વાંચનમાંથી ટાંચણ : પ્રતિકૂળમાંથી અનુકૂળ

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

બાળપણથી જ તેની કેટલી બધી યશસ્વી કારકિર્દી હતી? કેટકેટલાં સપનાં હતાં? હા! ભુપેન્દ્ર ત્રિપાઠી બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. સુરતમાંથી એનું ભણતર શરૂ થયું પણ પિતાને મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશ્નર તરીકે બઢતી મળતાં કુટુંબ સાથે એ કલકત્તા પહોંચી ગયો. ફરીથી મેટ્રિક વખતે તે ગુજરાત પાછો આવ્યો અને CBSE ની પરીક્ષા ઉચ્ચ કક્ષાએ પસાર કરી. અમદાવાદની નિર્મા યુનિ.માંથી આઈ.ટી. નિષ્ણાત તરીકે તે બહાર પડ્યો, ત્યારે નામાંકિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં તરત નોકરી પણ મળી ગઈ. ત્યાં પણ એનું હીર ઝળકી ઊઠ્યું. ફિંન્લેન્ડની નોકિયા કંપનીમાં બહુ જટિલ પ્રોજેક્ટ માટે તેની નિમણૂંક પણ થઈ ગઈ.

પણ વિધાતાનો એક જ ફટકો અને એનાં બધાં સપનાં ચકનાચૂર બની ગયાં. ફિંન્લેન્ડનો વિસા તો હજુ આવ્યો પણ ન હતો અને ભુપેન્દ્રને ચક્કર આવવાં શરૂ થઈ ગયાં. આખા શરીરમાં અશક્તિ જ અશક્તિ. એક દિવસ તે બાથરૂમમાં પડી ગયો. પથારીમાં તે પગનો અંગૂઠો પણ હલાવી શકતો ન હતો. તબીબી પરિક્ષણ પછી ખબર પડી કે, તેની કરોડરજ્જુમાં તકલીફ છે. બાયોપ્સીના પરિક્ષણ પછી એ પણ ખબર પડી કે, તેમાં કેન્સરની ગાંઠ છે અને તે પણ છેલ્લા તબક્કાની. તે દોઢ મહિનાથી વધારે જીવી નહીં શકે! જીવલેણ કેન્સરના ભયાનક અજગરનો ભરડો તેની આખી કરોડરજ્જુ, પેન્ક્રિયાસ, લીવર અને આંતરડાંમાં ફેલાઈ ચૂક્યો હતો.

આખા કુટુંબ પર આભ જ ટૂટી પડ્યું.

મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરની ગાંઠ કાઢી નાંખવાનું નક્કી થયું. પણ તે અમદાવાદ છોડે એ પહેલાં જે તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જીવન બચાવવા માટેની અને સ્ટેરોઇડ દવાઓના મારા સાથે આશ્ચર્ય જનક રીતે તેના પગના અંગૂઠામાં જાન આવવા માંડ્યો. ડોક્ટરો પણ આ ફેરફાર જોઈ સ્તબ્ધ બની ગયા. થોડાક દિવસ માટે તેની સ્થિતિ પર નજર રાખવાનું નક્કી થયું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં તેની સારવાર શરૂ થઈ; જે એક વર્ષ ચાલુ રહી. ત્યાં સારવાર દરમિયાન કોઈ તેને દર્દી કહે, તો તે પસંદ કરતો ન હતો . પોતાની જાતને એક અડગ યોદ્ધો જ તે માનતો હતો. એની આ ખુમારી આગળ જીવલેણ કેન્સરને પણ ઝૂકી જવું પડ્યું. હવે એને કેન્સરથી વિમુક્ત જાહેર કરવામાં આવ્યો . જાણે કે, વિધાતા ફરીથી એને માટે સોનાના દરવાજા ખોલી રહી હતી. માતાની પ્રાર્થનાઓ જાણે કે, કશુંક અદભૂત કામ કરી રહી હતી.

