





દર્શના ધોળકિયા
ભારતીય સાહિત્યમાં વાલ્મીકિનું નામ ભારે આદરથી સ્વીકારાયું છે. એક જ કૃતિથી તેઓ કવિકુલગુરુનું માનભર્યું સ્થાન પામ્યા છે. ‘વાલ્મીકિ રામાયણ’ આપણું રાષ્ટ્રીય મહાકાવ્ય બન્યું છે એમાં રહેલી પ્રસન્ન જીવનાભિમુખ દ્રષ્ટિને લીધે, વિધાયક અભિગમને લીધે, વાસ્તવમાં રહીને કાવ્યાત્મકતા સિદ્ધ કરવા બદલ.
‘વાલ્મીકિ રામાયણ’ વાંચીને પ્રથમ દ્રષ્ટિએ એમ લાગે કે આ કાવ્યને ટ્રેજેડી ગણવું જોઈએ. આ કૃતિને ટ્રેજેડી ગણાવવાનાં ઘણાં ને દેખીતાં કારણો પણ મળી આવે. ગતાનુગતિક રીતે વિચારીએ તો જીવનમાં જેમ દુઃખો જ દુઃખો જડે છે તેમ, અહીં પણ દુઃખનો વ્યાપક વિસ્તાર છે. કૃતિનાં બધાં જ પાત્રોના જીવનમાં સુખ નામનો પ્રદેશ નહીંવત્ દેખાય છે. પણ આ કાવ્યને પામવાનો પ્રયત્ન કરતાં જણાય છે કે વાલ્મીકિનો આશય કરુણને મુખ્ય રસ બનાવવાનો નથી. કવિ પાસે જીવનને જોવાનો સ્વસ્થ અભિગમ છે. તેમની દ્રષ્ટિ એક ઋષિની છે. ઋષિની આંખે તેમણે જીવન અને જગતને જોવાનો યત્ન કર્યો છે. પરિણામે, તેમનાં જીવનદર્શનમાં ક્યાંય ભાર કે ઊભરો વરતાતો નથી. કાવ્યનો પ્રારંભ એક પારધીએ કરેલાં ક્રૌંચવધના પ્રસંગથી થાય છે. આ દ્રશ્ય જોઈને ઋષિનું સંવેદનશીલ ચિત્ત દ્રવીભૂત બને છે અને તેમના મુખમાંથી કરુણાયુક્ત ઉદગાર સરી પડે છે: ‘હે પારધી! તને ક્યારેય પ્રતિષ્ઠા નહીં મળે, કેમકે તે કામમોહિત એવા ક્રૌંચયુગલમાંથી એકનો વધ કર્યો છે.” – આમ કાવ્ય આરંભાય છે કરુણાથી, કરુણામાંથી પ્રગટેલી કવિતા અંતે ઉપશમમાં જઈને ઠરે છે. આ આખુંય ચક્ર વાલ્મીકિને માત્ર કવિ નહીં, પણ ઋષિકવિ ઠેરવે છે.
