





ભારતમાં કોઈ વ્યક્તિને પૂછો કે આ સરકાર બરોબર છે ? પ્રજાના કામો કરે છે ? હામાં ઉત્તર આપનારા ઓછા લોકો હશે. મોટાભાગના લોકો એવું માને છે કે સરકારના પ્રતિનિધિઓ કશું જ કરતા નથી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. લોકોને નિંદા માટે કોઈ હાથવગું હોય તો એ રાજકીય વ્યક્તિઓ અને અમલદારો. બે ઘડી વિચારીએ, આઝાદી બાદ ભારતમાં વાહન વ્યવહાર, સંચાર વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી જેવી અનેક સુવિધાઓ પ્રજાએ પોતાની રીતે ઉભી કરી લીધી કે સરકારોએ કરી છે ? હ એ ખરું કે એ બધું પ્રજાના પૈસાથી થયું છે. પણ સરકારો સામે પ્રશ્ન કરનારા એવું નથી વિચારતા કે એક નાગરિક તરીકે અમારી ફરજમાં આવતાં કાર્યો નિયમિત અને નિષ્ઠાપૂર્વક કરીએ છીએ ખરા ?
માવજી મહેશ્વરી
ઘણાં સમય પછી મને એક એવું કામ મળ્યું જેના માટે મારે અમુક વિસ્તારોની મુલાકાત લેવાની હતી. એક એક ઘરોની માહિતી ભરવાની હતી કેટલીક વિગતો અદ્યતન કરવાની હતી. જોકે મને અંદાજ હતો કે મારા પ્રશ્નોના જવાબમાં મને કેવી કેવી પ્રતિક્રિયાઓ મળશે. કારણ કે એ કામ ચૂંટણી સંબંધી હતું. આપણે ત્યાં ચૂંટણીનું નામ પડે ત્યારે લોકો મોઢુ બગાડે છે. ચૂંટણી સમયે લોકોને નેતાઓને ભાંડવાનો મોકો મળી જતો હોય છે. અહીં મારે કોઈ રાજકીય વ્યક્તિ કે કોઈ રાજકીય પક્ષની તરફદારી કરવાનો આશય નથી. હું પણ માનું છું કે તમામ રાજકારણીઓ દૂધે ધોયેલા નથી. નેતાઓની મેલી મુરાદો અનેકવાર છતી થઇ ચૂકી છે. ભારતમાં સ્વચ્છ અને પારદર્શક રાજનિતીની ક્ષિતિજો હજુ ધૂંધળી છે.
અહીં કોઈ રાજકારણી કે કોઈ રાજકીય પક્ષની વાત નથી. વાત છે સરકારોની. જેના વિશે લોકો કહે છે કે સરકાર કશું જ ન કરતી નથી. આપણે આપણી જરુરીયાતો અને અન્યાયો વિશે ક્યારેય મુદ્દાસર વાત કરતા જ નથી. આડેધડ નિવેદનો કરીએ છીએ કે પછી ટોળું બનાવી અવ્યવસ્થા ઊભી કરીએ છીએ. આ દેશની આઝાદીના સૂત્રધાર મહાત્મા ગાંધીએ કદી ટોળાનો આગ્રહ રાખ્યો ન હતો. ટોળું બનાવીને તેમણે કદી પોતાને આગેવાન બનાવવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમણે મૌન અને મક્કમ મનોબળથી આઝાદીની માંગણી કરી હતી. આજે ઉપવાસ પર ઉતરનાર ગાંધી ચિંધ્યા માર્ગે ચાલ્યાનો ભલે ગૌરવ લેતા હોય, પરંતુ ગાંધીજીએ પોતાના અંગત હિત ખાતર ઉપવાસ કર્યા નહોતા. ખેર ! વાત જુદા પાટે ચડી જાય તે પહેલા મને કેવી પ્રતિક્રિયા તે જણાવી દઉં. એક જણે કહ્યું, સરકાર કોઈ કામ તો કરતી નથી તો પછી વારંવાર મત માગવા શા માટે ચાલ્યા આવે છે ? બીજો બોલ્યો, રાજકારણીઓને પોતાના ઘર ભરવા છે. પબ્લિક માટે અત્યાર સુધીમાં કર્યું છે શું ? ત્રીજો અવાજ, સાહેબ તમને ચિંતા શું છે. સરકાર પગાર દે છે. ઉપરથી મલાઈ મળે તે અલગ. સરકારી ઓફિસોમાં પૈસા વગર એકેય કામ થતું નથી. અન્ય એક પ્રક્રિયા, અમે નવરા નથી તે તમે કહો ત્યારે બધા કાગળિયા બતાવીએ. તમે સહી લ્યો છો તો અમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની શું ખાતરી ?
ઉપરના એકેય વાક્યમાં કોઈ જવાબદારી દેખાય છે ? હા બળાપો છે. એ સાચોય હશે. પણ પોતાના મતથી બનેલી સરકારને, મંત્રીઓને અયોગ્ય ઠરાવવા કેટલું યોગ્ય છે. જરા લોકોના આક્ષેપો વિશે વિચારીએ. લોકો કહે છે સરકારો કશું જ કરતી નથી. પોલીસવાળા હપ્તા ખાય છે. સરકારી નોકરો લાંચ લે છે. દેશ બરબાદ થઈ ગયો છે. આવા આક્ષેપો વચ્ચે થોડાં વર્ષો પાછળ જઈએ. અત્યારે ૧૯૪૭ની સાલમાં યુવાન હોય એવા જૂજ લોકો બચ્યા હશે. કોઈ એવી વ્યક્તિ મળી આવે તો જરા પૂછવા જેવું ખરું કે ૧૯૪૭ના ભારત અને આજના ભારત વચ્ચે કોઈ ફરક દેખાય છે ખરો ? કંઈ બદલાયું છે કે નહીં ? એ તટસ્થ હશે તો તેનો જવાબ આવો હશે. હા, ઘણું બધું બદલાયું છે. તે વખતે પ્રજા દુખી હતી હવે સુખી છે. દેશને આઝાદી મળી ત્યારે ભારત કેવું હતું એ કહેનારા લોકો ચાલ્યા ગયા. તેઓ પોતાના જીવનમાં અનેક મુસીબતો વચ્ચે જીવ્યા, પોતાના દેશને બદલાતો જોયો, આગળ વધતો જોયો. દેશની સામા છેડાની બે સ્થિતિના સાક્ષી હવે રહ્યા નથી. એકવીસમી સદીમાં જન્મેલા યુવાનોને કદી નહિ સમજાય કે ઘરમાં છા સાત જણ હોય અને ચાર જણ જેટલું અનાજ હોય ત્યારે શું કરવું ? ગામમાં તાવ જેવા દર્દની પણ ગોળી ન હોય ત્યારે શું કરવું ? ગંભીર બીમારી કે અકસ્માત વખતે પોતાનું સ્વજન પીડાતું હોય ત્યારે શું કરવું ? બળદગાંડા સિવાય મુસાફરીનો કોઈ વિકલ્પ ન હોય એ પરિસ્થિતિ કેવી હોય, નાહવા માટે બાથરૂમ તો ઠીક સાબુ કે ટુવાલ પણ ન હોય એ પરિસ્થિતિ કેવી હોય, મરણ પ્રસંગે આઠ દિવસે ખબર પહોંચે, ક્યાં શું થઇ રહ્યું છે એની એનાથી અજાણ રહેવું, એટલે શું ? દુષ્કાળ વખતે શું ખાવું એનો સામનો કરવો એટલે શું ? કાચા મકાનો, અપૂરતો અને સત્વહીન ખોરાક, રાતનો અંધકાર, જીવાતોનો ઉપદ્રવ, તળાવનું પાણી, અપૂરતા વસ્ત્રો, કાંકરા કીચડ કાંટાવાળા રસ્તાઓ પર ઉઘાડા પગે ચાલવું, સામાન્ય લખવા-વાંચવાની વ્યવસ્થાનો અભાવ, નાત-જાતની રૂઢીઓ વચ્ચે અટવાતો માણસ. આ બધું જ હજુ સીતેર વર્ષ પહેલા આજ દેશમાં હતું. તેનો અંદાજ આજની પેઢી ને ન આવે એ સ્વાભાવિક છે. તો સીતેર વર્ષમાં દેશની સ્થિતિ કોણે બદલાવી ? સરકારોએ, લોકોએ કે અન્ય કોઈએ ? આ બાબત વિશે એ લોકો જરૂર વિચારે જે લોકો એમ માને છે કે સરકારો કશું જ નથી કરતી.
આપણા દેશના લોકો જેટલા સરકાર અને રાજકારણીઓને ભાંડવામાં ઉત્સાહી છે એટલા જ ફરજ બજાવવામાં કે કાયદાનું પાલન કરવામાં બેદરકાર છે. હવે જરા આપણે એક પ્રજા તરીકે વિચારીએ. દેશની વસ્તીના કેટલા ટકા લોકો એમ માને છે કે દરેક નાગરિક માટે લશ્કરી તાલીમ ફરજિયાત હોવી જોઈએ ? કેટલા ટકા લોકો નિયમિત અને સમયસર પોતાના વિવિધ કરવેરા ભરે છે ? કેટલા લોકો વાહન ચાલુ કરતાં પહેલાં પોતાના ખિસ્સામાં લાયસન્સ છે કે નહીં તે જુએ છે ? કેટલા લોકો નવા કે જૂના બાંધકામની મંજુરી મેળવે છે ? કેટલા ટકા લોકો ધાર્મિક અને સામાજિક પ્રસંગે સરઘસ કાઢવાની મંજૂરી મેળવે છે ? કેટલા લોકો પ્રજાસત્તાક દિવસ કે સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થાય છે ? કેટલા લોકો સરકારે આપેલી જાહેરાતોને વાંચે છે ? આ મુદ્દાઓનો કદી સર્વે થવાનો નથી. જો થાય જો થાય તો ખબર પડે કે પ્રજા તરીકે આપણે દેશને શું આપીએ છીએ. આપણે એવું માની લઈએ છીએ કે મત આપ્યા પછી મારી કોઇ જવાબદારી રહેતી નથી.
આઝાદીના સાત દાયકા વિતી ગયાં. હું મારા દેશને જોઉં છું તો મને મારી અત્યાર સુધીની તમામ સરકારો અને તેમના કાર્ય ઉપર ગર્વ થાય છે. જેમણે આ દેશને અદ્યતન બનાવવામાં રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી છે. માત્ર સરકાર જ નહીં, સરકારી અમલદારો, રાત દિવસ જાગતા સૈનિકો, વિવિધ સ્તરના પોલીસ દળ, દેશને અક્ષરજ્ઞાન આપનારા શિક્ષકો, વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડનાર વહીવટી કર્મચારીઓ, લોકોની શારીરિક પીડા શાંત કરનાર આરોગ્ય કર્મીઓ, દેશના સામાન્ય મીકેનિકથી માંડીને વૈજ્ઞાનિકો સુધીના કસબીઓ ઉપરાંત વેપારીઓ, ખેડૂતો અને મજૂરો. આ બધા લોકોએ દેશને આગળ વધાર્યો છે. દેશને આધુનિક બનાવવામાં સહયોગ આપ્યો છે.
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com
સરસ લેખ માવજીભાઈ. આજે પ્રજાને ઉશ્કેરવાવાળા ઘણા છે, પણ પ્રજાને સાચું કહેવાવાળું કોઈ નથી. તમે એકદમ બેલેન્સ્ડ લેખ લખ્યો. હું હંમેશા ચર્ચાઓ દરમિયાન કહું છું, કે લોકશાહીમાં ‘યથા પ્રજા તથા રાજા’ હોય છે.