





મૌલિકા દેરાસરી
સંગીતની સફર કરી રહ્યા છીએ આપણે, અને સફરમાં અવાજ ઊંચેરા માનવી, યાને કે કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથેના ગીતો માણી રહ્યા છીએ. આજે જે સંગીતકારની આપણે વાત કરીશું એમનો જન્મ 16 જૂન 1920ના દિવસે બનારસ અર્થાત્ આજના વારાણસીમાં થયો હતો. 26 સપ્ટેમ્બર 1989ના રોજ તેઓ આપણી પાસેથી ગુજરી ગયા. આ બે દિવસો વચ્ચેના સમયગાળામાં એ આપણને આપતા ગયા, એમનો રેશમી અવાજ અને અવિસ્મરણીય સંગીતનો વારસો. આપણે વાત કરી રહ્યા છે, હેમંત મુખર્જીની; જેમને આપણે વધુ સારી રીતે જાણીએ છે હેમંતકુમારના નામથી.
મજાની વાત છે કે હેમંતદા દાખલ તો એન્જીનીયરીંગ કોલેજમાં થયા હતા, પણ સંગીતનો શોખ એમને પત્થરનાં પુલ જોડવાને બદલે માણસોના હૃદય જોડવાના કામમાં લઈ આવ્યો.
એમના ગીતો વિષે જાણવા બેસીએ તો વાત ખૂટે નહિ ને મન ધરાય નહિ પણ, આજે તો આપણે માણવાના છીએ હેમંતકુમાર મુખોપાધ્યાયે સંગીતબદ્ધ કરેલા ગીતો, આભાસકુમાર ગાંગુલીના સ્વરમાં.

તો સંગીતની સફરની શરૂઆત કરીએ, ૧૯૬૧ માં આવેલી ફિલ્મ, ગર્લ ફ્રેન્ડથી – જેના ગીતો હેમંતકુમાર સંગીતબદ્ધ કર્યા હતા. આ ફિલ્મના ઘણાંખરાં ગીતો કિશોરકુમારે ગાયાં છે. ફિલ્મના ગીતકાર હતા, સાહિર લુધિયાનવી.
ખબર નહિ કેમ પણ કશ્તી અને ખામોશી સાથે કિશોરદા અને હેમંતદા બંનેનો કોઈ અતૂટ નાતો હશે એમ લાગે છે.
ક્ષિતિજ પર ઝાંખા થઈ ગયેલા સૂર્યથી ઘેરાયેલી સાંજ નદી પર ફેલાતી હોય, અને મધ્ધિમ સંગીત હવામાં લહેરાતું હોય ત્યારે યાદ આવે આ બોલ…
કશ્તી કા ખામોશ સફર હૈ, શામ ભી હૈ તન્હાઈ ભી..
દૂર કિનારે પર બજતી હૈ, લહરો કી શહનાઈ ભી.
કિશોરદાની સાથે યુગલ સ્વર છે સુધા મલ્હોત્રાનો. હેમંતકુમારનું લહેરોના નાદ જેવું સંગીત.
આજ રોના પડા તો સમઝે, હસને કા મોલ ક્યા હૈ..
કિશોરકુમારનો દર્દભર્યો અવાજ બખૂબી ઝલકે છે આ ગીતમાં.
ઝૂક ઝૂક બૂઢી માં કો કરો પ્રણામ, બન જાયેંગે બિગડે કામ.
જાણે ભજન ગવડાવતા હોય એવા ભાવમાં ગવાયેલું આ ગીત ચહેરા પણ હાસ્ય પણ લાવી દે છે.
જગ નફરત કા વ્યાપારી ઔર મૈં હું પ્રેમ પૂજારી,
સચ કહેતી હૈ દુનિયા, મેરી અકલ ગઈ હૈ મારી… મેં પાગલ હું.
ના ઢેલા લગતા હૈ, ના પૈસા લગતા હૈ.
ચઢ કે દેખો જી, યે ઝૂલા કૈસા લગતા હૈ.
સાહિર સાહેબ ઝૂલા પર પણ કમાલ ગીત બનાવે છે એ આ સાંભળ્યા પછી સમજાયું.
કિશોરદાની મસ્તી સાથે ડેઇઝી ઈરાનીનો સ્વર છે આ ગીતમાં.
બૂમ બૂમાં બૂમ, કરેગા કુટુમ..
જો દેખેગા જવાનીયોં કો મિલતે..
આશા ભોંસલે અને કિશોરકુમારના અત્યંત શરારતી અને મસ્તીભર્યા અંદાજમાં ગવાયું છે આ ગીત.
હવે વાત કરીએ, વર્ષ ૧૯૫૭ની ફિલ્મ ‘બંદી’ની.
ઘર કી રોનક હૈ ઘરવાલી –
કિશોરકુમાર અને ગીતા દત્તના અવાજમાં રાજિંદર કૃષ્ણ રચિત ગીત.
આ ગીત કિશોરકુમાર પર ફિલ્માવાયું છે અને ગીતમાં કિશોરદાના અવાજની વિવિધતા અને મોઢેથી એમણે જે અવાજ કાઢ્યો છે, એ સાંભળવાનું ચૂકવા જેવું નથી. હેમંતકુમારના સંગીતમાં પણ વિવિધ પ્રયોગો સંભળાય છે આ ગીતમાં.
ચૂપ હો જા, અમીરો કે યે સોને કી ઘડી હૈ.
