





( આઝાદ હિંદ ફોજનાં એક મહિલા સેનાની હીરાબહેન બેટાઇ વિષેના ગયા હપ્તાનું અનુસંધાન )
(હું રાજકોટમાં હતો ત્યારે એમના મહેમાન બનેલાં હીરાબેન બેટાઇના મોંએ મેં પોતે સાંભળેલી અને પુષ્કળ દસ્તાવેજોથી સમર્થિત કેફિયતના આધારે આ લેખ લખાયેલો અને સર્વપ્રથમ ‘ચિત્રલેખા’ ના તા.14-07-1986ના અંકમાં પ્રગટ થયો હતો. એ મૂળ લેખ પછી આ થોડું વધુ સંધાન.)
– રજનીકુમાર પંડ્યા
રાજકોટના મશહૂર ફોટોગ્રાફર-ચિત્રકાર સ્વ.રમેશ ઠાકરના પુત્ર ભાઇ કેદાર ઠાકર હવે તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીમાં ઉંચા હોદ્દે છે, પણ જે સમયે એ આગ્રામાં સ્ક્વોડ્રન લીડર હતા એ ગાળામાં રમેશ ઠાકર એક વાર આગ્રા જતાં પહેલાં હાઉકલો કરવા મારે ઘેર આવ્યા.
આગ્રા ! મારા મનમાં તરત સંધાનલીલા ચાલી –તાજમહાલ! તાજમહાલ ! પણ બીજી એવી જ સ્વગૌરવ ચકચકિત શુભ્ર મૂર્તિ કઈ ? હીરાબહેન !
‘હીરાબહેન બેટાઈ!’ મેં મિત્ર રમેશ ઠાકરને કહ્યું –‘મારાં બાનું નામ હીરાબેન હતું. જૂના જમાનાની એક વિસ્મૃત અને ફિલ્મ-નાટકની વૃધ્ધ અને નિરાધાર અભિનેત્રી હીરાબાઇને અગ્નિદાહ આપવાનું પણ મારા નસીબે જ લખાયેલું. પણ એની તો જુદી એક કથા છે. અને આ એક છેલ્લાં હીરાબેન પણ મારાં બા છે- આગ્રા જાઓ છો, તો એમને મળ્યા વગર પાછા નહીં આવતા-આરસના તાજમહેલને ન જોવા જતા એમ નહીં કહું – પણ આ વૃદ્ધ ગૌરવાન્વિત મનુષ્ય-મહાલયને જોવા તો જજો જ -એમના પુત્ર કીર્તિભાઈને મારો રેફરન્સ આપજો. મળવા દેશે-આ-સરનામું…’
‘અને હા…’ મેં કહ્યું : ‘ઢગલા મોઢે ફોટોગ્રાફ્સ લેતા આવજો –કહેજો કે અમદાવાદનો તમારો દિકરો અને એનું કુટુંબ યાદ કરે છે…’
પણ રમેશ ઠાકર આગ્રા જઈને છ એક મહિને પાછા આવ્યા ત્યારે પુત્ર કેદારની વાતો, તાજમહાલની વાતો, ત્યાંની કાચ કારીગરી, વાસણ શિલ્પની વાતો, ચિત્રો ઠાલવવા માંડ્યા – પણ મને જેની તલપ હતી એ ક્યાં? એમના ફોટા ક્યાં ? થેલો કેમ સંતાડે ?
“નથી બતાવવા જેવા..” એમણે કહ્યું :“તમને જોઈને દુઃખ થશે.”
“કહો!” મેં આજીજી કરીને કહ્યું :“જે હોય તે કહો, પ્લીઝ!” એમણે નામરજી હોય એમ થેલામાંથી ફોટો કાઢ્યો. જોતાંવેત મારા પેટમાં ધ્રાસકો પડ્યો – આ ? આ હીરાબહેન બેટાઈ છે ? જેમને એક વાર ચસચસતા લશ્કરી ગણવેશવાળા ફોટામાં જોયાં હતાં એ આ છે ?

