નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’

વૈશાલી રાડિયા

કોઈ કાળું, કોઈ રૂપાળું, કોઈ લાંબુ, કોઈ ઠીંગણું, કોઈ મૂક, કોઈ બધિર, કોઈ પાગલ, કોઈ ડાહ્યું, કોઈ સાક્ષર, કોઈ નિરક્ષર, કોઈ બોલકું, કોઈ મીંઢું. કોઈ પણ પ્રકારના માણસો આ પૃથ્વી પર હોય, એક વાત દરેકમાં કોમન હોય, એ છે અભિવ્યક્તિ! દિલના ભાવોની અભિવ્યક્તિ તો અબોલ પ્રાણીઓ પણ સારી રીતે કરી શકે છે તો આપણે તો મનુષ્ય! કેટલીય કલાઓ! નૃત્ય, લેખન, ચિત્રકલા, સંગીત જેવી કલાઓ દ્વારા આપણે અભિવ્યક્ત થઈને દિલના ભાવોને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ. દુનિયામાં અગણિત મનુષ્યો અને તેમની અગણિત કલાઓ એટલે કે અભિવ્યક્તિની અથાગ ખાણ. એમાં હું એક સામાન્ય માણસ પણ મારા માટે હું અને મારી અભિવ્યક્તિ એટલે મારા જીવનની અસામાન્ય કલા; કેમકે, સામાન્ય માણસ પણ પોતાની અંદરની કોઈ એક તાકાતથી જીવે છે એટલે એના માટે એની નાની કે મોટી કલા એ એના જીવન પૂરતી તો અસામાન્ય જ કહેવાય, દુનિયાની તમામ કલાઓ પાસે પણ! બસ, એવી જ રીતે મારી કલા એટલે મારું લેખન.

કલમમાં હોય જો કમાલ,
શબ્દો મચાવે દિલમાં ધમાલ.

વાચન એ શાળામાં જતા પહેલા જ મારો શોખનો વિષય બન્યો. શબ્દો મને હંમેશા મારી આસપાસ ચકરાવો લેતા પંખીની જેમ ફરતાં મહેસુસ થયા. ધીમે ધીમે જીવનની ઘટમાળમાં ગૂંચવાતા જ્યાં-જ્યાં તકલીફો આવી ત્યાં-ત્યાં શબ્દો જ મારા સાથી બન્યા. કોઈ પણ પ્રસંગ, ઘટના દિલો દિમાગમાં એવી રીતે છવાતી ગઈ કે જ્યારે એ શબ્દોનું સ્વરૂપ લઈને લેખનમાં ઉતરી ત્યારે કોઈ પ્રયત્ન ન કરવો પડ્યો. કોઈ પણ મુસીબત હોય, પ્રશ્નો હોય, સુખ કે દુ:ખ, ખુશી કે ઉદાસી, પ્રેમ કે કોઈ પણ લાગણી વિષે વિચારતા જ મનના ઊંડાણમાં શોધ ચાલે અને બધા જ પડળો વીંધી, મંથન પછી બહાર આવે તે શબ્દો મિસરી જેવા લાગે! ચૂપ રહીને ન બોલાયેલા ભાવો કલમ કંડારતી ગઈ. એ વણથંભી રફતાર આજે તો શબ્દોની કલ્પનામાં એટલી ખોવાઈ જાય છે કે કલમ જે કંડારે એ ક્યારેક સત્ય હોય, ક્યારેક કલ્પના હોય પણ જે હોય એ જીવનની એક એવી ખોજ જણાય છે કે જીવન એનાથી સંજીવની બનતું રહ્યું છે! એક-એક શબ્દ માટે જો અંતરમનથી ખોજ ચાલે તો એ શોધ પછી જે મળે તે ફક્ત અને કફત સંતોષ હોય અને એક-એક શબ્દમાં અનેક જીવનનો અવાજ હોય, એવું મને તો ઘણીવાર અનુભવાય છે!

શબ્દે શબ્દમાં હોય જાણે એક રવ,
જીવનમાં એના થકી તો ગુંજારવ.

