ટાઈટલ મ્યુઝીક (૩૮ ) – શેખચિલ્લી (૧૯૫૬)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

માત્ર 37 વર્ષની વયે, 29 હિન્દી અને પાંચ પંજાબી ફિલ્મોમાં સંગીત પીરસીને વિદાય લેનાર સંગીતકાર વિનોદ (મૂળ નામ એરિક રોબર્ટ્સ)નું સંગીતચાહકોના દિલમાં આગવું સ્થાન છે.  લાહોરની ક્લીફ્ટન હોટેલમાં પિયાનોવાદન કરતા એરિક રોબર્ટ્સને નિર્માતા રૂપ કે. શૌરીએ પોતાની ફિલ્મમાં સંગીત માટે કરારબદ્ધ કર્યા, એટલું જ નહીં, તેમને ‘વિનોદ’ નામ પણ આપ્યું. શૌરીની કુલ પાંચ ફિલ્મોમાં તેમણે સંગીત પીરસ્યું.

વિનોદે એકથી વધુ ફિલ્મ જેમની સાથે કરી હોય એવા એક દિગ્દર્શક હતા રામચંદ્ર ઠાકુર, જેમની ‘શેખચિલ્લી’ અને ‘મક્ખીચૂસ’ (બન્ને 1956)માં વિનોદનું સંગીત હતું. ‘સાગર મુવીટોન’ પુસ્તક પર હું કામ કરી રહ્યો હતો એ વખતે રામચંદ્ર ઠાકુરનાં દીકરી માધવીબેન વ્યાસના સંપર્કમાં આવવાનું બનેલું. (તેમના પતિ ડૉ. રાજેન્દ્ર વ્યાસ અંધ હતા, અને ઘણા જાણીતા હતા.) એ પછી તેમની સાથે સતત સંપર્ક પણ રહેલો. રામચંદ્ર ઠાકુરનું વતન સાબરકાંઠાનું સુવેર ગામ હતું, જે હવે ઉમેદગઢ તરીકે ઓળખાય છે. (મિત્ર અમીત જોશીનું પણ આ વતન છે.) પાલિ ભાષાના વિદ્વાન રામચંદ્ર ઠાકુરે નક્કી કરેલું કે એમ.એ.માં પોતાનો પ્રથમ વર્ગ નહીં આવે તો તેઓ ફિલ્મદિગ્દર્શક બનશે. એમ જ થયું, અને તેમણે ‘સાગર મુવીટોન’ દ્વારા ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું.

[રામચન્‍દ્ર ઠાકુર (ડાબે) અને ચીમનલાલ દેસાઈ]*

માધવીબેન દ્વારા તેમના ભાઈ કૌશિક ઠાકુરને પણ મળવાનું બનેલું, જેમની પાસે રામચંદ્ર ઠાકુરનો અઢળક ખજાનો સચવાયેલો હતો. આ ખજાનામાં ઠાકુરસાહેબનાં પુસ્તકો, તેમની ફિલ્મોનું સાહિત્ય તેમ જ અમુક ફિલ્મોની તેમણે લખેલી સ્ક્રીપ્ટનો પણ સમાવેશ થતો હતો. અગિયારેક ભાષાના જાણકાર રામચંદ્ર ઠાકુરે વીસેક ફિલ્મો દિગ્દર્શીત કરી અને પાંચેક ફિલ્મોનું નિર્માણ કર્યું. અનેક ફિલ્મોની પટકથા પણ તેમણે લખી હતી, જેમાં ‘મંગળફેરા’, ‘નણંદભોજાઈ’ અને ‘ગાડાનો બેલ’ જેવી યાદગાર ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની ગુજરાતીમાં લખાયેલી ચાર નવલકથાઓ ‘આમ્રપાલી’, ‘બુદ્ધિધન બીરબલ’, ‘મીરાં પ્રેમદિવાની’, અને ‘ઉર્મિલા’ બહુ વિશિષ્ટ છે. તેમણે ગહન સંશોધન કરીને આ નવલકથાઓને બને એટલા સત્યની નજીક રહીને આલેખી છે. તેમણે સર્જેલું ‘ગિરજો ગોર’નું પાત્ર ઘણાને યાદ હશે.

