





શરીરના વજન કરતાં દફ્તરનું વજન વધારે હોય એવી સ્થિતિમાં ઊંચા ગુણ લાવો તો જ તમે હોશિયાર. આ દેશમાં વર્ષોથી રુઢ થઈ ગયેલી આ માનસિકતા હવે બદલાવ માગે છે. દેશની ભુગોળ અને સમાજ વ્યવ્યવસ્થા સાથે મેળ ન ખાતાં પુસ્તકો અને શિક્ષણ પ્રણાલીમાં મુંઝાઈ જતા વિદ્યાર્થીઓ હવે છુટકારો માગે છે. નવાઈની વાત એ પણ છે કે પુસ્તકો અને પધ્ધતિમાં ફેરફાર આવે છે ત્યારે મા-બાપોને તો વર્ષો સુધી ખબર નથી હોતી. હજુય ડીગ્રી જ કૌશલ્ય ગણાતું રહેશે તો જન્મગત નૈસર્ગિક શક્તિઓ ખીલવાને બદલે એકસરખાં યુનિફોર્મ જેવી બીંબાઢાળ માનસિકતાનાં ટોળાં ઊભરાશે. જે સ્વ સિવાય કોઈને નહીં ઓળખે. |
માવજી મહેશ્વરી
“ બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે. “ ગુજરાતી ભાષાના યુવાન કવિ હિતેન આનંદપરાની આ પંક્તિઓ એ મા-બાપ માટે છે જેઓ પોતાના બાળકને પોતાની ઈચ્છાની ખીંટી માને છે. અથવા એમને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતાને પુસ્તકો અને મુલ્યાંકન સામગ્રીમાંથી પસાર થયા પછી હંમેશા અવઢવમાં જ રહેતા હોય છે. આખુંય વર્ષ ઊંધું ઘાલીને વાંચ્યા પછી પણ એજ ચિંતામાં રહેતા હોય કે હવે મારું શું થશે ? ગત વર્ષે બોર્ડની પરીક્ષા ઓબ્જરર્વર તરીકે જવાનું થયું. ઘણા વર્ષો પછી પરીક્ષાખંડોનો માહોલ જોઈ એમ થયું કે આ પરીક્ષાઓ એવું તે શું સાબિત કરે છે કે જેનાથી વ્યક્તિનું કૌવત પારખી શકાય ? હું ભૂતકાળનો પક્ષકાર નથી કે વર્તમાનનો વિરોધી નથી. હું એવું જરાય નથી માનતો કે પહેલા બધું સારું હતું અને અત્યારે બધું ખાડે જવા બેઠું છે. દરેક સમયની પોતાની મર્યાદાઓ અને પોતાની ઉપલબ્ધીઓ હોય છે. પરંતુ આજે વિદ્યાર્થીઓ કે આપણાં સંતાનોના મનમાં આપણે સૌએ ભેગા મળીને એવું તો ઠસાવી જ દીધું છે કે જો પરીક્ષામાં સારા ગુણ નહીં આવે તો ગયા સમજો. પરીક્ષામાં ઊંચા ગુણાક આવશે તો જ સફળ નહીંતર બધું પાણીમાં જશે. ઈચ્છા અનિચ્છાએ દરેક મા-બાપ એક યા બીજી રીતે પોતાના સંતાનના ચિત્તમાં એક વિચાર જડ બેસલાક નાખી દે છે કે પરીક્ષામાં ઊંચા ગુણાક લાવો તો જ તમે જીવનમાં આગળ વધી શકશો.. પરીણામે દરેક સજાગ વિદ્યાર્થી પોતાને રેસનો એક ઘોડો માની બેસે છે. ઉપરથી મા-બાપ અને શિક્ષકો ‘ હજુ વધુ, હજુ વધુ દોડ “ કહીને તેને દોડાવ્યે જાય છે. સરવાળે એવું થાય છે કે બાળકમાં કુદરતે જન્મગત નાખેલી શક્તિઓ એક બાજુએ રહી જાય છે અને બાળક યુવાનવયે પહોંચે છે ત્યારે જગતના બદલાતા પ્રવાહોમાં જીવંત મનુષ્ય મટી જઈને સીસ્ટમનો એક ભાગ બની યંત્રવત જીવન જીવ્યે જાય છે. અત્યારે આખાય સમાજમાં સરવાળે આવું ચિત્ર છે.