માણસનું જીવન એક રીતે વિચારીએ તો આ પૃથ્વી પરનો એક પ્રવાસ છે. અવતર્યા, જોયું, જાણ્યું, સમજ્યું, અનુભવ્યું અને જીવવાનો પ્રયાસ કર્યો ત્યાં તો મોટાભાગના લોકોના જીવનની ડેડલાઇન આવી જાય અને ગમતું મળવાના, ગમતું જીવવાના આનંદને પરફેક્ટ રીતે માણવાના સમયે જ એ પ્રવાસ પૂર્ણ થાય. પણ અમુક લોકો એ પ્રવાસની સંતોષ સાથે મજા લે છે અને અમુક એ મજા પૂરી થઇ એ ઉદાસીમાં જીવનનો બાકીનો સમય પસાર કરે છે. પણ મુખ્ય વાત એ કે જીવન જીવવા અવિરત એક શોધ ચાલતી રહે છે, એક પ્રવાસ ચાલતો જ રહે છે, જો કે દરેકના રસ્તા અને મંઝિલ અલગ-અલગ હોય છે. એ જ રીતે મારા જીવનમાં લેખનની કલા અમુક અંશે ફળી અને પ્રારંભ થયો લેખન પ્રવાસનો. આ પ્રવાસનો કોઈ અંત નથી. હંમેશા આરંભ જ લાગ્યા કરે છે. કેમકે, મારી આસપાસ બનતી કોઈ પણ ઘટનાને હવે પહેલાની જેમ સામાન્ય રૂપે જોવાને બદલે નાનામાં નાની વાતમાં પણ મને શબ્દોનો અવાજ સંભળાય છે કે મને પકડ, મને સમજ, મને વાચા આપ. અને પછી સર્જાય છે એ શોધનું લક્ષ્ય, આકાર મળે છે, શબ્દોનો ઘાટ ઘડાય છે અને કલમમાં શાહી ઉભરાય છે, માણસના હૃદયમાં ઉભરાતી લાગણીઓની જેમ જ! અને એ શોધ ક્યારેય ખતમ નથી થતી. એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ચોથી ઘટનાઓ માટે કલમ પ્રવાસ કરતી જ રહે છે-શબ્દોની સવારી પર! સાથે એ પ્રવાસ મારી જાતનો પણ હોય છે.

લેખન પ્રવાસની મજા એ આવે છે કે આપણે એક જ જીવનમાં ઘણા જીવન, ઘણા પાત્રો, એ પાત્રોની લાગણીઓ, એમના વિચારો, એમના સુખ-દુઃખ, એમના પ્રેમ-નફરત, એમની સફળતા-નિષ્ફળતા, એમની ખામીઓ-ખૂબીઓ આ તમામ જીવન લેખક તરીકે આપણે જ જીવીએ છીએ. ‘એક જીવનમાં અનેક જીવન’ અને એ શોધમાં જ આપણે એ પાત્રોમાં ઘૂસીને જે પ્રવાસ કરીએ છીએ, અંદરથી ઝંઝોળાઈને સમજદારીથી સીંચાઈને કદાચ એક ‘માણસ’ બહાર આવે છે અને ‘માણસ’ તરીકે જીવવા લાગીએ છીએ! પછી જે ચળકતું તત્વ બહાર આવે છે એ છે માણસાઈ અને મોટેભાગે સામેવાળાની લાગણીઓને સમજી શકવાની એક અદ્ભુત કુદરતી સમજ. એ શુદ્ધ લાગણીની સમજ હોય છે, એમાં દુનિયાદારીની કોઈ મેલી રમત કે આડંબર નથી પ્રવેશી શકતો.

જેમ કોઈ પણ પ્રવાસનું અંતિમ ધ્યેય હોય છે કાંઈક એવું પામવું કે જેનાથી મોજ મળે, શબ્દોના રવ સાથે જીવનને એક તરંગ મળે, આસપાસનું વાતાવરણ તમામ ગમતા રંગોથી ભરેલું મળે, નવી ઊર્જા મળે, અથાક આનંદ અને સંતોષ મળે. પછી એ પ્રવાસ બાહ્ય શરીરનો હોય કે બાહ્ય શરીરનો આત્મીય ગતિ તરફનો હોય!

