બાળવાર્તાઓ : ૧૭ – બકરી અને વાઘનું બચ્ચું

પુષ્પા અંતાણી

બપોરનો સમય હતો. વાઘ અને વાઘણ એમના સાવ નાના બચ્ચાને જંગલમાં ફરાવવા માટે નીકળ્યાં. બચ્ચું ખૂબ ખુશ હતું, એ કૂદાકૂદ કરતું વાઘ-વાઘણથી આગળ આગળ ચાલતું હતું. થોડીવાર પછી વાઘ-વાઘણે જોયું તો એમનું બચ્ચું ક્યાંય દેખાયું નહીં. બંનેને ચિંતા થવા લાગી. તેઓ મોટેમોટેથી બચ્ચાને બોલાવવા લાગ્યાં અને એને શોધવા માટે આગળ દોડ્યાં.

એમને બચ્ચું તો ન દેખાયું, પણ દૂરથી એક જીપ આવતી દેખાઈ. વાઘ-વાઘણ સમજી ગયાં કે જીપમાં શિકારીઓ આવી રહ્યા છે. વાઘણે કહ્યું: “હવે શું કરશું?’” વાઘ કંઈ વિચારીને જવાબ આપે તે પહેલાં જીપ થોડી વધારે નજીક આવી ગઈ હતી. હવે એમની પાસે સમય રહ્યો નહોતો, શિકારીઓથી બચવા ભાગવું જ પડે તેમ હતું. વાઘે કહ્યું: “બચ્ચું રમતું રમતું ક્યાંક આડુંઅવળું ચાલ્યું ગયું લાગે છે, શિકારીની નજરે ચઢ્યું નથી. એ લોકોએ આપણને જોઈ લીધાં છે. આપણે જંગલ બાજુ ભાગીએ. શિકારીઓ આપણી પાછળ આવશે એટલે બચ્ચું બચી જશે. અત્યારે તો આપણો જીવ બચાવવાનો છે.” બંને ઊંધાં વળી જંગલ બાજુ ભાગ્યાં. પાછળ શિકારીની જીપ. વાઘણ રડવા લાગી, “આપણા બચ્ચાનું શું થશે?” વાઘે એને આશ્ર્વાસન આપતાં કહ્યું, “તું ચિંતા નહીં કર, આપણે એને ચોક્કસ શોધી લઈશું.”

આગળ વાઘ-વાઘણ, પાછળ જીપ, પૂરપાટ દોડ્યે જાય છે, દોડ્યે જાય છે. બપોરમાંથી સાંજ થવા આવી. વાઘ અને વાઘણ દોડી દોડીને થાકી ગયાં હતાં. આગળ જતાં એક બાજુ ડુંગર આવ્યો. વાઘે કહ્યું, “ચાલ, આપણે જલદીથી ડુંગર ઉપર ચઢીને પેલી તરફ ઊતરી જઈએ. એ લોકો જીપથી ત્યાં આવી શકશે નહીં, આપણે બચી જઈશું.” વાઘ-વાઘણ ઝડપથી ડુંગર ઉપર ચઢી, બીજી બાજુ ચાલ્યાં ગયાં. શિકારીઓ જોતા જ રહી ગયા, શિકાર હાથમાંથી ગયો તેથી નિરાશ થઈ આગળ ચાલ્યા ગયા.

આ બાજુ બચ્ચું રમતું રમતું જંગલમાંથી સીમમાં પહોંચી ગયું હતું. સીમની પેલી બાજુ એક ગામ આવેલું હતું. બચ્ચું બહુ થાક્યું હતું અને એને ભૂખ પણ લાગી હતી. એને એનાં મા-બાપ યાદ આવ્યાં. એણે આજુબાજુ જોયું, પણ બંનેમાંથી કોઈ દેખાયું નહીં. એ ફરી ચાલવા લાગ્યું. ગામ અને સીમની વચ્ચે નાની ગુફા જેવી જગ્યા હતી. એ જોઈને બચ્ચાને પોતાનું ઘર યાદ આવ્યું. એને થયું કે એનાં મા-બાપ ગુફામાં હશે. એથી એ અંદર ગયું, પણ ત્યાં કોઈ નહોતું. હવે એ ગભરાયું. ભૂખ, થાક અને ગભરાટથી રડવા લાગ્યું.