ટ્રેજેડીની એરિસ્ટોટલની વ્યાખ્યા પ્રમાણે, ટ્રેજેડીનો નાયક ધીરોદાત્ત હોઈ, એના પર કોઈ પ્રકારનું દુઃખ ન આવી પડવું જોઈએ; એ મનુષ્ય ઉત્તમ સુખને જ લાયક હોય ને છતાં એ દુઃખનો ભાગી બની, આખીય વાતની કરુણતા ત્યાં હોય કે તેને પ્રાપ્ત થયેલા દુઃખના મૂળમાં તેનું જ કોઈ નાનકડું સ્ખલન કારણભૂત હોય. ટ્રેજેડીની આ મુખ્ય શરત છે, જે વાલ્મીકિના નાયકને લાગુ પડતી નથી. એનું કારણ એ છે કે ટ્રેજેડીનો નાયક સારો માણસ હોય પણ એટલો બધો સારો નહીં કે એના પર કોઈ દુઃખ જ ન આવી શકે. રામ અસાધારણ નાયક છે અને તેમના પર જે વીતે છે તેના મૂળમાં રામનું કોઈ સ્ખલન જવાબદાર નથી. ધારો કે સીતાના હરણ સમયે રામ મૃગ પાછળ મોહિત થયા એ ઘટનાને તેમનું સ્ખલન ગણવામાં આવે તોય વનવાસ મળ્યાની ઘટનામાં રામનું ક્યું સ્ખલન ગણવું? સીતાત્યાગ કે શુદ્રના વધ સમયે રામની કઈ ભૂલ તેમને નડી હતી? અર્થાત્ આ કૃતિ ટ્રેજેડી તો બનતી નથી. કદાચ અહીં કવિનો આશય એમ જણાવવાનો દેખાય છે કે જીવન એક રહસ્ય છે. તેને કવિ નામ આપે છે કાળ. કાળ ક્યારેક મનુષ્યના પક્ષમાં હોય છે તો ક્યારેક વિપક્ષમાં. આ ઘટનાને આધારે મનુષ્યની ચડતી-પડતી થયા કરે છે; પછી ભલેને એ મનુષ્ય ધીરોદાત્ત પન કાં ન હોય? કવિને કહેવું એ છે કે આવા મનુષ્યની ઉદાત્તતા તો ત્યાં છે કે એ આ કાળનું – કાળ જેવા કાળનું અતિક્રમણ કરે છે. જગતમાત્ર પર ફરી વળતા કાલચક્રની એ દરકાર કરતો નથી. તટસ્થતાથી તેને પોતા ઉપર પસાર થવા દે છે. મહિમા આ વાતનો છે. પરિણામે, વાલ્મીકિનું આ આખાય કાવ્ય પર પથરાયેલું જીવનદર્શન તત્વવિચારમાં પરિણમે છે ને રામાયણ તત્વજ્ઞાનનું કાવ્ય બની રહે છે.
વાલ્મીકિને પૂર્ણ સત્યના ઉદગાતા કહેવાનું મન આલ્ડસ હકસલીએ નોંધેલા એક સંદર્ભને કારણે થાય છે. હકસલીએ મહાકવિ હોમરના સંદર્ભમાં નોંધ્યું છે કે હોમરે એમની કૃતિ ‘ઑડિસી’ના બારમા સર્ગમાં એક પ્રસંગે પૂર્ણ સત્યનું દર્શન કરાવ્યું છે. આ કાવ્યમાં વહાણમાં બેઠેલા કેટલાક સાથીદારોમાંથી છ જણા મૃત્યુ પામે છે. જીવતા બચેલા અને આ ઘટનાથી હતપ્રભ થયેલા ઑડિસ્યૂસ અને એના સાથીદારો સિસિલીના દરિયાકિનારે વહાણને લઈ ગયા, તેમણે કુશળતાથી ભોજન રાંધ્યું, જમ્યા ને નિદ્રાધીન થયા. આ ઘટનાને નિરૂપતા કવિ હોમર જાણે છે કે ગમે એટલી ક્રૂરતાપૂર્વક નિકટના સંબંધીઓ છીનવાઈ ગયા હોય તોપણ પાછળના નિત્યકર્મો કરવાં પડે છે. હોમરે અહીં કરુણને બદલે વાસ્તવને આલેખવાનું પસંદ કર્યું છે. કોઈ સામાન્ય કવિને હાથે જો આ ઘટના નિરૂપાઈ હોત તો આ સર્ગ આસુંઓથી પૂર્ણ થાત. આ અર્થમાં હકસલીને મતે ટ્રેજેડી કરતાં પૂર્ણ સત્ય આલેખતી કૃતિ જુદી પડે છે. વાલ્મીકિ જરા જુદી રીતે પણ આ જ વાત કરવા માગે છે. તેમની કૃતિએ પણ પૂર્ણ સત્યને બાથમાં લેવા પ્રયત્ન કર્યો છે. આથી જ ‘રામાયણ’નાં બધાં પાત્રો અત્યંત સંવેદનશીલ હોવા છતાં તાર્કિક છે; પ્રેમના તંતુમાં જકડાયેલાં હોવા છતાં સ્વત્વને ખીલવી શક્યાં છે. આ બધું કવિએ એવી કુશળતાથી વર્ણવ્યું છે કે તેમણે આલેખેલું નર્યું સત્ય ક્યાંય ક્રૂર કે કડવું ભાસતું નથી. સત્યનું અહીં સત્યને છાજે એ રીતનું સંસ્થાપન થયું છે.