કળ વળી એટલે મેં પૂછ્યું: “રોગ ?”
“તમારું નામ લીધું..” એમણે કહ્યું: “ઓળખી ન શક્યાં –કીર્તિભાઈએ બે ચાર વાર કહ્યું…રજનીભાઈ, રજનીભાઈના મિત્ર… પણ ચહેરા પર શારી નાખે એવો સૂનકાર….”
મેં ફરી રોગનું પૂછ્યું તો રમેશ ઠાકરે કહ્યું: “પોતાની એક દીકરીને ઓળખતાં નથી. માત્ર ચોવીસ કલાક સામે હોય એને જ ઓળખે-વસ્તુનાં નામ ભૂલી જાય. કેમેરા બતાવો તો કહે કે એ તો ફૂલ છે. કાંસકો બતાવો તો કહે કે પુસ્તક છે.”
“ઓહ! લૉસ ઓફ મેમરી-સ્મૃતિભ્રંશ. આ હોઈ શકે-બાકી દૃષ્ટિમાં વાંધો હોય તો બીજી વાત છે.”
“દૃષ્ટિમાં વાંધો નથી.”
“દેહ પર અકુંશ ખરો ?”
“ના,લગીરેય નહીં – બે જણા પકડીને આવતા હોય, અચાનક અધવચ્ચે જુએ તે ખુરશી પર જોર કરીને બેસી જાય. જાતે ખાઈ ન શકે – થોડી પૂરીના કટકા કરીને ખવડાવવું પડે.
“ડોક્ટરોનો મત ?”
“વાઈન્ડિંગ પ્રોસેસ, જીવ સમેટાવાની પ્રક્રિયા.”

દીવો પવનથી ઓલવાય તો ઝપ્પ દેતોકને ઓલવાય પણ ઘી ખૂટે ને દિવેટ થઈ રહે ત્યારે ઝપ્પ દઈને ન બુઝાય-પહેલાં તેજોવિસ્તાર ઘટે, પછી મૂળ તેજસ્વિતા ઘટે-વર્તુળ નાનું ને નાનું થતું જાય-છેવટ કોડિયામાં પણ ન આવી રહે-જે દિવડે એક વાર ઓરડા આખાને અજવાળ્યો હતો તે પોતે એક કોડિયું હોવાનું માંડ પ્રગટ કરી શકે. પછી એ પણ ક્ષીણ થાય. જ્યોત નાની ને નાની થતી જાય – ને છેવટે બ્લૂ કલરની થઈ જાય-ને પછી જાય… ધૂમાડાની બે ચાર સેર અને પછી એ પણ બંધ.
હીરાબહેન બેટાઈની દિવેટનું ઘી બ્યાંસી-પચ્ચાસીમાં પૂરૂં થઈ ગયું. રમેશ ઠાકરે આગ્રાના બે-ત્રણ દૈનિકોના તંત્રીઓને હીરાબહેનના ગયા પહેલાં વાત કરી હતી – પણ કોઈને રસ નહોતો પડ્યો-નહીં આકાશવાણી, નહીં દૂરદર્શન, નહીં ખાનગી ચેનલ્સ. ઈતિહાસદૃષ્ટિશૂન્ય પ્રજા પાસેથી અભિનેતા-અભિનેત્રીના મોતના માતમની અપેક્ષા ઘણી, પણ આઝાદ હિંદ ફોજની મહિલા સુભટને કોણ ઓળખે છે ? લાગે છે કે સંસ્કૃતિની, આપણી પણ વાઈન્ડિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.
ખેર,હીરાબેન બેટાઇ 1997 ના મે મહિનાની 30 મીએ અવસાન પામ્યાં. તેમના પુત્ર કીર્તિભાઇ બેટાઇ આગ્રામાં શ્રી રાધાસ્વામી સંપ્રદાયની કોલોનીમાં રહેતા હતા. પરંતુ 2001 ની સાલમાં આગ્રાની મુલાકાત વેળા તેમને મળવાના મારા પ્રયત્નો સફળ થયાં નહોતાં.
લેખકસંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com
ઈતિહાસ દ્રષ્ટિ શૂન્ય_ શબ્દ ગમ્યો.