એ જ વખતે ગામમાંથી સીમમાં ચરવા આવતી બકરી ત્યાંથી પસાર થઈ. એણે ગુફામાંથી કોઈનો રડવાનો અવાજ સાંભળ્યો. એ ગુફામાં ગઈ. અંદર વાઘનું બચ્ચું એક બાજુ ઊભું ઊભું રડતું હતું. બચ્ચું દોડતું આવી બકરીને વળગી પડ્યું. બકરી પહેલાં તો ડરી ગઈ, પણ પછી ગભરાયેલા બચ્ચાને પ્રેમથી ચાટવા લાગી. બચ્ચાને સારું લાગ્યું. બકરીને એકદમ વિચાર આવ્યો, બચ્ચાનાં મા-બાપ ક્યાંક આવી ચઢશે તો મને જીવતી નહીં છોડે. એથી બકરી ગુફામાંથી ભાગવા ઊંધી વળીને દોડી. વાઘનું બચ્ચું પણ એની પાછળ દોડ્યું. એ જોઈ બકરીને લાગ્યું કે બચ્ચું એનાં મા-બાપથી છૂટું પડી ગયું લાગે છે. એને બચ્ચાને આમ સીમમાં એકલું છોડી જવાનું મન ન થયું. એ એને પોતાના ઘેર લઈ ગઈ.

બકરીને રોજ કરતાં આજે આવતાં મોડું થયું તેથી બકરીનાં બે બચ્ચાં એની વાટ જોતાં ઊભાં હતાં. માની સાથે આવેલા અજાણ્યા પ્રાણીને જોઈને બંને ડરી ગયાં. બકરીએ કહ્યું: “ડરો નહીં, આ બચ્ચું એની માથી છૂટું પડી ગયું છે, તમે એની સાથે રમો.” બકરીનાં બચ્ચાં વાઘનાં બચ્ચા સાથે રમવા લાગ્યાં. થોડી વારમાં તો એમની વચ્ચે દોસ્તી થઈ ગઈ.

બકરીએ એનાં બંને બચ્ચાંને ધવરાવ્યાં. વાઘનું બચ્ચું પણ ભૂખ્યું હતું. બકરીનાં બચ્ચાંએ કહ્યું: “મા, મા, એને પણ દૂધ પિવડાવને, જો તો કેટલું ભૂખ્યું છે.” બકરી મૂંઝાઈ. એણે એનાં બચ્ચાંને કહ્યું: “બેટા, આ તો તાકાતવાન પ્રાણી વાઘનું બચ્ચું છે, આપણે તો રાંક અને ગભરુ પ્રાણી છીએ, એને મારું દૂધ ન પિવડાવાય.” બકરીનાં બચ્ચાંએ તો જીદ કરી. માને કહ્યું: “પણ, મા, એ ભૂખ્યું મરી જશે તો?” વાઘનું બચ્ચું ભૂખને લીધે સાવ ઢીલુંઢફ થઈ ગયું હતું. બકરીને એની દયા આવી. એણે એને પણ ધવડાવ્યું.

બીજા દિવસે બકરી રોજના નિયમ મુજબ સીમમાં ચરવા ગઈ. ત્રણેય બચ્ચાં એકબીજાં સાથે હળીમળી ગયાં હતાં. તેઓ ઘરમાં જ રમવા લાગ્યાં. બકરી સાંજે ઘેર પાછી આવતાં પહેલાં પેલી ગુફા પાસે ગઈ. એણે જંગલમાંથી વાઘ અને વાઘણને આવતાં જોયાં. એ ડરી ગઈ. જીવ બચાવવા પાછી વળીને ભાગવા જતી હતી ત્યાં એને વાઘની ગર્જના સંભળાઈ: “બકરી, ઊભી રહે. તું ડર નહીં, અમે તને કંઈ નહીં કરીએ. અમારું બચ્ચું ખોવાઈ ગયું છે. અમે એને શોધતાં શોધતાં અહીં આવ્યાં છીએ. તેં એને ક્યાંય જોયું છે?”

