ત્રણ કાવ્યો

ગુજરાત સરકાર તરફથી કવિ તરીકેનો ‘યુવા ગૌરવ પુરસ્કાર-૨૦૦૯’ પ્રાપ્ત કરનાર શ્રી હરદ્વાર ગોસ્વામી અગાઉ વેબગુર્જરીમાં પગલાં માંડી ચૂક્યા છે. દેશ-વિદેશની ઘણી સંસ્થાઓએ તેમને સન્માન્યા છે. તેમની રચનાઓ ‘વેબગુર્જરી’ પર પ્રસિધ્ધ કરવાની અનુમતિ બદલ ‘વેગુ’ પરિવાર આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરે છે. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય.સમિતિ.

               (1) એક દીવો પ્રગટાવી દે ને..

અમથા અમથા રાતે ફરતા, એક દીવો પ્રગટાવી દે ને.
અંધારાને કોસ્યા કરતા, એક દીવો પ્રગટાવી દે ને.

દરિયાના આ દસ્તાવેજો, તારા નામે તૈયાર જ છે,
મધદરિયામાં તરતા તરતા, એક દીવો પ્રગટાવી દે ને.

નવી પેઢીને નામે થોડું અજવાળું તો પાથરતો જ,
છેલ્લા શ્વાસે મરતા મરતા, એક દીવો પ્રગટાવી દે ને.

મંદિરમાં તો ઝળાહળાંનાં ઝુમ્મર, ઉપર સૂરજ ચમકે,
એક ઝૂંપડા બાજુ સરતા, એક દીવો પ્રગટાવી દે ને.

શ્વાસોમાં સૂતેલી સાંજો ફરી જૂઈને મળવા દોડે,

એક અજાણ્યું જણ સાંભરતા, એક દીવો પ્રગટાવી દે ને.

                                                  – હરદ્વાર ગોસ્વામી


                           (2) ખૂટે છે.

પૂછ નહીં કે શું ખૂટે છે.
મારામાં બસ તું ખૂટે છે.

અત્તર જેવા નથી થવાતું,
પરસેવાની બૂ ખૂટે છે.

પાણી તારું બતાવ નહીં તું,
ભોળું ભોળું ભૂ ખૂટે છે.

મોટો માણસ નહીં બને તું,
ઊંચા કોલર, હું ખૂટે છે.

હજી શહેરનો નથી થયો તું,
છાલ, લાલચ ‘ને દૂ ખૂટે છે.

આંખો અંદર સળવળ સપનાં,
તકીયામાં બસ, રૂ ખૂટે છે.

હજી ય થોડી કર નફરત તું,
હજી ય થોડું થૂં ખૂટે છે.

                                 -હરદ્વાર ગોસ્વામી.

               (3) માણસ છું

રોજ કેટલી રાડો પાડું, માણસ છું.
રોજ કેટલો ભાર ઉપાડું, માણસ છું.

કોઈ રસ્તે નહિ ચણાવું દીવાલો,
કોઈના પર નહિ વિતાડું, માણસ છું.

જીભ ઉપરથી જીવ ઉપર તું આવ્યો છે,
કેમ ન હું હથિયાર ઉપાડું, માણસ છું.

રોજ આવતું પાણી મિત્રો, ગળા સુધી,
રોજ મને હું કેમ જીવાડું, માણસ છું.

પ્રતિબંધ હો પતંગિયાના પ્રવેશ પર,
એ કુંડામાં ફૂલ ઉગાડું? માણસ છું.

                                    –    હરદ્વાર ગોસ્વામી.

સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – hardwargoswami@gmail.com

ફોન – +91 98792 48484

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.