માધવીબેનને મળવાનું અનેક વાર બન્યું, અને તેઓ પોતાના પિતાના મિત્રો સુરેન્દ્રકાકા (અભિનેતા-ગાયક સુરેન્દ્ર), ઈન્દ્રકાકા (ગીતકાર પં. ઈન્દ્ર), જમુકાકા (અભિનેતા જમુ પટેલ) જેવા ઘણાનો ઉલ્લેખ વાતવાતમાં કરતાં. પણ તેમના વિશેનાં ખાસ સંભારણાં તેઓ જણાવી શક્યાં નહોતાં. રામચંદ્ર ઠાકુર ફિલ્મક્ષેત્રે એટલા સફળ થયા નહીં. માધવીબેનના સંગ્રહમાં તેમની એક તસવીર મેં જોયેલી, જેની પર ઠાકુરસાહેબે સ્વહસ્તાક્ષરે લખેલું, ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે..’

માધવીબેનનું અવસાન થયું, અને કૌશિકભાઈ સાથે સંપર્ક નથી. હવે તેમણે રામચંદ્ર ઠાકુરના ખજાનાનું શું કર્યું હશે એ ખબર નથી. તેઓ કોઈક સંસ્થાને આપવા માટે પ્રયત્નશીલ અને ચિંતાતુર હતા, પણ યોગ્ય વ્યક્તિ/સંસ્થા મળવી મુશ્કેલ લાગતી હતી.

‘શેખચિલ્લી’નું નિર્માણ પં. ઈન્દ્ર અને રામચંદ્ર ઠાકુરનું હતું, અને દિગ્દર્શન રામચંદ્ર ઠાકુરનું. તેમણે પોતાની ફિલ્મમાં વિનોદને સંગીતકાર તરીકે શાથી લીધા હશે એ કુતૂહલનો વિષય છે, પણ હવે એને મનમાં જ શમાવવું પડે એમ છે.

‘શેખચિલ્લી’નાં કુલ આઠ ગીતો હતાં, જે પં. ઈન્દ્રે લખ્યાં હતાં. ‘દુનિયાવાલોં કે આગે‘ (રફી), ‘ જવાની બીક રહી હૈ‘ (આશા), ‘એક બાર હમ સે પ્યાર કરકે‘ (રફી), ‘મુહબ્બત રંજોગમ કી‘ (જી.એમ.દુર્રાની), ‘આએ જવાની, જાએ જવાની‘ (રફી), ‘મદહોશી મેં તન્હાઈ મેં‘ (ગીતા દત્ત, દુર્રાની), ‘મેરી રાહોં મેં આનેવાલે‘ (સુધા મલ્હોત્રા) અને ‘જીને સે હાર ગયે‘ (આશા).

(પં.ઈન્દ્ર)

અહીં આપેલી લીન્કમાં 0.03 થી ટાઈટલ  મ્યુઝીકનો આરંભ થાય છે. શરૂઆત તંતુવાદ્યસમૂહથી થયા પછી 0.05થી મસ્ત તાલ પ્રવેશે છે. 0.11થી 0.14 સુધી મેન્ડોલીનવાદન છે. ત્યાર પછી તંતુવાદ્યસમૂહ અને તાલના સહારે જ તે આગળ વધે છે. વચ્ચે ફૂંકવાદ્યો ઉમેરાય છે, લય બદલાય છે. તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહ વારાફરતી વાગે છે. 1.05થી ફરી મેન્‍ડોલીનવાદન છે, જે તંતુવાદ્યને સહારે છેક સુધી છે. 1.11 પર આ ટ્રેક અચાનક પૂરી થઈ જતી લાગે છે. આખી ટ્રેકમાં પર્કશનનો ઉપયોગ ધ્યાનાકર્ષક બની રહે છે.

એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ અગાઉ 1942માં રજૂઆત પામી હતી.


(લીન્‍ક અને તસવીરો નેટ પરથી)


*(અંગત સંગ્રહમાંથી )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ટાઈટલ મ્યુઝીક (૩૮ ) – શેખચિલ્લી (૧૯૫૬)

  1. Nitin Vyas
    July 21, 2020 at 4:54 am

    વીતેલા જમાના ની એક ફિલ્મ અને તેવી સાથે સંકળાયેલા કલાકાર અને કસબીઓ ને યાદ કરી સરસ વાત આપે લખી છે.

  2. ભરત ભટ્ટ
    July 21, 2020 at 8:28 am

    ખુબ સરસ શંશોધન અને સંકલન. શેખ ચીલ્લી વિષે અવનવી વાતો જાણવા મળી .

Leave a Reply to ભરત ભટ્ટ Cancel reply

Your email address will not be published. Required fields are marked *