં કરવાનું, સ્હેજ નજરે ચડે જો કોઈ બારી,
જૂઈનો ગજરો તો હવે હરખીને શોધે છે મારગમાં કોઈ બ્રીજનારી.

ચોમાસે ટપ્ ટપ્ ટપ્ ખરતા જોઇને મારું ખોબો ભરીને હરખાવું.
જૂઈને તો જલસા છે, અંધારે ઉઘડીને અમથું રે ઠાલું મલકાવું.

એકાદી લહેરખીએ ધીરેથી ચૂમીને કળીઓને કાનોમાં પૂછ્યું,
ઝાકળના ભીના રુમાલેથી લજ્જાનું કામણ તે ચહેરેથી લૂછ્યું ?’

નમણો વળાંક લઈ વેલી પણ પૂછે, ‘કાં રોમ રોમ ફૂલોનું ધ્રૂજ્યું ?’
જમુનાનું જળ જૂઈને રાજી કરવાને વધુ ઉછળીને મલક્યું ને કૂજ્યું.

બોલકણી ગંધ વાત વ્હેતી મૂકે તો શ્વેત રૂપને તો ક્યાં જઈ સંતાવું !
જૂઈને તો જલસા છે, અંધારે ઉઘડીને અમથું રે ઠાલું મલકાવું.


તડકાને તાળી                                        

બળબળતો બપ્પોર ઘડીમાં ખૂટી થાતો ટૂંકો,
ઘડિયાળે વ્હેતી ટકટકને હળવે હાથે ફૂંકો.

અમે કાંખમાં સૂરજ તેડી ચાંદ હળુથી પીધો,
તડકાને તાળી દઈ લેલૂમ લીમડે થપ્પો દીધો.

ટહુકા ગૂંથી તરણાંએ ઝરણાંનો રસ્તો લીધો,
પીળા પાંદડે, પીળી હવાએ દેકીરો બહુ કીધો.

ગમતા ગરમાળે જઈ તીખી બારખડીને મૂકો.
બળબળતો બપ્પોર ઘડીમાં ખૂટી થાતો ટૂંકો.

વાદળ ઓથે સંતાયો સૂરજ ને ખાધો પોરો,
તડકાએ છાયાને મારી આંખ ને લીધો ઓરો.

દરિયે આંબ્યા આભ, ફૂટ્યો છે જળની મૂંછે દોરો,
પિયુ બીડે પરબીડિયું, અક્ષર એક રહે ના કોરો.

કાળઝાળ સૂરજની સામે ચોમાસાનો કૂકો.
બળબળતો બપ્પોર ઘડીમાં ખૂટી થાતો ટૂંકો.

રક્ષા શુક્લ 


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે        

2 comments for “ઈચ્છાના નોરતા / જૂઈને તો જલસા / તડકાને તાળી

 1. September 13, 2020 at 9:25 pm

  ત્વાહ! ત્રણે રચનાઓ ખૂબ સરસ છે.
  “ચોમાસે ટપ્ ટપ્ ટપ્ ખરતા જોઇને મારું ખોબો ભરીને હરખાવું.
  જૂઈને તો જલસા છે, અંધારે ઉઘડીને અમથું રે ઠાલું મલકાવું.”
  સરયૂ પરીખ

  • Raksha Shukla
   December 7, 2020 at 5:03 pm

   સરયુબેન, આપણે કાવ્યો ગમ્યાં એ માટે મારો રાજીપો વ્યક્ત કરું છું. આપનો ખૂબ આભાર..

Leave a Reply to Raksha Shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *