





-નિરુપમ છાયા

કુંદનિકા બહેન સાથે શબ્દસંગ કરતાં કરતાં જીવનનું સાર્થક્ય સમજવા યાત્રા કરી રહ્યા છીએ. ગયે વખતે પ્રથમ ભાગમાં એમની સાત પગલાં આકાશ સાથે રહ્યા અને આજે બીજા અંતિમ ભાગમાં થોડો વધુ શબ્દસંગ. અહીં મુકાયેલાં થોડાંક બિંદુઓ અનરાધાર વર્ષાના આનંદ માટે એમની મૂળ કૃતિઓ પાસે જવા દોરશે તો આનંદ વહેંચવાનો આનંદ.
નવલકથા અને વાર્તાઓ સાથે એમણે નિબંધો અને વિવિધ મનીષીઓનાં ચિંતન બિંદુઓ, કથાપ્રસંગોના સંચય પણ આપ્યા છે. ‘ચંદ્ર, તારા વૃક્ષ, વાદળ’ એમનો, પ્રત્યેક ક્ષણે જાગૃત થઈને ‘જોવા’ના આનંદને પ્રસરાવતો એક નિબંધ સંગ્રહ છે. ચાલો, એમાંથી શબ્દસંગ….
એક નિબંધમાં તેઓ લખે છે, “એક વખત મને કોઈએ પૂછ્યું , “તમે વૃક્ષો અને આકાશ અને પાંદડાં અને ફૂલ વિષે આટલું બધું શા માટે લખો છો?” મેં ઉત્તર આપ્યો, “દરેક વસ્તુને પોતાની અસર હોય છે……ગાઢ જંગલ વચ્ચે ફરવાની, રમતિયાળ નદીને કાંઠે બેસવાની, તારાઓના ચંદરવા નીચે ચુપ થઇને કોઈક મહાન સાંનિધ્ય અનુભવવાની અસર જુદી હોય છે. અને ફૂલો, પાંદડાઓ વૃક્ષો….કોઈ વૃક્ષની નીચે વૃક્ષનું જ ધ્યાન કરીને બેઠા છો? વૃક્ષની સમગ્ર શક્તિ આપણી અંદર પ્રવાહિત થવા લાગે છે. ફૂલોની વચ્ચે રહીને તમે ક્યારેય કોઈનું બુરું કરવાનો વિચાર ન કરી શકો……એનાં પાંદડાં વચ્ચેથી આકાશને નીરખતા બેસો અથવા ‘તાઓ-તે-ચીંગ’ જેવા પુસ્તકની માત્ર બે પંક્તિઓ વાંચો, તમને તરત ખ્યાલ આવશે કે વૃક્ષો વચ્ચે, પાંદડાં ને પ્રકૃતિ ને પુસ્તકો વચ્ચે રહેવાની હિમાયત હું કેમ કરું છું?
આ પુસ્તકમાં કોઈક વર્ષની (પુસ્તકમાં વર્ષનો ઉલ્લેખ નથી) ૯ મી જાન્યુઆરીએ બનેલી ઘટના વિષે નિબંધ છે. એના સમાચાર તે પછીના દિવસોનાં સમાચારપત્રોમાં શોધ્યા પણ દેખાયા નહિ. સહુ સાથે લેખિકા પણ ૯મીએ રાત્રે બાયનોકયુલર સાથે અગાસી પર પહોંચી ગયાં, ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા. તેઓ લખે છે, “હમણાં (પૃથ્વીની) છાયા ચન્દ્ર પર પડશે. છાયા આવે એ પહેલાં કશુંક થવાનું છે એનાથી સાવ જ અનભિજ્ઞ હોય એમ સોળે કળાએ પ્રકાશતો હતો. બાયનોક્યુલરમાંથી ચંદ્રનો સૌમ્ય સુંદર ચહેરો વધુ વિશાળ અને સૌમ્ય લાગતો હતો…………નરી નજરને એની પ્રબળ ધવલતા આંજી દેતી હતી.પણ લેન્સમાંથી જોતાં તે પથરાયેલી, ફિક્કી લાગી……… ચંદ્રને પૃથ્વીની છાયાએ પૂરેપૂરો ઢાંકી દીધો. એક સમર્થ રાજવી પદભ્રષ્ટ થયો હોય તેવું.” એક અન્ય નિબંધમાં આ સર્જક ચંદ્ર અને બુદ્ધને એક સાથે કલ્પે છે.
