





સાવરકુંડલાના વતની શ્રી દયારામ મહેતા વાંચન, કવિતા, વાર્તાલેખન અને ફોટોગ્રાફીના શોખ ધરાવે છે. તેમના બે ગઝલ સંગ્રહ રન્નાદે દ્વારા (૧) ઘૂંટ્યો કસુંબ ઘેરો (૨) સ્વચ્છંદી ગઝલ છું ! પ્રકાશિત થયા છે. વેબગુર્જરીમાં તેમનો પરિચય કરાવવા માટે આદરણીય શ્રી વલીભાઈ મુસાનો આભાર અને શ્રી દયારામ મહેતાનું સ્વાગત કરતા આનંદ થાય છે.
દેવિકા ધ્રુવ, વે.ગુ. સંપાદન સમિતિ વતી—-
( ૧) હું તો છૂટેલું તીર છું!
સ્થિર છું, અસ્થિર છું, હું તો છૂટેલું તીર છું,
હું જ અર્જુન હું શિખંડી ભીષ્મની તકદીર છું.
હું જુગારી દાવ ખેલી, સંકટોને નોતરું,
હું સભાજન, હું દુઃશાસન હું જ દ્રૌપદીના ચીર છું.
વેગ મારો હું જ ઝીલું, પણ પ્રગટ રીતે નહીં,
હું જટાધારી છું શંકર, હું જ ગંગા નીર છું.
ઇશ્ક તો બહાનું ફકત છે, હું જ ચાહું છું મને,
હું જ લૈલા, હું જ મજનુ, હું જ રાંઝા હીર છું.
આસ્થાની ઓથમાં પરદાની પાછળ હું રહું,
નીકળે કાબાથી ગાલીબ એ સનમ કાફિર છું.
શું વિજય કે શું પરાજય, હું સમયની ચાલ છું,
હું સિકંદર હું જ પોરસના પગે જંજીર છું.
– દયારામ મહેતા
( ૨) ભાષા ગુજરાતી જીવશે!
દિલ બાગ બાગ થાશે, ઉન્માદ જાગશે,
ત્યારે ગઝલની દુનિયાનો નાદ જાગશે!
ચોસઠ પ્રહર સુધી મેં ઘૂંટી છે વેદના,
તારું જો દર્દ ભળશે, આસ્વાદ જાગશે.
ભૂલે ચૂકેય એને ઢંઢોળશો નહીં
સૂતી છે,સળવળીને સૌ યાદ જાગશે!
ઝંખે હજી તળેટી, ‘હમણાં એ આવશે’
કરતાલ વાગશે ને આરાધ જાગશે!
આવે છે દુ:ખ જીવનમાં, પાછાં વળી જવા,
મમળાવતા રહીશું અવસાદ જાગશે!
ચૂમી ગુલાબને જ્યાં, તિતલી ઊડી ગઈ,
ઉત્પાતી કંટકો છે ફરિયાદ જાગશે!
શાયર-મિજાજ ભાષા ગુજરાતી જીવશે,
પાછા ‘મરીઝ’-‘ઘાયલ’ એકાદ જાગશે!
– દયારામ મહેતા
શ્રી દયારામ મહેતા : સંપર્ક સૂત્ર dayarambhaimehta@gmail.com
બંને ગઝલી સરસ !
બે સુંદર ગઝલો સાથે કવિશ્રી દયારામ મહેતાની ઓળખ આપવા બદલ આભાર.