ગઝલાવલોકન-૨૮ : અમે જિંદગીને સંવારીને બેઠા

સુરેશ જાની

અમે જિંદગીને સંવારીને બેઠા,
તમે આવશો એવું ધારીને બેઠા.

તમારું ફકત હા! દિલ જીતવાને,
અમે આખો સંસાર હારીને બેઠા.

તમે ના જુઓ તો અમારી ખતા શી,
અમે તો પોકારી પોકારીને બેઠા.

અમે પણ હતા કેવા સાચા જુગારી,
ના જીતીને બેઠા, ના હારીને બેઠા.

અમે ક્યા કશું વિચારીને બેઠા,
તમે જે દીધું તે સ્વીકારીને બેઠા.
                                       – અદી મિર્ઝા

આમ તો આ પ્રેમની કવિતા છે. પ્રેમ અંગે અઢળક કવિતાઓ પરાપૂર્વથી લખાતી આવી છે, અને લખાતી રહેશે. પણ આ સાંભળતાં બે વિચાર ઉદભવ્યા.

પ્રેમની કવિતા વાંચીએ કે સાંભળીએ ત્યારે બે વિજાતીય વ્યક્તિ વચ્ચેની લાગણીની આપ-લે કલ્પી લેવાનો રિવાજ છે! પણ અનેક વાર ઘણા બધાએ કહ્યું છે તેમ, પ્રેમ એ જીવનનો બહુ વિસ્તાર વાળો ગુણ છે. પ્રેમમાં ગણતરીઓ કે સોદાબાજી નથી હોતાં – એ જુગાર હોય છે. એમાં ગુમાવવાનું અભિપ્રેત હોય છે. હાર અને જીત તો એમાં પણ હોય છે પણ એનું પ્રાધાન્ય નથી હોતું. પ્રેમની એ વિલક્ષણતા અહીં ઉજાગર થઈ છે.

બીજો વિચાર તરત એ આવી જાય છે કે, આટઆટલાં ઉદાત્ત પ્રેમકાવ્યો લખાયાં, ગવાયાં, સંભળાવાયાં, દોહરાવાયાં હોવા છતાં પણ કેમ સોદાબાજીઓ, ગણતરીઓ, વ્યાપારિકતાઓ પણ જમાનાજૂની વાસ્તવિકતાઓ રહી છે? આપણો ઈશ્વર સાથેનો સંબંધ તો સાવ વ્યાપારી. માગણીઓ જ માંગણીઓ. એ જો હોય તો એ બિચારાની હાલત માટે દયા આવી જાય ! અબજો લોકોની માગણીઓ રજિસ્ટર કરવા ય એને કેટલી મોટી ઓફિસ રાખવી પડતી હશે ? !

આ સમસ્યાનો એક જ ઉકેલ છે;

જીવન ખાલીખમ અને અર્થહીન છે, એ સત્યને આત્મસાત કરતાં રહેવું. આ ક્ષણમાં, આ જગ્યાએ, જીવન જેવું છે – એવું સ્વીકારતા જવું.

clip_image002


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.