આખીય કૃતિમાં વાલ્મીકિને જે તાકવું છે તે છે સદ-અસદનો ભેદ. રામ ને રાવણમાં વાલ્મીકીની દ્રષ્ટિએ જો ભેદ હોય તો તે સદતત્વની માત્રાનો છે. રામ પાસે સદનું પ્રાચુર્ય છે. જે રાવણ પાસે નથી. આ એક જ કારણે રામ કૃતિના નાયક બની જાય છે ને રાવણ ખલનાયક. નોંધપાત્ર ઘટના એ છે કે કવિને મન, આ વાત મોટી નથી, કારણ કે કવિ એમાં પણ કાળનું માહાત્મ્ય જુએ છે. માટે જ વાલ્મીકિએ રાવણનું પણ મોકળા મને મહિમાગાન કર્યું છે. આ અર્થમાં રામાયણ ખલનાયકનુંય સ્તુતિગાન કરતું કાવ્ય બને છે.
રાવણ પ્રવેશ કરે એ પહેલાં એની ભૂમિકારૂપે જાણે રામનું આખુંય પાત્રાલેખન કવિ કરે છે. રામને માટે કૃતિ દરમિયાન જે જે ભૂમિકાઓ ભજવવાની આવે છે તેને રામ કેવી રીતે ભજવશે એનાં ઇંગિતો પણ વાલ્મીકિએ ઠેરઠેર વેર્યાં છે.
રામની જોડાજોડ આસનનો અધિકાર બક્ષે તેવું ક્ષાત્રેતેજ સીતા પાસે છે. તેને વનમાં લઈ જવાની રામ ના પાડે છે વનમાં રહેલી મુશ્કેલીઓને કારણે. ત્યારે ઉત્તરમાં સીતા કહે છે, “આજે ખબર પડી કે મારા પિતાએ જમાઈ તરીકે સ્ત્રીને પસંદ કરેલ છે! તમે સાથે હો પછી શાનો ભય?” અશોકવાટિકામાં રહેલી સીતાને હનુમાન પોતાના ખભા પર બેસાડીને રામ પાસે લઈ જવાનું સૂચવે છે ત્યારે શાણપણની મૂર્તિ સીતાના ઉત્તરમાં રહેલું સ્થૈર્ય તેને ચરિત્ર ઠેરવે તેવું છે. હનુમાનની અવગણના ન થાય એ રીતે એમને સમજાવતાં સીતા કહે છે, “તમારામાં મને પૂરો વિશ્વાસ છે. પણ તમે મને લઈ જાવ તો તમારે મારી સાથે તમારો પીછો કરતા રાક્ષસોનું પણ ધ્યાન રાખવું પડે. તમે આ બધું સાથે ક્યાં કરો?” ને પછી મૂળ વાત પર આવે છે: “મને લઈ જવી એ રાઘવનું કર્તવ્ય છે. તેઓ જ ભલે મને લેવા આવે. એ બહાને એમની વીરતા પ્રજા સમક્ષ ભલે પ્રગટ થતી.” સીતાનો વિવેક ને ઓજસનું યુગપત્ દર્શન અહીં થાય છે.
