





સુરેશ જાની
૨૦૦૨
દેશી ચીકણા લાકડાવાળા ઝાડની મજબૂત ડાળીઓને દોરડા વડે બાંધી્ને એક ઊંચો માંચડો બનાવેલો હતો. પ્લાસ્ટિકની જાડી પાઈપોને કાપી-સીધી કરીને બનાવેલી ચાર વાંકા પાંખિયાંવાળી એક પવનચક્કી એની ઉપર આડી મૂકેલી હતી. એની ધરી સાથે સાઈકલનું પાછલું પૈડું જોડેલું હતું. એ પૈડાંની રબરના ટાયર પર સાઈકલની લાઈટ માટેનો ડાયનેમો ફરી શકે તે રીતે રાખેલો હતો. ડાયનેમોના વાયર જમીન પર મૂકેલી, કબાડી બજારમાંથી લાવેલી, ૧૨ વોલ્ટની બેટરી સાથે જોડેલા હતા.
બધી તૈયારી પૂરી થઈ એટલે દોરડાંની ગાંઠ છોડી, વિલિયમે પવનચક્કીને ફરવા માટે મુક્ત કરી દીધી. અને બાપુ, પંદર વર્ષના વિલિયમની પવનચક્કી તો ફરવા માંડી હોં! ડાયનેમોના પાવરથી બેટરી ચાર્જ થવા માંડી. એકાદ કલાક પછી, વિલિયમે બેટરી સાથે સાઈકલનો હેડ લેમ્પ લગાડી જોયો. એમાંથી ધોળે દહાડે પણ પ્રકાશનાં કિરણો નીકળવાં લાગ્યાં.
હરખઘેલા બની ગયેલા વિલિયમે ભંગારમાંથી મળેલા પાણીના પમ્પની મોટરની સ્વિચ ‘ઓન’ કરી બેટરી સાથે જોડી. પમ્પ ફરવા લાગ્યો. એક જ મિનિટ અને પમ્પની પાઈપમાંથી પાણીનો ધધૂડો નીચે તૈયાર રાખેલી નીકમાં વહેવા લાગ્યો. ભૂખી ભંઠ ધરાને ખેડીને તૈયાર રાખેલા ક્યારાઓ પાણીથી ભરાવા લાગ્યા. વિલિયમની મા, બાપુજી અને પાડોશી ખેડૂતોના કુટુમ્બીઓએ વિલિયમને આનંદથી વધાવી લીધો.
દસેક દિવસ પછી એ ક્યારાઓમાં કાળજીથી વાવેલાં શાકભાજી અને ધાન્યના બીજમાંથી અંકૂર ફૂટી નીકળ્યા. કારમા દુકાળમાં સૂકાયેલી, વેરાન રણ જેવી બની ગયેલી ધરતીના એક ખૂણે હરિયાળી લહેરાવા લાગી.
૧૯૮૭માં મલાવીના કસુંગુ શહેરથી ૩૫ કિ.મિ. દૂર આવેલા સાવ નાના ગામ વિમ્બેમાં એક ગરીબ ખેડૂતના ઘેર જન્મેલા વિલિયમ કાંકામ્બ્વાની આ વાત છે. કિશોરાવસ્થામાં આવ્યા બાદ જાતજાતના હુન્નરમાં તેને રસ પડવા લાગ્યો હતો અને તે આડોશ પાડોશીઓના રેડિયો પણ રિપેર કરી આપતો હતો. માબાપ ગામની શાળામાં તેની ફી શક્યા ન હતા, એટલે બીજા ઘણા વિદ્યાર્થીઓની જેમ એને નિશાળમાંથી રૂખસદ આપવામાં આવી હતી.
