





– બીરેન કોઠારી
‘અમારે જોઈએ એવાં એકે એક લોકેશન ત્યાં તૈયાર હતાં- ગેસ્ટ હાઉસ, જૂની બાંધણીનો બંગલો, બ્રિટીશ બાંધણી ધરાવતો બંગલો, ખ્રિસ્તી, કેથલિક, મુસ્લિમ એમ તમામ પ્રકારનાં કબ્રસ્તાન, બગીચો, તળાવ, ડુંગરા, વગડો- ગણવા બેસીએ તો બધું મળીને કુલ પાંત્રીસ અલગ અલગ લોકેશનો મહાબળેશ્વરમાં સાવ નજીકનજીક હતાં.’
શ્યામ નામના એક દિગ્દર્શકે પોતાની ફિલ્મ વિશે આમ જણાવ્યું છે. ફિલ્મ સાવ ઓછા બજેટમાં તૈયાર કરવાની હતી. ઓછા જાણીતા કલાકારો, પોષાય એવા કસબીઓ અને ગીતકાર-સંગીતકારને લઈને એ ફિલ્મ તૈયાર થઈ. આ ફિલ્મ ખરેખર તો એક ‘પારિવારિક’ ફિલ્મ હતી, પણ કથાવસ્તુની દૃષ્ટિએ નહીં, નિર્માણની રીતે. કેમ કે, આ ફિલ્મના નિર્માણ સાથે આખેઆખો પરિવાર સંકળાયેલો હતો. એ પરિવારનું નામ રામસે પરિવાર.

1972 માં રજૂઆત પામેલી ‘દો ગજ ઝમીન કે નીચે’ (એક ગજ એટલે આશરે ત્રણ ફીટ) નો પ્રચાર ‘ભારતની પહેલવહેલી હોરર ફિલ્મ’ તરીકે કરવામાં આવ્યો. આ અગાઉ ‘મહલ’, ‘મેરા સાયા’, ‘બીસ સાલ બાદ’, ‘કોહરા’ કે એવી અન્ય ફિલ્મો બની હતી ખરી, પણ તેને ‘હોરર’ ન કહી શકાય. અમુકને થ્રીલરની કક્ષામાં મૂકી શકાય. રામસે નિર્મિત આ ફિલ્મ કંઈ તેમની પહેલવહેલી ફિલ્મ નહોતી. આ અગાઉ તેમણે ‘શહીદ-એ-આઝમ ભગતસિંહ’ (1954), ‘રુસ્તમ સોહરાબ’ (1963), ‘એક નન્હીમુન્ની લડકી થી’ (1970), ‘નકલી શાન’ (1971) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. આમ છતાં, કથાવસ્તુની રીતે આ પ્રકારની તેમની આ પહેલવહેલી ફિલ્મ હતી. એવી ફિલ્મ કે જેણે આગળ જતાં આ પરિવાર માટે એવી ફિલ્મોનો આખેઆખો રાજમાર્ગ ખોલી આપ્યો. એ માર્ગે આગળ જતાં ‘અંધેરા’, ‘દરવાજા’, ‘ઔર કૌન’, ‘સબૂત’, ‘ગેસ્ટ હાઉસ’, ‘દહશત’, ‘સન્નાટા’, ‘હોટેલ’, ‘પુરાના મંદીર’, ‘ટેલિફોન’, ‘સામરી’, ‘તહખાના’, ‘ડાકબંગલા’, ‘વીરાના’, ‘પુરાની હવેલી’, ‘બંધ દરવાજા’, ‘શૈતાની ઈલાકા’ સહિત બીજી અનેક ફિલ્મો તેમણે બનાવી.