અગ્નિપરીક્ષા સમયે કઠોર વચન કહેતા રામને સીતા જણાવી દે છે; “ તમારું કુળ ઊચું છે તો મારું પણ કંઈ ઓછું નથી. એક સામાન્ય પુરુષ એક સામાન્ય સ્ત્રીને કહે તેવાં વચનો કહેવાં તમને શોભતાં નથી. આપણો અનુરાગ સાથે સાથે વધ્યો છે. આપણે એકબીજાને બરોબર ઓળખીએ છીએ.” આ જ સીતા રામાયણને અંતે પોતાને વનમાં છોડવા આવેલા લક્ષ્મણને કહે છે: “ પ્રજા માટે રામે મારો ત્યાગ કર્યો છે એ વાતનો હું સ્વીકાર કરું છું. રામનું પ્રજા સમક્ષ નેતાનું આદર્શ ચિત્ર ઊપસે તેમાં મારો પણ સાથ છે. તમે તમારું કર્તવ્ય પૂરું કર્યું છે. હવે ક્યાં જવું તે હું જ નક્કી કરીશ. મારાથી મૃત્યુ પણ પસંદ નહીં કરી શકાય, કેમકે રામનો વંશ મારા પેટમાં છે.” જીવનને કેવી તો ગંભીરતાથી આ પાત્રોએ પ્રમાણ્યું છે!
વાલ્મીકિનું ઉપરછલ્લું દર્શન કરતાં ભલે એમ લાગે કે રામાયણના નાયક રામ છે, વાલ્મીકિનો આદર બધાં પાત્રો પરત્વે સમાનભાવે ફરી વળ્યો છે. પછી તે દશરથ હોય, ભરત-શત્રુઘ્ન હોય કે લક્ષ્મણ હોય. અલબત્ત, ભરત ને લક્ષ્મણ વાલ્મીકિનાં વિશેષ આદરણીય પાત્રો છે. રામ, ભરતને પિતૃઆજ્ઞાનું પાલન કરીને રાજ્ય સ્વીકારવા જણાવે છે ત્યારે કુલીન ભરતનો ઉત્તર છે: “દશરથ મારા ભગવાન, ગુરુ ને પિતા હતા. પણ જે લંપટ પુરુષ સ્ત્રીની વાતમા ફસાઈ જાય તેનું કહ્યું માનવા હું બંધાયેલો નથી. પિતાની ભૂલને આપણે સુધારવાની છે. તો જ આપણે તેની સંતતિ કહેવાઈએ. તમારો ધર્મ ક્ષાત્રધર્મ છે. જટા ધારણ કરવા સાથે એને કોઈ સંબંધ નથી. તમારે આવું વિરોધી કર્મ ન કરવું જોઈએ. ને તમારે ક્લેશ જ પસંદ કરવો હોય તો ચારેય વર્ગના પાલનરૂપ ક્લેશને ઉઠાવો.” ભરતે કહેલું આ સત્ય પચાવી ન શકાય તેવું ભારે છે. રામ-ભરતના વનવાસ દરમ્યાનના સંવાદમાં જ ભરતનું પાત્ર ઊપસે છે. એ ક્ષણોમાં વાલ્મીકિનો નાયક ભરત જ ઠરે છે.
રામના અનુજ ને અનુયાયી એવા લક્ષ્મણનાં દર્શન વાલ્મીકિએ અછડતાં જ કરાવ્યાં છે. ભાભીનાં ઝાંઝરને જ જેણે જોયાં છે એવો લક્ષ્મણ, બુદ્ધે જેને સાક્ષીભાવ કહ્યો છે તેવા સાક્ષીભાવનો સ્વામી છે. સીતા સાથે સતત રહેલા લક્ષ્મણે સીતાના ચહેરાને, આભૂષણોને ન જોયાં હોય એ વાત સ્વીકારી ન શકાય એવી છે. વાલ્મીકિએ બીજા એક સ્થાને આ વાતનો ઇંગિત આપ્યો છે. રાજ્યના મોહમાં સીતાની શોધ કરવાનું કાર્ય ચૂકી ગયેલા સુગ્રીવ પર ગુસ્સે થઈને તેનું કર્તવ્ય સમજાવવા ગયેલા લક્ષ્મણનો ગુસ્સો જોઈને સુગ્રીવ હનુમાનની સલાહથી પોતાની પત્ની તારાને લક્ષ્મણનું સ્વાગત કરવા મોકલે છે. ત્યારે વાલ્મીકિ નોંધે છે તેમ, દૂરથી તારાને આવતી જોઈ લક્ષ્મણની ઇન્દ્રિયો ઉદાસીન ગની ગઈ. અર્થાત, લક્ષ્મણનું લક્ષ્સ્થાન નહોતું. તેનું લક્ષસ્થાન એક જ છે – રામ, રામ સિવાયની એક પણ ઘટના કે વ્યક્તિમાં તેને રસ નથી. તેનું પાત્ર વિરત સંન્યાસીનું છે. જીવનને તેણે એક તર્કની ચાળણીમાં ચાળીને જોયું છે. સોનાના મૃગને જોતાંવેંત લક્ષ્મણે તેને એક ઝાટકે મારીચની માયા ગણાવીને રામને તેની પાછળ ન જવાની સલાહ આપી છે. વનગમન સમયે માતાપિતાને ચિંતા કરતા રામને લક્ષ્મણે કહ્યું છે: “ તમારે ભરત તરફથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા પ્રભાવ માત્રથી ભરત બધાંને સંભાળશે, ચાહશે.” મારીચના મુખેથી લક્ષ્મણના નામની ચીસ સાંભળીને સીતા લક્ષ્મણને રામની મદદે જવા કહે છે પણ લક્ષ્મણ સીતાને એકલી છોડીને જવા તૈયાર નથી ત્યારે કઠોર વચન કહીને લક્ષ્મણને જવા વિવશ કરતી સીતાને લક્ષ્મણ જણાવે છે કે આપણા અકલ્યાણનો સમય આવી ગયો છે. હું ઇચ્છું છું કે પાછો ફરીને હું તમને સકુશળ જોઉં. લક્ષ્મણે જીવનને નર્યા તાટસ્થ્યથી જોયું છે. સીતા પાછળ વારંવાર વિલપતા રામને લક્ષ્મણે ધીર થવાનો ઉપદેશ કર્યો છે ને સ્વજનો પ્રત્યેની આસક્તિ દુઃખી કરતી હોઈ, એ છોડવા જણાવ્યું છે. અનેક જગ્યાએ લક્ષ્મણ પાસે નતમસ્તક બનતા રામને વર્ણવીને વાલ્મીકિએ લક્ષ્મણનું મહિમાગાન કર્યું છે. લક્ષ્મણ રાગ-દ્વેષ, સુખ-દુઃખનાં દ્વન્દ્વોથી ઉપર ઊઠેલું પાત્ર છે. અયોધ્યા, માતા-પિતા ને પત્નીને વનવાસ દરમ્યાન તેણે સ્વપ્નમાં પણ યાદ કર્યાં નથી. આથી જ યુદ્ધમાં મૂર્છા પામેલા લક્ષ્મણ માટે વિલાપ કરતા રામ યથાર્થ રીતે જ કહે છે: “લક્ષ્મણ વિનાની સીતાને કે રાજ્યને હું શું કરું? બધી જયાએ બધું જ મળક્ષ્હે પણ લક્ષ્મણ જેવો ભાઈ નહીં મળે.” હનુમાન પાસે લક્ષ્મણની વાત કરતાં સીતાએ પણ “સુમિત્રા જેને કારણે પુત્રવતી થવાનું સાર્થક્ય અનુભવે છે ને જે રામને મારા કરતાંય પ્રિય છે, જેમના હોવાથી રામ પિતાના મૃત્યુને ભૂલી ગયા છે તેવા લક્ષ્મણ” એમ કહીને લક્ષ્મણ પ્રત્યેનો સમાદર વ્યક્ત કર્યો છે.
હનુમાન પણ વાલ્મીકિનું પ્રિય પાત્ર છે. અહીં તેઓ રામના ભક્ત કરતાં મંત્રી ને સખા હોય એવી છપ પડે છે. ‘બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ’ એવા હનુમાનમાં ગરિમા છે, સૌહાર્દ છે ને માર્દવ પણ. છદ્મવેશે વનમાં રામની પરીક્ષા કરતા હનુમાન, રાવણના અંતઃપુરમાં એકએક સ્ત્રીને છુપાઈને જોતા હનુમાન, અશોકવાટિકામાં સીતાને જોઈને વ્યાકુળ થતા હનુમાનનાં અનેકરૂપો વાલ્મીકિએ આલેખ્યાં છે. તેઓ બ્રહ્મચારી છે ને વધુમાં વધુ સ્ત્રીઓ સાથે એમને કામ પાડવાનું આવ્યું છે. મંદોદરીને જોઈને તેને સીતા સમજેલા હનુમાન ખુશ થઈ જાય છે પણ તરત જ ‘આ સીતા હોય તો આટલી સુખેથી નિદ્રાધીન ન હોય’ એમ ધારીને એ સીતા નથી એવા તારણ પર પહોંચે છે. પોતે ગૃહસ્થ ન હોવા છતાં સીતાને જોઈને તેમને વિચાર થાય છે કે રામ આ સ્ત્રી વિના કેમ જીવી શકતા હશે? ઉત્તર પણ તરત સાંપડે છે. રામ સીતાના ખયાલમાં જીવે છે તેથી જ જીવન ધારણ કરી શક્યા છે. વાલ્મીકિના હનુમાન વિવેકમૂર્તિ છે. વાલી પાછળ રડતી તારાને આશ્વાસન આપતાં તેમણે કહ્યું છે: ‘તું પોતે પણ મર્ત્ય છે. મર્ત્ય માણસ મૃત્યુનો શોક કેવી રીતે કરી શકે?’ આ છે હનુમાનનું ગજું.
આ તો થઈ મુખ્ય પાત્રોની વાત પણ કવિએ ખલનાયકોમાં પણ અનંત શક્યતાઓ જોઈ છે. રાવણ, કુંભકર્ણ, મારીચ જેવાં કુખ્યાત પાત્રોને વાલ્મીકિએ પોતાના સૌમ્ય નાયકો કરતાં જરાય ઊતરતાં માન્યાં કે આલેખ્યાં નથી.
વાલ્મીકિનો જીવનપ્રેમ આખાય કાવ્યમાં છલોછલ ભરેલો દેખાય છે. એક કવિ હોવાને નાતે એમણે વાપરેલા અલંકારોમાં એકસાથે એમની પ્રસન્નતા, પ્રકૃતિપ્રેમ ને જીવનાભિમુખતાનાં દર્શન થાય છે. કેટલાંક ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરશે:
(૧) દશરથ રાજાએ કરેલ પુત્રેષ્ટિ યજ્ઞ વખતે પ્રગટેલા યજ્ઞપુરુષે પોતાની ભુજાઓમાં ખીરની થાળી એવી રીતે પકડી હતી જાણે કોઈ રસિકે પોતાની પ્રિયાને અંકમાં લીધી હો!
(૨) દશરથના મુખેથી રામના રાજ્યાભિષેકની વાત સાંભળીને ત્યાં ઉઅપસ્થિત રહેલા રાજાઓએ દશરથનું એવી રીતે અભિવાદન કર્યું જેવી રીતે મોર મહામેઘનું મધુર કેકારવ કરીને કરે.
(૩) જેવી રીતે સુંદર વેશભૂષાથી અલંકૃત પોતાનું જ પ્રતિબિંબ અરીસામાં જોઈને મનુષ્યને સંતોષ થાય છે તેવી રીતે પોતાના શોભાશાળી પુત્રને જોઈને દશરથ ભારે પ્રસન્ન થયા.
(૪) દીપક, આભૂષણો ને રાવણનાં ત્રિવિધ તેજથી રાવણની હવેલી જાણે જલી રહી છે.
(૫) લંકામાં જવા માટે પર્વત પરથી દરિયો ઓળંગવા સજ્જ થયેલા હનુમાને ઉપાડેલા ઓઇતાના પ્રથમ ચરણથી આખોય હલી ઊઠ્યો ને વૃક્ષો મૂળમાંથી હચમચી ગયાં. બીજા ચરણના ઉપડવાથી વૃક્ષો પર રહેલાં ફૂલો દરિયામાં ખરી પડતાં ફૂલ વિનાનાં થયેલાં વૃક્ષો એવાં લાગતાં હતાં જાણે મિત્રને મૂકીને ઉદાસ થયેલો મિત્ર ઘેર પાછો ફરતો હોય!
