‘આવરણ કે નકાબ’

વિમળા હીરપરા

દરેક સજીવ  ચામડીનું આવરણ લઇને જન્મે છે. પશુ પંખી તો હજુ પણ એ જ અવસ્થામાં જીવે છે. આપણા ગુફાવાસી પુર્વજો તો વસ્ત્રવિહિન જ વિચરતા. કાળક્રમે મગજનો વિકાસ થયો, વિચારશકિત આવી. ઠંડી,ગરમી,જેવા વાતાવરણ ને જીવજંતુના ડંખ સામે રક્ષણ મેળવવા એણે ઝાડની છાલ જેને વલ્કલ કહેવાય , પાંદડા ને વનસ્પતિના વેલા એવા કુદરતી જે કાંઇ મળ્યુ એનો ઉપયોગ કર્યો. જેમ વિચાર શકિત વિકસી એમ વનસ્પતિ ઉપરાંત એના રેસા , મૃત પશુના ચામડા વિટાળવા   ને પછી ઉતરોતર કાપડ બનાવીને પહેરતો થયો. જોકે આ સ્થાને પંહોચતા લાખો વરસોની લાંબી મુસાફરી ખેડી છે.

વસ્ત્રો  બાહ્ય પરિબળો સામે રક્ષણ કરવાની સાથે શરીરની ખોડખાપણ પણ છુપાવી શકે છે. એક કહેવત’રેશમી મોજા નીચે ખરજવુ’  પછી તો કપડા સુવાળા ને રંગબેરંગી થવા લાગ્યા. હવે એ માત્ર રક્ષણ પુરતા જ નહિ પણ સામાજિક પ્રતિષ્ઠા ને મોભાનુ. કે સતાના પ્રર્દશનનું  પ્રતિક બની ગયા. લોકોના વ્યવસાય,વાતાવરણ, સમાજના એનું સ્થાન ને પ્રસંગને અનુરુપ વસ્ત્રો પહેરવાનું ચલણ અસ્તિત્વમાં આવ્યુ.જેમ કે ડોકટર કે નર્સના યુનિફૉર્મ, પોલીસ ને સૈનિકોના  કે ટપાલીનો યુનિફોર્મ જે એમના નોકરીના ભાગરુપ.  શારીરિક મહેનત ને ખુલ્લા ખેતર કે મેદાનમાં કામ કરતા ખેડુત કે મજુરનો પોશાક જાડો,બરછટ હોય તો ટાઢે છાયે કામ કરતા દુકાનદારો, ઓફિસમા કામ કરતા કારકુનો, નોકરીયાતોના કપડા ઢીલા ને નરમ હોય. એ પ્રમાણે લોકોની ઓળખ મળી જાય. બ્રાહ્મણનું અબોટીયુ કે પીતાંબર, કણબીની ચોયણિ ને કેડીયુ, વેપારીનો ઝભો ને ધોતીયુ, દરબારનો સાફો ને શુદ્રનું ટુંકુ પોતડી કે પંચિયુ.  લોકો જયારે નાના એકમોમાં ને  અલિપ્ત જીવન જીવતા ત્યારે વસ્ત્ર ને વાણી જ એની ઓળખ હતી.