રૂપાળા ચહેરાવાળાં હીરો-હીરોઈન, વિલનને બદલે અર્ધ બળેલા, મોટા દાંતવાળા, વિકૃત અને બિહામણા શેતાની ચહેરા આવી ફિલ્મોના પ્રચારમાં સ્થાન પામ્યા, પરિણામે કથામાં હીરો-હીરોઈનનું મહત્વ એક હદથી વધુ નહોતું. આ તમામ ફિલ્મોના કથાવસ્તુમાં લોકેશનોનું સામ્ય ઘણું હોય એ સ્વાભાવિક છે. કથાવસ્તુમાં મોટે ભાગે બદલો લેવાની વાત વધુ હતી, પણ એથી આગળ વધીને જોઈએ તો તેમાં પારિવારીક પરંપરાની વાત મુખ્ય હતી. એક પરિવાર પર કોઈક કારણસર શાપ ઊતરે, પરિવાર તેનો ભોગ બને, અને આગળ જતાં એ જ પરિવારની યુવા પેઢીનો પ્રતિનિધિ આ શાપમાંથી પરિવારને મુક્તિ અપાવે.
સાવ મામૂલી બજેટમાં બનેલી અને સામાન્ય પ્રચાર પામેલી ‘દો ગજ ઝમીન કે નીચે’ થિયેટરોમાં રજૂઆત પામી અને ધીમે ધીમે તેની નોંધ લેવાતી થઈ. તે અતિશય સફળ બની રહી.
સુરેન્દ્ર કુમાર, પૂજા, શોભના, ઈમ્તિયાઝ, સત્યેન કપ્પુ, ધુમાલ જવા કલાકારો ધરાવતી આ ફિલ્મમાં ત્રણ ગીતો હતાં, જે નક્ષ લ્યાલપુરીએ લખેલાં. ‘મૈં હૂં તેરી જોગનિયા‘, તથા ‘એક પંછી બન કે મૈં ઉડતી આઈ‘ વાણી જયરામે ગાયેલાં અને ‘પી કે આયે ઘરવા બેદર્દી‘ આશા ભોંસલેએ ગાયું હતું.

ફિલ્મના દિગ્દર્શક તરીકે ‘આર.તુલસી શ્યામ’નું નામ છે, જે હકીકતમાં તુલસી રામસે અને શ્યામ રામસે એ બન્ને ભાઈઓનાં નામ છે. આ ફિલ્મના સંગીતકાર સપન-જગમોહન હતા. સપન સેનગુપ્તા અને જગમોહન બક્ષી નામના બે સંગીતકારોની આ જોડી હતી. (સપન ચક્રવર્તી અલગ સંગીતકાર છે, અને ગાયક જગમોહન બક્ષી પણ અલગ.)

ફિલ્મનો ઉઘાડ જ એક માણસ કબ્રસ્તાનમાં કબર ખોદતો હોય એવા દૃશ્યથી થાય છે. અહીં માત્ર નિર્માતાનું તેમ જ ફિલ્મનું નામ જ આવે છે, અને કથા શરૂ થાય છે.

કથા આગળ વધે અને એક આખો સીન પૂરો થાય પછી 6.04 થી ટાઈટલ મ્યુઝીક શરૂ થાય છે. એકદમ તેજ ગતિનું આ તાલબદ્ધ સંગીત કોઈ ‘ચેઝ સિક્વન્સ’નું સંગીત હોય એમ લાગે છે, અને સાંભળવાની મઝા આવે એવું છે. છેક 7.45 પર આ સંગીત પૂરું થાય છે.
(માહિતીસ્રોત: ‘રામસે બ્રધર્સ’ની વિગતે વાત કરતું શમ્ય દાસગુપ્તા લિખીત પુસ્તક ‘ડોન્ટ ડિસ્ટર્બ ધ ડેડ’, પ્રકાશક: હાર્પર કૉલિન્સ)
(તસવીરો અને લીન્ક: નેટ પરથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
સરસ સંકલન અને જુના ભૂલાયેલા દિગ્દર્શકો અને સંગીતકરોના ઇતિહાસને વે.ગુ ના માધ્યમ દ્વારા પીરસ્યો
જગમોહન બક્ષી સંગીતકાર ઉપરાંત પાર્શ્વ ગાયક પણ હતા. “દેખો માને નહિ રૂઠી હસીના ના જાને ક્યાં બાત
હૈ “-ટેક્સી ડ્રાઈવરમાં દેવ આનંદ ને પ્લે બેક આપ્યું .
આભાર, ભરતભાઈ.
અલબત્ત, ગાયક જગમોહન બક્ષી અને સપન-જગમોહનવાળા જગમોહન બક્ષી બન્ને અલગ અલગ વ્યક્તિ છે.
આભાર બીરેનભાઈ,
નીચે આપેલ લિંક પરથી મેં આ લખેલું. કદાચ હું મિસ-ગાઈડ થયો હોઈશ.
https://www.dnaindia.com/entertainment/column-bollywood-retrospect-top-5-songs-of-70s-music-director-duo-sapan-jagmohan-2230267
ધ્યાન દોરવા બદલ આભાર, ભરતભાઈ. મારી જ સરતચૂક છે.
આભાર બીરેનભાઈ,
ઘણાં કામ કરતા હોઈએ અને સમય અનુસાર વે.ગુના ચાહકોને રૂચિકર લેખ પૂરો પાડવો
એ સમર્પિત કાર્ય છે. અને જગમોહન નામની ઘણી વ્યકિતયો ફિલ્મી દુનિયામા હતી અને છે.