પણ આ શું? કેમો થેરાપીના કારણે ધીમે ધીમે તેની આંખોનું તેજ હણાવા માંડ્યું હતું. સૌથી ઊંચા નંબરના ચશ્માં પહેરવા છતાં, તેને બધું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. વિધાતાનો એક ઓર ફટકો અને ભુપેન્દ્ર પૂર્ણ રીતે અંધ બની ગયો. કેન્સરની સારવાર દરમિયાન યોધ્ધાની જેમ ઝઝૂમેલા ભુપેન્દ્ર માટે આ અસહ્ય આઘાત હતો. તે બચી ગયો હતો, પણ આખી જિંદગી અંધાપામાં શી રીતે પસાર થશે? ઘેરી નિરાશાના ગર્તામાં તે સરી પડ્યો. તેણે તેની સારવાર કરતા ડો. આલાપ ગઢવીને બધી સારવાર બંધ કરી દેવા કહ્યું.

પણ ડો. આલાપ તેને પોતાના પિતા કૈલાસ ગઢવી પાસે લઈ ગયા. તે સંગીતના શિક્ષક હતા અને બ્રેઈલની તાલીમ પણ આપતા હતા. હવે ભુપેન્દ્રની બ્રેઈલ તાલીમ શરૂ થઈ. તેની જીજીવિષા પણ ફરી જાગી ઊઠી. એક ભાષામાં બ્રેઈલ શીખતાં સામાન્ય અંધજનને એક વર્ષ લાગી જાય. પણ આંતરિક જાગૃતિથી ફરી બળવાન બનેલો ભુપેન્દ્ર પાંચ જ મહિનામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બ્રેઈલ શીખી ગયો!

તેણે ફિઝિયોથેરાપી શીખવા વિચાર્યું. પણ તેની માનસિક ક્ષમતા જોઈ એક પ્રોફેસરે તેને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા સૂચવ્યું . આ સૂચને ભુપેન્દ્રની જિંદગીને એક નવો જ વળાંક આપી દીધો. તેણે રોજના પંદર પંદર કલાક દિવ્યાંગો માટેના કોમ્પ્યુટર પર તાલીમ લેવા માંડી. એના પ્રતાપે, એક પછી એક ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તે ઉચ્ચ કક્ષામાં પસાર કરવા લાગ્યો.

આના પ્રતાપે ૨૦૧૫ માં તેને રિઝર્વ બેન્કમાં મદદનીશ ઓફિસર તરીકે નોકરી પણ મળી ગઈ. નોકરીમાં હજુ એક મહિનો માંડ વીત્યો હશે અને તેને મેનેજરના સ્થાન માટે ઇન્ટરવ્યૂની તક સાંપડી. અલબત્ત તેમાં તેને ઝળહળતી સફળતા મળી. ચેન્નાઈમાં ચાર મહિનાની તાલીમ અને ૨૦૧૬ માં અમદાવાદની રિઝર્વ બેન્કમાં પ્રજ્ઞાચક્ષુ ભુપેન્દ્ર મેનેજર બની ગયો!

વધારે ઉચ્ચ જવાબદારી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પસાર કરવાની ભુપેન્દ્રની આગેકૂચ તો હજુ પણ જારી જ છે. તેની બેમિસાલ અને સફળ કારકિર્દી પર ઘણાંની નજર પડવા માંડી અને ઘણી જગ્યાએ તેને વ્યાખ્યાનો માટે બોલાવવાનું શરૂ થઈ ગયું . એનો આ એક જ વિડિયો જોઈ લો …

ભુપેન્દ્ર કહે છે –

”પાયાની અશક્તિ માણસના મનમાં હોય છે. એ ઊંબરો અતિક્રમી જાય, એના માટે ભાવિનાં દ્વાર ફટાબાર ખુલ્લા થઈ શકે છે. તમારી અશક્તિઓ નહીં , પણ તમારી શક્તિઓ પર ધ્યાન કેંદ્રિત કરો.“

સંદર્ભ – https://www.thebetterindia.com/60714/bhupendra-tripathi-cancer-ahmedabad/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “વાંચનમાંથી ટાંચણ : પ્રતિકૂળમાંથી અનુકૂળ

  1. Nutan T. Kothari
    August 5, 2020 at 9:31 pm

    અત્યંત પ્રેરણાદાયી વ્યક્તિત્વ. ?????સલામ છે એમના હૌસલાને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *