






દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ
પ્રિય નીના,
વ્યસ્તતાને કારણે પત્ર ભલે મોડો મળ્યો પણ મન મૂકીને મળ્યો અને પૂરેપૂરો સંવાદ સાધીને મળ્યો તે મહત્વનું છે. મારા એકેએક મુદ્દાઓને તેં પૂરો ન્યાય આપ્યો તેનો આનંદ. આજે વળી થોડી નવી વાતો લખું છું.
ગયા અઠવાડિયે અમે યુએસએ.ની ત્રણ જુદી જુદી જગ્યાની મુલાકાત લીધી. ફિલાડેલ્ફીયા, બાલ્ટીમોર અને પેન્સીલ્વાનિયાની પેનસ્ટેટ કોલેજ.. કહેવાય છે કે, અમેરિકામાં પાનખર ઋતુમાં ઉત્તર-પૂર્વ દિશામાં કુદરતમાં પથરાયેલા રંગોના મેઘધનુષી ગાલીચાને જેણે ન જોયો હોય તે માનવી ઓછો ભાગ્યશાળી ગણાય. આમ તો સપ્ટે.નું છેલ્લું અઠવાડિયું હોવાથી હજી પાનખરની માંડ શરુઆત થઈ મનાય.. તેથી હજી સોળે કળાએ એ રૂપ નીખરવાને થોડી વાર. ખૂબ વહેલી સવારે અમે બંને કારમાં નીકળ્યાં હતાં. પણ ત્યારે જે અનુભવાયું તેની આ વાત.
ભૂરા,વિશાળ આકાશમાં વાદળાઓના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઉભો હતો. પર્વતો પરના લીલા ઝાડ-પાન પર રંગના અત્યારે તો માત્ર છાંટણા જ કરી રહ્યો હતો. એટલે ઠેકઠેકાણે એની ખંખેરાયેલી, છંટકાયેલી પીંછીમાંથી બે ચાર રંગોના છૂટક છૂટક ઝુમખાં દેખાતા હતાં. પણ જોતજોતામાં તો એના સમયપત્રક પ્રમાણે જાણે આ કુદરતના કેનવાસ પર એના તમામ રંગોથી ભરેલો, નયનરમ્ય મખમલી રંગીન ગાલીચો સજાવી દેશે. ઘણીવાર જોયા છતાં જ્યારે જ્યારે એ જોવાનું થાય છે ત્યારે ત્યારે પાનખરની ભવ્યતા મને કદીક વાસંતી રૂપ કરતા યે ચડિયાતી લાગે છે. ખરેખર નીના, અપસ્ટેટ ન્યૂયોર્ક તરફ આ દ્રષ્યો અનુપમ શોભે છે. પ્રકૃતિના સૌદર્યને માણવાનો પણ એક અજબનો નશો હોય છે. નહિ? સવાલ કરું છું ને એની સાથે ગુલઝારના બે શેર યાદ આવે છે.
हर बात का कोई जवाब नही होता
हर इश्क का नाम खराब नही होता…
यु तो झूम लेते है नशेमें पीनेवाले
मगर हर नशे का नाम शराब नही होता…
किसी किसी नशेका नाम कुदरतका ऐसा करिश्मा भी होता है !!!
હા, તો વાત હું પાનખરની કરતી હતી. નીના, વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવના હીરા-જડિત ગાદીએ હિંચતી ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું. પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે, નહિ?
કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમુ સ્પર્શે,પડદા પાંપણના ખોલે.. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહૂકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે.
પછી તો આ બધું જોતા જોતા અમે બંને જીવનની પાનખર, સંધ્યાકાળ વિશે ચર્ચામાં ઉતરી પડ્યાં. સર્પાકારે પથરાયેલા વળાંકવાળા પેન-સ્ટેટના રસ્તાઓ પર કાર ચાલી રહી હતી. મુદ્દો એ હતો કે શુભ પ્રસંગે વડિલો તરફથી “સો વરસના થજો…શતં જીવ શરદઃ એવા આશીર્વચનો મળતા રહેતા હોય છે તો ખરેખર દીર્ઘ જીવન વરદાન છે કે પછી અભિશાપ? કલાકો સુધી ઘણા વિચારોની, અનુભવોની, દાખલા-દલીલોની આપલે થઈ. અંતે એક વાત ફલિત થઈ કે, હાથ-પગ સાજાંસમા રહે ત્યાં સુધીનું જીવન વરદાન બાકી અભિશાપ. મને ખાત્રી છે આ વિષય પર સરસ પ્રતિભાવથી ભર્યો તારો પત્ર મળશે.
બીજી એક વાત આજે નૃત્યકલાની કરવી છે. હું માનુ છું કે, નૃત્ય એટલે કલામય અંગભંગી અને તે દ્વારા ભાવોની અસરકારક રજૂઆત. કલાના વિવિધ પ્રકારોમાં નર્તન પણ એક છે જે મને નાનપણથી ખૂબ જ ગમે. અભ્યાસની સાથે સાથે નૃત્યોમાં પણ મન દોડી જતું. સદનસીબે હાઈસ્કૂલના સમય દરમ્યાનમાં મણીપૂરી, બાલી, આસામી વગેરે નૃત્યો અંગે થોડું થોડું શીખવા મળ્યું હતું. યાદ છે આપણે એક વખત જુદી જુદી જગાએ રાજસ્થાની નૃત્ય સાથે કર્યું હતુ!! હાં, તો હમણાં એક સુંદર “વૃક્ષાંજલિ” ડાન્સ જોયો.. અદભૂત..સુપર્બ..વૃક્ષના આકારમા દર્શાવાતી મુદ્રાઓ, પવનથી હાલતી ડાળી, ડાળી પરથી પડતા પાંદડા, ખીલુ ખીલુ થતી કળીઓ, વિકસીને પૂર્ણરૂપે થતાં પુષ્પો વગેરે એટલી સુંદર રીતે જાણીતા નૃત્યકાર શ્રીમતિ રમા વૈદ્યનાથે રજૂ કરી બતાવ્યા છે કે બસ..મઝા આવી ગઈ. સાંભળવા મુજબ તેમને પદ્મશ્રીનો ઈલ્કાબ પણ મળ્યો છે. નૃત્ય કલામાં વધુ પ્રગતિ કરી રહેલ અને હાલ બાલ્ટીમોરમાં રહેતા શુચિબેન બૂચ પાસેથી આ લાભ મળ્યો જેને તારી સાથે શેર કર્યા વિના રહી ન શકાયું. કુદરતની સાથે સંકળાયેલી આ કલા પણ સૂરની સાથે ભળી શબ્દને અને એના ભાવને ઑર નવીનતમ રૂપ બક્ષે છે.
ચાલ, છેલ્લે કલા વિષયક એક બે પંક્તિઃ
साहित्य संगीत कलाविहीनः साक्षात पशुपुच्छविषाणहीनः।
तृणं न खादन्नपि जीवमानः तदभाग्धेयं परमं पशुनाम्॥
અર્થ તો તને ખબર હશે જ. છતાં લખી જ દઉં!
સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ,પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ જ છે. તે ઘાસ ખાધા વિના પણ જીવી શકે છે, તે પશુઓનું મોટું ભાગ્ય છે.
નિરસ માણસો માટે સરસ વ્યંગ છે આમાં…
ચાલ, અટકું?
દેવીની સ્નેહ યાદ
ક્રમશ:
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. :ninapatel47@hotmail.com