તારાઓની વાત કરતાં તેઓ લખે છે, “તારાઓને નીરખવા, તેની ગતિ નિહાળવી, તેની વિશાળતા, તેના અંતરનો ખ્યાલ મેળવવો એ એક જ્ઞાનપૂર્ણ આનંદ છે. શિયાળાની રાતે તારા વધુ ચમકતા અને સ્પષ્ટ દેખાતા હોય એવું લાગે છે. આખું આકાશ સામાન્ય માણસ માટે અજ્ઞાત વિશ્વ છે, રહસ્યમય રચના છે. તારાઓ માટેની અનેક ઉપમાઓમાં, તે ભગવાનના ગેબી દરબારનો સંકેત કરે છે એ કલ્પના સત્યને કેટલી નજીક છે?” અને નવેમ્બરની સાંજોએ પૂર્વમાં નજર પડતાં જ કૃતિકા શર્મિષ્ઠા નજરે ચઢે. આ સમયે ઉગતા એક તારાની વાત તેઓ કરે છે: “(એ) બ્રહ્મહૃદયના તારાની તો વાત કેમ કરીને કરવી?…. પૂર્વમાં વૃક્ષસમૂહની પાછળથી તેજની ટોચ જેવું એક બિંદુ દેખાય- દરેકને થાય-આટલો આ તેજસ્વી તારો કયો છે? મને વીંટીમાં જડેલો તેજદાર હીરો યાદ આવે. ….તેની ખપતનો સવાલ નથી. તે જ્યાં છે ત્યાં સુંદર છે. જ્યાં છે ત્યાં આપણો છે.”
પોતાના અસ્તિત્વમાં જ હોય તેમ વૃક્ષો પાસે તેઓ જાય છે. ”શિયાળો આવ્યો છે. આખો દિવસ થોડો થોડો પવન ફૂંકાયા કરે છે. ચોમાસામાં નાહીધોઈ, તાજગીનું તિલક કરીને વૃક્ષો ઊભાં હતાં તે હવે ધૂળથી મેલાં થઇ ગયાં છે…..પાંદડીની વચ્ચેના વાંકાચૂંકા માર્ગમાંથી પવન આમતેમ ઝૂલતો નીકળે છે. પાંદડાને પવન અડ્યાનું સુખ હશે? પાંદડાને વરસાદથી પણ સુખ થતું હશે. તડકાથી પણ તે રાજી થતાં હશે. હવે ઘણાંખરાં વૃક્ષોનાં પાંદડાં ખરવા માંડશે. શિયાળાનું ખરું ભરત તો ખરી પડતાં પાન ભરે છે……..શિયાળામાં સુરજ બધાને ગમે છે એટલે તે પાંદડાં ખેરવી નાખી ડાળીઓ વચ્ચેથી સુરજને આવવાનો માર્ગ કરી આપે છે. વિચારું છું, વૃક્ષની આ કેવી ચેતના છે? ધરતીની જરૂરતનો, મનુષ્યની જરૂરતનો ખ્યાલ રાખે છે. ઊનાળામાં ધોમ અગ્નિ વરસતો હોય ત્યારે નવાં ફૂટેલાં પાન અને ફૂલની ઘટા લઈને તે માણસને શીળી છાયા આપવા ઊભાં રહે છે અને અત્યારે શિયાળામાં તડકો આવે એ માટે તેણે ઘટા સંકેલી લીધી છે.”
