





‘રસિક’ તખલ્લુસથી ગઝલ સર્જન કરતા ‘રસિક’ મેઘાણીનું મૂળ નામ અબ્દુલ રઝાક મેઘાણી.
તેઓ જુલાઈ મહિનાની ૧૬મી તારીખે આ જગતમાંથી વિદાય થયા. હ્યુસ્ટનની ‘ સાહિત્ય સરિતા’ નો એક સિતારો કરાંચીમાં ખર્યો.
શ્રી અબ્દુલ રઝાક મેઘાણી પાકિસ્તાનથી ૨૦૦૦ ની સાલમાં હ્યુસ્ટન આવી વસ્યા હતા. ‘નઝર’ ગફૂરી,’અદીબ’ કુરેશી,’ખદીમ’ કત્યાન્વી વગેરે પાસેથી તેમણે કાવ્યશાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. ચારેક દાયકાથી તેઓ ગઝલો લખતા અને તેમની ગઝલો લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોમાં છપાતી રહી. ‘શૂષ્ક લાંબા માર્ગે’ તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ અને બીજો ‘ભીની ભીની આંખો.’
કરાંચીની ‘બઝમે દિલકશ’ સંસ્થા કે જે પાછળથી ‘ગુજરાતી કવિમંડળ’ તરીકે પ્રખ્યાત થઈ, એના સક્રિય સભ્ય રહ્યા હતા.તેમની ગઝલો અને કાવ્યો અંગે સ્વ. શ્રી. ‘આદિલ’ મનસૂરી સાહેબે કહ્યું હતું કે-‘ગઝલના છંદશાસ્ત્રની દ્રષ્ટિએ તેમની ગઝલો સર્વાંગસંપૂર્ણ છે. તેમની સર્જકતા પણ ખુબ ધારદારરૂપે પ્રગટ થતી જણાઇ આવે છે.’
‘ રસિક’ મેઘાણીનો જન્મ ૧૨ મે ૧૯૪૬, મુંબઈ, અભ્યાસ- બી કોમ. કરાંચીમાં.
થોડા વર્ષો પહેલાં હ્યુસ્ટનમાં તેમને સ્ટ્રોક આવેલ અને જમણું અંગ અશક્ત બની ગયેલ. એક લેખકના હાથ અપંગ બની જાય તેનાથી વધુ મોટી કરુણતા કઈ હોઈ શકે? તે પછી તો તેમને ‘હાર્ટ એટેક’ પણ આવ્યો. પરિણામે નાછૂટકે કાયમને માટે પાકિસ્તાન જવું પડ્યું. જતાં જતાં તેમની પાસેના ગઝલસંગ્રહો અને જૂના શબ્દસૃષ્ટિ,પરબ જેવા અનેક સામયિકોનો તમામ ખજાનો મારી પાસે મૂકતા ગયા. ગઝલના છંદો માટે તેઓ મારા પ્રથમ ગુરુ હતા.
હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ અંગે કહેતા કે,’સાહિત્ય સરિતા’ના સહકારથી જ મારો ગઝલસંગ્રહ પ્રગટ થઇ શક્યો છે.”
ખુદા તેમની રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે ….” આજે વે.ગુ. પર તેમની ગમતી ગઝલો પ્રસ્તૂત છે.—-
(દેવિકા ધ્રુવ વે.ગુ.પદ્ય વિભાગ વતી.)
(૧)
તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર.
તું વિશ્વ ગુર્જરી છે આજ..
તું પ્રેમ દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
તું કંટકોને વીણવા ચમન ચમનથી વાત કર.
સુગંધને સમેટવા સુમન સુમનથી વાત કર
તું આંધીઓને ખાળવા પવન પવનથી વાત કર
તું પર્વતોને આંબવા ગગન ગગનથી વાત કર.
તું જિંદગી છો એટલે તું જિંદગીની વાત કર.
નવા યુગોનાં રંગથી નવી નવી તું ભાત કર.
તું વિશ્વ ગુર્જરી છે આજે..
અનંત પથ હો છતાં,અભય બની ને ચાલ તું
તિમિરની રાત ભેદવા, જલાવી દે મશાલ તું
અથાક ચાલતો રહી, કદી ન થા નિઢાલ તું
મળે જો વિઘ્ન સંકટો, બધાથી કર વહાલ તું
ધરીને ધૈર્ય ઢાલ, ને કરી જા એ કમાલ તું
જવાબ જેનો પ્રેમ હો, બની જા એ સવાલ તું
તું પ્રેમનો પુજારી થા, ને જિંદગી ની વાત કર
નવા યુગોનાં રંગથી, નવી નવી તુ ભાત કર
તું વિશ્વ ગુર્જરી છે આજ..