આ શારીરિક આવરણની વાત થઇ. માણસ ચહેરા ઉપર પણ નકાબ કે આવરણ પહેરી શકે છે ને પોતાના અસલી વૃતિને ઢાંકી શકે છે. બાળક જ સત્ય બોલી શકે છે. એટલે તો ઇશુએ કહ્યુ છે કે બગવાનના દરબારમાં બાળક સિવાય કોઇને પ્રવેશ કરવાનો અધિકાર નથી. બાળક જેવુ જુએ છે એજ બોલે છે. એને કોઇને નારાજ કે રાજી કરવાના નથી. કોઇની ખુશામત કરવાની કે મેણાટોણા મારીને કોઇનું દિલ દુભાવવાની મલિન વૃતિ નથી. આવા નિર્દોષ બાળકને પરિવાર તરફથી સામાજિક કેળવણીના ભાગરુપે કયારે શું બોલવુ કે ચુપ રહેવું, કોની સાથે કેમ બોલાય એ વ્યવહાર શીખવાય છે. કવચિત ચાડીચુગલી ને અપશબ્દો કે અભદ્ર ભાષા પણ શીખવાય છે. જેલોકો હંમેશા સત્યવક્તા હોય ને જેને ‘હીરે વીંટીને વાત કરવાની આદત ના હોય એવા લોકો વ્યવહારની દુનિયામાં અળખામણા થઇ જાય છે. એ આખાબોલા ને કવચિત કડવાભાઇ  તરીકે ઓળખાય. સત્ય જીરવવુ બહુ અઘરુ હોય છે. સામે જે લોકો સત્યને સિફતથી રજુ કરી  સામા માણસને લાગણી ના દુભાય એ પોતાનું કામ કુશળતાથી કઢાવી લે એ મુત્સદી માણસો કહેવાય છે. કેટલાક માણસો બહુ સિફતથી પોતાના મનોભાવ છુપાવી શકે છે. કહે નહિ પણ કતલ કરી નાખે. શયતાનને શિંગડા નથી હોતા. એનો ચહેરો સામાન્ય જ હોય છે પણ બહુ કુશળતાથી  સજ્જનતાનું આવરણ પહેરી શકે છે. ભલાભોળા ને માસુમ ચહેરા ને એવી મીઠી વાણી પણ  આવરણ બની શકે છે. જે તલવારથી નથી હારતો એ વાણી કે ખુશામતથી વશ થઇ જાય છે. જેને મીઠુ ઝેર કહેવાય.

માણસ સામાજિક પ્રાણી છૈ  એટલે  હમેંશા       સામાજિક સ્વીકૃતિ    ઝંખે છે. સમાજમાન્ય નિયમો ને રિવાજો ગમે કે ના ગમે પણ અનુસરે છે. કયારેક પ્રતિષ્ઠા માટે ખૂવાર થઇ જાય છે. વિવાહ ને વરસી જેવા સામાજીક પ્રસંગે આબરુ જાળવવા ગજા બહારનો ખર્ચ કરે છે. સમાજમાં ખાનદાનીનું આવરણ ટકાવી રાખવા જ. અંદર તો પોલ ચાલતી હોય.

આવા જ આવરણ આપણા કહેવાતા સાધુસંતો ને બાબા ભકિતના ઓઠા નીચે પહેરે છે ને ભોળા ભક્તોને છેતરે છે.

પોતે ખરેખર છે એના કરતા બિલકુલ અલગ છે એવો અભિનય અભિનેતા કરી શકે છે. એટલે તો નેતા કરતા અભિનેતા વધારે લોકપ્રિય હોય છે. આપણા દેશમાં તો ખાસ.એનો નકાબ એને દેવ કે દાનવ બનાવી શકે છે.હસતા ને આંનદી ચહેરા ભિતર આંસુથી છલકાતા હોય, કઠોર, બરછટ ને બિહામણા લાગતા ને એવી જ ભાષા ઉચ્ચારતા લોકો ભીતરથી માયાળુ કે સાચા હોય છે. એટલે બહારના આવરણ છેતરામણા પણ હોઇ શકે.

હા, કેટલાક લોકો ચહેરાના અભ્યાસુ હોય છે જે માણસની આરપાર નીકળી જાય છે. એના શબ્દો કે ચહેરાની માસુમિયતની આરપાર ઉતરીને અસલી માણસને ઓળખી લે છે.

અંતે માણસ પૃથ્વી પરથી વિદાય લે ત્યારે પણ આવરણ એટલે કે કફન ઓઢીને કબરમાં સુવે કે ચિતામાં રાખ થઇ જાય છે.


વિમળા હીરપરા( યુ.એસ.એ ) || vshirpara@gmail.com


સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્રો નેટ પરથી સાભાર લીધેલ છે

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “‘આવરણ કે નકાબ’

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.