વાદળ વિષે વાત કરતાં કુંદનિકાબહેન વિશ્લેષણ સાથે તેનાં વિવધ નામ આપે છે: “મેઘનું પર્જન્ય એક નામ છે. પ્રજાનું તે પાલન કરે છે તેથી તેનું એક બીજું નામ છે, પ્રજાપતિ. જીવનજળને તે બાંધી રાખે છે તેથી તેનું નામ છે જીમૂત. પાણી નીચે લઇ જાય છે એટલે અમ્બુવાહ કે વારિવાહ. પાણી આપે છે એટલે પયોદ કે તોયદ.વીજળી તેની સંગીની છે એટલે તડિત્વાન (તડિત એટલે વીજળી). વરાળથી બંધાતાં વાદળનું નામ છે અભ્ર.” તેઓ ઉમેરે છે કે પુષ્કર, આવર્તક સંવર્તક અન દ્રોણ આ ચારેય નામ વાદળાંનાં જુદાં જુદાં બંધારણને અનુલક્ષીને પાડેલાં છે. વાદળાંનાં જાગૃત દર્શનથી નીપજતું તેમનું લાક્ષણિક ચિંતન આપણને એક દૃષ્ટિ આપે છે: “વાદળાંને તો કોઈ જીવનમુક્ત સંતની નિરહંકાર ચેતનાનું પ્રતિક ન ગણી શકાય? વાદળાં બધા રંગ ઝીલે છે છતાં તેને પોતાનો કોઈ રંગ નથી. અનેક આકાશે ધારણ કરે છે છતાં તેને પોતાનો કોઈ આકાર નથી. હલકાં હોય ત્યારે આકાશના એક પ્રાંતને પોતાનું ઘર બનાવવાને બદલે ખંડ-મહાખંડ, સાગર-મહાસાગર પર સર્યા કરે છે અને ભારે હોય ત્યારે વરસી પડે છે-(તે પણ ધરતીના કલ્યાણ અર્થે)……… નાના નાના વાદળટુકડા અલગ ફરતા હોય તો જોતજોતામાં એકબીજા સાથે એવા મળી-ભળી જાય કે ક્ષણ પહેલાં તે સ્વતંત્ર હતાં તેની કશી રેખા ન રહે. વાદળ વિષે એમ પણ કહી શકાય કે આષાઢના પ્રથમ દિવસથી આકાશના માળે બેસી વાદળના આ વિરાટ પંખીએ જે નીગૂઢ આનંદનું ગાન આરંભ્યું છે તેને શાંત થાઓ અને સાંભળો.
આ સર્જકની બધી જ નવલકથા એક નવું દર્શન આપે છે. અગન પિપાસા પણ એવી જ એક નવલકથા છે. સંગીત વાદ્યોનું કામ કરતા, સુંદર વાયોલીન વગાડતા પણ દારૂના વ્યસનમાં ચૂર પિતાનો પુત્ર સોમ નાનપણથી જુદી જુદી સપાટી સાથે થતા વાયુના સંઘાતમાંથી જન્મતા હજારો અવાજો સાંભળી, બધી જ વસ્તુઓમાંથી પ્રગટતાં લાગતાં ધ્વનીનાં વિવિધ સ્વરૂપોને ઓળખવા પ્રયત્ન કરતો. આ ધ્વનિ તેને “ઘૂઘવતા, ચિત્કારતા રણઝણતા, મર્મરતા, સુસવતા,ખરબચડી સપાટી પર ઘસાતાઅને સુંવાળી સપાટી પર સરકી પડતા નાજુક, મંદ, પ્રચંડ, તીવ્ર