લેખન પ્રવાસનું પણ મારા જીવનમાં એવું જ બન્યું. મારી જાતમાં મને શ્રદ્ધા બેઠી. મારા શબ્દોને હું આત્મવિશ્વાસથી ચાહવા લાગી સાથે મારી જાતને પણ! મારા વિચાર તેમજ વર્તનમાં એક અલગ જ નિખાર આવ્યો. મારા જીવનમાં કોઈ પણ સ્ટ્રગલ વખતે લેખન દ્વારા મને એટલી સ્ટ્રેન્થ મળી છે કે, ‘જીવનની આજ મને આવતીકાલની ચિંતા વિના જીવવાની બસ મજ્જા આવે છે!’ ભૂતકાળમાં મને તકલીફમાં જોઇને જે લોકો ક્યારેક મજા લેવાના આશયથી કે ક્યારેક દયાના ભાવથી જોતા, એ જ લોકો આજે જયારે મને પૂછે છે કે, “હાઉ ઇઝ યોર લાઇફ ગોઇંગ?” ત્યારે ચળકતા સો ટચના સોના જેવા સ્મિત સાથે મારો જવાબ હોય છે, “એવરીથીંગ ઈઝ ફાઈન.” આ તાકાત છે મારા જીવનમાં લેખનની. મારા માટે લેખન એટલે ફક્ત મજા, જાણકારી, પૈસા, સ્ટેટસ કે દેશી શબ્દોમાં કહું તો કોઈ હુંશિયારી મારવા માટેની વાત નથી કેમકે, હું એટલી મોટી લેખિકા હજુ છું જ નહીં અને એવું કોઈ બિરુદ આપે એવા વિચારથી લખાતું પણ નથી. હું તો લેખન-પ્રવાસની સફરે એટલે અવિરત નીકળી પડું છું કે લેખન-પ્રવાસ થકી ‘હું જીવું છું, મારા માટે હંમેશા નવી લેખન-શોધ સંજીવની છે’ એમ કહું તો ખોટું નથી. એટલે જ મારા માટે જીવનના અનેક પ્રવાસમાં અભિન્ન રીતે વણાઈ ગયેલ પ્રવાસ એટલે લેખન-પ્રવાસ. મારા લેખન માટે મારી અભિવ્યક્તિ એટલે……

કેમ ગમે છે મને કલમ?
શા માટે ચીતરું છું હું કાગળ?

મનમાં આવે છે મોજ,
શબ્દોની ચાલે છે જયારે શોધ.

મા શારદા કાંઈક તો આશા રાખતી હશે,
નિજ સંતાન પાસે ઋણ સ્વીકારતી હશે.

એમજ સાવ શોખથી લખાતું નથી,
હૃદય વલોવાય ક્યારેક, પછી રહેવાતું નથી.

સુખ-દુ:ખ કે હોય ફકીરીની મોજ,
શબ્દો નીકળે છે રંગાઈને રોજ.

શબ્દો ફૂટે છે ધધકથી,
ધખના જાગે છે કસકથી.
ત્યારે,
કાગળ રંગીન થતો જાય છે,
કલમ સાથે દિલ પણ ખાલી થાય છે,
બસ, પછી તો શું?
આમ જ લખાતું જાય છે !
લખાતું જ જાય છે !


વૈશાલી રાડિયાના સંપર્ક માટેનું વિજાણુ સરનામું : vaishaliradiabhatelia@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “નવી લેખન-શોધ : ‘મારી જીવન સંજીવની’

 1. ulhas chitharia
  June 29, 2020 at 10:40 am

  મા શારદા કાંઈક તો આશા રાખતી હશે,
  નિજ સંતાન પાસે ઋણ સ્વીકારતી હશે.

  એમજ સાવ શોખથી લખાતું નથી,
  હૃદય વલોવાય ક્યારેક, પછી રહેવાતું નથી.
  વૈશાલી જી , અતિ સુંદર કવિતા . શબ્દે શબ્દ માં આપણી લાગણીઓ છલકે છે . આપની કલમ માં જબરદસ્ત તાકાત છે . આપની અન્ય કૃતિ ક્યાં વાંચવા મળશે એ જણાવવા મેહરબાની કરશો જી . આ સંકટ ના સમય માં આપ અને આપનો પરિવાર સલામત રેહશો જી .

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.