બકરી સમજી ગઈ કે પેલું બચ્ચું એમનું જ છે. એ તરત ઊભી રહી ગઈ અને બોલી: “ચાલ્યા આવો મારી પાછળ-પાછળ.” વાઘ અને વાઘણને કંઈ સમજાયું નહીં, છતાં બંને બકરી પાછળ જવા લાગ્યાં. બકરી એમને પોતાને ઘેર લઈ ગઈ. ત્યાં પહોંચતાં જ વાઘ અને વાઘણે જે જોયું, એનાથી બંને ડઘાઈ ગયાં. એમનું બચ્ચું સલામત હતું અને બકરીનાં બચ્ચાં સાથે આનંદથી રમતું હતું.

વાઘના બચ્ચાએ પોતાનાં મા-બાપને જોયાં. એ દોડીને માના ગળે વળગી પડ્યું. વાઘણ બચ્ચાને ચાટવા લાગી. એની આંખમાંથી આંસુ વહેતાં હતાં. વાઘની આંખ પણ ભીની થઈ ગઈ. એણે બકરીને કહ્યું: “અમને તો એમ જ હતું કે અમારું બચ્ચું હવે અમને મળશે નહીં.” વાઘણ રડતાં રડતાં બોલી: “બકરી, તેં અમારા બચ્ચાને બચાવીને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.”

વાઘણને એકદમ યાદ આવ્યું કે એનું બચ્ચું બે દિવસથી ભૂખ્યું હશે. એણે બકરીને પૂછ્યું: “મારા બચ્ચાએ કંઈ ખાધું?” બકરી નીચું જોઈ ગઈ. એને ભય લાગ્યો કે એણે એમના બચ્ચાને દૂધ પાયું છે તે જાણીને વાઘ અને વાઘણ ગુસ્સે થઈ જશે.

વાઘણ કહે: “તું કંઈ બોલતી કેમ નથી?”

બકરી ધ્રૂજતી ધ્રૂજતી બોલી: “મને માફ કરો… મારાથી બહુ મોટી ભૂલ થઈ છે… મેં તમારા બચ્ચાનું પેટ ભરવા એને મારું દૂધ પાયું છે.”

વાઘણ બોલી: “શું વાત કરે છે તું?”

બકરી બોલી: “હું જાણું છું તમે બહુ પરાક્રમી અને બહાદુર પ્રાણી છો અને અમે રંક અને ભીરુ પ્રાણી… મારાથી એને મારું દૂધ પિવડાવાય નહીં, પણ હું શું કરું? એને મારું દૂધ પિવડાવત નહીં તો એ ભૂખે મરી જાત. એટલે મારે એવું કરવું પડ્યું. મને માફ કરો…”

વાઘે કહ્યું: “અરે, બકરી, તું આ શું બોલે છે? તેં તો બહુ સારું કામ કર્યું છે.” વાઘણ પણ બોલી: “તેં અમારા બચ્ચાને માનો પ્રેમ આપ્યો અને એને તારું દૂધ પાઈને બચાવ્યું છે. તું તો અમારાથી પણ વધારે પરાક્રમી અને બહાદુર કહેવાય.”

વાઘ અને વાઘણની વાત સાંભળીને બકરી ખુશ થઈ ગઈ. રાત પડી ગઈ હતી. વાઘ અને વાઘણે જંગલમાં પાછા જવાનું હતું. એમણે બકરીની વિદાય માગી. વાઘનું બચ્ચું બકરીને વળગી પડ્યું, બકરીનાં બચ્ચાં વાઘના બચ્ચાને ભેટી પડ્યાં. એમને જતાં જોઈ બકરી અને એનાં બચ્ચાંની આંખમાં આંસુ આવી ગયાં.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.