પણ તીનપાટિયા નિશાળની સાવ નાની લાયબ્રેરીની જમાના જૂની ચોપડીમાંથી પવનચક્કી વડે વિજળી પેદા કરી શકાય એવું અને વિજળીના વિવિધ ઉપયોગો વિશે જ્ઞાન તેને મળ્યું હતું. એ આછી પાતળી જાણકારી અને પોતાનામાં ધરબાઈને પડેલી કોઠાસૂઝના પ્રતાપે વિલિયમે ઉપર દર્શાવેલો ચમત્કાર સર્જ્યો હતો.
વિલિયમમાં રહેલી જન્મજાત સર્જનશક્તિથી ભૂખમરા અને વિનાશના આરે આવીને ઊભેલા એના કુટુમ્બના જ નહીં, પણ ગામમાંથી શહેર ભણી હિજરત ન કરી ગયેલા પાડોશીઓના ખેતરો પણ હરિયાળાં બની ગયા હતાં. ‘હવે મોતના મુખમાંથી બચી શકાશે, તેવી આશાની હરિયાળી એ મહેનતકશ, અદના આદમીઓના દિલો દિમાગમાં પણ લહેરાવા લાગી હતી.
આમ તો આ સાવ નાની ઘટના જ હતી. પણ વિલિયમના દિમાગમાં થયેલો એ ચમકારો નાનો સૂનો ન હતો. એની આ સફળતાની વાત ચારેકોર ફેલાઈ ગઈ. મલાવીની સરકાર તરફથી એને ઘણી મોટી આર્થિક સહાય અને માર્ગદર્શન પણ મળવાં લાગ્યાં. થોડાક વખત પછી તેણે સૂર્ય શક્તિથી ચાલતો મોટો પમ્પ પણ ચાલુ કર્યો અને આખા ગામની ધરતી નવ પલ્લવિત થવા લાગી. હવે ઘેર ઘેર પાઈપ વડે પાણી મળતું થઈ ગયું. કહેવાની જરૂર નથી કે, ૧૨ મીટર ઊંચા ટાવર પર મૂકેલી પવનચક્કીએ વિલિયમની એ પહેલી, તિનપાટિયા ચક્કીનું સ્થાન લઈ લીધું છે!
હવે વિલિયમના વિકાસની આડેના બધા અંતરાયો દૂર થઈ ગયા. ૨૦૦૬ની સાલમાં મલાવીના મૂખ્ય આર્થિક નગર બ્લેન્ટાયરના દૈનિકમાં એની કહાણી છપાઈ અને વિલિયમ સોશિયલ મિડિયામાં ઝગમગવા લાગ્યો. ૨૦૦૭માં ટાન્ઝાનિયાના અરૂષામાં યોજાયેલી TED conference માં પણ વિલિયમે ભાષણ આપ્યું. ૨૦૦૯ માં ઘાનામાં યોજાયેલા Maker Faire Africa માં વિલિયમને તેના પ્રયોગોની રજૂઆત કરવાનું આમંત્રણ મળ્યું. આ બધાના પ્રતાપે મલાવીના પાટનગર લિલોન્ગ્વેમાં વિલિયમનું ભણતર શરૂ થઈ ગયું. હવે તેની જ્ઞાન પીપાસાને એક્સપ્રેસ હાઈવે મળી ગયો.
૨૦૧૪ માં વિલિયમ કાંકામ્બ્વા અમેરિકાના ન્યુ હેમ્પશાયરના હેનોવર શહેરમાં આવેલી ડાર્ટમાઉથ કોલેજમાંથી સ્નાતક બની ગયો. તેણે પોતાની આત્મકથા પણ લખી છે – ‘ The boy , who harnessed the wind’
૨૦૧૯માં આ આત્મકથાના આધાર પરથી એક સરસ વિડિયો ફિલ્મ પણ બનાવવામાં આવીછે. આ રહી.
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/William_Kamkwamba
https://en.wikipedia.org/wiki/The_Boy_Who_Harnessed_the_Wind
https://www.ted.com/talks/william_kamkwamba_how_i_built_a_windmill?language=en
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com