તું તારલાનાં તોરણો સજાવી દે હ્રદય સુધી
તું પ્રેમની પરંપરા પ્રજાળી દે હ્રદય સુધી
મથાળું જે છે જિંદગી, પ્રસર ત્યાં વિષય સુધી
તું મનને એવું રાખ કે ન જાય એ પ્રલય સુધી
પછી કદમ હો એકલો, છતાં જશે વિજય સુધી
તું ગૂંજતો”રસિક” રહે , દિશા દિશા સમય સુધી
તું મૃત્યુ થી ઉચાટ થા, ને જિંદગીની વાત કર.
નવા યુગોનાં રંગથી નવી નવી તું ભાત કર
તું વિશ્વ ગુર્જરી છે આજ..
(૨)
સતત વદન હસતું જોવા તરસે, હજી સુધી ભીની ભીની આંખો
તમારા માટે આ જીવ તડપે, હજી સુધી ભીની ભીની આંખો
પ્રલંબ યુગ સમ વિપળ વિરહની, તમારી આશા, અમારૂં જીવન
ફરી ફરી પંથ જોતી રે’છે, હજી સુધી ભીની ભીની આંખો
તમે હસો તો બધું પ્રફુલ્લિત, સમીર સૌરભ, દિશામાં રંગત
ઉમળકા સાથે એ ભાવ ટપકે, હજી સુધી ભીની ભીની આંખો
ન ફૂંકો ઉર્મીંની રાખ આજે, ભભૂકી ઉઠશે તો જ્વાળા બનશે
પ્રલયના ડુંગર વટાવી દેશે, હજી સુધી ભીની ભીની આંખો
વિદેશની સૂની સૂની સડકે, અમે તો ભૂલા પડી ગયા પણ
પછીતથી કયાંક ડુસ્કા છલકે, હજી સુધી ભીની ભીની આંખો*
નવા નગરને નવા નિવાસી, અમે કદી જ્યાં હતા પ્રવાસી
નવા ઉમંગો છતાંય આજે, હજી સુધી ભીની ભીની આંખો*
હું પ્રેમ દીપક બધા હૃદયમાં, પ્રજાળી ચાલ્યો કદીક જ્યાંથી
હજી ત્યાં ઊર્મિના તણખા ઝબકે, હજી સુધી ભીની ભીની આંખો
કરાર આ બેકરાર યુગમાં, કહીં નહીં મળશે આજ દિલને
કહો ‘રસિક’ને એ લૂંછી નાખે, હજી સુધી ભીની ભીની આંખો
* આ બન્ને શેર અમેરિકામાં વસ્તા તમામ દેશીઓને અર્પણ
(૩)
ન ગીર્દી છે બસમાં, ન રસ્તા ભર્યા છે
નગરમાં ડરેલા, ડરેલા બધા છે
નગર લોક આજે કાં ટોળે વળ્યા છે
બધા ભય ઉઠાવી શું ગોતી રહયા છે
વગાડે ન કાં વાંસળી હસતા નીરો
બધા ઘર નગરનાં જો ભડકે બળ્યા છે
પ્રતિક્ષા ન પંથે, ન આશા જરા પણ
નિશાથી વધારે તિમિરમય પ્રભા છે
બધા બીજ નફરતના બાળી મેં જોયું
બધા પુષ્પ કોમળ હૃદયના મળ્યા છે
બધા મારા પોતાના ચહેરા હતા એ
મને આજ રસ્તામાં જે જે મળ્યા છે
લઈ ખુદની ખંભા ઉપર લાશ ચાલો
નગરમાં નવી એક એવી પ્રથા છે
લઈ ભીડમાંથી વ્યથા નોખી નોખી
જખમથી તડપતા બધા એકલા છે
હૃદયના અગોચરમાં ઝાંકી ‘રસિક’ પણ
સતત રાતભર ડૂસ્કે ડૂસ્કે રડયા છે.
‘રસિક’ પ્રેમ જ્યોતિ ઉઠાવી ત્યાં ચાલો
તિમિરમાં જ્યાં દીપક સૌ ગોતી રહ્યા છે.
“બધા બીજ નફરતના બાળી મેં જોયું
બધા પુષ્પ કોમળ હૃદયના મળ્યા છે” આ ભાવથી તેઓ અમારી સાથે વર્તતા. એ આત્માને સલામ.
સરયૂ પરીખ
રસિકભાઈ,
અમે પણ તમને ભીની આંખે યાદ કરીએ છીએ. ત્રીજી ગઝલ આજની પરિસ્થિતિ પર જ લખાઈ હોય એવું લાગે છે.
“ન ગીર્દી છે બસમાં ન રસ્તા ભર્યા છે,
નગરમાં બધા ડરેલા ડરેલા છે”
સ્વ. શ્રી રસિકભાઇ ની યાદ માં એક સરસ પોસ્ટીન્ગ માટે આભાર.