આવાં અનેક ઉદાહરણો એ સાબિત કરે છે કે વાલ્મીકિ સ્વયં સંન્યાસી હોવા છતાં સંસારની સહેજ પણ ઉપેક્ષા તેમના હાથે નથી થઈ, ત્યાં સુધી કે કૃતિનો પ્રારંભ જ કામતત્વના આદરથી થાય છે! પારધીએ ઋષિની હાજરીમાં કામથી પ્રેરાયેલા ક્રૌંચયુગલમાંના એકને માર્યું તેનો વાલ્મીકિને વાંધો છે. જીવનનાં સર્વતત્વોને સ્વીકાર ને પછી તેનું અતિક્રમણ એવા ક્રમને વાલ્મીકિએ સ્વીકાર્યો છે. આ જ વાત આ કાવ્યને ‘મહા’ ને ‘મહાન’ ઠેરવવા પૂરતો છે.
વાલ્મીકિએ શબ્દતત્વને પણ માર્મિક રીતે વાપર્યું છે. વાલ્મીકિ મિતભાષી કવિ છે. વાગ્વિલાસ તેમને રુચતો નથી. બે ઉદાહરણો આ વાતની સાક્ષી પૂરે છે. રામની પાછળ મદદે જવા માટે સીતા લક્ષ્મણને અત્યંત કઠોર વચનો કહે છે ત્યારે તેમને ઉત્તર આપતા લક્ષ્મણ માટે વાલ્મીકિ નોંધે છે: “સીતાનાં અસહ્ય વચનો સાંભળીને જિતેન્દ્રિય લક્ષ્મણે કહ્યું: “હે દેવી!…” અહીં વપરાયેલ ‘જિતેન્દ્રિય’ ને ‘દેવી’ શબ્દ કવિની હેસિયત ને સાથોસાથ પાત્રની હેસિયત વ્યક્ત કરવામાં કેવી તો મદદ કરે છે! તેવી જ રીતે સીતાના ચારિત્ર્ય પર પ્રજાએ કરેલી શંકાને કારણે રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે વાલ્મીકિના આશ્રમે પહોંચેલી સીતાને દૂરથી આવતી જોઈને વાલ્મીકિ – કાવ્યનું પાત્ર એવા વાલ્મીકિ સીતાને સંબોધીને કહે છે, ‘હે પતિવ્રતે!, તારું સ્વાગત છે.’ જ્યારે સીતા પોતા પરના ઘોર અને જૂઠા આક્ષેપથી વ્યાકુળ છે ત્યારે જ વાલ્મીકિએ ‘પતિવ્રતે’ સંબોધન વાપરીને તેને હળવીફૂલ બનાવી દીધી છે.
આવી આ મહાન કૃતિ માટે એક-બે પ્રશ્નો કેટલીક વાર ઘૂમરાય છે. એક છે રામે કરેલો સીતાત્યાગ ને બીજો છે તપ કરતા શૂદ્રની રામે કરેલી હત્યા. આ બે ઘટના રામના પાત્ર માટે વિવાદાસ્પદ ગણાઈ છે. કેટલાક વિદ્વાનો ઉત્તરકાંડને પ્રક્ષિપ્ત પણ માને છે. એક દલીલ એવી પણ થાય છે કે જે રામ વનવાસ દરમ્યાન શબરી પાસે જાય, તેનો સત્કાર સ્વીકારે એ જ રામ શૂદ્રને મારે જ કરી રીતે? રામના ચારિત્રની આ વિસંગતિ ગણાય. પણ ઉત્તરકાંડને પ્રક્ષિપ્ત ન માનીએ તો આ બંને વાતનો ઉત્તર આપતાં કહી શકાય કે વનવાસના રામ સામાન્ય માણસ છે ને તેથી સ્વતંત્ર છે. જ્યારે ઉત્તરકાંડના રામ રાજા છે. તેમની પ્રજા પ્રત્યે કેટલીક જવાબદારીઓ છે. આથી એ યુગનાં જીવનમૂલ્યો – ગમા કે અણગમાથી પણ – રામને સ્વાભાવિક રીતે સ્વીકારવાં પડ્યાં હશે.