અવાજો, દૂર પહોંચવા નીકળેલા અને અધવચ્ચે આથમી જતા, એકબીજામાં ઓગળીને શાંતિ સર્જતા, એકમેક સાથે અફળાઈને કોલાહલ બની જતા અવાજો લાગતા.” તેને થતું, “એક એક દિવસ તેના માટે નવા ધ્વનિની ખોજ લઈને આવતો.” વાયોલીન વગાડતાં શીખતાં અદભૂત સુરમાં ખોવાતાં તેનું હૃદય કોમળ ભાવમય અને શુદ્ધ થતું જાય છે. એટલે જ પિતાનાં મૃત્યુ પછી એવાં હૃદય સાથે એવા જ પ્રેમની શોધમાં નીકળે છે. પણ પ્રેમને બદલે તેને આઘાતો જ મળે છે. અંતે એક દિવસ તે પોતાને ગામ પાછો ફરે છે. કુન્દનિકાબહેન તેમની બધી નવલકથાઓની જેમ અહીં પણ પ્રતિપળ નૂતન રહીને જીવનને પામતાં રહેલાં વ્યક્તિત્વનું દર્શન કરાવે છે. સોમને દાદુ નામના રેંકડી ચલાવીને કાચનાં વાસણોનો વ્યાપાર કરતા(આ પણ પ્રતિક બને છે.) સાવ જ સામાન્ય, ગરીબ વ્યકિતનો સંપર્ક થાય છે. દાદુની વાતોમાં તેના ઝળહળતા અંતરના અનુભવથી જીવનની નવી દિશાનો ઉઘાડ થાય છે. આમ તો આખીયે નવલકથામાં જીવનને સમૃદ્ધ કરતાં મોતી વેરાયેલાં છે પણ આપણે દાદુના જ અંતરની ગહનતામાંથી મળતાં શબ્દમોતી માણીશું.
જે વ્યક્તિ માટેના પ્રેમથી આકર્ષાઈ, તેની શોધમાં સોમ પોતાને ગામ આવે છે, તે વ્યક્તિ ન મળતાં હતાશ થઇ આપઘાત માટે, ઊંડા પાણીમાં કૂદકો મારે છે, પણ તેજ સમયે ત્યાં હાજર દાદુ તેને બચાવી લે છે. પોતાને ત્યાં તેડી જાય છે. સોમના, શું કરો છો એ પ્રશ્નના ઉત્તરમાં દાદુ કહે છે, “કાચની-અનિત્ય-વસ્તુઓનો વ્યાપાર. ઉપર સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો જેવી નિત્યની વસ્તુઓનો અને નીચે આપણને, મનુષ્ય જેવી અનિત્ય વસ્તુઓને લઈને ઈશ્વર ફેરી કરે છે. પણ આ અનિત્યતામાંયે કેટલી સુંદરતા છે!”
સોમે જીવનમાં અનુભવેલી પીડાની વાત સંભાળી તે કહે છે, “ માણસ જયારે ઘોર અંધકારમાં ડૂબી જાય, તેનાં બારી બારણાં બંધ થઇ જાય ત્યારે તે જો એ અંધારામાં જ ઊંડો ઊતરી શકે, એના ખાલીપણાના મર્મને પામવાનો પ્રયાસ કરે તો દુખની તીવ્ર પરાકાષ્ઠાએ કદાચ એને સૂઝ મળી આવે તો એ સૂઝથી પછી દૃષ્ટિ બદલાઈ જાય.