નાના નગરો કે મોટા શહેરોમાં એક સામાન્ય દશ્ય જોવા મળે છે. વહેલી સવારે ઊંઘરેટી આંખોવાળા એલ કેજી અને યુ કેજીના બાળકોને લઈ જતી રીક્ષાઓ રસ્તાઓ પર દોડતી દેખાશે. ક્યારેક જો માંહ્યલો જાગતો હોય અને આ જગતની સફળતાઓ અને નિષ્ફળતાઓની વ્યાખ્યાઓથી પર હટીને વિચારવાની સભાનતા હોય તો એ રીક્ષાઓમાં બેઠેલા બાળકોની આંખો વાંચવાનો પ્રયત્ન કરવો. મોટાભાગના બાળકોની આંખોમાં કાચી નિંદર તુટ્યાની ચીડ હોય છે. એ બાળકો એક મનુષ્ય તરીકેની વિવશતા લઈને નિશાળે જાય છે. કારણ કે એ અસહાય છે. એને વિરોધ કરવો છે પણ એની પાસે એટલું શારીરિક સામર્થ્ય નથી કે મોટાના હૂકમોનો અનાદર કરી શકે. એમની સામે થઈ શકે. પરેણામે તે ન છૂટકે તૈયાર થાય છે. ન ગમતા કપડાં પહેરે છે. ન સમજાતી ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. જેમા એને બિલકુલ રસ નથી એવું પરાણે યાદ રાખે છે. ન ગમતી ક્રિયાઓમાં સામેલ થાય છે. આવું સતત ચાલતું રહે છે. જ્યારે તે તરુણાવસ્થાએ પહોંચે છે ત્યારે પોતાના બાળપણ ઊપર થયેલા જુલ્મોનો બદલો જુદી જુદી રીતે લે છે. આ જલ્દી ન સમજાય અને ન છુટકે સ્વીકારવી પડે એવી અતિ સુક્ષ્મ પ્રક્રિયા છે. એક હકીકત એવી પણ છે કે કેજીના બાળકો ઘેર આવ્યા પછી જાત જાતના વસ્તુઓની માગણી કરે છે, ખાવાની બાબતમાં નખરા કરે છે. ટીવીના વોલ્યુમ હાઈ રાખે છે. કોઈ વળી સેલફોનની ગેમ રમ્યા કરે છે. ખાસ કરીને કોઈ બહારની વ્યક્તિ ઘેર આવે છે ત્યારે વિચિત્ર વર્તન કરે છે. પોતાના ભાઈ બહેનો સાથે જીદ કરે છે. આવું ઘણું બધુ મા-બાપને ન ગમે એવું વર્તન બાળકો કરે છે. આ વ્યવહારની નોંધ મા-બાપ ખાસ લેતા નથી. તેઓ કાં તો બાળકના વર્તન બદલ તેને સજા કરે છે અથવા તેની જુદી જુદી માગણીઓ સંતોષી રાજી રાખે છે બાળકોના આવાં વર્તનના મૂળ કારણોમાં તેના બાળ સહજ સુખ નંદવાયાની ચીડ હોય છે. આવું વર્તન એ બાળકોની ઊંઘની, રમવાની, લેટ્યા કરવાની સ્વતંત્રતા છીનવી લીધાનો એમનો વિરોધ છે. તેમ છતાં નથી લાગતું કે આવનારા બે ત્રણ દાયકા સુધી આ સ્થિતિમાં સુધાર આવે.
