ઈના મીના ડીકા… કિશોર કુમારે ગાયેલાં સી. રામચંદ્રનાં ગીતો :: ૨ ::

મૌલિકા દેરાસરી

સંગીતની સફર કરી રહ્યા છીએ આપણે અને આ સફરમાં સંગીતકાર સી. રામચંદ્ર અને નાયક, ગાયક કિશોરદાની જુગલબંદી માણી રહ્યા છીએ.

સી. રામચંદ્ર વિશે કેટલીક વાતો આપણે પ્રથમ ભાગમાં કરી.

તેઓને સંગીતકાર તરીકે હંમેશા નામના મળી પણ પ્લેબેક સિંગર તરીકે તેઓ ટીકાનો ભોગ પણ બન્યા. તેમના સંગીતમાં કેરેબિયન અને લેટિન અમેરિકન બિટ્સનો પ્રભાવ દેખાઈ આવે છે. લતા મંગેશકર સાથે તેમણે સૌથી વધારે પ્રશંસાપાત્ર કામ કર્યું. તેમના કેટલાંક ગીતો ઉત્કૃષ્ટ હતા અને અત્યંત લોકપ્રિય પણ બન્યા. લતાજી સાથેના કોઈ ખટરાગ પછી સી. રામચંદ્રએ આશા ભોંસલેના અવાજને પ્રાધાન્ય આપ્યું. ૧૯૫૦નો દાયકો ચિતલકર રામચંદ્રના સંગીત માટે સર્વશ્રેઠ બની રહ્યો, જેની કેટલીક ફિલ્મો અને ગીતો વિષે આપણે અગાઉની સફરમાં જાણ્યું.

હવે આગળ વધીએ.

પાયલ કી ઝંકાર… આ ફિલ્મ આવી ૧૯૬૮માં, રાજીંદર કૃષ્ણએ લખેલા ગીત હતાં અને કલાકારો હતા; કિશોરકુમાર અને રાજશ્રી.

પ્રેમ હોય ત્યાં હોશમાં આવવાનું મન ક્યાંથી થાય! યા તો પ્રેમને હોશમાં લાવવો પડે યા તો ખુદ બેહોશ બની જવું પડે… ☺️

અય મેરે સોએ હુએ પ્યાર જરા હોશ મેં આ, હો ચૂકી નીંદ બહુત, જાગ જરા હોશ મેં આ… આ ગીતના બે વર્ઝન હતા ફિલ્મમાં, એક કિશોરકુમારના એકલ અવાજમાં અને બીજું આશા ભોંસલે સાથેનું યુગલ ગીત.

કિશોરદાએ ગાયેલું સોલો

આશાજી સાથે કિશોરકુમાર –

ક્યારેક ક્યારેક અબ્બા કે અમ્માં પ્રેમી દિલોના અરમાનોને નથી સમજી શકતાં, અને સાફ ના પાડી દે છે ત્યારે ત્યારે આવું ગીત રચાય છે.

પ્રેમ થાય ત્યારે સુંદરતાની વાત આપોઆપ રચાઈ જાય.

વાળથી લઈને પગની પાની સુધીની સુંદરતા કવિઓએ ગાઈ છે, એમાનું જ એક ગીત…

વર્ષ ૧૯૬૪ની એક ફિલ્મ હતી: દાલ મેં કાલા. આ ફિલ્મમાં કિશોરકુમારની સાથે અદાકારી નિભાવી હતી, નિમ્મીએ.

મનની વાત આંખોથી બયાન થાય અને જિગરના ભેદ આંખોમાં ઉજાગર થાય ત્યારે જે ગીત સર્જાય એ આવું પણ હોય…

ઓ ઉપરવાલે મુઝે ઉઠા લે… આવું આપણે ઘણાં સંજોગોમાં બોલીએ છીએ. પણ અહીં કેવા સંજોગોમાં આમ બોલવું પડ્યું છે, એ તો આ ગીત જોઈને જ ખબર પડશે. આ ગીતની ગણના અત્યારે તો દુર્લભ ગીતોમાં થાય છે.

