ગઝલાવલોકન ૨૯ – સાંજ પહેલાં આથમી ગયેલો સૂર્ય

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

આજના ગઝલાવલોકનમાં કોઈ અવલોકન નથી, પણ યુવાન વયે અવસાન પામેલા આપણા છ કવિઓને શ્ર્દ્ધાંજલિ છે. –

કલાપી, બાલાશંકર કંથારિયા, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, હિમાંશુ ભટ્ટ અને શીતલ જોશી.

મૃત્યુને અલપઝલપ અડી જતી એમની આ રચનાઓમાં જીવનનો મહિમા ડોકાય છે – ભલે ને, એ જીવન સાવ ટૂંકું ન હોય ?

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

                                   – કલાપી [ ૧૮૭૪ – ૧૯૦૦ ]

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો  પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !

                         – બાલાશંકર કંથારીયા [ ૧૮૫૮ – ૧૮૯૮ ]

મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા,
શગને સંકોરો રે
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા,
ડૂબ્યાં અલકાતાં રાજ,
ડૂબ્યાં મલકાતાં કાજ,
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારે આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં,
અડધા બોલે ઝાલ્યો,
અડધો ઝાંઝરેથી ઝાલ્યો;
મને વાગે સજીવી હળવાશ !

                             – રાવજી પટેલ [ ૧૯૩૯ – ૧૯૬૭ ]

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

                         – મણિલાલ દેસાઈ [ ૧૯૩૯ – ૧૯૬૬ ]

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી
બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી
ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું
શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના
વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?
મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

                         હિમાંશુ ભટ્ટ ( [ ૧૯૬૬ – ૨૦૧૩ ]

કોઈ ભાગાકાર અર્થોના કરે છે,
શબ્દ જેવું શેષમાં તો પણ વધે છે.

હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.

મૂળ શોધ્યાં ના જડે એનાં કદી પણ,
પીપળા જે ભીંત ફાડીને ઊગે છે.

કોઇએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.

હું ‘શીતલ જોશી અરે ! હા, એ જ છું હું,
સાંજ પહેલાં સૂર્ય જેનો આથમે છે.
                        
શીતલ જોશી [ ૧૯૫૯ – ૨૦૦૬ ]


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

2 comments for “ગઝલાવલોકન ૨૯ – સાંજ પહેલાં આથમી ગયેલો સૂર્ય

  1. Neetin Vyas
    May 15, 2020 at 10:27 pm

    A very good compilation of evergreen Gujarati Gazal.

  2. May 17, 2020 at 1:46 am

    નીતિન ભાઈ,
    આમાંના બધા કવિઓનો પરિચય પ્રકાશિત કરી શક્યો છું. પણ સ્વ. શીતલ જોશી વિશે કશી માહિતી મળી શકી નથી – સિવાય કે, તેઓ શિકાગોમાં સ્થાયી થયેલા હતા. જો તમે એમના વિશે માહિતી મેળવી આપો તો ખૂબ આભારી થઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *