પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૪૦

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,

થોડી વ્યસ્તતાને લીધે ઉત્તર આપતાં મોડું થયું અને પત્ર લખવો એટલે સંવાદ સાધવો એમ હું સમજું છું. આ સંવાદની વચ્ચે અન્ય અવાજો ભળે ત્યારે લખવાનો મૂડ જ ન જામે, યાર!

ચાલો, હવે તારા પત્ર પર આવું. આર્ટ ફિલ્મો, ગીતો વિગેરે પછી હવે જે દેશમાં રહીએ છીએ ત્યાંની વાત તેં છેડી તે ગમી. આપણી પેઢી બંનેનો આનંદ ઉઠાવી શકે છે જ્યારે અત્યારની અહીંની પેઢી એટલે કે અહીં જ જન્મીને મોટી થતી જનરેશનનો ઝોક, તેઓ જ્યાં રહે છે તે તરફ વધારે હોય એ સ્વાભાવિક છે.

અહીં પણ ‘કોરોનેશન સ્ટ્રીટ’, ‘એમડેલ ફાર્મ’, ‘કેઝલ્ટી’, ‘હોલ્બી સિટી’, ‘ક્રોસ રોડ્સ’ વિગેરે. જેમાં કોરોનેશન સ્ટ્રીટ ૧૯૬૦થી ચાલે છે અને હજુ પણ આવે છે. અમે આ દેશમાં આવ્યા ત્યારે મેં નોંધ્યું કે રમૂજી સિરિયલોની સંખ્યા વધુ હતી- પછી ખ્યાલ આવ્યો કે હ્યુમર માટે બ્રિટિશ લોકો ખૂબ જાણીતા છે. તે વખતે ‘સ્ટેપ્ટો એન્ડ સન્સ’, ‘ડેડ્સ આર્મી’, ‘અપસ્ટેર્સ ડાઉન સ્ટેર્સ’, ‘યસ મીનેસ્ટર’, ‘ઓનલી ફુલ્સ એન્ડ હોર્સીસ’ અને ‘ફોલ્ટી ટાવર્સ’ ‘માઈન્ડ યોર લેગ્વેજ’ જેવી સિરિયલોની સામે ‘કોરોનેશન સ્ટ્રીટ’, ‘ઈન્સપેક્ટર મોર્સ’, ‘ડૉ.હુ’, ‘શેરલોકહોમ્સ’, મીસ માર્પલ, પૉરો(Poirot), ‘જનરલ હોસ્પીટલ’ જેવી અનેક સિરિયલો અમે જોતાં. શરુઆતમાં ખાસ સમજણ નહોતી પડતી, પછી ધીમે ધીમે મઝા પડવા લાગી. એના બે કારણો હતાં એક તો મનોરંજન માટે એ જ માત્ર સાધન હતું અને બીજું એ કે આ બધી સિરિયલો ફેમિલિ સાથે બેસીને જોઈ શકાય એવી હતી. છતાંય મને કોરોનેશન સ્ટ્રીટ જેવી સિરિયલો જોવી નહોતી ગમતી અને હજુ પણ નથી ગમતી કારણ આખો દિવસ થતી રહેતી નિરર્થક દલીલો, ઝગડાં, ત્રાગા, છળ-કપટ વિગેરે. જો કે આપણી અમુક સિરિયલોને બાદ કરતાં હિન્દી સિરિયલો તો એને ય ટપી જાય એવી હોવાથી એ જોવાનું તો બંધ જ છે. અમે શરુઆતમાં ‘ડાલાસ’ રોજ જોતાં. પરંતુ મનને સ્પર્શી ગઈ હતી ‘રૂટ્સ’.

હવે આ વાત અહીં જ અટકાવીને મનને તળીયેથી મળતાં મોતીની વાત કરું.તેં કરેલી તે જ વાત. વર્ષો પહેલાં અમે અમારી ભલીભોળી બાને શ્રાધ્ધમાં કાગવાસ માટે ખૂબ કનડતાં.  બાપુજી આર્યસમાજી અને તેમાં પાછા ગાંધીવાદી એટલે આવી બધી વાતોમાં બિલકુલ અશ્રધ્ધા.  બાનો કાગવાસ માટેનો જવાબ મને હવે થોડો વ્યાજબી લાગે છે. તે કહેતીઃ “કાગડો એવું કદરુપું પક્ષી છે કે કોઈ એને પોતાના છાપરાં પર પણ બેસવા દે નહીં. એવા કાગડાને બોલાવીને ખવડાવવું એટલે કંઈ નહીં તો એટલા દિવસ ભેદભાવ (ડેસ્ક્રિમિનેશન) નડે નહીં, એનામાં પણ ભગવાન છે એનો પદાર્થ પાઠ આપવા માટે કદાચ હશે”.

આ વર્ષે મારાં પૂજ્ય સાસુજીના અવસાન પછી શ્રાધ્ધની વિધિ અને આપણા બહેનોનો અંધવિશ્વાસ વિગેરે જોઈને તો ગુસ્સો અને દયાની મિશ્ર લાગણી અનુભવી. પરંતુ સૌથી વિશેષ અક્ળામણ તો ‘ગરુડ પુરાણ’ સાંભળીને થઈ. એક સમય હશે કદાચ જ્યારે સમાજને ભગવાન તરફ વાળવા માટે પુરાણોમાં ડર ઘુસાડ્યો હશે જેથી અભણ-અજ્ઞાન લોકો ડરીને પણ ખોટા કામો ન કરે. પરંતુ આજના જમાનામાં એ સાવ જ અસંદિગ્ધ લાગે. એટલું જ નહીં ભણેલા લોકો પણ માથું હલાવી હલાવી સાવ મૂર્ખા જેવા પ્રશ્નો પૂછે, દા.ત. કેટલા માટીના કોડિયાંમાં દૂધ-પાણી ભરીને મૂકવાના, કયા સમયે? ડાબે હાથે શ્રાધ્ધની વિધિ ન કરે તો શું થાય?….વગેરે..

આ વાત કરતાં કરતાં બીજી પણ એક વાત યાદ આવી. પાંડુરંગ શાસ્ત્રીજીએ એક ગીતાનો શ્લોક સમજાવતાં જે કહ્યું હતું તે ખૂબ જ બુધ્ધિજન્ય મને લાગેલું. ‘પત્રં પુષ્પં ફલં તોયં’ની વાત કરતાં હતાં કે કૃષ્ણએ કહ્યું એ આ બધી વસ્તુ મને આપો. હવે આ જ્યારે લખાયું ત્યારે બધું જ પદ્યમાં લખાતું હોવાથી વિસ્તારપૂર્વક કહેવાય નહીં એ સ્વાભાવિક છે. પરંતુ આપણે ‘so call intelligent’ કહેવાતાં લોકોને પ્રશ્ન થવો જોઈએ કે એ ચારેય વસ્તુ ભગવાને જ બનાવી હોય તો પછી એ જ વસ્તુ થોડી કાંઈ માંગે? એટલે પત્રનો અર્થ જેમ પાંદડું છે તેમ પત્ર(letter)પણ થાય. આપણે એને પત્ર લખીએ’- પછી પત્રોના પ્રકારો કહ્યા હતાં એમાં સમજાવ્યું કે ‘કોઈને પણ પ્રથમ પત્ર લખીએ તો તેમાં ક્ષેમ-કુશળ હોય પરંતુ આપણો કાગળ તો ફરિયાદોથી અથવા તો માંગણીથી સભર હોય….. ધીમે ધીમે આ પત્રો એવા સ્તરે પહોંચવા જોઈએ જ્યારે વ્યક્તિ ભગવાનને કહે ‘તેં જે આપ્યું તેનાથી ખુશ છું, સુખી છું. જે મળ્યું છે તેને માટે આભાર’. આ એક સામાન્ય બુધ્ધિશાળી વ્યક્તિ સરળતાથી સમજી શકે તેમ સમજાવ્યું હતું. ‘બીજી કોઈ વખત પુષ્પં, ફલં,તોયંની વાત.

તારી બે વાતના પ્રતિભાવ આપવામાં જ પત્ર તો ભરાઈ ગયો!!

આકાશમાંથી પૃથ્વી પર જોતાં પિતૃઓની કલ્પના,કવિતા આફલાતૂન છે.

ભાષાની વાત તું કરે છે ત્યારે તે અંગે એક બીજો શબ્દ -‘સંવાદ’. બાળક-માનો પ્રથમ સંવાદ ભાષાથી પર છે. એ બંને પક્ષે આંખોમાંથી વહેતાં અસ્ખલિત પ્રેમની ભાષા છે. ક્યારેક એમ થાય છે, દેવી, કે ભાષાની શરુઆત જ ન થઈ હોત તો કેવું સારું? ભાષાને લઈને વર્ષોથી ચાલી આવતી તકરારો, મારી ભાષા તારા કરતાં વધુ ઊંચી, માતૃભાષાની ખેંચાતાણી અને તેમાંય જોડણીની માથાકૂટ, ઉચ્ચારોની લમણાઝીંક…..કાંઈ પણ હોતે?(મશ્કરીમાં લેજે યાર!) પૃથ્વી પર રહેતાં અન્ય પ્રાણીઓ જીવે જ છે ને? બધાં કરતાં વધુ બુધ્ધિ આપીને ભગવાને કે કુદરતે માનવી પાસે આવી અપેક્ષા રાખી હશે? મને લાગે છે સંવાદ મહત્વનો છે. પછી તે બોલીને હોય કે બૉડી લેગ્વેજમાં હોય, આંખોમાં હોય કે સ્પર્શંમાં હોય માણસે સંવાદ અને તે પણ મધુર સંવાદ કરવાની જરુર છે.

ભૂલાતી જતી ભાષાની આ વેદના અદમભાઈ ટંકારવીની ગઝલના થોડા શેરમાં આપીને વિરમું…

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

નીનાની સ્નેહ યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.