સોમના સંગીત પ્રેમ અને કૌશલ્ય છતાં તેની પરિસ્થિતિની ચર્ચા કરતાં સ્પષ્ટ કરે છે, “ સંગીત તો અંદર છે. વાયોલીન તો બહારનું સાધન છે…આ બધું શું સંગીત નથી? આ ચાંદની, તારાઓની આ સવારી, સૂરજમુખીનું સૂરજ ભણી મોં- એ બધામાં કશું સંગીત નથી? અને માણસનું જીવન, એક એક અસ્તિત્વનો આગવો સૂર, પ્રત્યેક જીવનની કઠોર અને કોમળ ઘટનાઓ* તેને સિમ્ફની ન કહી શકાય? જીવનના આરોહો અને અવરોહો, એના તૂટતા ને સંધાતા તાર, અને એ બધાની પાછળ વાગી રહેલો કોઈ સાતત્યનો સા અને આ રંગો, તડકામાં ઝૂલતો ગુલમહોરનો લાલ રંગ, સાચે સોમ, આખી દુનિયા સિમ્ફની નથી?” સોમની પ્રેમ પામવાની અને ન પ્રાપ્ત થતાં અવસાદમાં સરી પડવાની આખીયે વાત સાંભળીને દાદુ જે શબ્દો કહે છે એ જાણે શીતળ લેપ બને છે, “કોઈ એક વસ્તુ પામવાની અંધ ઇચ્છા આડે , જે તને સહેજે આવી મળ્યું, તેનો આનંદ ન ઓળખાય અને દુઃખનો નશો મન પર સવાર થઇ જાય પછી પગ પાસે પથરાયેલા સુખને તે કાંકરા માની બાજુએ હડસેલી દે છે. ……..પ્રકૃતિમાં જોઈએ તો હવા વહી જાય છે, પ્રકાશ વહી જાય છે. આપણે આપણી જાતને પણ બીજા લોકો ભણી સ્નેહમાં વહી જવા દેવી જોઈએ. સૂર્ય જો એમ કહે કે મારો પ્રકાશ હું મારામાં જ રાખીશ તો શું થાય?”
અને નવલકથાનો અંત સુખદ આવે છે. સંગીતને કેન્દ્રમાં રાખી સર્જાયેલ આ કૃતિ જીવનને સંવાદી બનાવવાનો પથ દર્શાવે છે.
કુન્દનીકાબહેને જીવનને ઊર્ધ્વ ગતિમય બનાવવા ચિંતનખંડો, પ્રાર્થનાઓ વગેરેનાં સંપાદનો પણ કર્યાં છે. એમાંનાં ‘ઝરુખે દીવા’ પુસ્તકમાંથી આચમન કરીએ.
#############################
સતત પ્રાર્થના કર્યા કરતા શિષ્યને ગુરુએ કહ્યું, “ભગવાન પર આધાર રાખવાનો છોડીને તારા બે પગ પર તું ક્યારે ઊભો રહી શકીશ ? નવાઈ પામીને શિષ્યે કહ્યું, “પણ તમે જ તો મને ઈશ્વરને પરમપિતારૂપે જોવાનું શીખવ્યું હતું.” ગુરુએ કહ્યું, “પિતા એટલે જેના પર તું આધાર રાખી શકે તે નહીં, પણ જે તને આધારિત થવાની મનોવૃત્તિમાંથી છોડાવે તે, એવું તું ક્યારે શીખીશ?”
########################
નવપરિણીત દંપતિ : અમારો પ્રેમ સદાકાળ ટકી રહે તે માટે અમે શું કરી શકીએ?
ગુરુ : બંને સાથે મળીને અન્ય બાબતોને ચાહો.
–એન્થની ડિ’મેલો
########################
આપણને મળેલા પ્રકાશ માટે ઈશ્વરનો આભાર માનવાનો સહુથી સુંદર માર્ગ એક જ છે. –અંધકારમાં રહેલા કોઈ તરફ સહાયનો હાથ લંબાવવો.
–હેલન કેલર
#############################
સંવેદનશીલ હોવું એટલે પ્રેમ કરવો. પ્રેમ શબ્દ તે પ્રેમ નથી. ઈશ્વરનો પ્રેમ અને મનુષ્યનો પ્રેમ એવા ભાગ પાડી શકાય નહિ. એકનો પ્રેમ અને ઘણાનો પ્રેમ એ રીતે તો માપી શકાય નહિ. ફૂલ જેમ સુગંધ આપે તેમ પ્રેમ પોતાને વિપુલપણે આપે છે.પણ આપણે હંમેશાં આપણા પ્રેમને માપ્યા કરીએ છીએ અને એમ કરીને તેને નષ્ટ કરી દઈએ છીએ.
-જે કૃષ્ણમૂર્તિ
################### .
જાગૃતપણે શબ્દનાં તત્વ અને સત્વને પામવાના પંથે સહયાત્રા કરાવનાર અનંતસ્થ કુંદનિકાબહેનને વંદન.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com