આવું કરવાનું કારણ શું છે ? શું મા-બાપ પોતાના સંતાનોને ચાહતા નથી કે પછી તેઓ પોતાનાથી સવાયા બનાવવાની લાહ્યમાં પોતાના સંતાનોને જીવલેણ દોડમાં સામેલ કરી દે છે ? હકીકતે આપણી શિક્ષણ પ્રણાલીમાં આપણા દેશની ભૂગોળ અને સામાજિક જીવન સાથે કોઈ તાલમેલ જ નથી. પશ્ચિમના દેશોએ શરુઆતમાં જે પધ્ધતિઓ અપનાવી તેને કશું વિચાર્યા વગર આપણી સરકારોએ અમલી બનાવી દીધી સમાજ તો હંમેશાં શિક્ષણની નિતિઓની બાબતમાં અજાણ અને બેપરવા જ રહ્યો છે. પરિણામે બાળક શાળામાં શું ભણે છે, તેના પાઠ્ય પુસ્તકોમાં શું છે તે જોયા સમજ્યા વગર સ્વીકારી લે છે. બારીકાઈથી જોઈએ તો આપણાં સામાજિક જીવન, આપણી કુટુંબપ્રથા, આપણી માન્યતાઓ, આપણા ખોરાક, સાથે વર્તમાન શિક્ષણ પધ્ધતિનો કોઈ મેળ ખાતો નથી. હાલમાં સરકારી અને ખાનગી શાળાઓમાં જે પ્રકારે શિક્ષણ અપાઈ રહ્યુ છે તે વ્યક્તિને બે ચીજો જ શીખવે છે. નફો અને ખોટ. ઉપયોગી અને બીન ઉપયોગી. પરિણામે શૈક્ષણિક અભ્યાસક્રમનું મહત્વ વિદ્યાર્થી માટે ફક્ત અને ફક્ત જે તે વર્ષ માટે ઉચ્ચ ગુણાંક લાવવા પુરતું જ રહે છે. સરવાળે વિદ્યાર્થીનું માનસ માનવતાવાદી બનવાને બદલે મૂડીવાદી બનતું જાય છે. મૂડીવાદ એક પ્રકારની વ્યવ્સ્થા છે એમા ના નહીં, પરંતુ મૂડીવાદને સીધો સંબંધ નફા સાથે છે. ખોટ મૂડીવાદને પોષાય નહીં. પરિણામે વ્યક્તિ પોતાનું એવું ઘડતર કરવા માડે છે કે તે નફો કરી શકે અથવા કરાવી શકવા સક્ષમ હોય. આજે દેશમાં જ્યાં ત્યાં ઊગી નીકળેલી ઈન્જીનીયરીંગ અને તબીબી કોલેજો મૂડીવાદી માનસનો સ્વીકાર બતાવે છે. વળી મૂડીવાદ એવા દેશોને પોષાય જે દેશોની વસ્તી એના વિસ્તાર અને કુદરતી સ્રોતના પ્રમાણમાં સમતોલ રહેતી હોય. આપણા દેશમાં કુદરતી સ્રોતનો તો પાર નથી, પરંતુ અમર્યાદ વસ્તીવધારાએ દરેક વ્યક્તિમાં પોતાના અસ્તિત્વ વિશે એક ભય ઊભો કરી દીધો છે. પરિણામે દરેક મા-બાપ પોતાના બાળકના ભવિષ્ય વિશે સતત ચિંતિત રહે છે. આ ચિંતાને કારણે પોતાના સંતાનને શિક્ષણના બહાને સક્ષમ બનાવવા ભયાનક દોડમાં સામેલ કરે દે છે. અહીં એક જુદું વાક્ય યાદ આવે છે. ‘ આ ધરતી દરેક મનુષ્યનું પોષણ કરવા સક્ષમ છે, પરંતુ એક મનુષ્યની મહત્વકાંક્ષાઓ સંતોષવા સક્ષમ નથી ’
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com