કિશોરદા સાથે સ્વર છે, સી. રામચંદ્રનો.

દુનિયાના બજારમાં ચાલતા તમાશાને રીંછના ખેલ દ્વારા પણ બખૂબી ઉજાગર કરી શકાય છે.

વિરહની વેદનામાં ચાંદ ખામોશ અને ઝિલમિલાતા તારાઓ પણ ગુમસુમ લાગવા માંડે છે. આંખોમાંથી નીંદ ઊડી જાય છે અને ચેનનું હરણ થઈ જાય છે… ત્યારે ગાવાનું મન થઈ શકે છે, આ ગીત…

હવે વાત કરીએ ૧૯૭૦માં આવેલી ફિલ્મ, રૂઠા ના કરો.

શશી કપૂર અને નંદા અભિનીત આ ફિલ્મના ગીતકાર હતા, હસરત જયપુરી.

રિસાઈ ગયેલી પ્રેમિકાને મનાવવાનો અંદાજ માણવો હોય તો આ ગીતમાં મળશે.

દિલની દીવાનગી જ્યારે શબ્દોમાં વ્યક્ત થાય, ત્યારે પ્રિયજનની સંપૂર્ણ ખૂબસૂરતી આંખોમાં તો છલકાય પણ શબ્દોમાંય પડઘાય.

સફરનું આ અંતિમ ગીત હતું. સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલાં ગીત આપણે જાણ્યા અને માણ્યા.

કિશોરદા વિષે તો આપણે ઘણું જાણ્યું અને માણ્યું છે, પણ વાત સી. રામચંદ્રની કરીએ તો ૬ વર્ષની ઉંમરથી તેઓ સંગીત શીખતા હતા. એ પણ શોખથી નહિ, પિતાની ઈચ્છાને કારણે જબરદસ્તીથી. આ શબ્દો ખુદ સી. રામચંદ્ર કહે છે. એમના લંડનમાં થયેલા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન તેમણે બીજી પણ ઘણી વાતો કરી છે.

સાંભળવા માટે અહીં બસ એક ક્લિક કાફી છે.

અને અંતે આપણા આ લેખના શીર્ષક ગીત વિષે થોડી મજાની વાતો પણ પણ સાંભળતા જાઓ.

મૂળ ગીતની સર્જન કહાની પણ એટલી જ રસપ્રદ છે.

એક વખતે સી રામચંદ્ર અને તેમની ટીમ ગીત કમ્પોઝ કરી રહી હતી. બહાર છોકરંઓ ઈની મીની મિનિ મોઈ જેવી કંક બુમરાણ મચાવી રહ્યાં હત< સી આરની ટીમના ગોવાનીઝ સંગીતકારો એ તેની પછળ કોંકણી માકા નાકા (મને નથી જોઈતું) ઉમેરી દીધું.

ઑક્ટોબર ૨૦૦૮ માં લંડનની જેડબ્લ્યુટી એજન્સી દ્વારા યુકે બેંક એચએસબીસી માટેના એક જાહેરાત અભિયાનમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે “ઈના મીના ડીકા” ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

છેલ્લાં થોડાં વર્ષોમાં રીમિક્ષ ગીતો બનાવનારા સંગીતકારોને પણ બહુ પસંદ પડવા ગાગ્યું છે.

ગોલ્ડ સ્પોટ, જેવી જાહેરાતોમાં આ રીમિક્ષ વર્ઝનના પ્રયોગ થયા છે.

તો, આવી જ મજાની વાતો સાથે…

ફરી મુલાકાત થશે કોઈ નવી સફરમાં અને ત્યારે ગુનગુનાવીશું નવા ગીત, કોઈ દિલકશ સંગીતને સંગ…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.