






પૂર્વી મોદી મલકાણ
બાલા હિસ્સાર ફોર્ટ -બ્રિટિશ લાઈબ્રેરી ફોટો
બાલા હિસ્સાર ફોર્ટ જ્યારે બનેલો ત્યારે વસ્તી આ કિલ્લાથી દૂર હતી. જ્યારે જ્યારે રાજાઓને વસ્તી જોવાનું મન થતું ત્યારે તેઓ કિલ્લાના આ ભાગ પર ચડી વસ્તીને જોઈ લેતાં. પણ હવે પરિસ્થિતી અલગ છે હવે આ ફોર્ટની આસપાસ લોકો આવી વસી ગયાં છે તેથી ચારે બાજુથી લોકો હવે આ ફોર્ટના અનેક હિસ્સાઓને જોઈ શકે છે જેને કારણે ગઇકાલનાં કિલ્લાનું એકાંત આજના પેશાવરમાં ક્યાંય જોવા મળતું નથી. પણ ત્યાં લખેલાં ઇતિહાસ મુજબ ૧૯૩૩ પહેલા તો દૂર દૂર રહેલ અફઘાન બોર્ડર પણ જોઈ શકાતી હતી પણ ધીરે ધીરે એ એકાંત સમયની દોડાદોડીમાં ખોવાઈ ગયું.
ઇસ્માલીયા કોલેજ ( પેશાવર ) ના પ્રો. સાબિર હુસ્સેન નિદાનીએ નોંધ્યું છે કે આ કિલ્લા પાસેથી ‘બારા’ નદી વહેતી હતી અને આ નદીના પાણીનો ઉપયોગ ૮૦ એકરની ઝમીમાં સમાયેલ શાલીમાર ગાર્ડનમાં થતો હતો. આ નદીને કારણે આ ગાર્ડન એટલો સુંદર લાગતો હતો કે આ સૂકી સરેઝમી ની શોભા કોઈક અલગ જ ઝમીનો અહેસાસ કરાવતી હતી. પ્રો. નિદાનીના મુજબ આ ગાર્ડનની રચના મોગલ બાદશાહ હુમાયું દ્વારા થયેલી. આજે આ શાલીમાર શબ્દનું અપભ્રંશ થઈ શાહી-માર શબ્દ અસ્તિત્ત્વમાં આવ્યો છે. પણ નામને બાદ કરીએ તો આજનું ચિત્ર અલગ જ છે.
આજે ફોર્ટ અને ગાર્ડનની જમીનનો તમામ હિસ્સો ૧૫ એકર જમીનમાં સમાઈ ગયો છે અને આ કિલ્લાની આજુબાજુ તો શું દૂર દૂર સુધી બારા નદીનું કોઈ જ અસ્તિત્ત્વ નથી. બારા નદી ક્યાં ચાલી ગઈ તે તો પેશાવરવાસીઓ જ જાણે. બીજી બાજુ આપણાં મેટ્રો સિટીની જેમ આજના વધતાં પેશાવરે પણ આ ગાર્ડનના અમુક ભાગને પચાવી પાડ્યો છે.
ફોર્ટના આ ઉપરના હિસ્સામાંથી આજુબાજુ નજર કરતાં મારી નજર ફોર્ટના બીજી તરફ થઈ રહેલ સમારકામ પર પડી તેથી આ બાબત વિષે પૂછતાં જાણવા મળ્યું કે ૨૭ ઓકટોબર ૨૦૧૫ ના થયેલા ધરતીકંપમાં આ કિલ્લાના એક ભાગને નુકશાન થયેલું તેથી હાલમાં અહીં સમારકામ ચાલતું હોય ફોર્ટના આ બીજા ભાગ તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.
આ ફોર્ટ પર રહેલ એક લેખિત બોર્ડ પરથી અમને એ ય જાણવા મળ્યું કે જેમ પેશાવરમાં આ બા.હિ. ફો છે તેમ આ જ નામનો એક અન્ય ફોર્ટ અફઘાનિસ્તાનના કાબુલમાં પણ રહેલો છે. આ કિલ્લો આજે કેવો દેખાય છે તે વિષે અહીં કોઈ માહિતી તેઓએ જણાવેલી નહીં પણ બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં આ કિલ્લો કેવો હતો તેનાં ફોટાઓ જરૂર જોવા મળ્યાં. અમે જોયેલા આ ફોર્ટનો નાનકડા પણ મહત્તમ હિસ્સાએ અમને પોતાના ઇતિહાસનો ઘણોબધો ભાગ બતાવી દીધો હતો પછી ત્યાં ઊભા રહી ફોર્ટના અતીતમાં ઝાંકવાનો કોઈ અર્થ ન હતો તેથી એ શૂરવીર યોધ્ધા જેવા હિસ્સાર ફોર્ટની વિદાય લઈ અમે ઉસ્માનભાઈના ઘર તરફ નીકળી પડ્યાં.
© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Nice one