તેરે લિયે રોને કો બહુત ઉમ્ર પડી હૈ.
બેદર્દ જમાનાના સિતમ સામે પણ બાળકીને હાથમાં લઈને હસાવવાની કોશિશ કરતા કિશોરદા જકડી રાખે છે આપણને આ ગીતમાં.
એક રોજ હમારી ભી દાલ ગલેગી,
બૈરી દુનિયા જો દેખેગી, ખૂબ જલેગી.
રસોઈયા તરીકે આ ગીતમાં કિશોરકુમારને જોવાની મજા તો છે જ, સાથે ખુશ ખુશ થઈ જવાનું બોનસમાં મળે છે.
૧૯૫૭ માં જ આવેલી ‘મિસ મેરી’ ફિલ્મનું આ ગીત, ખડખડાટ હસાવી જરૂર દેશે. સંગીતની પણ ફિરકી લઈ શકાય છે અને હસી શકાય છે, એ આ ગીત જોઈને સમજાય છે.
ગાના ન આયા, બજાના ન આયા..
દિલબર કો અપના બનાના ન આયા.
હવે યાદ કરીએ ૧૯૭૦માં રિલીઝ થયેલી ફિલ્મ, દો દુની ચારને.
ગુલઝાર રચિત કેટલાંક દિલકશ ગીતો છે આ ફિલ્મમાં.
ડાળીઓ પર ફેલાયેલો તડકો અને ચહેકતા પક્ષીઓનો અવાજ માહોલને ખુશનુમા બનાવી દે છે.
અત્યંત મોહક વાતાવરણમાં ચાલતા ચાલતા કિશોરકુમાર ગાતા જાય છે…
હવાઓ પે લિખ દો, હવાઓ કે નામ
હમ અંજાન પરદેશીઓ કા સલામ.
દિલની દીવાનગી વ્યક્ત કરતું ગીત:
અજબ ધૂન મેં રહતા હૈ, અનોખે કામ કરતા હૈ..
ઉસી કે દમ પે જીતા હૈ દિલ, જબ જીસપે મરતા હૈ..
બડા બદમાશ હૈ યે દિલ.
કિશોરદાના એકલ સ્વરમાં છે આ બંને ગીત.
૧૯૬૯માં આવી હતી ફિલ્મ: રાહગીર. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર હેમંતકુમાર.
વૈદ કે ડૉકટરના સકંજામાં સલવાઇને કેવી હાલત થાય છે, એ જાણવા અચૂક સાંભળવું પડે આ ગીત.
ચૂરન ગોલી દવા ના દે
તો દે દે ઝહર કા પ્યાલા,
કૈસે વૈદ કે પલ્લે પડે…
બાબુ ઘબરાતે હો,
ચોરી ચોરી સે તીર ચલાતે હો.
પતિ, પત્નિની મીઠી નોંકઝોક સૂરોમાં વ્યક્ત કરતું આ ગીત છે, આશા ભોંસલે અને કિશોરકુમારના સ્વરમાં.
કિશોરદાના અવાજમાં, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલું ખામોશી ફિલ્મનું ગુલઝાર રચિત આ અવિસ્મરણીય ગીત યાદ કરીએ…
આ ગીતની ધૂન બનાવવા પાછળ પણ એક લાંબી કહાણી છે, જે ફરી ક્યારેક દોહરાવીશું. હમણાં ટૂંકમાં કહું તો, હેમંતકુમાર અને ગુલઝારે સાથે બેસીને આ ગીત તૈયાર કર્યું હતું. એને આ ગીતના ગાયક તરીકે કિશોરકુમાર પણ નક્કી ન હતા. કિશોરદા આ ગીતને પૂરો ન્યાય આપી શકશે કે નહીં, એ માટે પણ અવઢવ હતી.
પણ.. મહાન ઇતિહાસને રચતા કોઈ રોકી શકતું નથી. કિશોરકુમારે આ ગીત ગાયું અને એવી ગહરાઈથી ગાયું કે એ ચિરસ્મરણીય બની ગયું. હેમંતકુમારનું અપ્રતિમ સંગીત, જેમાં રવિન્દ્ર સંગીતની અસર પણ દેખાઈ આવે છે આ ગીતમાં. ગુલઝારે ગીતના બોલ લખવામાં પણ કમાલ કરી છે. બંને અંતરામાં એક જ શબ્દોને ફેરવીને મૂકાયા છે અને એ પણ અત્યંત સર્જનાત્મક રીતે.
અને… બંને અંતરાની પહેલા ગુંજતી પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની વાંસળીની ધૂન… અહા… અહેસાસ થશે કે જો ક્યાંક સ્વર્ગ છે, તો અહીં જ છે.. અહીં જ છે…
હુગલીમાં હલેસા વાગવાથી ઉઠતી લહેરોનાં અવાજ સાથે શરૂ થતું ગીત…
વો શામ કુછ અજીબ થી, યે શામ ભી અજીબ હૈ…
વો કલ ભી પાસ પાસ થી, વો આજ ભી કરીબ હૈ..
ઢળતી સાંજે નદી પર વહેતી કશ્તીમાં સવાર થઈને, ગુનગુનાવવાનું મન થાય છે ને?
તો ચાલો ગુનગુનાવતા જઈએ, ગાતા જઈએ મધુર ગીતો અને જિંદગીને થોડી વધુ સંગીતમય બનાવી દઈએ…
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી
મજા આવી ગઈ.