રામ કઠોર જીવનધર્મમાં માને છે. સ્વધર્મ પાસે તેમણે સ્વજનોને ગૌણ ગણ્યાં છે. સોળ વર્ષીય રામને ગુરુ વિશ્વામિત્રે તાડકાવધ વખતે શિક્ષા આપતાં જણાવ્યું તેમ, રાજાએ પ્રજાપાલન કરવા માટે ક્યારેય ક્રૂર કર્મ આચરવાનું આવે તો આચરવું. રામ વીરપુરુષ છે. પોતાની વ્યક્તિગત વ્યથાઓ એમણે કદી જણાવી નથી. આત્મજ્ઞાનમાં રમણ કરતા રામનું જીવન એક નટની દોર જેવું તંગ રહ્યું છે. રામ સાવધાનીપૂર્વક આ દોરને રમાડતા રહ્યા છે. વાલ્મીકિની કૃતિના નાયક કાળજયી હોઈ, કૃતિ કરુણ બનતાં અટકી છે. આખાય રામાયણનું દર્શન્ એક પ્રશાન્ત ચિત્તમાંથી પ્રગટેલું આર્ષદર્શન છે. કૃતિનું બીજું નામ પણ ‘આર્ષ રામાયણ’ છે. એક પ્રશાન્ત ચિત્તે બીજા પ્રશાન્ત ચિત્તનો આખો આલેખ કાવ્યમાં ઝીલ્યો છે. આ કૃતિમાં કશાકનું સ્થાપન કરવામાં કવિને રસ નથી. વળી જીવન જેવું છે તેવું પણ અહીં બતાવાયું નથી, કેમકે રામાયણનાં અનેક પાત્રો પાત્રો નથી પણ ચરિત્રો છે. તેઓ વિકસતાં રહ્યાં છે એવું નથી, સમય આવ્યે તેનો વિકાસ પ્રગટ જ થતો રહ્યો છે. આ અર્થમાં રામાયણ, મહાભારત કરતાં થોડું વાયવી પણ લાગે. ને છતાંય આકર્ષે તેવી વાત એ છે કે આ આદર્શ માત્ર કલ્પના સિદ્ધ થતો નથી. જીવનમાં આવી ઉત્તમતા પણ સિદ્ધ થઈ શકે એવું કવિને લાગ્યું છે. આમ કરીને તેમણે જીવનની અનંત શક્યતાઓને નિર્દેશી છે. આ બધું એટલી સહજતાથી સિદ્ધ થયું છે કે વાલ્મીકિમાં રહેલો ઋષિ ક્યારેક કવિ સાથે ને એમનામાંનો કવિ ઋષિ સાથે જાણે હોડમાં ઊતરે છે. આ બધું ભેગું થઈને કવિને સત્યના ઉદગાતા તરીકે પ્રગટ કરવામાં ને એ બહાને ભાવકની ચેતના-શગને સંકોરવામાં પૂરેપૂરું સફળ બનીને આપણને એક ઉત્તમ ઋષિ-કવિની ચેતનાનો પરિચય કરાવે છે.
* * * * *
ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com
થોડા દિવસ પહેલા એક બુક વાંચેલી આવે લેખ મને એમાં થી લીધો હોય તેમ લાગે છે બેઠા શબ્દો, બેઠા વિચાર. તે ઓરિજિનલ બુક નું યે રેફ્રન્સ મૂક્યું હોત તો લેખકનું માન
રહેત ને તેમની મહેનત સાર્થક ગણાત.
આ દરેક લેખ દર્શનાબહેનનાં પોતાનાં જ પુસ્તક ‘અસંગ લીલા પ્રુરુષ: રામ’નાં પ્રકરણો છે.